Baari... Ek Dokiyu - 3 books and stories free download online pdf in Gujarati

બારી..એક ડોકિયું.. સ્વપ્નલોકથી વાસ્તવિકતાં સુધી.. - 3

ગગન હજુ સવારની મીઠી નિંદર માણી રહ્યો હતો ત્યાંજ તેના ઘરના દરવાજે ટકોરા પડ્યા.

"મીના બહેન ઘરે સે કે?" કોઈ સ્ત્રીનો મોટો અને તીણો અવાજ સાંભળીને ગગનની ઊંઘ ઊડી ગઈ.

"સવારના પોરમાં ઊંઘ બગાડી નાખી, કોણ છે અત્યારે".
બબડતો ગગન પથારીમાંથી ઊઠીને જોવા લાગ્યો ત્યાં સુધીમાં મીના દરવાજો ખોલી બારણાં આગળ ઊભી રહીને કોઈ સ્ત્રી સાથે વાત કરી રહી હતી. ગગને ધ્યાનથી સાંભળવાનો પ્રયત્ન કર્યો પણ તેને બંનેની વાત સંભળાઈ નહિ, પણ પેલી સ્ત્રી સાથે વાત કર્યા બાદ મીના ખૂબ ખુશ જણાઈ રહી હતી. તેના મોં ઉપર ખુશીની ઝલક જરૂર કોઈ સારી વાત બની છે તેની ચાડી ખાઈ રહી હતી.

"અરે ગગના બાપુ ચ્યો જ્યા." એટલું બોલતી મીના દરવાજો બંધ કરતી મગનને ઘાંટો પાડીને બોલાવવા લાગી.

"ગગાની મા હું થ્યું સે, આમ હવારનાં પોરમાં હરખપદુડી થઈ ચ્યમ નાચહ", મગન બોલ્યો.

"આપણા મેલ્લાનાં સેડે રમાબાનું મકાન સેને એમની સોડી ચંપા આઇતી, ઓલ્યા તમારા શેઠ સેને એમને બંગલે ઈવડી ઈ કોમ કરવા જાય સે, પણ હવે ઇ સોડીના લગન લેવાના સે, એટલે મને તિયાં કોમ કરવા જવાનું કેવા આઈતી, પગાર પણ હારો દેહે ઇ લોકો." ખુશ થતી મીના ઉછળી પડી.

"અરે વાહ મારી શેઠાણી હવે રાજ કરહે." મગન ખુશ થતો મીનાને પકડીને ગળે વળગાડવા લાગ્યો.

"હું તમેય વળી, જુઓ તો ખરા ગગો ઘરમાં સે, જોહે તો હું વિચારહે? ડોહા થવા આયા હવે લાજો. હારા નહિ લોગતા હો", મીના શરમાતી સાડીનો છેડો મોમાં દબાવતી બોલી.

"તો હું થઈ ગ્યું, મારી એકની એક ઘરવાળી સે, ને ઇને લાડ નઈ લડાવું તો કુને લડાઈશ" બોલતો મગન મીનાનો હાથ પકડી ફુદરડી ફેરવતો ગીત ગાવા લાગ્યો.

💐 ऐ मेरी जोहरा जबीं
तुझे मालुम नहीं
तू अभी तक है हसी
और मै जवान
तुझपे क़ुरबान मेरी जान मेरी जान 💐

"આ લોકોને સવાર સવારમાં કોઈ કામ ધંધો નથી. આવા નાટક કરવાનો એમને બઉ શોખ છે", ક્યારનાં પથારીમાં બેઠેલા ગગને પોતાના માતા પિતાના પ્રેમને નાટકનું નામ આપીને ઊભા થઈ બાથરૂમ તરફ પ્રયાણ કર્યું. આ બધામાં ગગન એક વાતથી ખુશ હતો કે હવે એની મા રોજે પેલા સુંદર બંગલામાં કામ કરવા જશે.

