Featured Books
શ્રેણી
શેયર કરો

બારી..એક ડોકિયું.. સ્વપ્નલોકથી વાસ્તવિકતાં સુધી.. - 4 - છેલ્લો ભાગ

ઘરના તમામ નોકરો દોડધામ કરી રહ્યા હતા અને બધા મુખ્ય હોલ તરફ જઈ રહ્યા હતા. દરેકના મોં ઉપર ગભરાહટ છવાઈ ગયેલ હતો.

"તમને ઘર સંભાળતા ન આવડતું હોય તો સીધી રીતે કહી દો. પણ આમ કોઈ પણ જાતનું નુકશાન અને કામમાં બેદરકારી મને પોષાશે નહિ." બંગલામાં પ્રવેશતા જ ગગનના કાને મોટો અવાજ પડઘાયો.

અંદર જઈને જોયું તો બધા નોકરો હોલની મધ્યમાં અદબવાળીને નીચું મોં કરીને લાઈનસર ઉભા હતા અને શેઠાણી પેલી વયસ્ક સ્ત્રીને ગુસ્સાથી જોઈ બરાડી રહી હતી.

પેલી સ્ત્રી શેઠાણીને સમજાવવાની કોશિશ કરી રહી હતી પણ શેઠાણી કઈ જ માનવ તૈયાર નહોતી. તેની વાત પરથી ઘરની કોઈ કિંમતી વસ્તુ તૂટી ગઈ કે ખોવાઇ ગઇ હોય એવું લાગી રહ્યું હતું. ગગન અને મીના એક ખૂણામાં ઊભા રહી બધું જોઈ રહ્યા.

આ બધું ચાલી રહ્યું હતું ત્યાં સીડીઓ ઉતરતી પેલી પરી દેખાઈ. ગગન તે સુંદર પરીને જોઈ રહ્યો. જેને અત્યાર સુધી દૂરથી કારમાં જતી જોઈ હતી તે પરી જાણે સાક્ષાત આજે ગગનની નજરો સમક્ષ આકાશમાંથી ધરતી ઉપર ઉતરી રહી હતી.

સીડી ઉતરીને તે સીધી પેલી વયસ્ક સ્ત્રીને જઈને વળગી પડી.

"મોમ આ બધામાં આમનો કોઈ વાંક નથી, I told you , still why are you scolding her?", પરી પેલી વયસ્ક સ્ત્રીનો પક્ષ રાખતાં બોલી.

"Honey, You stay out of this. That's none of your business. તું નથી જાણતી આવા લોકોને. એમને કઈ કહીએ નહિ તો માથે ચડી નાચવા લાગે. અને તને કોને કહ્યું નીચે આવવા માટે? મે કહ્યુ છે ને તારે રૂમમાં જ રહેવું અને આં બધા લોકો સાથે બહુ હળવું મળવું નહિ." શેઠાણી પરીની સામે લાલ આંખો કરતી બોલી.

"પણ મોમ she is my grand..".

"તને કહ્યું ને જા અહીંથી, સમજાતું નથી તને? જા તારા રૂમમાં", પરી પોતાનું વાક્ય પૂરું કરે તે પહેલા જ શેઠાણીએ તેને ધક્કો મારીને એના રૂમમાં પાછું જવા માટે કહ્યું.

પરી રડતી રડતી સીડીઓ ચડતી પોતાના રૂમ તરફ દોડી ગઈ. જતા જતા તેની અને ગગનની નજરો એક થઇ અને ઢળી ગઈ.

ગગન અને મીના આ બધું ચુપચાપ જોઈ રહ્યા હતા. ગગને આજે પહેલીવાર પોતાની સ્વપ્ન પરીની આંખોમાં આંસુ જોયા હતા. ગગને કલ્પેલી પરી તો હંમેશા ખુશ અને હસતી હતી પણ આ પરીની આંખોમાં તો ઉદાસી અને ચહેરા ઉપર દુઃખ છવાયેલ હતું. તે જોઈ ગગન પણ ઉદાસ થઈ ગયો.

