શાદુલપીર મહેશ ઠાકર દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

શાદુલપીર

શાદુલપીરનું જગ્યામાં આગમન

“કેમ ઉશ્કેરાયેલા છો, શાદુળ ખુમાણ ?” સંતે સવારની આજારસેવા પતાવીને ગાયો દોતાં દોતાં એ મહેમાન આવેલા જુવાનને પૂછ્યું.

“મોકળો થવા આવ્યો છું; હવે પાછા જવું નથી.” જુવાન કાઠીએ નિશ્ચય જણાવ્યો.

“કેમ થાક લાગ્યો ?”

“હવે ઈજ્જત – આબરૂ સલામત નથી રહ્યાં ત્યાં -સંસારમાં. કાલે તો ધોળા દિવસે હું તારા દેખી ગયો.”

“શું બની ગયું ?”

જુવાને આગળ દિવસની આપવીતી કહી સંભળાવી :

“કાલે મારી મશ્કરી થઇ. હું ઘેરે નહોતો. માલ ચરવા અને તમને ગોતવા ડુંગરામાં ગયેલો. ઘેર પાછો જઈતંગીયો બદલી નાખવા મારી સુરવાલ ઠેલ ઉપરથી લેવા ગયો. જોઉં તો સુરવાલની નાડીનું ફુમતું ભીનું હતું. સહુને પૂછવા લાગ્યો કે મારી આવી મશ્કરી કોને કરી છે ? પણ કોઈ જવાબ ન આપે. આખરે એક નોકરે સાચી વાત કહી દીધી. ગામના એક રાજગરની વહુને આડું આવ્યું હતું કોઈએ એને કહ્યું હશે કે મારી નાડી બોળીને પીવરાવવાથી આડું ભાંગશે એટલે નાડી બોળીને રાજગર લઇ ગયો છે.”

“મારી શરમ નો પાર ન રહ્યો. મારી નાડી બોળ્ય આડાં ભાંગે એવો હું પવિત્ર ક્યાંથી ? આડું નહિ ભાંગે તો મારી ફજેતીના ફાળકા થશે. હું તરવાર પેટ નાખવાનો સંકલ્પ કરીને ઓરડામાં પુરાઈ રહ્યો. અધરાતે ખબર મળ્યા કે રાજગરની બાઈને આડું ભાંગ્યું છે. આખા ગામને મોંએ મારાં શીળનાં વખાણ થાય છે. પણ એ વખાણની દુનિયામાં મારે નથી રહેવું. કોઈક દિવસ કોઈકને આડું નહીં ભાંગે તો મારુ મોત ઊભું થશે એમ સમજી હું ચાલ્યો આવેલ છું.”

“શાદુળ ખુમાણ !” સંતે એને સમજ પાડી : “આ તો રૂંવે રૂંવે ચેપ લગાડનાર રક્તપિત્ત રોગની જગ્યા છે. તમે અહીં શું કરશો ?”

“જે કહેશો તે. તે કરીશ .”

“ઉતાવળ તો નથી થતી ને ?”

“નહીં રે નહીં, મારા પિતા આલા ખુમાણને મારાથી મોટેરા બે દીકરા વરાવેલા-પરણાવેલ છે . હું તો રઝળુ છોકરો છું. મારા તરફ નો પિતા ને સઁતોષ નથી. મેં ઘરસંસાર બાંધ્યો નથી‚ કે જેથી આજ માનવીઓનો માળો વીંખવાનો દોષ મારા પાર આવી શકે. હું ફક્કડ છું. જગતથી પરવરેલો છું”

ભેંસાણ ગામના કહેતી આલા ખુમાણના આ શાદુળ ખુમાણ નામે પુત્રને સંત ઠીક ઠીક પ્રમાણમાં પીછાણતા હતા. શાદુળ એ સુપાત્ર જુવાન છે. ઊંચા સંસ્કારનો ધણી છે. અહીં આવતો-જતો રહે છે. નામચી કોમનો, નામીચા કુટુંબનો દીકરો છે. જગ્યામાં બેસી જશે તો જગ્યાની પ્રતિષ્ઠા વધશે.

