Detachment books and stories free download online pdf in Gujarati

વિજોગણ

1.

વિનય આજે છેક ઉત્તર-ગુજરાતથી પ્રવાસ કરી દક્ષિણ ગુજરાતનાં અંતરીયાળ વિસ્તારમાં આવેલા રેલ્વે સ્ટેશન પર ગાડીમાંથી ઊતરે છે. હજી તો એ કાલે જ લંડનથી પોતાનો અભ્યાસ પૂર્ણ કરી આવ્યો છે. સ્ટેશનથી બહાર આવી તે ચા-નાસ્તાની નાની લારી પર જઇ પૂછે છે.

"ભાઈ અહી મિશનરી મહિલા કેળવણી કેન્દ્ર ક્યાં આવ્યું"

"અહીંથી થોડા આગળ જઈ મંદીરની સામને બાજુ વળી જજો" દુકાનદારે મંદીર તરફ જતા રસ્તા સામે આંગળી ચિંધતાં કહ્યુ.

"કેટલું દુર છે અહીંથી"

"બે કિલોમીટર જેવું હશે"

"કોઈ સવારી જેવું મળશે"

"મળે પણ વચ્ચે કેનાલ પરનું નાળૂ તૂટી ગ્યું છે એટલે રીક્ષા જાય એવું નથી. ચાલતાં જ જવું પડશે. જંગલ વિસ્તાર છે એટલે સંભાળીને જજો"

વિનય બેગ ખભે કરી ચાલવા જતો હતો ત્યાં દુકાનદારે રોક્યો.
"ઉભા રહ્યો પેલા સિસ્ટર આવે છે તે મિશનરીમાં જ કામ કરે છે તેમની સાથે જતા રયો"
વિનય જોયું તો એક આધેડ વયની સ્ત્રી હાથમાં બે મોટા થેલા લઈ સ્ટેશન તરફથી આવી રહી હતી જેણે સફેદ કપડા પહેર્યા હતાં. મહિલા ચાની લારી પાસે આવી એટલે લારીવાળા ભાઈએ કહ્યુ. "સિસ્ટર એ ભાઈ કો મિશનરી આના હૈ સાથ મે લે જાઓ"

"ચલો" મહિલાએ વિનય તરફ જોતાં કહ્યુ.

વિનય મહિલાની પાછળ ચાલવા લાગ્યો. મહિલાનાં હાથમાં રહેલ થેલાને કારણે તેને ચાલવામાં તકલીફ પડતી હતી તો વિનયે એક થેલો ઉંચકી લીધો. થોડી વાર મૌન ચાલ્યા પછી વિનયે પુછ્યું.

"આપકે મિશનરી મે મધુ નામકી કોઈ લડકી હૈં ક્યાં?"

"વો જો નૉર્થ ગુજરાત કે કિસી ગાઉં કી હૈ વો"

"હા..." વિનય ઉસુકતાથી બોલ્યો.

"વો પગલી કોં મિલને આયે હો?... બેચારી! ચાર સાલ હો ગયે ઉસે યહાં લાયે હુએ. તબ સે લેકર આજતક વેંશી કી વેંશી હૈ. નાં તો કભી ઉસકે મુહ સે કોઈ શબ્દ નિકલતા હૈ નાહી ચહેરે પર હસી. હસી કી તો બાત છોડો આજતક આંખ સે એક બુંદ આંશુ ભી નહી નિકલા. સાયદ વો ઉસકે સાથ હુએ હાદસે કો ભૂલા હી નહીં પાઇ આજતક. એસે હાદસે જીંદગી ભર કોઈ ભૂલા તો કૈસે પાયે મગર હમારે યહા ઉસકે જૈસી કઈ લડકીયા હૈ જો ઠીક હોકર અચ્છા જીવન બીતા રહી હૈ. હમને કંઇ ડોક્ટરો કોં દીખાયા મગર કોઇ ફર્ક નહીં પડા. એક બાર તો હમારી રોઝી મેમ દશ મિનીટ તક ચાટે મારતી રહી કી સાયદ દર્દ કિ વજે સે રોએ યા ચીલ્લાંયે મગર વો ઇલાજ ભી નાકામ રહા. જીન્દા લાશ બનકે રહ ગયી હૈં. કભી કભી ઘંન્ટો તક મિશનરી કે મેન ગેટ પર ખડી હોકર રાસ્તે કો દેખતી રહેતી હૈં જૈસે કિસીકા ઈંન્તજાર કર રહી હો. મગર યહાં તો જો ભી ઐશી સમાજ પીડિત ઓર ગુનાહિત લડકીઓ છોડ કે જાતા હૈ વો કભી વાપસ નહીં આતા. હમ તો યહા સભી કોં જીજશ કે એક હી ચાઈલ્ડ માનતેં હૈ ઓર ઉનકી દેખભાલ કરતે હૈં. ગૉડ સબકોં હેપી રખે"
આમ સિસ્ટરની વાતોમાં રસ્તો કપાતો જતો હતો એમ એમ વિનય એની ભૂતકાળની યાદોમાં ખોવાતો જતો હતો.

