નાગવિદ્યા કામરુદેશ મહેશ ઠાકર દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

નાગવિદ્યા કામરુદેશ

કામરુ (આસામ) દેશની નાગવિદ્યાનો રસપ્રદ ઇતિહાસ
મોરલીના મઘુરા સ્વરે ફણિધર નાગને નચાવનાર ગારુડી (મદારી) મૂળે તો ભેરિયા ગારુડીના ચેલાના વંશજો ગણાય છે, પણ હકીકતે આ ભેરિયો ગારુડી જન્મે કંઈ મદારી નહોતો. એ તો હતો જેસલમેરના ભટ્ટી કૂળનો રાજકુમાર.
ઇતિહાસના પાનાં બોલે છે કે ભટ્ટી વંશના દેપાળ વંશજોમાં મુરુ નામનો એક મહાદાનેશ્વરી રાજા થઈ ગયો. એની રાણીને શેર માટીની ખોટ હતી. દોમદોમ સાહ્યબી એના રાજમહેલમાં મુકામ માંડીને બેઠી હોવા છતાં રાજા વાંઝિયો કહેવાતો. એને પેટ સંતાન ન હોવાથી સવારના પહોરમાં કોઈ એના શુકન લેતું નહી. અરે એના આંગણામાં ચકલાં ચણ લેવાય આવતાં નહીં.
એક દિવસની વાત છે. મુરુ રાજા કચેરી ભરીને બેઠો છે. હકડેઠઠ ડાયરો જામ્યો છે. અમીર, ઉમરાવ, મહેતા, મુત્સદી, કોઠારી, કારભારી, વાણિયા, વેપારી, પટેલ પસાયતા, ફાટા ફરિયાદ સૌ કોઈ બેઠા છે. એવામાં એક મહાપ્રતાપી સન્યાસીએ કચેરીમાં પ્રવેશ કર્યો. રાજાએ ઊભા થઈને યોગીને વંદન કર્યા. રાજની રીતે રૂડા માનપાન અને આસન આપ્યાં. સન્યાસીનું તાલકું તેજ મારતું હતું. એ જોઈને રાજાને થયું આ કોઈ પુરવ જન્મનો ભૂલો પડેલો મહાયોગી છે. ભગવાને એને અહીં મોકલ્યા છે. એમ માનીને મુરુ રાજાએ પોતાના મનની વ્યથા યોગી આગળ અભિવ્યક્ત કરી. સંતના ચરણસ્પર્શ કરી એમના આશીર્વાદ માગ્યા. યોગીએ રાજાની આજીજી સાંભળી ઘૂણી ધખાવી. જપ તપ ને મંત્ર આદર્યા..
પછી એ ઘુણામાંથી રાખની ચપટી ભરી રાજાને આપીને કહ્યું ઃ ‘હે રાજન! આ ભભૂતીની ચપટી તારી રાણીને ખવરાવજે. આજથી નવ મહિના પછી તારા રાજમહેલમાં પુનમના ચંદ્ર જેવો પુતર રમતો હશે. પણ… તારી રાજગાદી એને ખપમાં નહીં આવે. એ ગારુડી મદારી બની રાજમહેલ ત્યજી દેશે.’
*સામી ડીની ચીપડી ભભૂતા ભરે,*
*પૂતર ઇદ્યે મુરવા, પણ ગારુડી ધરે.*
આ સાંભળતાં જ રાજાના પ્રસન્ન ચહેરા પર પળવારમાં તો દુઃખના જીણાં ઝાડવાં ઊગ્યાં. એની આંખ્યુમાંથી શ્રાવણ ભાદરવો વરસવા મંડાણો. દુઃખી રાજાને જોઈને યોગીને અનુકંપા પ્રગટી. એમણે ઘૂણીમાંથી રાખની બીજી ચપટી ભરીને રાજાને આપીને કહ્યું ઃ ‘રાજન! મૂંઝાઈશમા. આ ભભૂતી તું તારી પટરાણીને ખવરાવજે. એના પેટે દેવના ચક્કર જેવો દીકરો જન્મશે. એ તારો વંશવેલો અને રાજગાદી બેય સાચવે એવો પરાક્રમી પાકશે.’ એટલું બોલીને યોગીએ વિદાય લીધી. ઋતુઓનો ચકડોળ ચક્કર ભમ્મર ફરવા માંડ્યો. મુરુની બંને રાણીઓને એકસાથે ઓધાન રહ્યાં. નવમો મહિનો પુરો થતાં પ્રથમ રાણીની કૂખે જે પુત્ર અવતર્યો તે ભેરિયા ગારુડીના નામે જાણીતો થયો અને બીજો કુંવર જેસલમેરની ગાદીનો રણીધણી બન્યો.