‘જગ્યાની પ્રતિષ્ઠા વધશે’ એ અંકુર સંત દેવીદાસના અંતરમાં અણજાણ્યો ફૂટ્યો. હૃદયની ભોમમાં રડ્યું ખડ્યું બીજ પડી રહેલું હોય છે તેનો ઓચિંતો કોંટો ફૂટે છે. એનો અવાજ થાતો નથી; એની આંતરિક ક્રિયા સમજાતી નથી. કોઈ વાર એ બીજ વિષવૃક્ષનું હોય છે.

“ભલે, બાપ શાદુળ !” સંતે વિભૂતિ લઈને તિલક કર્યું. “આજથી તું ગુરુદત્ત નો મહાપંથી બન્યો. લૂગડાં બદલી નાખ .”

શાદુળ ખુમાણે પનિયાની કાછડી વાળી રજપુતીનો લીબાસ ફગાવી દીધો તે જ સાંજે શાદુળના ખભા ઉપર ભિક્ષાની ઝોળી મૂકી. પચીસ વર્ષના કાઠી કુમારે પડખેના ગામડામાં ‘સત દેવીદાસ’ શબ્દની ટહેલ નાખી .

અને તે દિવસની રાતે તો શાદુળને જાણે કે દેવીદાસની જગ્યા પોતાના જૂના જૂના માતૃધામ-શી ભાસી .

એનું એક કારણ હતું : અમરબાઈનું સાથીપણું.

‘શાદુળ ભગતને જોગી વેશ કેવો દીપે છે !’ અમરબાઈના હૃદયમાં આનંદ ની એક લહેર ઉઠી.

શાદુળના અંતરાત્મામાં પણ ધ્વનિ થયો : ઘરમાં બબે ભાભીઓ હતી, છતાં, એક્કેયને મારી બહેન કહું એવો હૃદયસંબંધ નહોતો જામી શક્યો. ભાભીઓ એના બાળગોપાલ અને ઢોરઢાંખરમાં પરોવાયેલી રહેતી. મારા ભેંસો ચારવાના કામમાં બેમાંથી એક્કેય ભાભીને રસ નહોતો. અહીં તો અમરબાઈ બહેન રોજ સાંજે મારે ખભેથી ઝોળી ઉતારવાની વાટ જોઈને જ પરસાળ ઉપર ઉભી રહે છે. એના નેણાં મને હસીને આદર આપે છે. મારે બીજી શી પડી છે !

ભિક્ષા માંગવા જતા રોજે રોજ શાદુળના પગ વધુ વેગ પકડતા ગયા. હંમેશા એક એક ગામ વધુ માંગતો યોને તેની વધામણી આશ્રમે જઈને અમરબાઈ બહેનની પાસે ખાટતો ગયો.

રસ્તે કાળો સાપ પગમાં અફળાયો હોય, ગીરનો સાવજ મળ્યો હોય, કોઈ વટેમાર્ગુ બાઈઓએ ઠેકડી કેકટાક્ષ કર્યાં તે પોતે શાંતિથી સહી લીધા હોય, તે બધા વિશેની રજેરજ વાતો શાદુળ અમરબાઈને રોજ રાતે, કહેતો. ફરી ફરીને એની એ વાતો કહેવાનું મન થયા કરતું. વળતા દિવસનું પ્રભાત ક્યારે પડે અને ક્યારે હું અમરબાઈ કરતાં વહેલેરો ઉઠીને જગ્યાનું છાણ વાસીદું કરી નાખું, એ વાતનો એને અજંપો લાગ્યો.

“શાદુળ ભગત ! આમ તો તમે તૂટી મરશો.”

અમરબાઈના એ બોલ ઝીલવાના હોય તો પોતે પહાડોને પણ જડમૂળમાંથી ઉખેડી નાખે એટલા વેગમાં ને કેફમાં શાદુળ આવી પડતો.

ગામેગામની ગલીઓમાંથી શાદુળ ટહેલ કરીને પાછો વળતો ત્યારે પછવાડે વાતો થતી કે ‘આની નાડી ધોયેતો આડાં ભાંગતાં. એવો લખમણ જતી ! તોયે એને ભેખ ધર્યો’. શાદુળના કાં આવા બોલને પકડવા ઇચ્છતા નહોતા છતાંયે કોણ જાણે શાથી એના પગની ગતિ સહેજ ધીરી પડી જતી.