2.

ઉત્તર ગુજરાતમાં આવેલું એક ગામ. અંગ્રેજોને દેશ છોડે હજી વીસેક વર્ષ થયાં હતાં. રજવાડા તો હવે અખંડ ભારત નિર્માણમાં દઇ દીધાં ને એની સાથે રાજાશાહી પણ ગઇ. પણ એમનાં વંશજો હજી ગામનાં ઠાકોરનો મોભો ધરાવે છે. એવાં જ એક શેરપુરા ગામનાં જાગીરદાર છે કાળૂભા. ગામમાં સાતસો વિધા જમીનના માલીક. એમનો એકનો એક દિકરો એટલે વિનય જે ગામમાં વિનુભા નામથી ઓળખાય છે. વિનુભાએ હજી જવાની ઉંબરે પગ મુક્યો છે. મૂછનાં છેડાએ હજી વણાક પકડવાનું ચાલુ કર્યું છે. વિનુભા બુલેટ લઇ બાજુનાં શહેરમાં હાઇસ્કુલ જવા નીકળે ત્યારે ભલભલાને રસ્તાની કિનારે થઇ જવું પડતું એવો દબદબો હતો ગામમાં કાળૂભાનો. એમની જાહોજલાલી જોઇ ગામનાં બીજા જમીનદારોનું શેર લોહી બળી જતું. ગામની અડધા ઉપરની વસ્તી કાળૂભાનાં ખેતર ભાગે ખેડી કે મજૂરી કરી રોટલો રળતી હતી.

એક દિવસ સાંજ ટાણે વિનય પોતાના આલિશાન મહેલ જેવી મેડી બહાર હિંડોળે બેઠો છે. ઘરમાં વિનયની માતા ગંગાબા રસોઈ તૈયાર કરી રહ્યાં છે. ઘરમાં ગણા નોકર-ચાકર હોવાં છતા ગંગાબા રસોઈ તો રોજ જાતે જ બનાવે છે. કાળૂભા અને વિનય ગણી વાર ગંગાબાને સમજાવ્યા કે તમે હવે રેવા દો ચાકર બનાવી લેશે પણ એમનું કહેવું છે કે પોતાના બનાવે અને બીજાં બનાવે એમાં ગણો ફરક હોય. અન્ન લાગણી પારખેં છે. પોતાના બનાવે એમા પ્રેમ હોય. લાગણી વગર બનાવેલ અન્ન દેહમાં કઇ ગણ નાં કરે. એટલે પતિ-દિકરા માટે રસોઈ તો ગંગાબા જાતે જ બનાવે છે. બીજા ચાકર ગાયો ભેંસોને ઘાસ નાખી દોહાવાની તૈયારી કરી રહ્યાં હતાં. એવામાં ડેલીનાં દરવાજે આવી કોઈએ સાદ દીધો:

"ભા"

"કરશન જો તો ડેલીએ કોણ આવ્યું છે" ગંગાબાએ રસોડામાંથી ગાયોને ચાર નાખતા નોકરને કહ્યુ.

