જીવંત પ્રેમ અનિલજી (અનભા) દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

જીવંત પ્રેમ

'આ ડોહા પાસે ગણો રુપીયૉ સ પણ હજુ બકરા ચરાવે સે." આવુ મે ગણા લોકોનાં મોઢે શાભળેલ.

એ ડોસાને આજે સંધ્યા ટાણે જયારે હું ને પ્રવીણ લટાર મારવા નીકળ્યાં ત્યારે બકરીઓ લઇ ગામ તરફ પાછો જતાં જોયો. પહેરેલ કપડા જુના ને ફાટેલ જગ્યાએ અલગ અલગ કલરનાં દોરાથી સાધેલા, પણ હતાં શાફસુથરા. માથે લાલ રૂમાલ બે-ત્રણ આંટી મારી વીટાળેલો. લાંબી વધેલ દાઢીં, જેમાં હવે કાળા વાળ પોતાનું અસ્તિત્વ બચાવવા મથતા હોય તેમ માંડ બચેલા. ખભે વાકિચુંકી લાકડી. બકરા આગળ ને એ પાછળ. મોંનાલિસાનાં ચિત્રની જેમ ચહેરા પર નાંતો ખુશીનાં ભાવ કળી સકાય નાં તો ઉદાસીનતા નાં. પણ હા ચહેરા પર એક સામન્ય રીતે કળી નાં સકાય એવી દુઃખ-સુખની ભેળસેળ વાળી લકીર અવશ્ય દેખાતી હતી જે સામાન્ય નજરે કોઈ જોઇ નાં સકે. અને જે જોઇ સકે તેં ઉકેલીનાં શકે એવી.

'આ વખતે કપાસ હારો થ્યો સ નય" પ્રવીણ બોલ્યો.
મારુ ધ્યાન ડોસા પરથી હટી રસ્તાની આજુબાજુ કપાસનાં ખેતરો પર ગયું. ખરેખર આ વર્ષે કપાસની ખેતી સારી થાય એવી લાગતી હતી.
'હજી એકાદ વરહાદનું ઝાપટું પળી જાય તો રવસ આઇ જાય હો" .પ્રવીણ બોલ્યો.

'હં..મ"મે એની વાત ને ટેકો આપ્યો.

આમ પ્રવિણ અને હું રોજ સાંજે સાથે લટાર મારવા નીકળતા.કોઈ વાર પ્રવીણ ના આવે તો હું એકલો પણ નીકળી જતો. જોકે પ્રવીણ ને હું આગ્રહ કરી સાથે લેતો. કોઈ વાર ખેતીનું કામ વધારે રહ્યુ હોય તો થાકનાં કારણે નાં પણ આવે. અમારાં બન્ને નો લટાર મારવાનો હેતુ પણ અલગ જ હતો. મને પ્રકૃત્તિને નિહાળવાનો અને ખાસ ઘોઘાટથી દુર શાંત વાતાવરણમાં જવામાં રસ અને પ્રવીણને કોના ખેતરમાં કેવો પાક થયો છે એમાં.પ્રવીણનું ગામ એ મારા મામાનું ગામ. હું બાળપણમાં ધોરણ સાત સુધીનો અભ્યાસ અહી કરેલ ને પછી પોતાના ઘરે શહેરમાં. શહેર મોટુ તો નઈ પણ હા શહેર તો ખરુ. પણ મને શહેરનું વાતાવરણ અને રીત-ભાત ગામડાં જેટલા કદી અનુકુળ આવ્યા નહી.ને પછી તો નોકરી માટે મોટા શહેરમાં જવાનું થયું. જેથી મારી ગામડાંની જંખનાં એનું વાતાવરણ અને મારા બાળપણની યાદો મને બે-ત્રણ મહિનામાં એકાદ વાર નોકરીમાંથી રજા લઇ અહી આવવા માટે પ્રેરિત કરતી. ને આમ હું જેટલા દિવસ રહું એટલાં દિવસ સંધ્યા ટાણે ગામ દુર પાદરનાં પાક્કા રસ્તા પર ફરવા નીકળી પડતો.

પ્રવીણની નજર હજુ રસ્તાની આજુબાજુનાં ખેતરો તરફ જ હતી. ને મારુ ધ્યાન હજી પેલા બકરીઓ ચરાવવા વાળા ડોસાની
મુખમુદ્રા ઉકેલવામાં. એનું કારણ ઘણા સમયથી સાંભળેલી એ ડોસા વિશેની વાતો અને ખાસ આજે મે જોયેલ એનાં ચહેરા પરના ભાવો પરથી એવું લાગ્યું કે એ એક અલગ દુનિયામાં એટલે કે પોતાની જ દુનિયામાં મશગુલ જીવતો. જેમ બાકી દુનિયા સાથે કઇ લેવાદેવા જ નાં હોય એવો લાગ્યો.

મે પ્રવીણ ને પુછ્યું. 'શુ આ ગ્યા એ ડોસા પાસે ખરેખર લાખો રૂપિયા છે છતા બકરા ચરાવે છે?"
'ખબર નહીં પણ વસ્તી વાતો કરહ કૈ એનાં પાસે માલ ગણો સે. એ પેલા સુરત રેવા જતો રયો તો તાં એની કાપડની મિલો ચાલે સે" પ્રવીણેએ કહ્યુ.