"તમે લોકો ઉભા શું રહ્યા છો, જાઓ પોતપોતાના કામે લાગી જાઓ. બધા કામચોર થઈ ગયા છે અહી. તમારા આંસુઓ વહાવી છટકી જવાના બહાના મારી આગળ નહિ ચાલે, હવેથી કોઈ ભૂલ ના થવી જોઈએ.", શેઠાણી પેલી રડી રહેલ વયસ્ક સ્ત્રી સામે ત્રાસી નજર કરતી ફોનમાં પોતાના ડ્રાઈવરને કાર તૈયાર રાખવાની સૂચના આપતી રૂઆબભેર બંગલાની બહાર નીકળી ગઈ.

મીનાને શું કરવું કઈ સમજાયું નહિ, શેઠાણીનું આવું રૌદ્ર સ્વરૂપ જોઈને તે થથરી ગઈ હતી. કઈ ન સૂઝતા તે રસોડામાં જઈ બીજા નોકરો સાથે કામે લાગી ગઈ. ગગન પણ એક ખૂણામાં ભરાઈને આખો દિવસ બેસી રહ્યો. ઘરે જતા પણ આજે ન કઈ ગગન બોલ્યો ન મીના બોલી.

રાતના વાળું કરતી વખતે મીનાએ મગનને બંગલે બનેલી બધી વાત કહી સંભળાવી.

"ગગાના બાપુ તમને કહું સુ, મોટા ઘરની મોટી વાતો. પણ મારાથી તો ઓલી ઘયડી બાઈની હાલત ન જોવાણી. શેઠાણી બાએ એને કેટલી ધમકાઈ કાઢી", મીના બોલી.

"તારે હું, એતો હેંડ્યા કરે, નોકર ચાકરને શેઠ લોકો ઇમ જ રાખે. ફેક્ટરીમાં પણ શેઠ અમને લોકોને ધમકાઈ કાઢે હે. તારે તારું કોમ શાંતિ હી કરે જાવું. બીજાની હારે બઉ લપ ન કરવી." મગન મીનાને સમજાવતો બોલ્યો.

"ઇ મને ખબર નહિ પડતી હોય, હું હંધું સમજુ સુ એતો. પણ તમને ઈ નહિ ખબર કે ઓલી ઘયડી ડોહી બીજું કોઈ નઇ પણ શેઠની મા સે", આટલું બોલતા જ પતિ પત્ની બંનેની આંખોમાં કઈ કેટલીય વાતો કહેવાય ગઈ જેમાંથી ગગનને તેની ઉંમર પ્રમાણમા થોડું ઘણું સમજાયું.

એક માની પોતાના જ દીકરાના ઘરમાં આવી હાલત જોઈને મીનાનું મન કચવાઈ રહ્યું હતું. મગનની છાતી ઉપર માથું રાખીને તે જાગતી પડી હતી. આજે પ્રેમથી માથામાં ફરતા મગનનાં હાથ પણ તેને ઊંઘાડી શક્યા નહિ. બીજી તરફ ગગન તેની પથારીમાં પડ્યો દૂરથી દેખાતી પેલી બંધ બારી જોઈ રહ્યો હતો. આજે કોણ જાણે તેમાંથી ડોકાઈ રહેલ પેલી બીજી દુનિયાનો ચળકાટ તેને ઝાંખો લાગી રહ્યો હતો.

ધીમે ધીમે ગગન બંગલાની રીતભાતથી જાણકાર બનવા લાગ્યો હતો. પેલી પરી તેને જ્યારે પણ જોવા મળતી તે એકલી જ જોવા મળતી તેની આંખોમાં હંમેશા ઉદાસી છવાયેલ રહેતી. ક્યારેક બંને સામસામે આવતા ત્યારે તેમની વચ્ચે નાનકડી મુસ્કાનની આપલે થવા લાગી હતી. પણ શેઠાણીની બીકે ગગન તેની સાથે ક્યારે સામે ચાલીને વાત કરવાની હિમ્મત કરી શકતો નહિ.

એક દિવસ ગગન પોતાનું હોમવર્ક કરી રહ્યો હતો ત્યાંજ પરી આવી અને તેની પાછળ ઊભી રહી ગગન શું કરે છે તે જોઈ રહી. કોઈ પાછળ ઉભુ છે તેનો આભાસ થતા ગગને પાછળ ફરી જોયું તો ત્યાં ઉભેલી પરીને જોઈ ગગન ગભરાઈ ગયો.