"કેટલી નસીબદાર છે મા, એને એ સુંદર દુનિયા નજીકથી જોવા મળશે. જો મા સાથે મને પણ જવા મળે તો? તો પછી સપના સમાન તે દુનિયા હકીકતમાં પોતાને પણ જોવા મળશે." ગગન નહાતી વખતે વિચારવા લાગ્યો.

હવે બસ પોતાની માને ત્યાં સાથે લઈ જવા મનાવવાની હતી અને તે કામ એટલું અઘરું નહોતું તે ગગન સારી રીતે જાણતો હતો. બસ થોડા પ્રેમથી વાત કરવાની હતી અને પોતાની વહાલભરી વાતોથી મા તરત પીગળી જવાની હતી તે ગગન ચોક્કસ પણે માનતો હતો, અને થયુ પણ એવું જ.

ગગને રાત્રે જમતી વખતે મીનાને કહ્યું કે રોજ સ્કૂલ છૂટયા બાદ પોતે પણ બંગલે તેની સાથે જવા માંગે છે. આ વાત તેણે એટલી લાડથી કહી કે મીના તરત ગગનને સાથે લઈ જવા રાજી થઈ ગઈ. આજે પહેલીવાર ગગનને પોતાની મા ઉપર વ્હાલ આવી રહ્યું હતું.

બસ હવે કાલથી એ સપનાની દુનિયામાં પોતાને રોજ વિહરવા મળશે તે વાતથી હરખાતો ગગન વિચારોમાં ખોવાઈ ગયો અને ક્યારે ઊંઘ આવી તેની ખબર પણ ન રહી.

બીજા દિવસે કોઈના જગાડ્યા પહેલા જ ગગન ઊઠી ગયો અને નહાઈ ને તૈયાર થઈ કોઈ પણ જાતના નખરા કર્યા વિના રોટલો અને દૂધ ખાઈ પણ લીધા. આજે પોતાના ગગામાં આવેલ આ બદલાવને મીના આનંદ અને આશ્ચર્યની લાગણીથી જોઈ રહી હતી.

સ્કૂલ છૂટયા પછી રોજ ઘણે મોડેથી આવતો ગગન આજે એકદમ વહેલો આવી ગયો અને પોતાની પાસે રહેલ સારામાં સારા કપડાંની જોડ નીકાળી ને પહેરી લીધી, અને સરસ રીતે વાળ ઓળીને તૈયાર થઈ ગયો. હવે મા ક્યારે કામ કરવા નીકળે તેની રાહ જોતો આમથી તેમ આંટા મારી રહ્યો. એતો બસ પેલી સોનાની નગરી જેવા બંગલામાં જવા માટે ઉતાવળો બન્યો હતો. આજનો દિવસ તેના માટે સૌથી મોટી ખુશીનો દિવસ હતો.

મીના જ્યારે ગગનનો હાથ પકડી પોતાના સાથે પેલા બંગલામાં કામ કરવા નીકળી ત્યારે તે ગગનને એક દેવદૂત સમાન લાગી રહી હતી, જેના માથા ઉપર સફેદ રીંગ જેવું સર્કલ ફરી રહ્યું હતું અને તેના બંને હાથની પાછળથી બે સફેદ પાંખો ફૂટી નીકળી હતી જે ફેલાવતી મીના હવામાં ઉડવા લાગી, અને સાથે પોતે પણ હવામાં લહેરાઈ રહ્યો હતો એવા આભાસથી ગગન ત્યારે ખરેખર ગગનમાં વિહરી રહ્યો હતો.

આખરે તેનો દેવદૂત ગગનને સ્વર્ગના દ્વાર સુધી લઈ પહોંચ્યો. બંગલાનો મુખ્ય દરવાજો અંદરથી બંધ હતો. મીના ત્યાં આગળ જઈને ઉભી રહી એવીજ દરવાજાની સાઇડમાં આવેલી નાનકડી બારી ખુલી અને અંદરથી એક ચહેરો ડોકાયો.