"હું જોવું છું" કરશન જતો હતો ત્યાં વિનયે હિંડોળા પરથી ઉભા થતા કહ્યુ.
બહાર જઇ જોયું તો એક છોકરી વિલાયેલા મોઢે, ચહેરા પર સુકાયેલ આંસુ અને આંખમાંથી નવા આવતાં આંસુને પરાણે રોકી ધ્રુજતા દેહે ઉભી હતી.

"કાળૂભા છે" છોકરીએ ગળગળા અવાજે પુછ્યું.

"નાં એતો હમણાં બહાર ગયા છે." વિનય બોલ્યો.

"હુ કામ હતું દિકરી" સ્ત્રી અવાજ સાંભળી ગંગાબા રસોડામાંથી ડેલીએ આવ્યાં.

"બા મારા બાપાને છાતીમાં બઉ દુઃખાવો ઉપડ્યો છે ઘરે તરફડીયા મારે છે. વૈધકાકા ને બતાયું તો એમને કીધું શહેરનાં દવાખાને લઇ જવા પડશે પણ ઘરમાં એક પૈસો નથી. થોડા પૈસા આપો તો...હું તમારા ત્યાં કામ કરી વળાવી દઈશ બા" છોકરીએ ગળગળા અવાજે હાથ જોડી કહ્યુ.

"તું ચંદુ કોળીની દિકરી ને" ગંગાબાએ પુછ્યું.

"હા"

"ઉભી રે લાવું" કહી ગંગાબા ઘરમાં ગયા. વિનય હજી ત્યાં જ ઉભો હતો.

"લે..સાચવીને જજે" પૈસા આપતાં ગંગાબા કહ્યુ.

"આ ચંદુ ય એની બાયડી મૂવી થઇ ત્યારથી પીવાનું ભાન રાખતો નથી અને પીને આખા ગામમાં જગડા કરશ એટલ આખા ગામમાં કોઈ હારે રાગ પણ નહીં. ઘરમાં એક જુવાન છોડી છ એની પણ એન ચત્યાં નહીં અન બીજુ તો કોઈ શે નહીં ઘરમાં. આ એની છોડી મધુ મજૂરી કરી એનું પેટ ભરે શે... બા" કરશનએ ઘાસ નાખતાં-નાખતાં કહ્યુ.
ગંગાબા ડેલીએથી અંદર ચાલ્યા પણ વિનય હજી ત્યાં જ ઉભો હતો. પૈસા મુઠીમાં દાબી ઉતાવળા પગે ચાલી જતી મધુને જોઇ રહ્યો હતો.

"બા અંધારું થવા આવ્યું છે આ અત્યારે એકલી બિમાર બાપને કઇ રીતે શહેર લઇ જશે? હવે તો કોઈ સાધન પણ નહીં મળે" વિનય ડેલીએ ઉભા ઉભા કહ્યુ.

"હા દિકરા...બિચારી એકલી છોકરી અત્યારે અંધારામાં ક્યાં ફાંફાં મારશે. જા એમ કર જીપ લઇ શહેર મુકી આય."

મધુ ઘરે પહોચે એ પેલા તો વિનય જીપ લઇ રસ્તામાં એને પહોચી વાળ્યો.
"ચાલ બેસી જા હું મુકવા આવું શું" વિનયે જીપ એની બાજુમાં લઇ જઇ રોકતાં કહ્યુ.

મધુ કઇ બોલ્યા વગર નીચું મોં રાખી ઉભી રહી.

"ચાલ બેસી જા શું વિચારે છે"

"તમારો આભાર બાપુ, પણ..."

"પણ... પણ... શું કરે છે.અત્યારે શહેર જવા તમને કોઈ સાધન નઇ મળે"

મધુ થોડા સંકોચ અને સમયની વિવશતાને કારણે ગાડીમાં બેસી ગઇ. મધુનું ઘર ગામનાં છેવાડે આવેલું હતું. ઘરે જીપ પહોચી ત્યારે ચંદુ ગાર-માટીના પડું પડું થઇ રહેલા ઘરની ઓસરીમાં તૂટેલા ખાટલા પર છાતી પકડી કણકણસતો હતો.

