બારી..એક ડોકિયું.. સ્વપ્નલોકથી વાસ્તવિકતાં સુધી.. - 2 Dhruti Mehta અસમંજસ દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
  • નિતુ - પ્રકરણ 64

    નિતુ : ૬૪(નવીન)નિતુ મનોમન સહજ ખુશ હતી, કારણ કે તેનો એક ડર ઓછ...

  • સંઘર્ષ - પ્રકરણ 20

    સિંહાસન સિરીઝ સિદ્ધાર્થ છાયા Disclaimer: સિંહાસન સિરીઝની તમા...

  • પિતા

    માઁ આપણને જન્મ આપે છે,આપણુ જતન કરે છે,પરિવાર નું ધ્યાન રાખે...

  • રહસ્ય,રહસ્ય અને રહસ્ય

    આપણને હંમેશા રહસ્ય ગમતું હોય છે કારણકે તેમાં એવું તત્વ હોય છ...

  • હાસ્યના લાભ

    હાસ્યના લાભ- રાકેશ ઠક્કર હાસ્યના લાભ જ લાભ છે. તેનાથી ક્યારે...

શ્રેણી
શેયર કરો

બારી..એક ડોકિયું.. સ્વપ્નલોકથી વાસ્તવિકતાં સુધી.. - 2

એક અનોખા વિશ્વમાં ડોકિયું કરવા ઉતાવળો બનેલો ગગન ઝડપથી રૂમનાં છેડે ઢાળેલા ભાંગ્યા તૂટ્યા એવા પલંગ ઉપર ચડી ગયો, અને ત્યાં આવેલી ઘરમાં રહેલ એકમાત્ર બારી આગળ જઈ બેઠો.

ઘરમાં રહેલી તે બારી ગગન માટે ફક્ત હવા ઉજાસનું કારણ નહોતું, પણ તે બારી ગગનને તેની ઉદાસીન અને બેરંગ દુનિયાથી વિરુદ્ધ એવી, એક નવી દુનિયા અને તેની સુંદરતાનું દર્શન કરાવી તેના સપનાઓને ઑક્સિજન પૂરું પાડતી હતી.

રોજ આજ સમયે એક કાર ગગનની ચાલી સમાન વસાહતની એકદમ પાછળ આવેલ વિશાળ જગ્યામાં ફેલાયેલ આલીશાન બંગલાની બહાર નીકળતી હતી. તેના એક અલગ પ્રકારના હોર્નના અવાજથી ગગનને તે કાર ત્યાંથી પસાર થવાનો ખ્યાલ આવી જતો અને તે ઝડપથી પેલી બારી આગળ જઈને બેસી જતો. તે સમયે એ વિશાળ ભવનના મહાકાય દરવાજા થોડી ક્ષણો માટે ખૂલતાં અને અંદરથી ડોકિયું કરી રહેલ વૈભવનું ગગન આછું પાતળું રસપાન કરે તે પહેલાજ તે દરવાજા બીડાઈ જતા. એટલી થોડી ક્ષણો પણ પૂરતી હતી ગગનની ગરીબીથી બળતી આંખોને અમિરીની ઠંડક આપવા માટે.

ગગનના ઘરની પછાતે પડતી તે બારી આગળથી જ્યારે તે કાર પસાર થતી ત્યારે, ક્યારેક કારની ખુલ્લી રહી ગયેલ વિન્ડોમાંથી અંદર બેઠેલી ખુબજ સુંદર પરી જેવી છોકરી ક્યારેક નજરે પડી જતી હતી. તેનાથી વધારે સુંદર બીજી કોઈ છોકરી ગગને જોઈ નહોતી.

પોતાનાથી કદાચ એક બે વર્ષ જ નાની લાગતી તે છોકરીને જોઈને ગગન હમેશા પોતાને તે છોકરીની જગ્યાએ કલ્પતો અને એક નવી દુનિયામાં પોતાની તમામ મહેચ્છાઓ પૂરી કરવા મથતો. પરીઓ જેવું જીવન જીવતી તે છોકરીનું નામ પણ ગગને પરી જ પાડ્યું હતું. આખો દિવસ તે બંગલા અને તેમાં રહેતી પેલી પરીના જીવન વિશે વિચારતા રહેતા ગગનને સપનાઓ પણ તેની કાલ્પનિક દુનિયાના આવતા.

દિવસ દરમિયાન ગગન જ્યારે પણ સમય મળે તે બારી આગળ જઈને બેસી જતો અને તે બંગલા અને તેની આસપાસ થતી હિલચાલ નિહાળતો રહેતો. ગામના સૌથી મોટા ધનાઢ્ય કહેવાતા શેઠનો તે બંગલો હતો. તેની વિશાળતા અને સુંદરતાના વખાણ આજુબાજુના ગામોમાં પણ ચર્ચાનો વિષય હતા. એટલે જ ગગન માટે પોતાના ઘરની તે બારી જાદુઈ દરવાજાથી ઓછી નહોતી. જેમાંથી તે ઈચ્છતો ત્યારે તેની નજરો એક અલગ દુનિયામાં પ્રવેશીને જાદુઈ લોકમાં વિહરતી રહેતી.