"બોલો બેન કોનું કામ છે", તે માણસનો કરડાકીભર્યો અવાજ આવ્યો.

"મું આજથી અહી કોમ માટે આવી સુ, મુને ચંપાએ મોકલી સે", મીના ગભરાતા બોલી.

"ઊભા રહો", એટલું બોલી પેલો માણસ ઇન્ટરકોમ ફોન જોડી કોઈ સાથે વાત કરવા લાગ્યો.

"હવે તમે લોકો અંદર જઈ શકો છો." ફોન મૂકતા પેલા માણસે કહ્યું અને તે સાથે જ પેલો મુખ્ય દરવાજો ઓટોમેટિક ખુલી ગયો.

બંગલાના મોટા તોતિંગ દરવાજા ખુલ્યા અને તે સ્વર્ગ નગરી પોતાને અંદર આવવા આવકારી રહી હોય એવું ગગન અનુભવી રહ્યો.

દરવાજાની અંદર જતાં જ તેની બંને બાજુ એક એક કદાવર લાગતા માણસો ઊભા હતા. ગગન તેમની સામે જોઈ રહ્યો. ઊંચા અને પહેલવાન જેવા તે માણસો ભાવવિહિન ચહેરે ઊભા હતા. તેમને જોઈને કોઈ પણ ડરી જાય એવા બિહામણા અને તાકતવર તેઓ લાગી રહ્યા હતા.

દરવાજાની પાસેજ એક મોટી કેબિન હતી જેની બારીમાંથી પેલા માણસે બહાર એમની સાથે વાત કરી હશે એવું ગગનને લાગ્યું. ગગને બહારથી જ તેના અધખુલ્લા દરવાજામાંથી તેનો નજારો માણી લીધો. તે કેબિન તો પોતાના ઘર કરતા પણ મોટી હતી જેમાં ઘણા બધા સપાટ અને મોટા કદના ટીવી લગાવેલા હતા અને દરેકમાં તે બંગલાના જ અલગ અલગ વિસ્તારના વિડિયો દેખાઈ રહ્યા હતા.

દરવાજાથી થોડું આગળ ચાલતા મોટું મેદાન શરૂ થતું હતુ જેમાં થોડે થોડે અંતરે નાનકડા ગાર્ડન બનાવેલા હતા. દરેક ગાર્ડનમાં અલગ જાતના ફૂલો ઉગાડેલા હતા. ગગને તેવા ફૂલો પોતાની આજ સુધીની જિંદગીમાં ક્યારે પણ કોઈ જગ્યાએ જોયા નહોતા. દરેક ગાર્ડનમાં નાના મોટા વૃક્ષો ઉપર નાના ઘર જેવા સુંદર માળા બનાવ્યા હતા જેમાં અલગ અલગ દેશમાંથી લાવેલા પક્ષીઓ ચહેકી રહ્યા હતા. તેમના મધુર કલરવથી સમગ્ર વાતાવરણ સંગીતમય બની રહ્યું હતું.

આગળ જતાં, મેદાનની એકદમ વચ્ચે ખુબજ સુંદર મોટો બંગલો બનેલો હતો. તે બંગલો તો પોતે જોયેલ સ્વપ્નમાં દેખાતા ઘર કરતા પણ અત્યંત સુંદર હતો. ગગન બે ઘડી તો તેની સુંદરતા માણવામાં જાણે ખોવાઈ ગયો હતો.

બંગલાની ગોળ ફરતે લીલુંછમ ઘાસનું ચોગાન હતું અને તેમાં નયનરમ્ય ફૂલો વાવેલા હતા. તે ચોગાનમાં એક તરફ બેનમૂન કોતરણીવાળા ટેબલ અને ખુરશી મૂકેલા હતા. તેની એક બાજુ હીંચકો પણ હતો તેની આસપાસ સુંદર મજાની વેલો વીંટળાયેલી હતી.

