માણાવદર તાલુકાનું ભીંડોરા ગામ આહીર વિર દલા છૈયા ની પરાક્રમ ગાથા થી પ્રસિદ્ધ છે. ઓગણીસ મી સદીમા બનેલ આ બનાવ છે !
ભીંડોરાના લાડકવાયા યુવાન દલા છૈયા ના લગ્ન હોય તેની જાનમાં ગામના નાના મોટાં સૌ હોંશથી જોડાતા ગામમા થોડાક વૃદ્ધો અને ગામની ગાયો-ભેંસોને સંભાળવા થોડાક ગોવાળીયાઓ સિવાય ગામમાં કોઈ જોવા નોતુ મળતુ. જોતાં જ આંખને ગમી જાય તેવા ભીંડોરાના પશુધન ઉપર ભાદરકાંઠા ના કેટલાક કસાઈની વર્ષોથી નજર લાગી હતી. પરંતુ ભીંડોરા એક તો આહિરોનુ ગામ અને એમાં પાછા પોતાના શુરવીરતાથી આખા મલકમાં પંકાયેલ દલા છૈયાનુ ગામ એટલે આસાનીથી તેના પર હાથ નાખી શકાય તેમ ન હતું. પરંતુ દલો છૈયો જાન લઈને પરણવા ગયો તેવા સમાચાર કસાઈને મળતાં જ ગામના વગડામાંથી ગાયોનું ધણ લઈ કસાઈ ચાલતા થયા હતા. વગડામાં ગાયો-ભેંસો ચરાવતા ભીડોરાના ગોવાળીયાઓ ને વીસ-પચ્ચીસ કસાઈ ઘેરી વળતા કસાઈઓએ ગોવાળોને ઝાડવે બાંધી ગાયોને ધોંકાવતા ભીંડોરાનો માર્ગ લેતાં. ધણખુંટ આ અજાણ્યા માણસોને જોઈ નસકોરા ફુલાવતો છીંકોટા મારવા લાગ્યો હતો. એટલામાં એક લુટરાએ ધણખુંટ પાસે પોતાનો ઘોડો લઈ તેની પીઠ પર લાકડી ફટકારતાં જ વિફરેલા ધણખુંટે ઘુમરી મારી ઘોડા સાથે અસવારને પોતાના શીંગડાએ ચડાવી દોટ મારતાં ઘોડા સાથે લુટારો જમીન પર પડતા જ ધણખુંટે તેને ખુંદી નાખ્યો. પોતાના સાથીને ખુંટે મારતા લુટારાઓ નિર્દોષ ખુંટને ચારેય બાજુથી ઘેરી તેના પર નીશાન લીધા.આ વખતે સરદારગઢ તરફ જતા મારગે એક પરદેશી પઠાણ નોકરીની શોધમાં ખંભે બંદુક અને કમરે તલવાર લટકાવી જઇ રહ્યો હતો. તેણે લુટારાઓને ખુંટ પર બંદુકના નિશાન તાંકેલા જોઈ તેઓને ટપારતાં એક કસાઈએ ગુસ્સામાં આવીને પઠાણ પર ગોળી છોડી હતી. કસાઈનુ નિશાન ખાલી જતાં જ સિપાહીની નોકરીની શોધમાં નીકળેલા આ પઠાણે નિર્દોષ પશુઓનો પક્ષ લેતા ખંભે લટકાવેલ બંદુક લુટારાના સરદાર સામે તાકી નિશાન લેતા તે ધાંય કરતો હેઠો પડ્યો હતો.