"અલ્યા ગગા ઇ બારી પાહેથી હેઠો ઉતર ને તારું દફતર પકડ, તારા બાપા બહાર તારી વાટ જોવે સે. ઝટ કર નિહાળે જાવાનું મોડું થાહે ને હારે તારા બાપુને પણ ફેક્ટરીએ જાવાનું મોડું થાહે." માના કર્કશ અવાજથી ગગન પોતાની જાદુઈ નગરીથી પાછો વાસ્તવિક દુનિયામાં આવ્યો અને પલંગ ઉપરથી નીચે ઊતર્યો.

"મારો ગગો મારો લાલો", મીના ગગનને વહાલ કરવા ગઈ પણ ગગન તેની સામે જોયા વગર સ્કુલ બેગ લઈને ઘરની બહાર નીકળી ગયો.

"હાલ ગગા, ઝટ કર. તને નિહાળે મૂકી મારે નોકરીએ જાવાનું સે". મગન બહાર પોતાની સાઇકલ તૈયાર કરીને ઊભો હતો. ગગનને જોઈ તેની આંખોમાં આનંદ છલકાઈ ઉઠ્યો પણ ગગનને પિતાની આંખોમાં છલકાતા તે પ્રેમને જોવાની દરકાર પણ નહોતી.

"કેટલીવાર તમને બંનેને કહ્યું મને ગગો નહિ કહેવાનું. મારું નામ ગગન છે. અને હા તમને મોડું થતું હોય તો હું સ્કૂલ જાતે જતો રહીશ. મને કઈ શોખ નથી તમારી આ ખખડધજ અને બાબા આદમના જમાનાની સાઇકલ ઉપર બેસીને સ્કૂલે જવાની. હું મારી રીતે ચાલતો જતો રહીશ." ગગન ગુસ્સે થતાં બોલ્યો.

"અરે મારા દીકરા તું ગમ્મે એવડો મોટો થઈ જાહે પણ અમારા માટે તો તું ગગો જ રેવાનો સે. અને તને મારી આ રામપ્યારી ઉપર બેહાડીને હું જાતે તને નિહાળે મૂકવા આવવાનો એ પણ રોજે રોજ, તને ઇ ગમે કી ન ગમે. મારો લાડલો આમ હેંડતો જાય તો મારો ને તારી માનો જીવ બળી જાય. વળી તને નિહાળે મૂકવા આવવાના બહાને તારા માસ્તરને પણ મળી લેવાય સે." મગન પોતાના હાથરૂમાલથી સાઈકલની સીટ લુછતો બોલ્યો.

મોં બગાડતો ગગન સાઇકલ ઉપર ચૂપચાપ બેસી ગયો. આગળ જતાં પેલી બંગલાવાળી કાર પાછી ફરી રહી હતી તેને જોઈ ગગનની આંખોમાં પિતાની જૂની પુરાણી સાઇકલ પ્રત્યે ફરી એકવાર ધૃણા ઉપજી આવી.

ગગન દસ વર્ષનો બાળક હતો, જેની આંખોમાં હજારો સપનાઓ સજાયેલા હતા. ખૂબ સાધારણ કહી શકાય એવા પરિવારમાં તેનો જન્મ થયો હતો. શરૂ થતાની સાથે જ ખતમ થઈ જાય એવી નાનકડી ૧૦×૧૫ ની લંબચોરસ ખોલી જેવા ઘરમાં ગગન તેના માતા પિતા સાથે રહેતો હતો. હોલ કહો કે રૂમ કે પછી રસોડું બધું તેમની એક નાનકડી ખોલીમાં જ સમાયેલ હતું.

ગગનના પિતા ગામ બહાર આવેલી ફેકટરીમાં મામૂલી કારીગર તરીકે નોકરી કરતા અને મા આજુબાજુમાં આવેલ ઘરોમાં ઘરકામ કરતી. બંને પતિ પત્નીની આછી પાતળી કમાઈ ઉપર ઘરનું ગાડું મંથર ગતિએ ચાલતું રહેતું. મીના અને મગન પોતાના એકલૌતા દીકરા ગગનને ભણાવી ગણાવીને મોટો માણસ બનાવવા માંગતા હતા, તે માટે બંને તનતોડ મહેનત કરતા અને કરકસર કરી જીવન પસાર કરતા જેથી પૈસાની બચત કરી દીકરાને આગળ મોટી હાઇસ્કૂલમાં ભણવા મૂકી શકાય.