"અરે તું... તમે? જાઓ તમે અહીંથી. શેઠાણી મને તમારી સાથે જોઈ જશે તો મારી મમ્મીની નોકરી જતી રહેશે.

"Oh don't worry, mom is not at home", પરી બોલી.

"તમારે કંઈ જોઈએ છે?" આગળ શું બોલવું તેં સમજ ન આવતાં ગગન ગભરાતા આજુ બાજુ જોતા બોલ્યો.

"ના હું તો તારી સાથે વાત કરવા આવી છું. મારું નામ સૂચિ છે. તારુ નામ શું છે?" ગગનની હિચકિચાહટ જોઈને તે ગુજરાતીમાં વાત કરવા લાગી.

"તો આ પરીનું નામ સૂચિ છે", ગગન મનમાં બબડ્યો.

"હું ગગન, મારી મમ્મી મીના બહેન અહી કામ કરવા આવે છે, હું તેની સાથે અહી આવું છું", સુચી પોતાની તરફ મુસ્કુરાતા ચહેરે જોઈ રહી હતી તે જોઈ ગગન થોડો સહજ થતા બોલ્યો.

"તું કઈ સ્કૂલમાં ભણે છે?" સૂચિએ પૂછ્યું, અને બંનેની વાતોનો દોર આગળ વધતો ગયો અને સાથે એક નવી દોસ્તીની શરૂઆત થઈ.

હવે જ્યારે પણ સુચીની મમ્મી ઘરે ન હોય તે ગગન પાસે આવીને બેસતી અને વાતો કરતી.

આટલા દિવસોમાં ગગનને સમજાઈ ગયું હતું કે, સૂચિ હંમેશા આવડા મોટા ઘરમાં એકલી અને ઉદાસ દેખાતી. તેના પપ્પા કામ અંગે મોટા ભાગનો સમય બહારગામ તો મમ્મી તેના મિત્રો સાથે બહાર પાર્ટીઓમાં વ્યસ્ત રહેતી અને તે થોડો સમય પણ ઘરમાં જોવા મળતી તો હંમેશા પોતાના નોકરોને ગુસ્સાથી કોઈને કોઈ વાત ઉપર લડતી જોવા મળતી.

"તું આમ એકલી એકલી અને ઉદાસ કેમ રહ્યા કરે છે?" એક દિવસ ગગને સુચિને વાતવાતમાં પૂછી લીધું.

"મને અહીંથી બહાર જવાની પરમિશન નથી અને મારા કોઈ મિત્રો પણ નથી એટલે એકલી રહીને હું કંટાળી જાઉં છું. મારી પાસે એવું કશું જ નથી જેનાથી મને ખુશી મળે." સૂચિ નિરાશા સાથે બોલી.

"એમાં શું કંટાળવાનું, તારી પાસે તો કેટલી જાતના રમકડાં અને વસ્તુઓ છે. તને તો માંગે તે વસ્તુ મળી જતી હશે. તારા મમ્મી પપ્પા કેટલા સરસ છે તમારી પાસે પૈસા પણ કેટલા બધા છે. આવડો મોટો બંગલો છે, કામ માટે નોકરો છે. મોટી મોટી ગાડીઓ છે જેમાં તને હરવા ફરવા મળે છે. તમારા ઘરે મોટી મોટી પાર્ટીઓ થાય છે. તને રોજ તારી પસંદગીની જાતભાતની વાનગીઓ ખાવા મળે છે. શું નથી તારી પાસે. બધુ જ તો છે." ગગન સૂચિ સામે જોઇને બોલ્યો.

"શું તને એવું લાગે છે કે અમારી પાસે પૈસા છે, બંગલો અને કાર છે, જોઈએ છે તે ખરીદી શકીએ છીએ, એટલે મારે ખુશ રહેવું જોઈએ?" સૂચિ ગગનને સામે સવાલ કરતી બોલી.

"હા તો બીજું શું જોઈએ ખુશ થવા માટે?" ગગન બોલ્યો.

"હમમ કદાચ તું સાચું કહે છે, મારે ખુશ રહેવું જોઈએ. પણ મારી ખુશી હું કોને જઈને બતાવું?

