શાશ્વતે પદમાની આંખોમાં આવી ગયેલ આંસુઓ લૂછયાં અને પોતાની સાથે લાવેલ ચૂંદડી પદમાને ઓઢાડીને કહ્યું,
“પદમા,હું શીઘ્રતિશીઘ્ર વિજયનાં સમાચાર લઈને પાછો આવીશ અને ઉંચુ મસ્તક રાખીને તારી સાથે વિવાહ કરીશ.”
“હું તારી રાહ જોઇશ.”પદમાએ કહ્યું અને પોતાની બાજુમાંથી પૂજાની થાળી લઇ શાશ્વતનાં કપાળ પર તિલક કર્યું.
...
ગોવિંદ ઔષધિઓ પોતાનાં થેલામાં ભરી રહ્યો હતો.
“જ્યેષ્ઠ, તમે સફર પર જાવ છો?”પદમાએ પૂછ્યું.
“હા,હું મલંગ રાજ્ય તરફ જાવ છું.”
“પરંતુ કેમ?”
“પદમા,ત્યાં યુદ્ધ થવાનું છે. માટે આપણાં સૈનિકોને મારી જરૂર પડશે.”
“જ્યેષ્ઠ, શાશ્વત અને કાકાનું ધ્યાન રાખજો.”પદમાએ રડમસ અવાજે કહ્યું.
ગોવિંદે તેનાં માથા પર પ્રેમથી હાથ ફેરવ્યો અને કહ્યું, “તું ચિંતિત ન થા. હું તેઓને કંઇ જ નહીં થવા દવ.”
...
સારંગગઢનો રાજમહેલ
સારંગ અને ભાનું સારંગના કક્ષમાં બેઠાં હતાં.
“મિત્ર,હવે તો શાશ્વત અને ગોવિંદ પણ નથી તો તું હવે શા માટે પ્રતીક્ષા કરી રહ્યો છે.”
“ભાનું,પ્રતીક્ષામાં જે નશો છે તે નશો પ્રાપ્તિમાં નથી.”સારંગે કહ્યું.
“મિત્ર,આ તારી પ્રતિક્ષાનો અંત ક્યારે આવશે?”
“આજે જ.”સારંગે કહ્યું અને પોતાનું ખંજર કાઢી પોતાની હથેળીમાં જ મારી દીધું.”
“મિત્ર, આ તે શું કર્યું?”ભાનુએ હાફળા-ફાફળા થઇને પૂછ્યું.
“ભાનું, મારી હથેળીમાં ઘા છે. તેની સારવાર માટે મારાં ભાવિ સસરાને નહીં બોલાવ?”સારંગે પોતાનાં હાથમાંથી વહેતાં લોહીને જોઇને પૂછ્યું.
“હા મિત્ર, કેમ નહીં?”ભાનુએ કહ્યું અને એક સૈનિકને બોલાવ્યો.
“મિત્ર સારંગના હાથમાં ખંજર લાગ્યું છે. માટે શીઘ્રતિશીઘ્ર રાજવૈદ્યને બોલાવી લાવ.”
થોડાં સમય બાદ રાજવૈદ્ય કલ્પ થોડી ઔષધિઓ લઇને આવ્યાં.કલ્પને એકલો આવેલ જોઇને સારંગ ગુસ્સે થઇ ગયો પણ પોતાનાં હાવભાવ ન દેખાવા દીધાં.
“રાજન, આ ઘાવ તો બહુ ઉંડો છે.”કલ્પે કહ્યું.
“હા,પરંતુ આ ઘાવ પદમાનાં વિરહ જેટલું દુ:ખ નથી આપતો.”સારંગે સ્વગત કહ્યું.
કલ્પે ઔષધિઓમાંથી લેપ બનાવ્યો.સારંગે ભાનું સામે જોયું અને ઔષધિઓ તરફ ઇશારો કરીને કંઇક કહ્યું.