જન્મતાની સાથે નાનપણથી જ રાજકુંવર ભેરિયામાં ગારુડીનાં લક્ષણો જણાવા લાગ્યાં. યુવાનીના ઊંબરે ડગ દેતાં જ એણે ભાઈબંધોની ટોળી ઊભી કરી. જામા પહેરાવીને સૌને માથે ભગવી પાઘડીઓ બંધાવી મઈં મોરપીંછની કલંગીઓ મૂકાવી. હાથમાં મહુવર-મોરલીઓ લીધી. આમ ગારુડીઓનો એક સંઘ તૈયાર થયો.
આમ ગારુડીઓનો સંઘ દિવસે દિવસે વધવા માંડ્યો. જોતજોતામાં દોઢસો જુવાનડાઓ એમાં જોડાઈ ગયા. એક દિવસ જેસલમેરનો રાજકુમાર ભેરિયો, ગારુડીઓનો સંઘ લઈને ચાલી નીકળ્યો. ચાલતા ચાલતા તે પચ્છમાઈના ડુંગર પાસે આવી ચડ્યો. આ ડુંગર માથે લટુરિયા મણ યોગી નિવાસ કરતા હતા. એ લખગુરુના નામે ઓળખાતા હતા. આ યોગી અને ભેરિયા ગારુડીનો આકસ્મિક મેળાપ થયો. રાજકુમાર ભેરિયાના બુદ્ધિચાતુર્યથી યોગી મહારાજ ખૂબજ પ્રભાવિત થયા. એમણે ભેરિયાને પોતાનો ચેલો બનાવી સર્પવિદ્યા અને અનેક ગૂઢ વિદ્યાઓનું જ્ઞાન આપ્યું. આમ ભેરિયાને જોઈતી વિદ્યા અનાયાસે ગુરુ પાસેથી મળી ગઈ,,,
આમ યોગવિદ્યામાં પારંગત બનેલો ભેરિયો ગુરુજીના આશીર્વાદ લઈ ભેરુબંધોના સંઘ સાથે તે ચાલી નીકળ્યો. સંગ ચાલતો ચાલતો, મહુવર વગાડતો, નાગોને પકડતો ને નચાવતો કચ્છની ઉત્તેર આવેલા પચ્છમ (શેષાપટ્ટણ) બેટ નજીક આવી પહોંચ્યો. અહીં આવીને ભેરિયા ગારુડીએ તેના સાથીદારોની ચાર ટોળીઓ બનાવીને જુદી જુદી ચાર દિશાઓમાં મોકલી આપી. એમાંની એક ટોળી પચ્છમ બેટ પર રહી ગઈ.
આ પચ્છમ બેટ પર રાણી સગઈ સંગારનું વર્ચસ્વ હતું. ભલભલા ઝેરી નાગને દીઠો ન મૂકતી. સાપને જોતાંવેંત જ એને પુરો કર્યે પાર. આમ નાગજાતિ સાથે એને કોણ જાણે કેમ પણ સાત સાત પેઢીનાં વેર વહ્યાં આવતાં હતાં.
એવામાં આ સગઈ સંગારે ગારુડીઓની આ ટોળી જોઈ. તપાસ કરતાં ખબર પડી કે આ બધા ગારુડીઓ અદ્ભૂત ચમત્કારો કરે છે. એમના ચમત્કારોની વાતો સગઈ સંગારે ખૂબ સાંભળી હતી. આથી પોતાની વિદ્યા ભેરિયા ગારુડી કરતા ચડિયાતી છે કે નહીં તે ચકાસી જોવા માગતી હતી. એટલે સગઈ સંગારે એક દિવસ આ બધા ગારુડીઓને બોલાવ્યા, અને પૂછ્યું ઃ હે ગારુડીજી! તમે ક્યાંથી આવો છો? કયો તમારો દેશ છે? સગઈ કહે છે તમારી પાસે પકડેલા નાનામોટા નાગ હોય ઇ સંધાય મને બતાવો.
ગારુડીઓ પોતાના કરંડિયાના ઝોળા લઈ આવ્યા. અને પકડેલા જબ્બર નાગને બતાવવા હોંશભેર કરંડિયા ઉઘાડ્યા તો અંદરથી ફણિધર નાગની જગ્યાએ બળદની બગાયો નીકળી. સગઈએ પોતાની મંત્રવિદ્યા અજમાવી કરંડિયાના બધા નાગને ગૂમ કરી દીધા ને અંદર બગાયું ભરી દીધી. સગઈને તો નાગના નિમિત્તે ભેરિયા ગારુડીના દિદાર કરવા હતા, પણ ભેરિયો તો આવ્યો નહોતો. આથી રોષે ભરાયેલી સગઈએ ગારુડીઓને કેદ કરી એમાંના બે ગારુડીને લંગોટીભેર છોડી મૂક્યા.