મધુએ વિનયની મદદથી ચંદુને પકડી જીપની પાછળની બાજુ બેસાડ્યો અને એ ખુદ એને પકડી પાછળ બેઠી. વિનયે જીપ શહેરના રસ્તે લીધી.અડધો એક કલાકનાં સમય પછી જીપ પાટણના એક મોટા દવાખાના આગળ આવી ઉભી હતી.

ચંદુની અંદર સારવાર ચાલતી હતી. વિનય અને મધુ રૂમ બહાર બૌકળે બેઠા હતાં. મધુનાં આંસુ હજી ચાલું જ હતાં.

"શાંત થઇ જા. સારુ થઇ જશે અને એમાંય આવા બાપ પાછળ શું આટલું દુઃખી થવાનું" વિનયે મધુને આશ્વાસન આપતાં કહ્યુ.

"જેવા હોય તેવા પણ મારા જેવી અભાગણીને એક ઓથવારો તો છે. મારે એમનાં સિવાય બીજું છેય કોણ જગતમાં." મધુએ નજર જમીન તરફ રાખી કહ્યુ.

એટલાંમાં ડૉક્ટર બહાર આવ્યાં.વિનય અને મધુ ઉભા થઇ ડૉક્ટર પાસે ગયા.
"જુવો અત્યારે તો સારુ છે પણ હવે પછી દારૂ પીવાનું બંધ નહીં કરે તો પછી... બાટલો ચડાયો છે પૂરો થાય પછી લઇ જઇ શકો છો." કહી ડૉક્ટર એમની કેબિન તરફ ચાલ્યા. મધુને થોડો હાસકારો થયો. બન્ને પાછા બૌકળે જઇ બેઠા. રાતનાં દસેક વાગવા આવ્યાં હતાં. દર્દીઓના ઘરેથી આવેલા ટિફિન ખાલી થઇ પાછા જઇ રહ્યાં હતાં.

"તારે કાંઇ ખાવું હોય તો હું લેતો આવું?" વિનયે પુછ્યું.

"નાં, તમે ખાઇ આવો હું અહિયાં બેસું છું"

"મને પણ કાંઇ ભુખ નથી જરા બહાર આંટો મારી આવું" કહી વિનય દવાખાનાની બહાર ચાલ્યો.

થોડીવાર પછી મધુ એક હાથમાં દવાની થેલી અને બીજે હાથે ચંદુને પકડી બહાર આવી. દવાખાનાની બહાર સામે ઓટલે બેઠેલા વિનયની નજર એમનાં પર પડી.એ ઉભો થઇ જીપ પાસે આવ્યો. મધુ અને ચંદુ જીપમાં પાછળ ગોઠવાણા. જીપ પાટણની બજાર ચીરી શેરપુરાના રસ્તેં ચઢી. ગામમાં આવ્યાં ત્યારે રાતના બાર વાગી ગયા હતાં. જીપ ચંદુનાં ઘરે જઇ ઉભી રાખી. ચંદુનાં ઘરની આજુબાજુ નજીકમાં કોઈ ઘર ન હતું એટલે એ વિસ્તારમાં ઘોર અંધારું છવાયેલું હતું. મધુએ જીપમાંથી ઉતરી ચંદુને ઓસરીમાં પડેલા ખાટલે બેસાડી ટોડલે દીવો કર્યો. વિનય હજી જીપની નજીક જ ઉભો હતો. મધુ પાણીનો કળસો ભરી વિનયને આપ્યો.

"ઉભા રહ્યો ખાટલો ઢાળૂ" કહી મધુ ખાટલો લેવા જતી હતી ત્યાં વિનયે મધુને રોકતા કહ્યુ. "રેવા દે હું જાઉ શું ઘરે બા રાહ જોતાં હશે"

"આભાર બાપુ, અમાર જેવાની આટલી મદદ કરી " મધુએ હાથ જોડી આભાર વ્યકત કરતાં કહ્યુ.