અમરબાઈના જીવનમાં શાદુળ ભગતના આવ્યા પછી નવી સ્ફૂર્તિ ચડી. તે રાત્રીએ દત્તાત્રેયના ધુણા પર સાંભળેલા ધ્વનિ શમી ગયા. ‘ચાલી આવ !’ ‘પાછી ચાલી આવ !’ કહી સંસારમાંથી સાદ દેનારું કોઈ ના રહ્યું. અંતર સભરભર બન્યું. જન્મમરણનો સાથી સાંપડ્યો.

રાત્રી અને દિવસ ટૂંકા પડવા લાગ્યાં. વાતો જાણે ખૂટતી નહોતી. છાણવાસીદુ અને જળસિંચન જેવાં જગ્યાનાં વસમાં કે ગંદા કોઈ પણ કાર્યોમાં સ્ત્રીપુરુષનો ભેદ ન રહ્યો.

“ના, અમરબાઈ, હું છાણ ઉપાડીશ.” શાદુળ જીદ લેતો.

“નહીં રે, ભગત, પુરુષના હાથ એને ઠેકાણે શોભે, ને અસ્ત્રીના તેને ઠેકાણે, સહુ સહુને સ્થાને રૂડું.” એમ કહેતી અમરબાઈ છાણનો સુંડલો શાદુળના માથા પરથી ઝુંટવી લેતી. ઝુંટવવા જતાં રાંકજાકમાં બેઉને છાણ ઉડતું.

“જાઓ, અમરબાઈ !” શાદુળ બોલી ઊઠતો. “ધેનુ માતાનું છાણ એની સાખ પૂરે છે. આપણે બેય છંટાણા. માટે બેય વચ્ચે વારા.”

એકાંતરા એ કામ ની બદલી થવા લાગી.
‘આપણે બેય છંટાણા !’ સાદું સરળ વચન : છતાં બોલનાર-સાંભળનાર બેઉને કલેજે એ બોલમાંથી નિગૂઢ અર્થ છંટાયો.

બીજા જ દિવસે બંને જાણ સંત દેવીદાસની પાસે ગયાં. પછવાડે વાડામાં સંત હંમેશાની માફક લીમડાનાં પાંદ પલાળેલા જળે રક્તપીત્તીયાને સાફ કરતાં હતા. સડેલા પચીસ મોઢાંની જીવતી ભૂતાવળ વચ્ચે, તેઓની ચીસાચીસો ઉપર કોમળ કરુણાળુ બોલ વેરતા સંતે બેઉનો સંચર સાંભળી પછવાડે જોયું.

જરા તપીને કહ્યું : “મેં તમને આંહીં આવવાની હજુ રજા નથી આપી.”

“રજા ને બજા, બાપુ !” અમરબાઈએ દઢતાથી ઉત્તર દીધો. “હવે બહુ થયું. ઉઠો હવે. એ કામ અમને કરવા આપો.”

શાદુળ ભગત બાજુમાં ઊભા ઊભા અમરબાઈને પક્ષે પોતાનું વિજયી સ્મિત વેરતા હતા.

સંતે બેઉની આંખોમાં આકાંક્ષા વાંચી. પૂછ્યું : “આજનો દિવસ ઠેરી જશો ?”

“કેમ, શા માટે ?” અમરબાઈ જોર પર આવ્યાં.

“મારે તમને એક વાત કહેવી છે.”

“હમણાં જ કહો.”

“ભલે, આજે આ કામ પતાવીને આવું છું.”

બેઉને એકાંતે લઇ જઈને પછી સંતે શાંતિથી પૂછ્યું : “આંહીં જગ્યામાં કોઈ અરીસો છે ?”

અમરબાઈ પાસે અરીસો નહોતો, પણ એને તે વખતે એક નવી વસ્તુ યાદ આવી. શાદુળ ભગત આવ્યાં ત્યારથી પોતે કોણ જાણે શાથી પણ જ્યાં ત્યાં પાણીમાં પોતાની છબી જોયા કરતી : કૂવાકાંઠે અવેડીમાં, ગાયને પાવાની ઠીબડીમા, જ્યાં જ્યાં પોતે સ્વચ્છ દર્પણ સમું દળ જોતી, ત્યાં એને પોતાનું મોં જોવાનું મન થતું. પોતે પોતાને જ નિહાળી જાણે મુગ્ધ બની જતી.

