ગંભીરતાનું મહત્વ SHAMIM MERCHANT દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

ગંભીરતાનું મહત્વ


"મને તો એ જ નથી સમજાતું કે શું જોઈને તારી દાદીએ તારું નામ લક્ષ રાખ્યું હતું. તારી કોઈ પણ વર્તણુક કે રીતભાત એ દિશામાં જતી દેખાતી જ નથી."
રિપોર્ટ કાર્ડમાંથી માથું ઊંચું કરી, લીલા એના ચૌદ વર્ષના દીકરાને વઢી રહી હતી. લક્ષ નવમા ધોરણમાં હતો અને આ તેના બીજા સેમેસ્ટરના શરમજનક માર્કસ હતા. પરંતુ તેના ચહેરા પર એક ઇંચ પણ પસ્તાવો દેખાતો ન હતો. તેનાથી વિપરિત, તે તેના ઓછા માર્ક્સ વિશે તદ્દન બેદરકારીથી વર્તી રહ્યો હતો, જાણે કે તે કોઈ મોટી વાત નહોતી.
"મમ્મી રિલેક્સ કરો, હજી છેલ્લી પરીક્ષા બાકી છે, એમાં બધું સરભર કરી નાખીશ."

લીલાએ તેના પુત્રને ઉપરથી નીચે જોયું અને ચિડાઈ ગઈ. તેનું ટી-શર્ટ આગલા દિવસનું હતું અને તેણે શોર્ટ્સ પહેરી હતી. વાળ ન તો ધોયા હતા, ન કાંસકો ફરાવ્યો હતો, અને છતાં તે હાથમાં ક્રિકેટ બેટ લઈને ઘરની બહાર જવા તૈયાર હતો.
"લક્ષ, તારા અવતાર તો જો? આવો વાઘરી બનીને રમવા જઈશ? તું કોઈ પણ બાબતમાં ગંભીર કેમ નથી? ક્યારે બધી વસ્તુનું મહત્વ સમજીશ?"
ધીરજ રાખતા, લક્ષ હસ્યો અને લીલાના ખભે હાથ મૂકીને બોલ્યો, "અરે મમ્મી, છોળોને, એટલું તો ચાલે હવે."

"લક્ષ!"
સોફા પર બેઠા, લેપટોપ પર કામ કરતા કરતા, લોકેન્દ્ર દેસાઈ ઘણીવારથી એની પત્ની અને દીકરા વચ્ચેની વાતચીતને ચુપચાપ સાંભળી રહ્યો હતો. પણ પછી એનો પિત્તો ગયો, "સ્નાન ભલે આવીને કરજે, પણ કપડાં બદલી કર્યા વગર બહાર નથી જવાનું."
"પપ્પા પ્લીઝ!"
"ન માનવું હોય, તો ઘરમાં બેસ."
ન છુટકે લક્ષે તેના પપ્પાનો આદેશનું પાલન કર્યું, અને રમવા જતો રહ્યો.

લીલા આવીને લોકેન્દ્રની બાજુમાં બેઠી. "લોકેન્દ્ર હું આ છોકરાથી કંટાળી ગઈ છું, અને મને એની અતિશય ચિંતા પણ થાય છે. એના જીવનમાં કોઈ વસ્તુનું કાંઈ મહત્વ જ નથી. એના માર્ક્સ જોયા તમે?"
લોકેન્દ્રએ નિશબ્દ રિપોર્ટ કાર્ડનું નિરીક્ષણ કર્યું, અને ગંભીરતાપૂર્વક કહ્યું, "તું ચિંતા ન કર લીલા, આ બાબતની લગામ હવે હું મારા હાથમાં લઈશ."
"પણ લોકેન્દ્ર, ગુસ્સો કરશો, અથવા મારશો તો બાજી વધુ બગડી જશે."
લોકેન્દ્ર હંસી પડ્યો, "લીલા, મેં આજ સુધી એવું કાંઈ કર્યું છે? મારી યોજના કાંઈક જુદી છે. તું ફિકર નહીં કર, હું બધું વ્યવસ્થિત રીતે પાર પાડી નાખીશ."

લોકેન્દ્રએ લીલાનો હાથ પોતાના હાથમાં લીધો અને હળવેથી કહ્યું, "જો, હું તેના ભણતર પર ગરુડની નજર રાખીશ અને તું એની રહેણીકહેણી, વર્તણુક અને આચરણ ઉપર કાળજી રાખજે. થોડું મક્કમ થવું પડશે, પણ સાથે મળીને આપણે તેને પાછો પાટા પર લઈ આવશું."

તેના તરફથી, લીલાએ કોઈ કસર બાકી ન રાખી, અને ખાતરી કરી કે તેનો પુત્ર ઢંગનો તૈયાર થાય, તદઉપરાંત, યોગ્ય રીતે બોલવાનું અને વર્તન કરવાનું મહત્વ સમજે. પરંતુ લોકેન્દ્રએ હજી સુધી લક્ષના ભણતર વિશે કોઈ પગલાં નહોતા ઉપાડ્યા.

અઠવાડિયા પછી લક્ષની સ્કૂલથી ફોન આવ્યો, આચાર્યશ્રીએ એના માતા-પિતાને મળવા બોલાવ્યા હતા. પણ તેઓ એકલા નહોતા. બીજા આઠ વિદ્યાર્થીઓના માતા-પિતા પણ આવ્યા હતા.