લંગોટિયા ગારુડીઓએ ઢીલા પગે અને વિલા મોંએ આવીને ભેરિયા ગારુડીને સઘળી આપવીતી કહી સંભળાવી. ચેલાઓની રામકહાણી સાંભળીને ભેરિયાની રોમરાઈ (રુંવાટી) અવળી થઈ ગઈ. એણે સગઇ સંગાર સામે જઈને પોતાની વિદ્યાનો પરચો બતાવવાનો સંકલ્પ કરી ખભે નાગના કરંડિયાના ઝોળા નાખી દોસ્તારોની ટોળી સાથે પચ્છમ બેટના પાદરમાં આવીને અડિંગો લગાવ્યો. સગઈ સંગારને આ વાતની જાણ થઈ. એણે ભેરિયા ગારુડી પર પોતાની વિદ્યા અજમાવવા માંડી. ભેરિયાની ચમત્કારિક વિદ્યા આગળ એની વિદ્યા નિષ્ફળ ગઈ. ભેરિયાના વિદ્યાબળ ઉપર સગઈ ઓળઘોળ થઈ ગઈ, હૈયું હાથથી ખોઈ બેઠી. ભેરિયો સગઈના રૂપ પર વારી ગયો. એણે લગ્નનો પ્રસ્તાવ મૂક્યો. ત્યારે સગઈએ એક શરત મૂકી. રૂપસુંદરી પર પોતાનું હૈયું ઓળઘોળ કરી બેઠેલો ભેરિયો એટલું જ બોલ્યો ઃ ‘પ્રાણેશ્વરી એક શું અઢાર શરતો હશે તોય પાળી બતાવીશ. તમારી શરત કહી બતાવો.’
‘ભેરિયાજી! અત્યાર સુધીમાં મેં નવસો ને નવ્વાણું નાગને વશ કર્યા છે. મારાથી માત્ર મારવાડનો નાગ વશ થયો નથી. તમે એને વશ કરો પછી હું રંગેચંગે તમારી રાણી બનીને રહું.’ આટલી વાત પુરી થઈ ન થઈ ત્યાં તો ભેરિયો બીડું ઝડપીને મારવાડના માથા ફરેલા નાગને નાથવા ભેરુબંધો સાથે ચાલી નીકળ્યો. ફરતો ફરતો એ મારવાડના મુલકમાં આવ્યો. એણે મારવાડી નાગનું રહેઠાણ શોધી કાઢ્યું.
અહીં મારવાડના નાગને ભેરિયા ગારુડીની ગંધ આવી ગઈ. એણે ત્યાંથી ભાગવા માંડ્યું. ભેરિયાએ નાગનું પગેરું દબાવ્યું. નાગદેવ પોતાના પ્રાણ બચાવવા ગુરુ પાસે દોડી આવ્યા. યોગાનુયોગ મારવાડી નાગ અને ભેરિયો એક જ ગુરુના શિષ્ય હતા. નાગદેવ ભેરિયાની શક્તિને જાણતા હતા, એટલે ગુરુજી આગળ આવી, આજીજી કરી કહ્યું..
‘ગુરુજી! ભેરિયાએ-મારા ગુરુભાઈએ ત્રાહીમામ્ પોકરાવી દીધો છે. મને એના ત્રાસમાંથી કોઈપણ રીતે ઉગારો. સગઈ સંગાર સાથે પરણવા માટે એ મને પજવી રહ્યો છે. એ મને મીનો ભણાવવા માગે છે.’
નાગદેવની વાત સાંભળીને ગુરુજી ભેરિયા ગારુડી ઉપર ખૂબજ ગુસ્સે ભરાયા. એમણે કહ્યું ઃ ‘શિષ્ય ચિંતા કરીશ મા! દરિયો ઓળંગ્યા પછી ભેરિયાની બધી શક્તિ લુપ્ત થઈ જશે. બીજી વાત સાંભળ! જ્યાં એની નજર ન પહોંચી શકે એવા એના શરીરના કોઈપણ ભાગ ઉપર દંશ દઈશ તો તારું ઝેર એને જીવતો નહીં રહેવા દે.’