પણ અરીસાને બદલે એ પાણીનો ઉપયોગ બતાવવાની હિંમત તે વખતે ચાલી નહીં. અમરબાઈ એ એક નિર્દોષ જણાતી વાતને આને પહેલી જ વાર પોતાના પેટમાં પુરી રાખી.

“અરીસો મળશે ક્યાંય ?”

શાદુળ ઉઠ્યો. એને પોતાના સરંજામમાંથી એક નાનું ફેંટામાં સમાય તેવડુ આભળું કાઢ્યું ને સંતની પાસે ધર્યું.

વગર પૂછયે જ એને કહી નાખ્યું કે, “આ મને એન ગોવાળે આપ્યું હતું. ” પોતે ગોવાળની કાનેથી માંગીલીધું હતું, એટલું સ્પષ્ટ એ ન કહી શક્યો.

“કઈ વાંધો નહીં, ગોવાળનું દર્પણ હોય કે રાજાનું હોય, મોં દેખાશે. મારી એવી ઈચ્છા છે કે એક વાર તમે બેઉ તમારા મોં આમાં જોઈ લ્યો. પાછળથી રાખે ઓરતા રહી જાય.”

બેમાંથી એકેયને કંઈ નવેસર મોં જોવાનું તો હતું જ નહીં. શરમીંદે ચહેરે બેઉએ એ ક્રિયા કરી નાખી.

“હવે ફરી પાંચ તમારે આરસામાં જોવાનું થાય ત્યારે તમને આસરો ફરેબ દેશે તો ?”

એમ કહીને દેવીદાસે પોતાના મોં ઉપર ચામડીના જ જેટલું પાતળું એક મુલાયમ માટીનું પડ હતું. એપળની પોપડીઓ ઉખાડી જતાં સંતના સીસમ જેવા શ્યામરંગી રબારાં ચેહરા ઊપર સફેદ ટીબકીઓ દેખાઈ. ટીબકીઓ ઊપર ધીરે ધીરે રસીના ટશિયા બેઠા.

સંત બોકાની બાંધી રાખતા. એમ લાગતું કે દાઢીના વાળને સરખા રાખવા માટેની એ બોકાની હતી. એબોકાની છોડતાં, નીચેનો હોઠ કિનારી પરથી થોડો થોડો ખવાતો હોય તેવો દીસ્યો.

“જોયું ?”

બંનેની આંખો મટકું મારવું રોકી રહી હતી.

“ઝાળ લાગી ગઈ છે : હાજી તો આરંભ જ થાય છે. પણ છ મહિને તમે મારુ સ્વરૂપ ભાળીને ભાગશો.”

બેમાંથી કોઈ એ ચુંકાર કર્યો નહીં. તેમની આંખો ફાટી રહી હતી. છ મહિના પછીની કલ્પના એ નેત્રો નિહાળતા હતાં.

“તમે માનતા’તાં કે ‘સત દેવીદાસ’ ના શબ્દનો ચમત્કાર હતો. ના, ના હું એક પામર રબારી છું, મારી પાસે સિદ્ધિ નહોતી. સમજીને જ હું બેઠો’તો કે આ ફૂલ જેવી કાયા, માનવીની કાયાઓ જેવી જ આ કાયા, એક દા’ડે સડીગંધાશે. પણ કાયા નો બીજો ઉપયોગ ન સૂઝયો. એટલે જ મેં એ અભાગણીને કહ્યું કે બાઈ, આખરેય જાવુંતો છે બળતા ખોડસામાં ને ! તો પછી કાંઈક કામે લાગીને પછી જ જાણે !”

કેટલી બધી મીઠાશથી આ મનુષ્ય પોતાના સત્યાનાશથી ચર્ચા કરતો હતો ! પાણી જાણે આગની વાતો કહેતું હતું.

સંતે વાત આગળ ચલાવી : “અજબ થશો નહીં તમે બેઉં. હું તો આ ભોગવી જાણું છું જુના કાળથી. જુવાન હતો ત્યારે દીપડાના એક જડબા ઊપર પગ દબાવીને બીજે જડબે થી મેં આખો ને આખો ચિરયો હતો. શિકારીની બંદૂકથી ગોળી મને વાગેલી, ત્યારે મેં મારી છરી વતી દેહનો એ ભાગ ડખોળી ડખોળીને ગોળી બહાર કાઢી હતી. એટલે આજ મને આ રોગની પીડા વસમી નહીં થઇ પડે.” પોતે હાસ્ય. કહ્યું : “આટલું જાણ્યા પછી હવે કાલે જવાબ દેવા આવજો.”