એ લોકોના બચ્ચાઓ સહિત આચાર્યશ્રીએ બધાને કોન્ફરન્સ રૂમમાં જમા કર્યા અને બોલવાનું શરૂ કર્યું,
"હું હમેશા વિદ્યાર્થીઓના વડીલોને સારા સમાચાર આપવા માટે બોલાવવાનું પસંદ કરું છું, પણ અફસોસ કે આજે એ અવસર નથી. તમે બધા જાણો છો કે આપણી વિદ્યાલયને પચીસ વર્ષ થઈ ગયા છે, અને મને તમને જાણ કરતા ગર્વ થાય છે કે આ પચીસ વર્ષમાં આપણા દસમા ધોરણે દર વર્ષે ૧૦૦% પરિણામ પ્રાપ્ત કર્યું છે. તથાપિ, મને ડર છે કે આવતા વર્ષ વિશે હું વિશ્વાસપૂર્વક આ ખાતરી આપી શકું તેમ લાગતું નથી."

બધા માતા-પિતા મૂંઝવણમાં આચાર્યશ્રીને જોઈ રહ્યા. સ્કૂલના પ્રિન્સિપલએ ઊંડો નિસાસો ભર્યો અને આગળ બોલવાનું ચાલુ રાખ્યું, "અલબત્તા, હું મારી વિદ્યાલયના નામ ઉપર કોઈ આંચ આવા નહીં દઈશ, અને મને અમારો ૧૦૦% પરિણામનો રેકોર્ડ પણ કાયમ રાખવો છે. પરંતુ તમારા બચ્ચાઓના રિપોર્ટ કાર્ડ જુઓ. હમણાં ધક્કા મારી મારીને પાસ થાય છે, તો બોર્ડની પરીક્ષામાં નક્કી ફેલ થાશે. એટલે વિદ્યાલયના એડમિન પેનલે નિર્ણય લીધો છે કે જે વિદ્યાર્થીઓને આ વર્ષે ૬૦% નહીં મળે, તેમને દસમીમાં દાખલો આપવામાં નહીં આવે, અને ફરી એકવાર નવમા ધોરણનું પુનરાવર્તન કરવું પડશે."

આચાર્યશ્રીની ઘોષણાનો અસર આખા કોન્ફરન્સ રૂમની હવામાં ફેલાઈ ગયો. માં બાપ અને એમના બાળકો, બધા દંગ રહી ગયા. કોઈ કાંઈ દલીલ પેશ કરે, તે પહેલાં પ્રિન્સિપલ સાહેબે બીજો બૉમ્બ ફોડ્યો, "જેને અમારા નિર્ણયથી કાંઈ વાંધો હોય, તો તે સ્કૂલ છોડવાનું પ્રમાણપત્ર લઈને જવા માટે સ્વતંત્ર છે."

એક મિનિટ સુધી સન્નાટો છવાઈ રહ્યો. પછી આચાર્યશ્રી કહ્યું, "બધા વિદ્યાર્થીઓ હવે પોતપોતાના કલાસમાં પ્રવેશ કરે, અને માતા પિતા, મહેરબાની કરીને બહાર નીકળતા પહેલા રજિસ્ટરમાં હસ્તાક્ષર કરતા જાય."

લોકેન્દ્રએ ખાનગી રીતે લીલાનો હાથ દબાવ્યો અને ખમવાનો ઈશારો કર્યો. આચાર્યશ્રી એમની જગ્યાએ બેઠા હતા. જ્યારે કોન્ફરન્સ રૂમ ખાલી થઈ ગયું, તો
લોકેન્દ્ર ઉભો થઈને પ્રિન્સિપલ પાસે ગયો. બંને એકબીજાને જોઈને મીંઢું હસ્યાં અને હાથ મેળવ્યો,
"આચાર્યશ્રી સાહેબ, હું તમારો આ ઉપકાર ક્યારેય નહીં ભૂલું. મારી યોજનામાં સહકાર આપવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર."
લીલા આ સાંભળીને આશ્ચર્યચકિત રહી ગઈ, અને જોયું કે પ્રિન્સિપલ સાહેબ માથું હલાવી રહ્યા હતા.
"અરે દેસાઈ સાહેબ, આભાર તો મારે તમારો વ્યક્ત કરવો જોઈએ. મને અને એડમિન પેનલને તમારી યોજના અતિશય પસંદ આવી, અને અમે વિચાર્યું છે કે તેને અમારા વિદ્યાલયના નિયમોમાં ઉમેરી નાખીએ. હવે તમે જોશો, આ ધમકી રિપોર્ટ કાર્ડમાં કેવો ચમત્કાર લાવે છે!"

લીલાને શાંતિ થઈ અને આચાર્યશ્રી સામે હાથ જોડીને કહ્યું, "માતા-પિતા અને સ્કૂલ બાળકના સર્વાંગી વિકાસમાં અગ્રણી હોય છે, અને સાથે મળીને આપણે તેમના જીવનમાં ગંભીરતાનું મહત્વ શીખવી શકે છે."

લક્ષ તો સુધરી ગયો અને સાથે સાથે એના તોફાની મિત્રો પણ.

શમીમ મર્ચન્ટ, મુંબઈ.
________________________________

Shades Of Simplicity

This is my page on Facebook. I request you to please share it with your friends and family. Thank you so much

https://www.facebook.com/Shades-of-Simplicity-104816031686438/

Follow Me On My Blog

https://shamimscorner.wordpress.com/