મારા દાદીમા હોવા છતાં હું એમની પાસે જઈ શકતી નથી.
મારી પાસે તારા જેવી મમ્મી નથી જે વ્હાલથી માથે હાથ ફેરવીને મને કંઈ જોઈએ છે એવું પૂછે, મને તેના હાથેથી કોળિયા ભરાવીને જમાડે. મારી પાસે તારા જેવા પપ્પા નથી જે મને સાઇકલ ઉપર બેસાડીને મારે જ્યાં જવું હોય ત્યાં મારી મરજીથી લઈ જાય. અરે એમની પાસેતો મારા માટે સમય જ નથી. મારા પપ્પાને તો હું કયાં ક્લાસમાં ભણું છું તે પણ નથી ખબર. હું ખુશ છું કે દુઃખી તે જોવા માટે મારી પાસે કોઈ નથી", સૂચિ નિસ્તેજ વદને બોલી.

સૂચિની કહેલી વાતોથી ગગન પૂરેપૂરો હલી ગયો. ત્યારબાદ ના સૂચિ કઈ બોલી ના ગગન. પોતાના કરતાં પણ નાની એવી સૂચિની એ વાતોમાં ગગને પોતાની વાસ્તવિક અને સ્વપ્નસૃષ્ટિમાં રહેલ જીવનની ઘણી મોટી સચ્ચાઈ દેખાઈ હતી.

🌺ભ્રમણા પાછળ ભાગતો દોડતો આજે,
ભૂલ્યો ખરું સુખ બન્યો પાંગળો આજે...

મોહ પાછળ ભાગતો દોડતો આજે,
ભૂલ્યો ખરા સ્નેહ સંબંધો આજે...

વૈભવ પાછળ ભાગતો દોડતો આજે,
ભૂલ્યો ઘરની શીતળ છાયા આજે...🌺

તે રાત્રે જ્યારે ગગન જમવા બેઠો ત્યારે રોજની જેમ હસતા અને મજાક મસ્તી કરતા પોતાના અભણ માતા પિતા ઉપર ગુસ્સાની જગ્યાએ ભરપૂર પ્રેમ ઉમડી રહ્યો હતો. તેને આજે પહેલીવાર પોતાની સપનાની દુનિયા આગળ આ વાસ્તવિક દુનિયા સારી લાગી રહી હતી. વૈભવમાં વ્યસ્ત માતા પિતાની પરી કરતા ગરીબ અભણ માબાપનો ગગો વધારે સુખી અને ખુશ લાગી રહ્યો હતો.

રાતે ઊંઘતી વખતે એની આંખોમાં નિંદ્રા રાણીની જગ્યા સામે દેખાઈ રહેલી અર્ધ ખુલ્લી બારીના બંને બારણાં ઉપર પડતા ચંદ્ર પ્રકાશમાં અલગ અલગ દુનિયાના, એટલે કે પરી અને ગગાની દુનિયાના દૃશ્યો એક સાથે તેની નજરો સમક્ષ ભજવાઈ રહ્યા હતા.

એક તરફ છેલ્લા શ્વાસ સુધી ઘરડી દાદીની નિસ્વાર્થ સેવા કરતી અણઘડ મીના, તો બીજી તરફ બધા નોકરો સામે પોતાની સાસુને એક નોકરની જેમ ગુસ્સો કરતી ઠાઠમાઠ વાળી શેઠાણી દૃશ્યમાન થઈ રહ્યા હતા. આજે ગગનને સુંદર સજ્જ એવી શેઠાણી કરતા પોતાની મા વધારે સુંદર લાગી રહી હતી.

એક તરફ ગગાને કર્કશ અવાજે પણ વ્હાલથી ઉઠાડતી મીના દૃશ્યમાન થઈ રહી હતી, તો બીજી તરફ એલાર્મના અવાજથી ઉઠતી પરી દેખાઈ રહી હતી, પણ પેલા એલાર્મ કરતા આજે માનો અવાજ ગગનને મીઠો લાગી રહ્યો હતો.