"એતો અમારો ધરમ છે. એમા શું?...પણ તમે બન્ને કાંઇ ખાધુંય નથી. અત્યારે રાત્રે હવે...કઇ ખાવાનું મોકલાવું ઘરેથી "

"નાં અમારે તો એ રોજનું છે. બપોરનું ટાઢું પડયું છે એ ખાઇ લઈશું"

સારું, ત્યારે હું જાઉ શું કહીને વિનય ગાડી ચાલું કરી ચાલ્યો.

* * *

એ વાતને હવે બે-એક મહિના થવા આવ્યાં છે. મધુ કાળૂભાનાં ખેતરે દાળિયે કામ પર આવે છે. વિનય કોક દિવસ પોતાના ખેતરે આંટો મારવા નીકળે ત્યારે ગણીવાર મધુનો ભેટો થઇ જાય છે પણ બધાં મજૂર સાથે હોવાથી વિનય ખાલી મધુ સામે સ્મિત આપી આગળ ચાલે છે. મધુ પણ કરેલા ઉપકારનો આભાર વ્યકત કરતી હોય તેમ સામું સ્મિત આપી પાછી કામમાં પરોવાઈ જાય છે. કોઇકવાર વિનયનાં નયન એની ઇચ્છા વિરૂદ્ધ જઇ મધુ પર ખોડાઇ રહે છે. જતાં જતાં કોઈ જોતું તો નથી ને એની સાવચેતી રાખી બે-ત્રણ વાર પાછળ વળી જોઇ પણ લે છે. એમાં વિનયનો પણ કોઈ વાંક નથી. કેમ કે જવાનીનાં ઉંબરે આવી ઉભો રહેલો મધુનો દેહ, ગૌ વરણી કાયા અને કુમારીમાંથી સ્ત્રી બનવા આતુર એનાં ઉભરતા અંગો અને એમાંય જન્મજાત સુંદરતાની ચાદર ઓઢી ફરતી મધુને જોઇ કોઈ વૈરાગી અને નામર્દ સિવાય કોઈ પણ મર્દ સહજ રીતે આકર્ષાયા વગર રહી શકે નહીં. પણ બાળપણથી જ મર્યાદાનાં પાઠ શીખી મોટો થયેલો વિનય મહામહેનતે પોતાની આંખોને બીજી તરફ વાળી લેતો. આમને આમ સમય ધીરે ધીરે પસાર થતો જાય છે.

કહેવાય છે ને કે ગરીબને ઘેર સુંદર દિકરી એટલે સાપનો ભારો. ગામમાં મધુનાં રૂપ પાછળ લાળ ટપકાવતા ગણા નઠારા જુવાનિયા તાક જોઇ બેઠા હતાં. એક દિવસ ઢળતી સંઘ્યાએ મધુ ખેતરેથી ગામ તરફ આવી રહી હતી. આજે કોઈ મજૂરનો સંગાથ પણ ન હતો. તાક જોઇ સીમમાં જુગાર રમતા જુવાનિયા મધુને ઘેરી વળ્યા. મધુએ ધ્રુજતા શરીરે બૂમો પાડવાની કોશિશ કરી પણ અવાજ એટલો નીકળ્યો નહીં કે દુર સુધી સંભળાય. મધુએ હાથમાં રહેલે દાતરડૂ વીંજવાનું ચાલુ કર્યું. પણ એક સાથે બધાંએ મધુ પર તરાપ મારી એને ભોંય ભેળી કરી નાખી. એવામાં મધુને કાને કોઈ જાણીતો અવાજ પડ્યો. જેમ ડૂબતો તણખલું પકડે એમ મધુમાં હિમ્મત આવી.દાતરડૂ તો હજી મુઠીમાં જ હતું એની પકડ વધું મજબૂત કરી એક-બે ને ઘા માર્યા એટલે પેલાઓની પકડ નબળી પડી. લાગ જોઇ મધુ બેઠી થઇ ગઇ પણ ખેંચતાણમાં પોલકાનાં બટન તુટી ગયા. એ અવાજની દિશામાં ભાંગી તો પાછળથી એક જણે પીઠ પર તરાપ મારી તો ખાલી પોલકુ એનાં હાથમાં રહી ગયું અને મધુ ભાંગી છુટી. મધુ અર્ધનગ્ન હાલતમાં જ આવતાં અવાજની દિશામાં દોડવાનું ચાલુ રાખ્યું. વિનય બૂલેટ લઇ શહેર તરફથી આવતો હતો. સામે કોઈ દોડી આવતું જોઇ ગતિ વધારી. નજીક આવતાં જ એ મધુને ઓળખી ગયો. બધી પરિસ્થિતિનો અંદાજ પણ આવી ગયો. બુલેટ ઉતાવળમાં ઉભું કર્યા વગર જ એક બાજુ નાખી એણે મધુ પાસે જઇ પોતાના ખભા પરનો ખેશ ઓઢળ્યો અને મધુ જે દિશામાંથી ભાંગીને આવી હતી તેં દિશામાં ભાગ્યો. પણ બૂલેટનો અવાજ સાંભળી બધાં ભાંગી ગયા હતાં અને સાંજ પણ પૂર્ણાહુતિ લઇ રહી હતી એટલે આછા અંધારામાં વધારે દુર સુધી દેખાતુ પણ ન હતું. વિનય પાછો આવી મધુ પાસે ઉભો રહ્યો શું બોલવું એની ખબર નાં પડી. મધુ કોઈ શાપિત પથ્થરની મૂર્તિની જેમ ઉભી હતી.