આગળ વધતા ગગન અને મીના બંગલાની અંદર જવા માટેના દરવાજા આગળ જઈને ઊભા. આધુનિક લાગતા તે દરવાજા આગળ કોઈ ડોરબેલ ન દેખાતા બંને મા દીકરો મૂંઝાઈ ગયા.

"ગગા, આ બારણું કેમનું ખુલહે?" એક પ્રશ્નાર્થ ભરી નજરે મીના પોતાના હોંશિયાર દીકરા સામે જોઈ રહી.

ગગનને પણ કઈ સૂઝી રહ્યું નહોતું. બંને એકબીજા સામે જોઈ રહ્યા, ત્યાંજ દરવાજો જાતે ખુલી ગયો અને એક આધેડ પણ સુંદર લાગતી સ્ત્રી બહાર આવી અને મા દીકરાને અંદર લઇ ગઇ.

તેણે મીનાને થોડી પૂછપરછ કરી અને બધા કામ સમજાવવા લાગી. ગગનને તે સ્ત્રીના વ્યવહાર પરથી આ બંગલામાં કામ કરતી કોઈ આગેવાન એવી નોકર લાગી. તે આધેડ સ્ત્રી મીના અને તેના જેવા બીજા ત્રણ - ચાર નોકરોને સૂચના આપી બધા કામ કરાવી રહી હતી. તેણે ગગનને પણ થોડીઘણી સૂચનાઓ આપી આ ઘરમાં દાખલ થયા પછી કેવી રીતભાતથી રહેવું તે જણાવ્યું.

પહેલો દિવસ તો ગગને બંગલાની સુંદરતા અને ત્યાંના લોકોની રીતભાત જોવામાં નીકાળ્યો. આજે તે ખુબજ ખુશ હતો. નાનપણથી જે બંગલાને પોતાના ઘરની પેલી બારીમાંથી સ્વપ્નોના ઝરૂખેથી નિહાળ્યો હતો, તે બંગલો આજે પોતે હકીકતમાં નિહાળી રહ્યો હતો. ગગન એકજ દિવસમાં આ સુંદર દુનિયા પોતાની આંખોમાં ભરી લેવા માંગતો હતો તેમ બધું જોઈ રહ્યો હતો.

બંગલાના માલીક લોકો કરતા ત્યાં કામ કરતા માણસો વધારે હતા. ગગન જ્યાં સુધી ત્યાં રહ્યો ત્યાર સુધીમાં શેઠાણીની એક ઝલક માત્ર તેને જોવા મળી હતી. તેની સુંદરતા અને રીતભાત આગળ પોતાની મા ગગનને કદરૂપી અને અણઘડ લાગી રહી હતી. પેલી પરી તો તેને ક્યાંય જોવા મળી નહિ, આટલા મોટા ઘરમાં તે ક્યાંય હશે તે વિચારતો ગગન બધું જોઈ રહ્યો. ઘરનો બધો કારોભાર પેલી આધેડ વયની નોકર સ્ત્રી જ મૉટે ભાગે સંભાળતી નજર આવી રહી હતી. ગગનનો આખો દિવસ ક્યાં નીકળી ગયો તેને ખબર પણ ન રહી.

ગગન મીના સાથે જયારે પાછો ફર્યો ત્યારે તેના મુખેથી સતત બંગલાના વખાણ સરી રહ્યા હતા. મીના તો પોતાનો ગગો આજે ઘણા સમય પછી આટલો ખુશીથી વાતો કરી રહ્યો હતો તેનાથી જ ખુશ થઇ રહી હતી. ઘરે જઈને જયારે રાતના બધા વાળું કરવા બેઠા ત્યારે પણ ગગન ફરીથી ખુશ થતો એજ વાતો મગનને કરી રહ્યો હતો.