ગુરુ સાથે આટલી વાત કરીને નાગદેવે દરિયાકાંઠાના મુલક ભણી દોટ મૂકી. ભેરિયા ગારુડીને ખબર પડતા નાગનો પીછો કર્યો. નાસતા નાગદેવ દરિયો ઓળંગીને કચ્છની ભૂમિમાં પ્રવેશ્યાં. ભેરિયો પણ એમનું પગેરું દબાવતો દબાવતો કચ્છમાં આવ્યો. દરિયો ઓળંગતા એની શક્તિઓ ક્ષીણ થવા માંડી. એ વખતે મારવાડી નાગદેવ જ્યેષ્ટિકા (લાકડી)નું રૂપ ધારણ કરીને મારગ માથે પડી રહ્યા. ભેરિયા ગારુડીએ ધરતી માથે પડેલી સુંદર મોંવાળી લાકડી ઉપાડીને ખભે નાખી. ખભે નાખતાં જ લાકડીરૂપે રહેલા મારવાડી નાગે ભેરિયાની ગરદનના પાછલા ભાગે દંશ દીધો.
સર્પદંશ પર નજર પડતાં જ ભલભલા નાગનું ઝેર ઉતારવાની તાકાત ભેરિયા ગારુડીમાં હતી, પણ આ તો ગરદન પાછળનો નાગદંશ હતો. ભેરિયાની નજર ત્યાં પહોંચી શકી નહીં. ભેરિયો પોતાના અંગમાં વ્યાપેલું ઝેર ઉતારવા અસમર્થ રહ્યો. એના શરીરમાં ઝેર પ્રસરી જતાં મૂર્છા ખાઈને તે ધરતી પર ઢળી પડ્યો. થોડીવાર પછી મૂર્છા વળતાં ગુરુજીનાં વચનો યાદ આવ્યાં. એણે પોતાના હાજર શિષ્ય સમૂહને ભેગો કરી આજ્ઞા આપીને કહ્યું ઃ ‘મારા મૃત્યુ બાદ દેહનો અગ્નિસંસ્કાર ન કરશો. મારા શરીરનું માંસ રાંધીને તમે સૌ ખાઈ જજો. એમ કરવાથી તમે મારા જેવા શક્તિશાળી અને સર્પવિદ્યાના માલમી તરીકે મલક આખામાં પંકાશો.’
સર્વે શિષ્યોએ ભેગા મળી ભેગા મળી ભેરિયાનું માંસ રાંધવાનું શરૂ કર્યું. એની જાણ મારવાડી નાગને થઈ. એણે વિચાર્યું કે ‘ભેરિયાના શિષ્યોને એનું માંસ ખાતાં અટકાવીશ નહીં તો તેઓ એના જેવા જ શક્તિશાળી બની જશે, અને ફરીથી નાગજાતિનો નાશ નોંતરશે.’
નાગરાજે બ્રાહ્મણનો વેશ લીધો. ભેરિયાના શિષ્યો જ્યાં માંસ રાંધતા હતા ત્યાં આવી પહોંચ્યા. અને કહ્યું ઃ ‘ગુરુનું માંસ ખાવું એ અઘોર પાપ છે. એમ કરવાથી રવરવ નરકમાં ગતિ થાય.’ ભેરિયાના શિષ્યોને આ વાત સમજાવવામાં નાગરાજ સફળ રહ્યા. શિષ્યોએ ગુરુનું માંસ ન ખાતાં એને માટલાઓમાં ભરીને દરિયામાં પધરાવી દીઘું. આ માટલાં તરતાં તરતાં બ્રહ્મદેશમાં આવી પહોંચ્યા. ત્યાંના કેટલાક માછીમારોએ માંસ ખાઘું. તેઓ ભેરિયા ગારુડી જેવા નાગવિદ્યાના જાણકાર થયા. ત્યાંથી કામરુદેશ (આસામ)ની નાગવિદ્યા વિશ્વભરમાં વિખ્યાત બની.
આ તરફ સગઈ સંગારને ભેરિયા ગારુડીના મૃત્યુની જાણ થતાં એ ભૂજિયા ડુંગર ઉપર આવી પહોંચી. ત્યાં આવીને મનના માનેલા ભેરિયા ગારુડી પાછળ સતી થઈ. આ નાગ પછીથી ભૂજિયા નાગદેવ તરીકે ઓળખાયા. કચ્છના ભૂજિયા ડુંગર પર નાગનું સ્થાનક મોજુદ છે. નાગપંચમીને દિવસે જૂનાકાળે રાજ્ય તરફથી નાગદેવની સવારી નીકળતી. આજેય અહીં નાગપંચમીનો મોટો મેળો ભરાય છે.