જોગડો ઢોલી મહેશ ઠાકર દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

જોગડો ઢોલી

જોગડો ઢોલી

આજે એક બહુ જાણીતી કથા કે જેને, 'સૌરાષ્ટ્રની રસધાર' માં ઝવેરચંદ મેઘાણીએ ' ચાંપરાજ વાળો' શીર્ષકથી વાર્તા આપી તેમાં આવતી જોગડા ઢોલીની વાત કહેવી છે.

ઈ.સ.ની ચૌદમી સદીમાં જેતપુરમાં વાળા કાઠી ચાંપરાજ વાળાનું રાજ હતું. કોઇ કારણસર દિલ્હીના સુલતાન ફીરોજશાહ તુગલકનો સરદાર સમ્શખાન જેતપુર માથે ચઢી આવ્યો અને ચાંપરાજ વાળા અને સમ્શખાન વચ્ચે લડાઈ થઈ તેમાં જોગડા નામના ઢોલીએ સૌથી પહેલાં જનમ ભોમકાને માટે પોતાનું બલિદાન આપ્યું હતું.

લોક વાયકા તો એવી છે કે, જેતપુરનો કોઈ મોચી તેની કામણ ટૂમણ કે મેલી વિદ્યાના જોરે દિલ્હીના બાદશાહની શાહજાદીને કાયમ રાત્રે પલંગ સહિત પોતાને ઓરડે ઉતારતો અને સવારે પાછી મોકલી આપતો. આ વાતની જાણ બાદશાહને થતાં જેતપુરને ઘમરોળી નાખવા પોતાના સરદાર સમ્શખાનને લશ્કર સાથે મોકલે છે.

ચાંપરાજ વાળાની દોઢીએ બહાદુર જેતપુરીઓ એકઠાં થયાં છે. ચાંપરાજે આવનારા સંકટની વાત સાથે પોતાને અપ્સરાઓએ કહેલી વાત પણ કહી અને આ યુદ્ધમાં સૌથી પહેલાં જોગડો મરાશે તો એને કેમ બચાવવો એવું પૂછે છે ત્યારે એનાં પિતા એભલવાળા કહે છે કે, 'બાપ ચાંપરાજ ! એ ગા વાળે ઈ અરજણ ! વીર હોય ઈ અપ્સરાને વરે એમાં નાત્ય જાત્ય ન જોવાય મર જોગડો પે'લો પોંખાતો જેતપુરને ઝાઝો જશ ચડશે.' અને પછી એક યુક્તિ બતાવે છે કે, 'જોગડાને લઈ જાવ કોઠાને માથે ત્યાં એનાં ડિલને દોરડે બાંધી વાળો, હાથ છેટાં રાખો ને હાથમાં ઢોલ આપો. ઊંચે બેઠો બેઠો એ ઢોલ વગાડે, ને હેઠે ધીંગાણું ચાલે. પણ મજબૂત બાંધજો જોજો, તોડાવી ન નાખે.'

જોગડાને ગઢની રાંગ પર દોરડાઓથી મજબૂત રીતે બાંધવામાં આવ્યો. ચાંપરાજ એની પાસે આવી કહે, 'જો ભાઈ જોગડા ! સામે ઊભું એ પાદશાહનું દળકટક, આપણાં જણ છે પાંખા, જેતાણું આજે બોળાઈ જાશે,તને બાંધ્યો છે એટલા સારું કે ભુજાયું તોડી નાખજે, પણ તરઘાયો થોભાવીશમાં ! આ કોઠા સામા જ અમારાં માથાં પડે ને ધડ લડે એવો ઢોલ વગાડયે રાખજે ! '

શૂરાતને થરક થરક કંપતો જોગડો ચકચૂર આંખે ચાંપરાજની સામે નીરખી રહ્યો. કસકસીને એની કાયા બંધાઇ ગઇ છે. ધ્રૂબાંગ ! ધ્રૂબાંગ ! ધ્રૂબાંગ ! એની ડાંડી ઢોલ પર પડવા લાગી. ચાંપરાજ પોતાના બહાદુર કાઠી વીરો સાથે યુધ્ધ મેદાનમાં ઉતર્યો. કાઠી વીરોમાં શૌર્ય જગાડવા જોગડો પોતાનાં કાંડાનું કૌવત બતાવતો તરઘાયો વગાડવા માંડ્યો. એનાં મજબૂત હાથની જોરાવર ડાંડી ઢોલ પર પડતાં જાણે કે આસમાન ગૂંજવા લાગ્યું. કોઠા નીચે બેઉ સૈન્યોની ઝીંકાઝીંક બોલાવા માંડી, તલવારોના તોરણ બંધાય ગયા છે અને રણઘેલૂડો ચાંપરાજ વાળો મોખરે ઘૂમી રહ્યો છે.