“લાવો રાજવૈદ્ય,હું મિત્રને લેપ લગાવી દવ.”ભાનુએ કલ્પનાં હાથમાંથી લેપ લઇને કહ્યું.તે લેપ લઇને સારંગ તરફ આગળ વધ્યો અને જાણીજોઈને તે લેપ જમીન પર ઢોળી નાંખ્યો.
“અરે નહીં.મને ક્ષમા કરજો રાજવૈદ્ય.”ભાનુએ નાટક ચાલુ રાખતાં કહ્યું.
“ભાનુ,બાકીની ઔષધિઓ મારાં ઘરે પડી છે.માટે હું લખી આપું એ ઔષધિઓ દ્વારપાળને મોકલી મંગાવી દો.”
“પરંતુ તેને ઔષધિઓ વિશે ખબર નહીં પડે.”
"પદમા ઘરે જ હશે.તેને ઔષધિઓની જાણ છે.”
ભાનુનાં હાથમાંથી બાજી સરકતી જોઈને સારંગે કહ્યું,
“રાજવૈદ્ય, તમે પદમાને જ ઔષધિઓ લઇને આવવાનું કહો.કારણકે તેણે અને શાશ્વતે મારાં રાજ્યાભિષેકની તૈયારી ખુબ સારી રીતે કરી હતી. શાશ્વતને તો મેં પુરસ્કાર આપી સન્માનિત કરી દીધો પરંતુ પિતાશ્રીનાં મૃત્યુનાં કારણે પદમાનું સન્માન કરવાનું રહી ગયું છે.”
“નહીં રાજન, તે તેની ફરજ હતી માટે સન્માનની કહી આવશ્યકતા નથી.”
“નહીં રાજવૈદ્ય,તેણે તેની ફરજ પુરી કરી.હવે મને પણ મારી ફરજ પુરી કરવાનો અવસર આપો.”
“ઠીક છે.”
…
પદમા પોતાનાં કક્ષમાં બેઠી હતી. તેણે સફેદ રંગના સાદા વસ્ત્રો પહેર્યાં હતાં.તે શાશ્વત અને સોમની સુરક્ષાને લીધે ચિંતિત હતી.
“દુનિયા માંગે અપની મુરાદે
મેં તો માંગુ સાજન
રહે સલામત મેરા સજના
ઔર સજનાકા આંગન.”
“પદમા,પિતાજીએ તને ઔષધિઓ લઇને મહેલે બોલાવી છે.”રેવતીએ કહ્યું.
“ઠીક છે.”પદમાએ કહ્યું અને મહેલ તરફ જવા લાગી.
“બેટા ભોજન તો કરતી જા.”પદમાની માતાએ કહ્યું.
“માતા, હું ક્યાં હંમેશા માટે જાઉં છું. થોડાં સમયમાં જ પાછી આવતી રહીશ.”પદમાએ કહ્યું અને મહેલ તરફ ચાલવા લાગી.
...
પદમા જરૂરી ઔષધિઓ લઇને સારંગના કક્ષમાં પહોંચી. સારંગ તેને જોઈ રહ્યો. તે સાદા વસ્ત્રોમાં પણ અત્યંત સુંદર લાગી રહી હતી.
પદમા પાસેથી ઔષધિઓ લઇને કલ્પે ફરીથી લેપ તૈયાર કર્યો અને સારંગને લગાડ્યો.
“રાજન, અમને આજ્ઞા આપો.”કલ્પે કહ્યું.
“એકાંત.”સારંગે કહ્યું.બધા સૈનિકો કક્ષની બહાર ચાલ્યા ગયાં. હવે કક્ષમાં માત્ર કલ્પ, પદમા,સારંગ અને ભાનું જ હાજર હતાં.
“રાજવૈદ્ય, હું તમારી પુત્રી સાથે વિવાહ કરવાં માંગુ છું.”સારંગે કહ્યું.
...