ફરી પાછા દેવીદાસે માટીના પોપડા મોં પર લગાવી દીધા ને બોકાની બાંધી લીધી.

વળતા દિવસે અમરબાઈ કે શાદુળ બેમાંથી એકેય જાણે આ વાતનો ઉચ્ચાર કર્યો નહીં. સંતે પણ એનો સીધો, આડકતરો કશો ઈશારો કર્યો નહીં.

રક્તપીત્તીયાના ભયાનક ચેપથી ભય પામેલા બન્નેએ જગ્યાની બીજી બધી સેવાઓનું જ શરણું લીધું. જાણે લપાઈ ગયાં.

અહીં આવ્યાં પછી શાદુળને કંઈક ને કંઈક ગાવાનું દિલ થઇ આંતુ. પ્રથમ તો એ છૂપો છૂપો ગુંજારવ કરતો :

માનસરોવર હંસો

ઝીલન આયો જી !

એ ભજન પંક્તિ એને પ્યારી હતી. કુવામાંથી પાણી ખેંચતી વેળા એ ગાન એને વિરામ લેવરાવતું, સ્ફુરણાદેતું, ખેંચાતી ગાગરને, ભુજાઓની પેશીઓને, બિન્દુ બિન્દુ રુધિરને, આખા દેહના રોમેરોમને તાલબંધ છંદની રમતેચડાવતું. જલભરણની ક્રિયા કવિતામય બની જતી. અમરબાઈનો તો નારી-આત્મા હતો. કવિતાના સૂરો એને જગ્યાની દિનચર્યા કરતાં વિશેષ ગમવા લાગ્યાં. વાસીદું કરતી એ સાવરણીપર શરીર ટેકવીને થંભી રહેતી. કૂવાકાંઠે જાણે કે સ્વરોની કુંપળો ફૂટતી :

માનસરોવર હંસો

ઝીલન આયો જી !

પોતે પણ ઝીણા કંઠે ઝીલતી :

માનસરોવર હંસો

ઝીલન આયો જી !

કૂવાકાંઠે વધુ બોલ, વધુ પ્રબલ બોલ ફૂટતા :

બસતીમેં રેના અબધૂત !

માંગીને ખાના જી.

ઘર ઘર અલખ જગાના મેરે લાલ !

લાલ મેં તો જોયું તખત પર જાગી. -માનo

શબ્દોની, સૂરોની જાણે કે કસુંબલ કટોરીઓ ભરતી હતી, અમરબાઈ એ કેફનુ પાન કરતાં હતાં.

આટલી મીઠી હલક શું આના ગળામાં પડી છે? રાગ તો પ્રભુનેય પ્યારો લેખાય. મીરાંએ, નરસૈયાએ, કૈકે પ્રભુને રાગ વાટે સાધ્યો છે. સંતે તે દિવસે દેહને શા માટે તોછડાઈથી વર્ણવ્યો ? કાયાની અંદર તો કેવી કેવી વિભૂતિ મૂકી છે કિરતારે !

સારું થયું કે શાદુળ ભગત રક્તપિત્તિયાની સેવામાં ન ગયાં. હું એના હૈયાના ગાનને પંપાળી બહાર લાવીશ. મુક્તિપંથની સીડી એના કંઠમાંથી મંડાશે.

શાદુળને કાને સંભળાય તેવી રીતે પોતે સુર પુરાવતાં થયાં :

ઈંદરીકા બંધાયા અબધૂત !

જોગી ન કે’ના જી !

જબ લગ મનવા ન બંધાયા મેરે લાલ !

લાલ મેં તો જોયું તખત પર જાગી. – માનo

આ પદના અર્થ સમજવાની જરૂર નહોતી. એના બોલની અને એના ડોલનતા ઢાલની મસ્તી શાદુળના દેહ-પ્રાણમાં પ્રસરતી ગઈ.