માતા પિતાની કરકસર ગગનને તેમની કંગાલિયત લાગતી અને પરિવારની આવી સાધારણ પરિસ્થિતિથી તે હંમેશા નાખુશ રહેતો. પોતાના માતા પિતા જ તેમના આવા સંજોગો પ્રત્યે જવાબદાર છે તેવું ગગન માનતો હતો. પોતાનો જન્મ આવા ગરીબ પરિવારમાં કેમ થયો તે બાબતે ગગન હમેશા દુઃખી રહ્યા કરતો. પેલા બંગલા આગળ ખોલી જેવું પોતાનું ઘર તેને ખુબજ વામણું લાગતું હતું.

ગગનના સપનાઓ તેના નામના જેમ જ ઊંચે આકાશને અડકાવાના હતા. અને પેલી બારી તે સપનાઓમાં પ્રવેશવા માટેનો દરવાજો હતો. એટલે ગગન જ્યારે પણ ઘરે હોય ત્યારે અભણ અને અણઘડ લાગતા તેના માતા પિતાની સાથે બેસી વાતો કરી સમય બરબાદ કરવાની જગ્યાએ, તે બારી આગળ ગોઠવાઈ જતો અને તે બંગલાને નીરખ્યા કરતો.

તે બંગલાની અંદર રહેતા માણસોની જેમ તેનો દરવાજો પણ આખો દિવસ વ્યસ્ત રહેતો. અવનવી ગાડીઓની અવરજવરથી તે આખો દિવસ ધમધમતો રહેતો. જ્યારે તે બંગલામાં પાર્ટી હોય ત્યારે તેને ખુબજ સુંદર રીતે શણગારવામાં આવતો અને રાતના મોડે સુધી ચાલતી પાર્ટીમાં તેની સુંદરતા એટલી ઝગમગી ઊઠતી કે છેક બહાર સુધી તેની રોશની ફેલાઈ ઉઠતી. તે ઝગમગાટ ગગનને આકાશમાં ચમકતા તારલાઓ કરતા પણ વધારે સુંદર લાગતી હતી.

રોજ સવારે જ્યારે પેલી પરી સ્કૂલ જવા નીકળતી ત્યારે તેની એક ઝલક જોવા ગગન બહાવરો બની જતો. કેમકે તે પરી ગગનની નજરે દુનિયામાં સૌથી નસીબદાર બાળક હતી, જેના દરેક સપનાઓ ચપટી વગાડતાં પૂરા થતા હશે તેવું ગગન માનતો હતો. તેને જોઈ ગગનને ક્યારેક ખુશી તો ક્યારેક અદેખાઈના મિશ્રિત ભાવ થતાં. જે જાદુઈ દુનિયાના પોતે સપના જોતો હતો તે દુનિયામાં તે પરી રહેતી હતી, એટલે તેની એક ઝલક જોઈને ગગન ધન્યતા અનુભવતો.

તે બંગલાના માલિકની ફેકટરીમાં જ ગગનના પિતા નોકરી કરતા હતા. બંગલાને અંદરથી જોવાની તક ગગનને ક્યારે નહોતી મળી પણ ક્યારેક પ્રસંગોપાત તે પિતા સાથે ફેક્ટરી ઉપર જતો ત્યારે માલિકની જાહોજલાલી અને રોફ જોઈ તે પૂરેપૂરો અંજાઈ જતો. શેઠાણી પણ હંમેશા ખુબજ ઠસ્સા સાથે ફરતી જોવા મળતી. તેના સુંદર ચડિયાતા કપડા અને ઘરેણાં જોઈ ગગનને પોતાની મા સાવ ઉતરતી લાગતી. તે જાહોજલાલી વાળા જીવનની સામે પોતાના માતા પિતાની રહેણી કરણી અને દેખાવ ઉપર ગગનને ખૂબ શરમ આવતી. પોતાની ગરીબીથી ગગન અંદર ને અંદર શોષાઈ જતો હતો પણ ઘરની તે બારી તેના જીવનમાં નવો શ્વાસ ભરી દેતી હતી.

ગગનના દિવસો આમજ સામાન્ય પસાર થઈ રહ્યા હતા પણ એક દિવસ સોનેરી કિરણો રેલાવતો સૂરજ ગગનના ઘરની ઉપર ઉજાશ ફેલાવી રહ્યો હતો. આજનો દિવસ રોજ કરતા કઈક અલગ જ ઊગ્યો હતો. ઉઠતાની સાથે જ ગગનને એક ખબર મળવાની હતી જે તેના જીવનમાં એક નવો વળાંક લાવવાની હતી અને આગળ જઈને ગગનની પૂરી દુનિયા બદલાઈ જવાની હતી. તે વાતથી અજાણ ગગન હજુ પોતાની સ્વપ્ન સૃષ્ટિમાં વિહરી રહ્યો હતો. અને એજ સમયે ગગનના ઘરના દરવાજે દસ્તક થઈ.

ક્રમશઃ ....*

***
✍️ ધ્રુતિ મેહતા (અસમંજસ)