... પણ ન રહી શક્યો જોગડો ! માથે કસકસાટ બાંધ્યોય ન રહી શક્યો. કાયરને પણ પાણી ચડાવનારી એની બે ભુજાઓમાં કોણ જાણે ક્યાંથી જોમ ઊભરાણું. એની ભુજાઓએ અંગ ઉપરના બંધ તોડી નાખ્યાં.ઢોલ પડતો મૂકી હાથમાં તલવાર લઈ બાદશાહના લશ્કર વચ્ચે કૂદી પડ્યો. દુશ્મનો પર વાર કરતાં કરતાં સૌથી પહેલાં એણે પોતાનું લોહી પોતાની જનમ ભોમકાને ઝાંપે છાંટ્યું. જોગડો વીરગતિ પામ્યો.

જોગડાની વીરતાને બિરદાવતા દુહાઓ ચારણ કવિઓએ રચી એને ઈતિહાસમાં અમર કરી દીધો.

રાંપીનો રાખણહાર,કલબા લે વેત્રણ કિયા,
વીજળી તણો વિચાર, તેં કિં જાણ્યો જોગડા !

હે,વીર જોગડા ! તું તો રાંપી લઈને મરેલાં ઢોરના ચામડાં ચીરવામાં કુશળ કહેવાય એને બદલે તેં તલવાર લઈને શત્રુઓને ચીરી નાખ્યા. તને તલવાર વાપરવાની યુક્તિ આપોઆપ ક્યાંથી સૂઝી ?

આગે છેલ્લી ઊઠતો, પે'લી ઊઠ્યો પાંત,
ભૂપામાં પાડી ભ્રાંત,જમણ અભડાવ્યું જોગડા !

હે, જોગડા ! તું તો ચમાર જમવામાં તારે હંમેશા સહુથી છેલ્લે બેસવાનો વારો આવે.પરંતુ આ યુદ્ધ રૂપી જમણમાં તો તું પહેલી પંગતમાં બેસી ગયો. સહુથી પહેલ વહેલો ત્રાટકીને મર્યો. તેં તો બીજા ભૂ-પતિઓ ( રાજાઓ)નું ભોજન અભડાવી માર્યું, એટલે કે તેઓની કીર્તિ ઝાંખી પાડી.

શંકરને જડિયું નહિ, માથું ખળા માંય,
તલ તલ અપરસ તાય,જે જદ્ય માંય જોગડા !

હે જોગડા ! શંકરને તો ઘણી ઈચ્છા હતી કે તારા જેવા વીરનું માથું લઈને પોતાની રૂંઢમાળામાં પરોવી લેવું, પણ એને એ માથું યુદ્ધ ક્ષેત્રમાં હાથમાં જ ન આવ્યું, કેમ કે, એને વરવાં માટે તો એટલી બધી અપ્સરાઓ સ્વર્ગમાંથી ઊતરી હતી કે એ બિચારીઓને એનાં શરીરનાં તલ તલ જેવડાં ટૂકડા વહેંચી લેવા પડ્યા.

કવિ ધાર્મિકભા ગઢવીએ પણ ' ચાંપરાજ વાળાનો રાહડો' ગીતમાં પણ જોગડાને બિરદાવ્યો છે...

જોગડો જમણમાં આખર બેહતો,
જુદ્ધ તણાં જમણે અભડાવ્યું ભાથ રે.

નોંધ : જેતપુરમાં ચાંપરાજ બારીએ જોગડાનો પાળિયો નાનકડી દેરીમાં નાના એવા પથ્થરમાં પ્રતીક રૂપે પૂજાય છે. આજે પણ લોકોને તેનામાં અપાર શ્રધ્ધા છે. લોકો ડુંગળીની માનતા માને છે અને એમનાં કાર્ય થાય છે એવી શ્રધ્ધા ધરાવે છે.( જાણવા મળ્યું છે કે એ વાળોદરા શાખનો હતો)

સંદર્ભ : સૌરાષ્ટ્રની રસધાર - ઝવેરચંદ મેઘાણી