ધીરે ધીરે ખીંટી પર ટીંગાતો તંબુરો નીચે ઉતર્યો : એની રજ ખંખેરાઈ મંજીરા એકઠા થયાં. એને દોરીબંધાઈ. એકાદ ઢોલક પણ વટેમાર્ગુઓ માંથી કોઈક ભજનપ્રેમીએ આણી આપ્યું. નવા નવા પદોની શોધ ચાલી. રાતની વેળાએ જ નહીં, દિવસના ફાજલ પડતા ગાળામાં પણ આ ભક્તિરસના તરંગો બેઉ જણાને આનંદસાગરનીઅધવચાળે ખેંચવા લાગ્યાં.

‘આપણી જગ્યામાં આ એક ખામી હતી તે પુરાઈ ગઈ.’ અમરબાઈને અંતરે પ્રફુલ્લિત અભિમાન સ્ફૂર્યું.

પંથે ચાલતા પથિકોની અને માલ ચારતા માલધારીઓની પણ પછી ભીડ થવા લાગી. જગ્યાનો મહિમા પવનવેગે પ્રસરતો થયો.

કોઈ કોઈ વાર દેવીદાસજી ધીરે રહીને કહેતા, “આજ તો બાપ, ઝોળી ફેરવવા જાવાનું કાંઈક મોડું થઇ ગયું હો ! ઠીક, કાંઈ ફિકર નહીં.”

એમના અંદર ગયાં પછી બન્ને જણાના મુખો પર કચવાટની રેખાઓ દોરાઈ જતી.

દિલમાં બન્ને સમજતાં : જાત રબારીની ખરીને, એટલે કાવ્યમાં, કીર્તનમાં, સંગીતમાં સુક્ષમ રસ ક્યાંથી હોય?

બાપુનેય જો પતિયાંનો ચેપ લાગ્યો તો પછી એમને પ્રભુ મળ્યા એ વાત સાચી ન કહેવાય ને ? -આવાસંશયો ઊભા થયાં.

એક વેળા રાત્રીની ભજનમંડળી જામી પડી હતી. સાંભળ નારાઓની ઠઠ બેઠી હતી. શાદુળના ને અમરબાઈના કંઠમાં નાખવા માટે લોકો વગડાઉ ફૂલોના ફુલહાર લઇ આવ્યાં હતાં.

ફુલહાર થકી દીપતો જુવાન જોગી ગાતો ગાતો ઉભો થઇ ગયો. તંબૂરા સહીત એ નાચવા લાગ્યો. એના નેત્રોમાંથી આનંદ સમાધિનાં ચોધાર આંસુ ચાલ્યા જતાં હતાં.

પછી એ બેઠો. એને હાથમાં કરતાલો લીધી, એવી તો મસ્ત ઝુક બોલી, અને એ ઝુક એવી તો જોશીલી રીતે શાદુલે લેવરાવી, કે ‘કડાક’ કરતો એને બેસવાનો ખાટલો તૂટ્યો, ખાટલાની જોરાવર ઇસના કટકા થયાં.

ગામડે ગામડે ખબર પડી : શાદુળ ભગતને તો દેવી ઓતાર આવી જાય છે !

ભક્તિરસમાં નિમગ્ન બનેલા આ બાલુડા જોગીની સામે રાત્રીના ચંદ્રતેજમાં, અમરબાઈ નીરખી લેતા. ને એને થતું :

*મોર ! તું તો*

*આવડા તે રૂપ ક્યાંથી લાવ્યો !*

*મોરલો મરત લોકમાં આવ્યો.*

*મોર ! તું તો*

*સૂતો સારો શેરો જગાયો,*

*મોરલો મરત લોકમાં આવ્યો.*

ઝીણા ઝીણા કંઠે એ ગાવા લાગી. ગાતા ગાતા એને ભાસ થયો કે સારી સૃષ્ટિ અને ગગનપડદા પર કોઈ માનવ મોરલાની કળા પથરાઈ ગઈ છે. એ પિચ્છકલાપ પોતાના વારનાં લઇ રહેલ છે. માયા ! માયા ! આ જગ્યા, રક્તપિત્તિયા, સંત દેવીદાસ, સર્વ જાણે માયાજાળ છે. સત્ય એક જ છે : આ મોરલો, ને એનો સુર મલ્લાર.

*સત દેવીદાસ અમર દેવીદાસ*

*જય પરબના પીર*

*આગળની વાત હવે પછીના ભાગમાં મુકવામાં આવશે ….*

લેખક – ઝવેરચંદ મેઘાણી
આ કથા સોરઠી સંતો માંથી લેવામાં આવેલ છે.