'તો પછી પાછો અહી કેમ?"

'ખબર નઈ પણ લોકો કૈ સ ક એનાં છોકરાં અને વહુઓ એન હવ નહીં રાખતા. પણ મન નહીં લાગતું એની પાસે કાઈ હોય. હોત તો આવો લગરવગર નાં ફરતો હોત. લોકો અમથા વાતો ફેરવ્યા કર હ. એ વાઘરા પાસે હુ હોવાનું વળી"

એમ અમારી વચ્ચેનાં વાર્તાલાપમાં નાપ આવી ગયુ. જ્યાંથી અમે પાછા ફરતા. નાપ એક તળાવ છે જયાં સુરપૂરા અને ઉનાવા એમ બે ગામનાં સીમાડા મળે છે. પેલા ત્યાં તળાવ ન્હોતું પન એક નાનું જંગલ કહી સકાય એવો ભાગ. જેને ગામડાંની ભાષામાં "જોડીયું" કેવાય.જયાં નાનાં મોટા બાવળ,ખિંજળા અને બોરડી નાં ઝાડ હતાં. રાત સમયે અહીંથી કોઇ એકલદોકલ માણસ નીકળી પણ નાં સકે એવું.પણ હવે ત્યાં એક મોટુ તળાવ ખોદાઇ ગ્યું છે. ને પેલા જેટલા ઝાડ હવે રહ્યાં નથી.નાનપણમાં મે પણ અહીં બોર ખાધેલ.

સૂર્ય આથમવા આવ્યો હતો. અમે સુરપુરા તરફ પાસા ચાલવા લાગ્યા. લોકો પન હવે ખેતરમાંથી પાસા ફરી રહ્યાં હતાં. જે ને ભેંસો દૌવાની હતી એ બાઈયું જરા ઉતાવળા પગે માથે ઘાસનો ભારો મુકી ચાલતા હતાં. તો વળી કોઈ બાઈક પર ખાસનો ભારો મુકી જતું હતું.

બીજા દિવસે પ્રવીણ મને સામેથી બુમ મારી કીધું કે 'હેડ નાંપે આવવું સ" ત્યારે હુ રોડ પર હનુમાન મંદીરનાં બહારના બૌકડે બેઠો તો.

'આટલું વેંલૂ" મે કહ્યુ.

'અમાર વિનીયાનાં શેતરમાંથી પૂળા લાવવાના સ એટલ જઇયે સીએ" પ્રવીણએ કહ્યુ.

પ્રવીણ અને તેની પત્ની સાથે જઇ રહ્યાં હતાં.એ મારા જવાબ ની રાહ જોઇ ઉભા રહ્યાં.

' હં... ચાલ આવું " ચપ્પલ પહેરી બૌકડેથી ઉભા થતા મે કહ્યુ.

અમે ત્રણ જણ નાપ તરફ ચાલવા લાગ્યા. હજી તો સુરજ દાદા માથા પરથી થોડા નીચે નમ્યા હતાં પણ વાદળ છાયા આકાશ ને કારણે એટલો તાપ લાગતો ન હતો. પ્રવીણ અને તેંની પત્ની કંઈક ખેતરનાં કામની વાતો કરતા મારી આગળ ચાલતા હતાં. કોઈ વાર વાતવાતમાં જગડતા હોય એવું પણ લાગ્યું. ને પછી પાછા હસતા હસતા પણ વાતો કરવા લાગ્યા. મે વિચાર્યું કે કદાચ આને "love elasticity" કહી સકાય એટલે કે 'બે પ્રેમ કરતા લોકો વચ્ચે બંધાયેલ રબ્બરની દોરી' જે અમુક હદ સુધી જ ખેંચાય છે અને પછી પાછા એકબીજાને નજીક ખેંચી લાવે છે.
એમ એમની વાતો અને મારા મનોમંથનમાં નાપ આવી ગ્યું. વિનીયાનું ખેતર નાપની બાજુમાં જ હતું.

પ્રવીણ એ કહ્યુ 'અમે પૂળા બાંધવા જઇયે સીએ તાર તાં આવું સ"

'નાં તમે જાઓ હું અહિયાં તળાવની પાસે બેસું છું."

હું તળાવની બાજુનાં રસ્તા પર કોઈ છાઇડ઼ે બેસવાની જગ્યા શોધતો હતો. ત્યાં મને તળાવની સામેની બાજુમાં એક મોટી બોરડીનું ઝાડ દેખાયું. તેની નીચે બેસવા માટે કોઈએ પથ્થર પણ મુક્યા હતા. કોઈક ગાયો ભેંસો ચરાવવા વાળાએ મુક્યા હસે. હુ તેં ભણી ચાલ્યો. જતી વખતે મારી નજર બોરડી પર પડી. બોરડી પર પત્તાં કરતા બોર વધારે દેખાતા હતા. જેમા અડધા ઉપર પાકી ગયા હતાં. કદાચ પહેલાની જેમ અહી બાળકોનાં ટોળાં હવે બોરડી નીચેં મંડરાતા લાગતા નથી. પાદરમાં ભેળા રખડવું ને આંબલી-પીપળી જેવી જૂની રમતો હવે બાળકોમાં લુપ્ત થતી જાય છે. બાળકો ને હવે વિડિઓ ગેમ અને મોબાઇલમાં રસ વધારે છે. એટલે જ બોરડી પર આટલાં પાક્કા બોર છે,જે હવે પોતાની રીતે જ પાક્કી નીચે પડી જાય છે. હું નીચે પડેલાં થોડા બોર વીણી પથ્થર પર બેઠો. બોરની મીઠાસ સે મારા બાળપણ ને ફરી જીવંત કર્યું. મુઠ્ઠી માંનાં બોર પતી જવાથી હું બોરડી પરનાં બોર પાડવા ઉભો થયો. પણ ઝાડ ઊંચું હોવાથી હાથથી પહોંચાય એવું હતુ નહીં.ને એમાંય બોરડીના કાંટા ને મારી નાનપણની ઝાડ પર ચડવાની આદત પણ છૂટી ગઇ હતી. એટલે મે આજુબાજુ કોઈ લાકડી જેવું શોધવાનો પ્રયાસ કર્યો પણ કાંઇ હાથ લાગ્યું નહીં. એટલે હું રોડની સાઈડ પરના પથ્થર લઇ આવ્યો. પથ્થર લઇ જેવો હું બોરડી પર ફેંકવા જતો તો ત્યાં મને કોઈ એ પાછળથી અવાજ દીધો.

'ઉભા રયો બાપુ..."

મે પાછળ વળી જોયું તો પેલો બકરા ચરાવવા વાળો ડોસો હતો.

'એમ પથ્થર ફેક્સો તો કાચા બોર પણ નીચે પળી જશે. ઉભા રયો હું લાકડીથી પાડી આપું" એમ કહી તેં બોરડી પરનાં પાક્કા બોર પર ધીરે ધીરે લાકડી મારવા લાગ્યો.હું નીચે પડતાં બોર વીણવા લાગ્યો. બોર વીણી હું પર પથ્થર બેઠો.

'બોર ધોવા હોય તો બોટલમાં પાણી સે " તેણે કહ્યુ.

'નહીં ચાલશે" મે બોર ખાતા ખાતા કીધું.

'કેમ આજે સાંજની જગ્યાએ બપોર ટાણે આ બાજુ" તેંણે પુછ્યું.

મે તેની સામે કઇ બોલ્યા વગર જોયું.

'નાં આતો તમને ખાસ સાંજની વેળાએ પ્રવીણભાઈ સાથે આ બાજુ આવતાં જોયા છે એટલે પૂછુ છું" ડોસાને લોકોની 'પ્રાવેંન્શી'નો ભંગ થાય એવા સવાલ નાં કરવા એનું પણ જ્ઞાન છે એવું મને લાગ્યું.

'પ્રવીણને અહી બાજુના ખેતરમાં કામ હતું એટલે હુ પણ એની સાથે આવ્યો" મે કહ્યુ.

'હં..." તેણે સહમતીમાં માથું ધુણાવ્યું.

થોડી વાર અમારાંમાંથી કોઈ કશુક બોલ્યું નહીં. હું બોર ખાઈ ને ઠળિયા મોઢેથી કેટલાં દુર ફેંકી શકુ છું તે જોતો હતો. ને તેં બકરીઓ ચરતિ હતી ત્યાં નજર રાખી બેઠો હતો. મને તેનાં વિશે જાણવાની ઉશુક્તાં તો હતી પણ હું કાંઇ બોલ્યો નહી.

'તમારા જેવા જુવાન શહેરમાં ફરવા જવાની જગ્યા અહી વગડામાં ફરે છે. કાંઈક અજુગતું નથી લાગતુ!" તેંણે કાંઇક જાણવાની આશાએ પુછ્યું હોય એવું મને લાગ્યું.

'બસ બાળપણની યાદો અહી ખેંચી લાવે છે" મે ટૂંકમાં જવાબ આપ્યો.

'હું પણ.." તેં અનાયાસે જ બોલી ગ્યો હોય એવું લાગ્યું.

'હં...પણ તમારે તો બાળપણ સાથે બીજુ પણ ગણું છુટી ગ્યું હોય એવું લાગે છે મને." મે એનાં મનની વાત જાણવા પુછ્યું.

થોડીવાર એ ચુપ રહી બોરડી પરના બોર તરફ નજર ઠેરવીને બેસી રહ્યો.

'હં... ગણું બધુ તો નહીં પણ એક મીઠી યાદ મને અહી ખેંચી લાવે છે." થોડા સમયના મૌન પછી એ બોલ્યો.

'કાંઇ ખબર નાં પડી 'ભા' પુરી વાત કરો તો ખબર પડે..."
મે પુછ્યું.

થોડી વાર મારી સામું વિશ્વાસની દોર સાધતો હોય તેમ તાકી રહ્યો. કદાચ એ કેવા યોગ્ય વ્યક્તિની શોધ મારામાં કરતો હોય એવું લાગ્યું.

પછી નજર પાછી બોરડી પર ઠેરવી બોલવાનું ચાલુ કર્યું.

* * *

મારી ઉંમર આશરે પંદર-સોળ વર્ષની હશે. ત્યારે હું અહી આમ જ બકરા ચારવા આવતો. આ બોરડીનાં ઝાડ નીચે આપડે બેઠા છીએ એ પણ તેં સમયે હતું.બધું તો હવે લગભગ બદલાઇ ગ્યું છે. આ ડામરનો રસ્તો પેલા ધૂળિયો હતો જેનાં પર ખાસ કોઈ ફરકતૂ નહીં. સિવાય કણબીનાં ગાડાં અને તમારા બાપુઓની ઘોડીઓ સિવાય. લોકોને ઉનાવા જવું હોય તો ચાલતા જતા.સાઇકલ તો પછી આવી. આ બોરડી પેલા અત્યારે રસ્તા પરથી પાધર દેખાય છે તેમ નોતી. પણ હા બીજી બાજુનાં ખેતરોમાંથી વાડની આડાસમાં અડધી દેખાતી. એક દિવસ હું આ બોરડી નીચે બપોર ટાણે બેઠો હતો.મારુ ધ્યાન બકરીઓ ચરતિ તી તેના પર હતું. એવામાં બાજુના ખેતરની વાડ ઓલી કોરથી કોઈએ માટીનાં ઠેફા વાળો ખોટ બોરડી પર માર્યો. જે મારી પીઢ પર આવી લાગ્યો. મે પાછળ ફરી જોયું પણ વાડની આડાસ ને કારણે કોઈ દેખાયું નહીં. હું પીઠ ખન્નજવાડતો આમતેમ જોવા લાગ્યો. એવામાં વાડ પાછળથી અવાજ આવ્યો.

' એ...એ... બોર લેતો નહીં હો એ મે પાડેલ સે" મે જોયું તો વાડની પાછળ એક છોકરી હતી. જે વાડનાં નાનાં બકોરામાંથી આ બાજુ આવવાની કોશિશ કરતી હતી.બકોરામાંથી આ બાજુ આવતાં એનો માથા પરનો લાંબો ગુન્થેલ ચોટલો ઉપર કન્થેરનાં કાંટામાં ફસાઈ ગ્યો. ચોટલો ખેંચતા એનાં મોંમાંથી ચીસ નીકળી ગઇ 'ઓ...મા..અ" ચોટલો કાંટામાંથી નીકાળવા એને મહેનત કરી પણ નીકળ્યો નહીં. હું મદદ કરવા આગળ વધ્યો પણ એનાં ને મારા વચ્ચે રહેલ જાતિ ભેદ ને કારણે અટકી ગ્યો. અમે રહયા વાઘરી ને એ ઉજળિયાત ઘરની છોકરી લાગતી હતી. મારા અડકવાથી એ મારી પર ભડક સે તો અને કોઈ જોઇ જશે એની બીકે મારા પગ ત્યાંજ થંભી ગયા.

'આને નિકાળ તો." એણે બુમ મારી.

હું થોડા સંકોચ સાથે આગળ વધ્યો ને એની સામે જઇ ઉભો રહ્યો. તો એણે ખીજાય ને કહ્યુ.

'જોઇ શું રહ્યો સ આને નિકાળ ને હવે."

'તમે મોથૂ નેચું કરો હુ નેકાડૂ સુ" મે કહ્યુ.

એણે માથું નીચે કર્યું એટલે બાલ ખેંચાય નહીં એ રીતે મે ચોટલો કાંટામાંથી નીકાળ્યો. બહાર નીકળી એ બોરડી નીચે બોર શોધવા લાગી.

'એ મારા પાડેલ બોર તેં વીણી લીધાં ને"

'તમાર ખોટ બોરડીને ચા લાગ્યો તો એ તો મારા બરળે... હું કેતા અટક્યો.

એ નિરાશ થઈ માથું ખંજવાળતાં બોરડીનાં બોર સામે જોવા લાગી. પછી બોર પાળવા આમતેમ જમીન પર પથ્થર શોધતી હોય એવું લાગ્યું.

મે કહ્યું. 'ઉભા રહયો પથ્થર નાં મારતા હું આ વાંસીથી પાડી આલું સુ" ત્યારે હુ બકરા માટે ખિંજળા પરથી બૌરૂ પાડવા લાંબા વાસ પર દાંતરડું બેસાડી બનાવેલ લાંબી વાંસી રાખતો.

'ચમ પથ્થર મારવાથી નઈ પળ" તે બોરડી ઉપર નજર રાખી બોલી.

'પળસે પન જોળી કાચા બોર પન પળી જાહે. પહી લોબા દી બોયડી પર બોર નઈ રે" મે કહ્યુ.

એણે પથ્થર મારવાનું રેવા દીધું એટલે હું વાંસીથી પાક્કા બોર પાડવા લાગ્યો. બોર નીચે પડવા લાગ્યા એટલે એ નીચે બેસી બોર વીણવા લાગી. બોર ટપ ટપ જમીન પર ને એનાં પર પડવા લાગ્યા.

'ઓ...માં વાગે સે" તેં ધીરેથી બબડી.

'તમ બાર આયી જાઓ બોર કોઈ લઈ નઇ લે. પાળી દઉ પહિ વીણી લેજો" મે કહ્યુ. એટલે તે હસી બોરડી નીચેથી આવી મારી પડખે ઊભી થઈ ગઇ.

'ઝૉ હવ વિની લ્યો" મે વાંસી બાજુ પર મૂકતા કહ્યુ.

તેણે બોર ખાતા ખાતા બધાં બોર ઓઢણીનાં પાલવમાં ભેળાં કર્યા.

'લે તાર જોઈએ તો લઈ લે" એણે ઓઢણીમાં લીધેલા બોર મારી સામે ધરતા કહ્યુ. મે માથું ધુણાવી નાં પાડી. તો એને ઓઢણીનાં બે છેડા પકડી ગાંઠ મારી બોરની નાની પોટલી બનાવી દીધી. એવામાં બાજુ ખેતરમાંથી અવાજ આવ્યો.

'દેવી...ક્યાં મરી ગઇ..."

'મારી માં બોલાવે સે હુ .." એમ કહી તેં વાડનાં બાકોરા તરફ વધી પણ એક હાથમાં બોરની પોટલીનાં લીધે કાંટાનાં જૈળા હટાવતાં ફાયૂ નહીં.તો એણે મારી તરફ જોયું. મે જઈ કાંટાનું એક ડાળૂ એક તરફ પકડી રાખ્યું.તેં નીચે નમી વાડની ઓલી કોર ખેતર બાજુ નીકળી ગઇ.

ફરીથી અવાજ આવ્યો. 'દેવી..."

'આઈ માં..." કહેતાં તે બે કપાસનાં વાવેતર વાળા ખેતર વચ્ચેનાં સેઢા પર ઉતાવળા પગે ચાલવા લાગી. હું વાડની આ કોરથી એને જતા જોઇ રહ્યો.વચ્ચે વાડનાં લીધે આખું શરીર તો ન્હોતું દેખાતું પણ જેટલું દેખાતું હતુ, તેટલું મે પુરી નજરથી જોયું. જયાં સુધીએ દેખાણી. એનાં નામ પ્રમાણે ખરેખર દેવી જેવું સ્વરૂપ હતું એનું.

બીજા દિવસે બપોર ટાણે હું અહી પાસે એક ખિંજડી હતી એનાં પરથી બૌરૂ પાડતો હતો ને નીચે બકરા ખાતા હતાં.ત્યારે પાછળથી અવાજ આવ્યો. જે હું ઓળખી ગ્યો કે દેવીનો અવાજ છે. મે પાછળ ફરી જોયું. તેં બોરડી નીચે ઊભી હતી.

'એ...બકરીઓ વાળા" તેણે હળવેથી બુમ મારી.હું વાંસી ખભે કરી બોરડી નીચે આયો.

'મને બોર પાડીયાલ ને"

હું હકારમાં માથું હલાવી બોર પાડવા વાંસી ઉંચી કરી ને પાક્કા-પાક્કા બોર પર મારવા લાગ્યો.

'તારું નામ હું સે"

'હં.."

'શુ હં...તારું નામ પૂછું સુ" હું નાં બોલ્યો એટલે એણે ફરી પુછ્યું.

'મનીયો...મનુ" મે કહ્યુ.

'મનીયો કે મનુ ?"

'મારુ નોમ મનુ સ પન બધાં મને મનીયો કે સે"

'મનુ તો છોકરીનું નામ સે. અમારે ભણવામાં આવે સે. જાસીની રાનીનું નામ મનુબાઈ હતુ". એમ કહી તેં હસવા લાગી.

મે એની સામું જોયા વગર બોર પાડવાનું ચાલુ રાખ્યું.

'બસ હવ બધાં નાં પાળી દેતો નઈ તો કાલે હુ સુ ખૈશ?" એણે હસતા હસતા કહ્યુ.

મે બોર પાડવાનું બંધ કરી વાંસી બાજુ પર મુકી. આજે એ કાપડની નાનકડી થેલી સાથે લાવી હતી. જેમાં બોર ભરવાનું ચાલુ કર્યું.

'તુ આંય રોજ આવે સે."

મે જવાબમાં ખાલી માથું હલાવ્યુ.

'મોઢામાં મગ ભર્યાં હોય એવું લાગ હ" તેણે બોર વીણતાં વીણતાં
કહ્યુ.

હુ કાંઇ બોલ્યો નહીં. તેં બોર વીણી મારી પાસે આવી થેલી ધરી બોલી.

'લે..ખા"

'તમે ખાઓ હું તો રોજ ખઉ સું"

'એવું... હું નાં હોય તાણ બધા નાં ખઈ જતો. મારા ઓલે રેવા દેજે" એ બોર પર નાનું બટકું ભરાતા હસતા ચહેરે બોલી. એ આટલા નાનાં ચણી બોરને પણ પ્રેમથી બે આંગળીઓ વચ્ચે પકડી નાના નાનાં બટકા ભરી, હોઠ વડે કેરી ચુંસતિ હોય તેમ ચૂસી ચૂસી ને ખાતી હતી. આપડી જેમ નહીં સીધું મોંમાં.

'હારું" હું પણ હસી ગ્યો.

એણે બીજુ બોર લઇ ફરી એક નાનું બટકું ભર્યું કે તરત જ એક આંખ મીંચી, જીભ બહાર કાઢી, એક ધ્રુજારી ખાઇ ગઇ.

'બઉ ખાટું સે.."

'નાં હોય બતાવો તો" એણે અડધું ખાધેલ બોર મારા હાથ મૂક્યું. મે જોયા વગર સીધું મોંમાં મુકી દીધું.ખાટું લાગતા મે નીચે થૂંકી દીધું.

'હજી પાકયૂ લાગતું નથ" મે કહ્યુ.

'તુ મારુ એઠુ ખઇ ગ્યો" તેણે હોઠમાં હળવું હસતાં કહ્યુ.

'એમા હુ અમે લોકો તો તમારુ એઠુ ખઇ ન જ મોટા થ્યા સ. તમારા તાં કોઈ લગન પરસન હોય ત્યાંર વધેલો એઠાવાડ લેવા અમારાં લોકોની લાઇન નહીં જોઇ તમે"

'પણ એવું ખાવું કેમ ગમે સે તમને ? " તેંણે દયા અને તિરસ્કારનાં ભળતા સૂરમાં કીધું હોય એવું લાગ્યું.

'હુ તો કોઈ દી નથ જાતો પન મારી માં અન નાંનાં ભૈ-બેન જાય સ. જે એક ટંકનું ખાવાનું બચ્યું એ. મજબૂરીનાં માર્યા જાય સ." હુ જમીન તરફ મોં રાખી શરમથી બોલ્યો.

'તુ ભવણા નહી જતો" તેણે પુછ્યું.

'જતો તો પાંચ ચોપડી સુધી, પસી માર બાપા ગુજરી ગ્યા એટલ આ બકરા ચરાવા આવુ પળ્યું. મારા ચાર નાંનાં ભૈ-બેન ને માંનું આ બકરીઓનાં દૂધ વેચી માંડ એક ટંકનું ખાવાનું થાય સ"

થોડી વાર અમારાંમાંથી કોઈ કશુ બોલ્યું નહીં.

'તમ ભણવા જાઓ સો?" મે પુછ્યું.

'જાઉં સુ ને સવારની સ્કુલ સે. ને પસી માં સાથે અહી ખેતરમાં ચાર લેવા આવુ સુ. ચાલ હુ જવું નઈ તો મારી માં હમણાં શોધતી આવસે. તુ એ જૈળૂ બાજુ પર પકળ હુ નિકળી જઉં.

પછી તો ધીરે ધીરે આ કાર્યક્રમ રોજ નો થતો ગ્યો. એ રોજ અહી બોર લેવા માટે આવે.હું પણ હવે અહિયાંથી બીજે ક્યાં બકરીઓ લઇ ચારવા જતો નહી. ખબર નતી પડતી કેમ, પણ હું રોજ તેંની અહિયાં રાહ જોઇ બેસી રહતો. એક દિવસ એને આવવાનું મોડું થયું તો મે બોર પાડી રાખ્યા. તો એ મને કે 'કેમ હું અહિયાં વધારે ઉભી રહું તે તને નહી ગમતું" કોઈ દિવસ વળી એની માં વાડ નજીક ખેતરમાં ચાર લેતી હોય તો એ આ બાજુ નાં આવતી. મને ઈશારાથી કહેતી ને હુ બોર પાડી, થેલી વાડની એ બાજુ નાખી દેતો. તેં વાડ નજીક શેઢા પર ચાર વાઢવા બેસતી.નીચે બેસે ત્યારે તો વાડની આડાસને લીધે આ બાજુ દેખાતું નહીં, પણ થોડી વારે વારે ઉભી થઈ ને મારી સામું આંખ ઉલાળી હસતી.એનાં એમ કરવાથી મારા આખા શરીરમાં એક કંપારી પસાર થઈ જતી. હુ આડું જોઇ જતો.

એક દિવસ એ આવી ત્યારે સાથે નાનાં ડબ્બામાં કાંઇ લઇ આવી હતી.

મને કે. 'લે ખા"

મે થોડો સંકોચ સાથે માથું ધુણાવી નાં પાડી.

'કેમ મારા હાથનું બનાયેલ તને નહીં ભાવે, એમ કહી એણે ડબ્બો ખોલ્યો ને એનાં હાથે એક કોળિયો ભરી મારાં મોં તરફ કાર્યો. મે મોં થોડુ દૂર કર્યું તો એણે હાથ વધારે લંબાવી મારાં મોંમાં કોળિયો મુકી દીધો. એ શિરો લાવી હતી જેમાં કાજુ,બદામ ,દ્રાક્ષ નાખેલા.

'લે નીચે બેસ" એમ કહી એણે મારુ બાવળૂ પકડી નીચે બેસાડ્યો.નીચે બેસી એણે બીજો કોળીયો ભર્યો.

મે કહ્યુ.'હું જાતે ખવ સુ"

'કેમ મારા હાથમાં કાંટા સે. એમ કહી એક માં પોતાના નાનાં દીકરાને વહાલથી ખવડાવે તેમે ખડવવા લાગી.મને શીરા કરતા એની આંગળીઓની મીઠાશ વધારે સારી લાગી.હું ખાતી વખતે એની આંખોમાં આંખો પરોવી જોતો રહ્યો. મે પેલી વાર એટલી હિમ્મત કરી હતી.

એક દિવસ હું અહી બેસી ઘરેથી લાવેલ બાજરીનો રોટલો અને પથ્થર પર વાટેલ સુકા મરચાની ચટણી ખાતો હતો. એવાંમાં એ આવી, મે મરચા ને રોટલા પર કપડું ઢાંકી દીધું.એ બીકે કે કદાચ એ આવુ ખાતા જોઇ હસ સે તો.

'એકલાં એકલાં હુ ખાય સે મને નથી આપવું" તેણે કહ્યુ.

'નાં એવું નથી"

'તો પસી હન્તાળી ચમ દીધું"

'તુ ના ખાય હકૈ"

'નાં ચમ ખાઇ હકુ, તુ ખાય સ ન" એમ કહી એ મારા જોડે નીચે બેસી ગઈ.કપડું હટાવી રોટલાનો એક ટુકડો મરચા વાળો કરી મોંમાં મુક્યો. જેવો મોંમાં મુક્યો કે તરત જ બે હાથ પક્ષીની પાંખ જેમ હલાવી ચીસકારા કરવા લાગી.

' પાંણી પાંણી.." એ ચીસકારા ભરાતા કેવા લાગી.

મે મારી પાણીની બોટલનું ઢાંકણ ખોલી, બોટલ એનાં હોઠ પર ધરી. એણે જેવા બે-ત્રણ ગુટળા પાણીનાં પીધા ત્યાં તો ખાસવાનું ચાલુ થઈ ગ્યું. હું ગભરાઈને એની પીઠ પર હાથ ફેરવવા લાગ્યો.આંખો પન લાલ થઈ એમાં આંસુ આવવવા લાગ્યા. મને અફસોસ થયો કે ક્યાં મે એણે આવુ ખાવા દીધું. મે એની પીઠ પર હાથ ફેરવવાનું ચાલું રાખ્યું. થોડી વાર પછી માંડ શાંત થઈ. ઓઢણીથી મોઢું લુંસી મારી સામે જોઇ હસવા લાગી. ત્યારે મને શાંતિ થઈ.

એક દિવસ વળી આવી સીધી મને ધમકાવવા લગી.

'કાલે ચમ નતો આયો.હું કેટલી રાહ જોઇ ઊભી રહી તી આય"

'કાલ મને તાવ ચડ્યો હતો એટલે" મે કહ્યુ.

તો એણે મારા કપાળ પર હાથ મુક્યો ને કીધું. 'તને તો હજી તાવ સે આજ કેમ આયો આરામનાં કરાય.

સમય સાથે ધીરે ધીરે બોરડી પર બોર ઓછા થાવા લાગ્યા.બોરની ઋતુ હવે પુરી થવા આવી હતી.એક દિવસ અમે બોરડી નીચે બેઠા હતાં.એણે બોરડી પર થોડી વાર નજર ટેકવી ચિંતા સાથે બોલી. 'બોર બારેમાસ આવતાં હોત તો કેવું સારુ નઇ"

એમ ને એમ સમય વીતતો ગયો. એક દીવસ હું બોરડી નીચે પથ્થર બેસી લાકડીનાં ટુકડા વડે જમીન ખોતરતૌ હતો.એ આવી મારી બાજુમાં પથ્થર પર બેઠી એની પણ મને ખબર નાં પડી.

'કેમ આજે આમ ચિંતામાં બેઠો છે" એણે મારા ખભા પર હાથ મૂકતા કહ્યુ. એને હવે એતો ખબર પડી જતી કે મારુ મૂડ કેવું છે.

'મારે કાલે સુરત જવાનું સે"

'કેમ"

'મારા માંમાં આયા સ ઘરે એમને માં ને કીધું કે મનુને મારી હાથે સુરત મોકલી દ્યો. ત્યાં એ મારી જોણે સારુ કમાસે. મારા માંમાં સુરત કાપડની મીલમાં કામ કર સ.બકરા તો હવે નાનો પન ચરઈ લેહેં"મે કહ્યુ.


થોડી વાર એ મારી સામું એકી ટસે જોઈ રઇ. હુ હજુ પણ લાકડી વડે જમીન ખોતરતૌ હતો.

'મને મેલી ને" તેણે મારી સામું એકી નજરે જોતાં બોલી.હું તેની સામે જોઇ નાં સક્યો. નજર જમીન રાખી બેસી રહ્યો.

'ક્યારે પાસો આઇશ"

'ખબર નઇ"

'નઇ જાય તો નઇ ચાલ"

'માં ને હુ ના, ના કહી હકુ.પણ હુ ત્યાં જઇ ખૂબ રૂપિયા કમંઈશને પાસો આયીસ.પસી કદાચ તારાં સમાજની બરાબરી કરી હકીશ."મે કહ્યુ.

બોરડી નીચે આજે વાતાવરણ આજે ગમગીન બની ગ્યું હતું.

'કાલે કયા ટાણે નીકળવાનું સે?"

'બપોરે આ ટાણે" મે કહ્યુ.

ઘણાં સમય સુધી અમે એમ જ બેસી રહયા કોઈ કશુ બોલ્યું નહી.

'ચાલ હવે મને છેલ્લે છેલ્લે એક વાર બોર પાડી આલ" ઘણાં લાંબા સમય પછી એણે મૌન તોડ્યું.

હુ વાંસી હાથમાં લઈ બોર પાડવા ઉભો થયો.પણ બોરડી પર હવે કોઈ બોર બચ્યું હોય એવું લાગતું નહોતું. હું વાંસી લઈ બોરડીનાં ચારે તરફ ફરી બોર શોધવા લાગ્યો. થોડા સમયની શોધ પછી એક બોર દેખાણુ. જેનાં પર વાંસી મારી તો એ પણ વાડમાં જઇ પડ્યું. મે નીચા બેસી વાડમાં લાંબો હાથ કરી એ બોરને બહાર કાઢ્યું.એ પણ અડધું પાકું ને અડધું કાચું નીકળ્યું.

'લે આ છેલ્લું વધ્યું સ" મે એનાં હાથમાં બોર મૂકતા કહ્યુ.

એણે બોરને એક બટકું ભર્યું ને પસી મારી સામે લંબાવી ગળગળા અવાજે કહ્યુ.

'લે અડધું તુ ખઇ લે. મને ખબર સે તુ રોજ બોર નહી ખાતો પણ મારે માટે બચાવે સે"

મે બોર મોંમાં મૂક્યું એટલે તેં મારી તરફ પીઠ કરી ચાલવા લાગી. આજે મને એણે કાંટાનું જૈળૂં દુર કરવા પણ નાં કીધું. હુ એને એકી ટસે જતા જોઇ રહ્યો.મને આજે એ કાચું બોર ખાટું પણ ના લાગ્યું. મને તો એનાં એઠા બોરમાંથી મીઠાશ જ આવતી હતી.

બીજા દિવસે બપોરે હું અને મારા મામા સુરત જવા નીકળ્યા. ગામનાં પાદરે એક ગાડું ઉનાવા સુધી જાતું હતું અમે તેમાં બેસી ગયાં. નાપ આવ્યુ એટલે મે બોરડી તરફ નજર કરી. બોરડી આજે મને વિરાન લાગતી હતી. મે નજર તળાવ તરફ ફેરવી લીધી. હું પાછળ છૂટતાં રસ્તા તરફ નજર કરી બેસી રહ્યો. એવામાં બોરડી પાસેથી કોઈ ભાગતુ આવી રસ્તા પર ઊભું રહીં ગ્યું. હું ઓળખી ગ્યો કે એ દેવી છે, પણ ગાડું બોરડીથી ઘણુ દુર નીકળી ગ્યું હતું ને વળી ગાડાંનાં લીધે ઉડ઼ેલ ધુળનાં કારણે મને ખાલી એનો આકાર જ દેખાતો હતો. એ પણ ધીરે ધીરે બંધ થઈ ગ્યો...

પછી તો સુરત જઇ ચાર-પાંચ વર્ષ ખૂબ મેહનત કરી. પૈસા પણ કમાયો. કદાચ ગામનાં ઉજળિયાત ઘરોમાં નાં હોય એટલાં. પણ જ્યારે હું ગામ પાછો આવવાનું વિચારતો ત્યારે મને લાગતું કે દેવી મને એની સાથે લગ્ન કરવાનું કે ભાંગી જવાનું કહેશે તો હું એને શું જવાબ આપીશ.અમે અત્યારનાં પ્રેમીઓની જેમ કોઈ દિવસ એક બીજા સાથે પ્રેમની રજુઆત તો નોઁતિ કરી પણ એક-મેકની આંખોમાં જોઇ એ સમજી ગયા હતા.પણ અમે રહ્યાં વાઘરીની જાત અને એ ઉજળિયાત ઘરની દિકરી. લગ્નની સંમતિ તો એનો સમાજ મારી પાસે ભલે ગમે તેટલા રૂપિયા હોય તો પણ આપવાનો ન હતો. અને જો અમે ભાંગી જઈ તો પછી મારા ભાઇ-બહેન અને ગામનાં મારા સમાજનું શુ થાય. એ લોકો ગામમાં કોઈ ને રેવા નાં દે ને મારે-જૂડ઼ે એતો અલગ. એક વખત મારો નાનો ભાઈ સુરત આવેલો તો એણે મને કહેલું કે ઘરે કોઈ છોકરી આવી પુછતી હતી કે 'મનુ ક્યારે આવનો સે" પણ મારા ડરનાં લીધે ગણા વર્ષો સુધી હું ગામમાં પાછો ફર્યો જ નહીં.પછી તો ઉપરવાળાની દયાથી સુરતમાં ગામનો પાંચમું પાસ મનીયો વાઘરી મનુશેઠ થઇ ગ્યો. લગ્ન તો આજ સુધી કર્યા નહીં પણ અનાથ આશ્રમમાંથી બે છોકરાં ગોદ લીધાં,જે અત્યારે કેનેડા સેટ થઇ ગ્યા છે. પૈસો તો જીવનમાં ખૂબ કમાઈ લીધો પણ આ હ્ર્દયનો ખાલીપો અને દેવીની કમી કદી પુરી કરી સક્યો નહીં. એટલે જ જતી ઉંમરે બધું છોડી અહિયાં બકરા ચરાવુ છું. આ બોરડી નીચે આજે પણ મને એવું લાગે છે કે દેવી આજે પણ મારી સાથે છે. મારો પ્રેમ હજી પણ આ બોરડી નીચે જીવંત છે.

* * *

'ઓ...મનીયાં ડોહા ક્યાં મરી ગ્યો. આ તારા બકરા મારા શેતરમાં પેહી ગયા સ" બાજુનાં ખેતરમાંથી કોઈનો અવાજ આવ્યો.

'એ આવુ બોન" કહીને ડોસો બકરા ખેતરમાંથી કાઢવા લાકડી લઇ ઉભો થયો.

હું એને એકી ટસે જતાં જોઇ રહ્યો. પછી માથું ઊંચું કરી બોરડી તરફ જોવા લાગ્યો. મને બોરડી પરના એક-એક પાન પર જાણે મનુ અને દેવીનું નામ લખ્યું હોય એવું લાગતું હતું.

* * *

પુર્ણ