મધુ...વિનય એટલું બોલ્યો ત્યાં તો એ વિનયને વળગી જોર જોર રડવા લાગી. નદી પર બાંધેલા ડેમમાંથી જેમ પાણી અચાનક છોડવામાં આવે તેમ વહેતા આંસુઓની ધારથી વિનયની આખી છાતી ભીંજાવા લાગી. મધુને પોતાની બાહુપોશમાં સાંત્વના આપવા વિનયનાં હાથ ઉપર ઉઠ્યા પણ પીઠની જગ્યાએ મધુનાં માથા પર જઇ બેઠા. એક માતા પોતાના બાળકના માથે હાથ ફેરવે તેમ વિનય મધુનાં માથે હાથ ફેરવવા લાગ્યો. પોતાના અને વિનયના હૃદયના ધબકારા લય પામી એક થઈ ગયા ત્યાં સુધી એ વિનયને વેલ જેમ વળગી રહી.
તે દિવસે મધુને ઘરે મુકવા આવેલા વિનય પાસે મધુએ વચન લીધુ કે આ વાત ગામમાં કે ન્યાય માટે પંચાયતમાં કરવી નહીં. લોકોનો સામનો કરવાની એનામાં તાકાત નથી અને હિમ્મત કરી પંચાયતમાં બોલે તોય બદનામી તો થવાની જ છે. વિનયે પણ મનમાં એક વચન લીધું કે એ નઠારાઓ ને તો એ જાતે જ પાઠ ભણાવ શે.

"આ તમારો ખેશ તે દિવસે ઓઢાળ્યો...." બપોર સમયે વાડીએ પાનખરમાં વસ્ત્ર બદલતા વૃક્ષોનો ઉલ્લાસ નિહાળતો વિનય આંબા નીચે ખાટલો નાખી બેઠો હતો ત્યારે મધુ કોઈ જોતું તો નથી એની ખાતરી કરી લઇ આવીને બોલી.
વિનયએ આંબા પરથી નજર હટાવી મધુ સામે જોયું અને પછી પાછી નજર આંબા પર ખોડી દીધી.

"લ્યો...." વિનયે કોઈ પ્રતિક્રિયા ના આપી એટલે મધુએ ફરી ખેશ લાંબો કરતા કહ્યુ.

"એ હવે તુજ રાખ... સગાઈની ઓઢણી ગણી ને..."