લુટારાઓને હવે ધણખુંટ ને પઠાણ બે મોરચે લડવાનુ હતું. ઝનુને ચડેલા ખુંટે ઘુમરીયે ચડી બીજા બે-ત્રણ લુટારાઓને ઘોડા સાથે ધૂળમાં રગદોળી મોતને ઘાટ ઉતારતા લુટારાઓએ તેને ભડાકે દીધો હતો. નિર્દોષ પશુની હત્યા થતાં જ પઠાણ વિફરતાં લુટારાઓના ઘોડાઓ વચ્ચે કુદી પોતાની તલવારથી બે-ત્રણ લુટારાઓને મોતને ઘાટ ઉતારી લુટારાઓને હાથે પઠાણ પણ મરાયો. આ વખતે દેવયોગે દલા છૈયા ની જાન ગામના પાદરે પોતાના ઘોડાઓ ને રમાડતા જાનૈયાઓ અને મીઠા સ્વરે ગવાતા જાનડીયો ના ગીતો સાથે શરણાઈ સુર ને ઢોલી ના ઠબુકતા વચ્ચે આવી પહોંચી. અણવરે મખમલની રજાઇ પાથરી હીર-રેશમના ભરત ભરેલા તકીયા મૂકતા સોનાની મુઠવાળી તલવારને ટેકે ફાંકડો મર્દ વિર દલો છૈયો બેઠો હતો. ત્યાં દુરથી એક માણસ હાંફળો ફાંફળો દોડો.... દોડો.... લુટારાઓ ગાયુ ને લઈ જાય છે ની બુમો પાડતો ભીંડોરા તરફ આવી રહ્યો હતો. નજીક આવતાં જ તેને જાનૈયાઓયે ઘેરી વળતાં ભીંડોરાની ગાયો લઈ ને ભાગેલા લુટારાઓની વાત જાણતા જ જુવાનડાઓ ના ચહેરા રાતા-પીળા થવા લાગ્યા હતા. ત્યારે તકીયાના ટેકે બેઠેલા વરરાજા દલા છૈયાએ ગાયોનું ધણ લુટાયાની વાત સાંભળતાં જ ગાડા મા બેઠેલ પોતાની પરણેતર સામે નજર કરતાં નવપરણેતર આહિરાણીએ મલકાટ સાથે રજા આપતા દલા છૈયાએ પોતાના પાણીદાર ઘોડા પર છલાંગ મારી કોઈ કાંઈ સમજે વિચારે એ પહેલાં ભીમોરાનો મારગ લીધો હતો. દલા છૈયાને જતો જોઇ ગલઢેરા 'હાંવ હાંવ ઉભો રે ઉભો રે...બાપ...' કરતા જોઈ રહ્યા હતા !
ત્યારે જાનના ઢોલીએ બુંગીયો ઢોલ વખાડવા દાંડી પીટતાં ધ્રીજાંગ ધ્રીજાંગ ધ્રીજાંગ સાથે શરણાઇવાળાએ સિંધુડા સુર રેલાવતાં ભીંડોરાનુ પાદર શૃંગાર રસમાંથી વિરરસમય બની ગયુ હતુ.પોતાના વહાલા પશુઓને નિર્દય લુટરાલુટરાએ લાકડીઓના મારથી મારતા દુરથી જોઈ કોપાયમાન થયેલા આહિર દલા છૈયાએ સિંહ ગર્જના કરી 'સાવધાન કાયરો' અચાનક પાછળથી પડકાર થતા લુટારાઓને જેનો ભય હતો તે દલા છૈયાને આવતો જોયો !