આજે ગગનની સાથે મીના અને મગન પણ ખુબ ખુશ હતા કારણકે એમનો ગગો આજે ઘણા સમય બાદ આટલો આનંદમાં હતો અને તેમની સાથે બેસીને ઘણી બધી વાતો કરી રહ્યો હતો. ગગન બોલી રહ્યો હતો તેમાંથી બંનેને કઈ સંભળાઈ રહ્યું નહોતુ, તે બંનેતો બસ પોતાના વ્હાલા ગગાનાં મુખ ઉપર ડોકાતી ખુશી જોવામાં મગ્ન હતા.

આ દંપતીની ખુશીનું બીજું કારણ પણ હતું કે, મગન એ બંગલાવાળા શેઠને ત્યાં વર્ષોથી નોકરી કરતો હતો તે કારણથી અને સારા વ્યવહાર અને કામને કારણે મીનાને બંગલે આખા દિવસની નોકરી મળી ગઈ હતી, તે પણ સારા એવા પગારે. તેથી મીનાને હવે ઘરે ઘરે જવાની જગ્યાએ એક જ જગ્યાએ કામ મળી ગયું હોવાથી પતિ પત્ની ખુશ હતા. ઘરમાં થોડો વધારે રૂપિયો આવશે અને પોતાના ગગાને સારી રીતે રાખી શકાશે તેમ વિચારતાં પતિ પત્ની સૂઈ ગયા. આજે ગગનને પણ ખુબ સરસ ઊંઘ આવી ગઈ.

સૂરજની પહેલી કિરણ ધરતી ઉપર પડતા જ ગગન ઊઠી ગયો.

"ગગા સુઇરે, આજ તો રવિવાર સે, રજાનો દાડો. આજે ચ્યો નિહાળે જાવું સે." ગગનને વહેલો ઉઠેલો જોઈ મીના તેના કપાળે હાથ ફેરવતા બોલી.

"હા પણ તું કહેતી હતી ને આજે બંગલે વધારે કામ છે એટલે તું વહેલી કામે જવાની, એટલે હું પણ તારી સાથે વહેલા આવીશ." ગગન બોલ્યો.

"હારું તો વેળાસર તીયાર થઈ જા મારી હંગાથે આવું હોય તો." મીના બોલી.

ગગન ફટાફટ તૈયાર થઈ મીના સાથે જવા નીકળ્યો. આજે તેણે ભણવાની બૂક્સ સાથે લઇ લીધી હતી જેથી પોતાનું ભણવાનું કામ પણ કરી શકે. મીનાએ બંગલેથી નોકરોના ડ્રેસ કોડ માટે આપવામાં આવેલ નવી સાડી પહેરેલી હતી અને તે રોજ કરતા થોડી સારી રીતે તૈયાર થઈ હતી.

આટલા વર્ષે પહેલીવાર માને નવી સાડીમાં સરસ તૈયાર થયેલ જોઈ તેની સુંદરતા ગગનને આંખે ચડી. બાકી આટલા વર્ષો સુધી મીના હરી ફરીને બે - ત્રણ સાડીઓને થીગડા મારીને પહેર્યા કરતી હતી. ક્યારેક કોઈ શેઠાણીએ તેની જૂની સાડી આપી હોય તે સાડી મીના વાર તહેવાર માટે વાપરતી. પણ એકદમ નવી નક્કોર સાડી મીનાએ લગ્ન પછી પહેલીવાર પહેરી હતી.

જયારે ગગન અને મીના બંગલે પહોંચ્યા ત્યારે ત્યાંનો નજારો આગળના દિવસ કરતા કંઈક અલગ હતો. આખા બંગલામાં દોડધામ મચી ગઇ હતી.

ક્રમશઃ ....*

***
✍️ ધ્રુતિ મેહતા (અસમંજસ)


બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED