શિવા ની તેજુ...એક અનોખો પ્રેમ
અમારાં ફેરા અત્યારે ચાલું હશે કે પૂરા થઇ ગ્યાં હશે? ચાલું હશે. ભાભી કે'તા તાને કે બપોર ચઢે ફેરા ચાલું થશે. પાનેતરમાં કેવી લાગતી હશે મારી તેજુ?? અ રે રે... પોતાની વહુનું નામ આમ મોઢે નાં લેવાય. કોઈ સાંભળી તો નથી ગ્યું ને... નહીં તો ખિલ્લી ઉડાવશે એમ વિચારી શિવો ચોતરફ જોવા લાગે છે. અ રે... પણ હું ક્યાં મોઢેથી બોલ્યો તો તે કોઇ સાંભળે!! આમ વિચાર કરતો શિવો કૂવે કોષની પાટ પર બેસી કોષ હાંકે છે. બળદ કૂવા ફરતે ગોળ ગોળ ચક્કર લગાવે છે. કુવામાંથી પાણી ભરી આવતાં કોશના ડબલા પેલા કુંડમાં ઠલવાય છે અને પછી કુંડમાંથી ધોળીયામાં. આ ક્રિયા નિરંતર ચાલ્યા કરે છે પણ વચ્ચે વચ્ચે કોઈકવાર અટકી પણ જાય છે કેમ કે શિવાનું મન બે દિવસથી કામમાં લાગતું નથી અને લાગે પણ શાનું? વેવિશાળ થયું ત્યારથી શિવાએ પોતાની મંગેતર તેજુની વગર જોયે મનમાં જે અપ્સરા જેવી છબી કંડારી છે તે કાલે પરણેતર થઇ ઘરે આવવાની હતી.
પહેલાંના સમયમાં અમુક પંથકના દરબાર સમાજમાં રિવાજ હતો કે જાનમાં મુરતિયો નહીં પણ એનાં બદલે એની તલવાર જતી અને કન્યાને તલવાર સાથે ફેવા ફેરવી લાવતા.
આજે દોઢ દહાડો થયો છે શિવાની જાન ગયે. ત્રણ દિવસના રોકાણ પર જાન ગઇ છે. એક દહાડો જવાનો. બીજો લગન વિધીનો અને ત્રીજો વિદાય અને પરત ફરવાનો.
શિવાનું સગપણ એનાં જીજાભાભીની દૂરની બહેન જોડે થયું હતું. ઘરમાં માં તો હતી નહીં પણ જ્યારથી જીજાભાભી આવ્યાં ત્યારથી શિવાને કદી માની કમિ પડવા દીધેલી નહીં. ભાભીએ એકવાર હસીને કહેલું "શિવા ભૈ તેજુ તો મારા કરતાં રૂપાળી અને ચડિયાતી છે " ત્યારે શિવો વિચાર તો કે ભાભી આટલા સુશીલ અને રૂપાળા છે તો પછી તેજુ કેટલી...તો પછી એ અપ્સરા જ હોવી જોઈએ. એટલું વિચારતા શિવાના મોઢા પર એક અનેરો ઉમંગ છવાઈ જતો અને હોઠો પર મુસ્કુરાહટ. આમ ભાભીની રેખાકૃતિ અને એમનાં વર્ણન પરથી શિવાએ તેજુની છબી પોતાના મનમાં ઘડી દીધી હતી. જેમ જેમ લગનના દિવસો નજીક આવતાં તેમ તેમ શિવાની મિલન વેદના વધારે મધુર થતી જતી હતી.
કોઈ વાર જમવામાં શિવો એમ કહે કે "ભાભી મને આ શાક નહી ભાવતું" ત્યારે ભાભી કહેતાં "હાં હવ અમારાં હાથનું નહીં ભાવ તમન. આવા દયો તેજૂને પછી જોવું છુ ચમ નહી ભાવતું?" ત્યારે શિવો નીચું માથું રાખી મલકાતાં મોઢે ખાઇ લેતો. બપોર ટાણે ખેતરે ભાથું લઇ જતી બાઈઓને જોઇ કલ્પના કરતો કે એક દિવસ તેજુ એનાં માટે આમ ભાથું લઇ આવશે અને પ્રેમથી એનાં હાથે મને ખવડાવશે. પછી પાછી ચિંતા કરતો એ ક્યાં બિચારી આવા ભર બપોરે તડકામાં અહી આવશે? હું જ ઘરે જઇ ખાઇ આવીશ. શું એ પણ હું એને યાદ કરું છું તેમ મને યાદ કરતી હશે? પણ યાદ કરવા માટે પાત્રને જોયું તો હોવું જોઈએ ને. એણે મને ક્યાં જોયો છે? પણ મે એને ક્યાં જોઇ છે તો પણ...નાં નાં યાદ તો કરતી હશે જોને હમણાં હમણાં મને હેડકિઓ બઉ આવે અને ભાભી ત્યાં જઇને આવ્યાં ત્યારે નહોતા કહેતાં કે "શિવા ભૈ...તેજુ પુછતી તી... અમારાં એ કેમ છ?" એ મજાક થોડી કરતા હોય પુછ્યું હશે ત્યારે તો.. આમ વિચાર કરી મરક મરક મલકાતાં શિવાને જોઇ કોઈને તો એમ જ લાગે કે આની દાગડી છટકી ગઇ છે.
મનુષ્ય જે ભૌતિક છે એને પ્રેમ કરે એ તો સામાન્ય વાત છે પણ ભૌતિકતાથી પરે જઇ થતો પ્રેમ અને એ પ્રેમ થકી રચાતું કાલ્પનિક વિશ્વ. જેમાંથી ભાગ્યેજ કોઇ પ્રેમી બહાર આવી શકતો હોય છે. આવો હતો શિવાનો તેજુ પ્રત્યેનો પ્રેમ.
બીજા દિવસે શિવો બપોરથી તૈયાર થવા લાગ્યો છે. સફેદ ધોતી ઉપર સોનવરણી પહેરેણ પહેર્યું છે. માથે બાંધેલી ઝાલાવાડી પાગડી બે-ત્રણ વાર છોડીને ફરી બાંધી ચુક્યો છે. કાચી ઉગેલી મૂછ બરોબર વણાટ પકડે તે માટે તેલ લગાવી દર્પણ સામે ઉભો ઉભો મૂછને વણાક આપવાની કોશિશ કરે છે. એવામાં "શિવા ભૈ ની ઝૉન આઈ....શિવા ભૈ ઝૉન આઈ..." એવો શેરીમાંથી અવાજ આવે છે. શિવાની આંખમાં એક અનોખી ચમક અને હોઠો પર હળવું સ્મિત આવી જાય છે. એનાં પગ બાળ સહજ બહાર તરફ ભાગવાની તૈયારી કરે છે. પણ એ એને રોકી લે છે કેમ કે હજી એનું તેજુ સાથે મિલન તો રાત્રે જ થાશે. અત્યારથી જોવા નાં જવાય. બળદ ગાડાંનો અવાજ આવે છે. જાન ડેલી આવી ઉભી રહે છે. જીજાભાભી દોડતા ઘરમાં આવે છે. દરવાજા પાસે ઊભેલા શિવા સામું જોયા વગર કળશો ભરી એ જ ગતિથી બહાર નીકળી જાય છે. શિવાને એવું લાગે છે જાણે ભાભી રડતાં રડતાં આવ્યાં ને ગયાં. એને ડેલી આગળના આનંદનો ઉમકળૉ ગોર સન્નાટામાં પરિવર્તિત થતો હોય તેવું લાગે છે. તે ઘરનાં દરવાજેથી ધીરે ધીરે બહાર આવે છે. બહાર ધીરેથી લોકો એકબીજાના કાનમાં કહેતા હોય તેવો અવાજ સંભળાય છે.
" સેમાડે આંબલીવાળી જીવ લઇ ગઇ વહુ નો. ખબર તો છ આંબલીવાળા પલિતની તોય આ લોકોએ આવવામાં આવુ અંધારું કર્યું. મૂવી આજ હુધી ચેટલા નાય જીવી લઇ ગઇ છ. એમાંય આવી રુપ રુપ નો અંબાર વાળી પરણેતર છોડે પહી"
શિવાના ધીરે ધીરે આગળ વધતા પગ ધરતીમાં જકડાતા જતા હોય તેવું લાગે છે. સામેથી જીજાભાભી આંસુ લુંસતાં લુંસતાં આવે છે. શીવાંનો હાથ પકડી વધુ માટે શણગારેલા ગાડાં પાસે લઇ જાય છે. પછી તેજૂનો ઘૂંઘટ ઉઠાવે છે. શિવાને પોતે કલ્પેલી અપ્સરા જેવી હુબહુ લાગતી તેજુ ફાટેલી આંખે તેના સામું જોઇ રહી હોય એવું લાગે છે. ભાભી તેજુનાં મોઢા પર હાથ ફેરવી ફાટી ગયેલ આંખો બંધ કરે છે. તેજુની આંખો બંધ થતાં શિવા સામે અંધારપટ છવાઈ જાય છે.