નજીક આવતાં જ દલા છૈયાએ ઘોડાનું ચોકડું ખેંચતા જ તે હવામાં આગલા બે પગ અધ્ધર કરી ઉભો રહી ગયો. લુટારાઓની વચ્ચે આવી ઘોડો ઉભો રાખતાં જ દલા છૈયાએ મ્યાનનો ઘા કરી તલવારની તેજ ધારે રમઝટ બોલાવતાં ધરતી પર ધડાધડ લુટારાઓના માથા રગદોળાવા લાગ્યા. લુટારાઓને ગાયો લેવા જતાં આજ જીવ ખોવાનો વારો આવતા અનેક છળકપટ કરવા છતાં ઘોડો અને ઘોડેસવાર ની આ બેનમુન જોડીએ લુટારાઓની દગાખોરીને નાથતા આ આહિર ની તલવારની ધારે અંગભંગ થતા લુટારાઓ કાળી ચીસો પાડી રહ્યા હતા. ત્યારે એક લુટરાએ અચાનક પડખે ચડી પોતાની બરછીનો ઘા કરતા દલા છૈયા ના પેટના આંતરડા બહાર નીકળી ગયા. દલા છૈયાએ જાણે કાંઈ બન્યું જ ન હોય તેમ ઝડપથી આંતરડાઓનો ગોટોવાળી પેટમાં પાછો મુકી પોતાના ખંભે શોભતી વરરાજાની ઉપરણીને કમર ઉપર કસકસાવીને બાંધી વિજળીવેગે તલવારને પાછી હાથમાં લેતા લુટારાઓ પોતાના દશથી બાર સાથીઓના મૃતદેહો મુકી ને ભાગ્યા હતા. ભાગતા કાયરોની પીઠ પાછળ થૂંકી દલા છૈયાએ ગામના ધણને વાંભ કરતાં ગાયો પીઠ ઉપર પુંછડા પછાડતી ભીંડોરા તરફ ભાગી હતી. ત્યારે લોહીના છાંટણાથી કંકુવર્ણો થયેલો દલો છૈયો રક્ત ભીની તલવાર સાથે સામેથી દોડતા આવતા ગામ લોકોને સામે મળ્યા. ધણ વાળી પાછા ફરેલા વરરાજા દલા છૈયાનુ નવ પરણેતર સાથે સામૈયું કરતાં ભીંડોરામા પાછા મંગળ ગીતો સાથે આહિરોના ખોરડે ભેગા થયેલા ડાયરામા કાવા કસુંબાની રેલમછેલ વચ્ચે બારોટોની બીરદાવલીયો સૌને પોરસ ચડાવી રહી હતી !
સામૈયા સાથે કોડીયુએ રમીને દલા છૈયાએ ડાયરામા આવી સૌને રામ રામ કરી પોતાના બાપની પાસે બેસી હાથ જોડીને રજા માંગતા સૌ આશ્ર્ચર્ય મા મુકાણા. દલા છૈયાએ વાત સમજાવતાં ધિંગાણામાં પોતાને થયેલ મરણતોલ ઇજાની વાત કરી મા-બાપ પાસે કંકુ તિલક સાથે હાથમાં નાળિયેર મુકી સ્મશાન સુધી વળાવવા આવવાની વાત કરતા ડાયરો આખો ઉભો થય ગયો. ત્યારે દલા છૈયાએ પોતે એક વિર પુરુષ ની જેમ મોતને ઉજળુ કરવા માગે છે. તેવી વાત કરી પોતે કોઈની કાંધે ચડીને નહી પણ ચાલીને સ્મશાન જવા માંગતા હોય મા-બાપની રજા માંગતા, ભારે હૈયે મા-બાપ અને સખા સ્નેહીઓએ દલા છૈયાની વાત સ્વીકારતાં કંકુ તિલક હાથમાં નાળિયેર સાથે આગળ ચાલતા આ વિર પુરુષ પાછળ ગામનો ડાયરો ભારે હૈયે સ્મશાન તરફ હાલી નીકળ્યો. ભારે હૈયે ભીંડોરાનો ડાયરો ગામની સીમમાં જ્યાં ધણખુંટ અને પઠાણ મરાણાં હતા , ત્યાં આવી જુવાનડાઓએ કબરો ખોદી તેમને દફનાવતા દલા છૈયાએ મુઠ્ઠી માટી લઈ તેની કબર પર નાખી. ત્યારે ભીંડોરાની સીમમા ગાયો લુંટવા આવેલા લુટારાઓ ધણખુંટ પઠાણ અને દલા છૈયાના હાથે કમોતે મરતા આહિરોએ મોતનો મલાજો રાખી લુટારાઓ ના મૃતદેહને અગ્નિદાહ દિધા પછી દલો છૈયો પોતાના માટે ચીતાની પાસે જઈ સૌને બે હાથ જોડીને રામ રામ કરતો લાકડાની ચીતા ઉપર ચડી કમરે બાંધેલ ભેટ છોડતા 'હે રામ' કહીને વૈકુંઠવાસી થયા હતા !
આજેય ભીંડોરાની સીમમા દલા છૈયાનો પાળીયો , પઠાણ ની કબર અને ધણખુંટ ની ખાંભી પુજાય છે !