એક તરફ રોટલાનો ટુકડો પાણી જેવા દૂધમાં બોળી માનાં હાથે કોળિયો ભરતો ગગો દેખાઈ રહ્યો હતો, તો બીજી તરફ પોતાના આઇફોન અને આઇપેડમાં વ્યસ્ત મમ્મી પપ્પા સાથે બ્રેકફાસ્ટમાં જાત જાતની વનાગીઓ આરોગતી પરી, પણ આજે જાતજાતની વાનગીઓથી ભરપેટ ભોજન કરતાં અધૂરા રોટલાનો ટુકડો ગગનને વધારે સ્વાદિષ્ટ લાગી રહ્યો હતો.

એક તરફ પિતા સાથે સાઇકલ ઉપર જતો ગગો અને બીજી તરફ અત્યાધુનિક કારમાં ડ્રાઈવર સાથે એકલી જતી પરી દૃશ્યમાન થઈ રહી હતી, પણ આજે તે આરામદાયક કાર કરતા અણગમતી સાઇકલ ઉપર પોતાના પપ્પાનો સાથ ગગનને વધારે વહાલો લાગી રહ્યો હતો.

એક તરફ ગામઠી ભાષામાં પ્રેમગોષ્ઠી કરતા મીના અને મગન તો બીજી તરફ અંગ્રેજીમાં એકબીજા સાથે અસભ્ય શબ્દોમાં ઝગડો કરતા પરીના મમ્મી પપ્પા દેખાઈ રહ્યા હતા, પણ આજે ગગનને આધુનિક ભાષા કરતાં પોતાના માતા પિતાની પ્રેમની ભાષા વધારે સુમધુર લાગી રહી હતી.

સાથે કઈ કેટલાય દૃશ્યો ગગનની નજરો સમક્ષ પ્રગટ થઈ રહ્યા અને તેની આંખો ક્યારે નિંદ્રાધીન થઈ ગઈ તેને ખબર પણ ન પડી.

સવારે જ્યારે ગગનની આંખો ખુલી ત્યારે મીના એની સામે વ્હાલભરી નજરે જોઈ રહી હતી. ગગન પથારીમાંથી ઊભો થઈ મીનાને પ્રેમથી વળગી પડ્યો. તે જાણે માને છોડવા માંગતો ન હોય તેમ મીનાએ તેને પરાણે અળગો કરવો પડ્યો.

નાહીને તૈયાર થઈ ગગન મીના સાથે રોટલો ખાવા બેઠો. ત્યાંજ પેલા હોર્નનો અવાજ સંભળાતા ગગન ઊભો થઈ પલંગ પર ચડી ખુલ્લી બારી આગળ પહોંચ્યો.

થોડી ક્ષણો બાદ તે બંધ બારી, પોતાના લાડકવાયા ગગાના હાથે રોટલાનો કોળિયો ભરતી માની આંખોમાં છલકાતી ખુશીની સાક્ષી બની રહી. આજે ગગનને પોતાના ઘરનો એક એક ખૂણો પેલા વૈભવી બંગલા કરતા વધારે ઠંડક અને શાંતિ અને આનંદ આપી રહ્યા હતા.

તે બારીના બંધ બારણા ગગનને હવે એક વાસ્તવિક અને નવી દુનિયાની સફરે લઈ જવા આતુરતાથી રાહ જોઈ રહ્યા.

***
*સમાપ્ત*

💐મારી આ નાનકડી ધારાવાહિક તે દરેક લોકોને સમર્પણ છે જે પોતાની વાસ્તવિક દુનિયાની ખુશીઓ છોડીને બીજાની ભ્રામક સ્વપ્નસૃષ્ટિમાં વિહરે છે, અને પોતાની પાસે ઘણું હોવા છતાં તેનું મૂલ્ય સમજતા નથી. સ્વપ્ન જોવા અને તેમાં સતત વિહરતા રહેવું બન્નેનો ભેદ સમજીને જીવીએ તો જીવનની ખરી સુંદરતા માણી શકાય.

થોડો સમય નીકાળી મારી આ સ્ટોરી પ્રત્યે તમારા મંતવ્ય જરૂરથી આપશો.. 😇💐

નોંધ: કહાનીમાં પાત્રો અને પ્રસંગની માંગ મુજબ અંગ્રેજી શબ્દો વાપર્યા છે.

***

✍️ધ્રુતિ મેહતા (અસમંજસ)