અત્યાર સુધી આજુબાજુ ડાફેરા મારતી મધુની નજર અચાનક વિનય પર ચોંટી ગઇ. વિનય હજી પણ આંબા ઉપર નજર કરી બેઠો હતો. ધીરેથી આંબા પરથી નજર ફેરવી મધુ સામે જોયું. બન્નેની નજર એક થઇ. અત્યાર સુધી એકબીજાની આંખોમાં જોયેલી અસ્પષ્ટ લાગણી આજે સ્પષ્ટ રૂપે દેખાતી હતી. મધુની આંખો એ સ્પષ્ટતાનો ભાર વધારે જીરવીનાં શકી અને નીચે ઢળી ગઇ. વિનય હજી પણ મધુ સામે જોઇ રહ્યો હતો પણ મધુની આંખો ઉપર ઉઠી નહીં. થોડી ક્ષણો એમ જ વીતી ગઇ પછી મધુ ઢળેલી નજરે બે ત્રણ ડગલાં આગળ વધીને ખેશ ખાટલાનાં ઓશિકૈ મુકી પીઢ ફેરવી ચાલવા લાગી. દસેક ડગલાં ચાલી એક ક્ષણ માટે ઊભી રહી પછી ત્યાંથી ઉતાવળા પગે પાછી આવી ઓશિકેથી ખેશ પાછો લઇ ઝડપ ભેર વાડીની બહાર નીકળી ગઇ. વિનય બસ જોતો જ રહ્યો. ખેશ મુકી જતા વખતની મુંજવણ અને પાછો લઇ જતા વખતનો ઉમંગ વિનય સારી રીતે કળી શક્યો હતો.

સમયનાં પટ પર દિવસો ધીરે ધીરે પસાર થતા જાય છે તેમ તેમ વિનય અને મધુનાં સબંધ વધુને વધુ મજબૂત થતા જાય. સાંજ ટાણે કોઇક કોઇક વાર જ્યારે લોકો ખેતરેથી ઘરે જતા રે ત્યારે બન્ને મળી લે છે. કોઇકવાર અંધારું થાય ત્યાં સુધી ડૂબતા સુરજ ને જોતાં બન્ને બેસી રહે છે. ડૂબતા સુરજને જોઇ મધુના ચહેરા પર હરરોજની જેમ ઉદાસી છવાઈ જાય છે અને દર વખતની જેમ વિનય સામું જોઇ એક જ સવાલ પૂછે છે.
"વિનય આપણો સબંધ તારા ઘરવાળા સ્વિકાર શે ખરાં?"
વિનય મધુને નજીક ખેંચે છે. મધુ બન્ને વચ્ચેનું અંતર ઘટતાં પોતાનું માથું વિનયનાં ખભા પર ઢાળી દે છે ને વિનય મધુનાં કપાળ પર ચુંબન કરતાં હરરોજની જેમ એક જ વાક્ય બોલે છે.

"હું છું ને."

પણ કોને ખબર હતી કે આ મિલનનાં દિવસોમાં લાંબી જુદાઈ પણ લખાયેલી છે. વિનયનો મેટ્રીક સુધીનો અભ્યાસ પુર્ણ થયો ત્યાં તો કાળૂભાએ દિકરાને વધારે ભણાવા માટે વિદેશ મોકલવાની તૈયારી શરુ કરી દીધી. જોત જોતાંમાં વિનયની વિદેશ જવાની તારીખ પણ નક્કી થઇ ગઇ.

"ચાર વર્ષ જતા વાર નહીં લાગે મધુ" સાંજે ટાણે ખેતરને શેઢે વિનય પાસે બેઠેલી મધુ ને કહે છે.

"હંમ"

"મને ભૂલી તો નઇ જાય ને"

"હું તો નહીં ભૂલું પણ તમે લાટ સાહેબ થઇ મને નાં ભૂલી જતા" આટલું બોલતાં મધુની આંખમાં પાણી ભરાઈ આવ્યું તેનાં કારણે ડૂબતો સુરજ વધારે અસ્થિરતાથી ડૂબતો હોય એવો દેખાવા લાગ્યો.

"મારી વાટ તો જોઈશ ને"

"શ્વાસ રહેશે ત્યાં સુધી જોઈશ"

આજે સુરજ રોજ કરતા વધારે ગતિથી આથમતો હોય એવું લાગે છે. વિનયનાં ખભે માથું મુકી બેઠેલી મધુ રડતી નથી એવું પ્રતીત કરાવવા માંગે છે પણ મહા પ્રયત્ને રોકી રાખેલા આંસુનાં ગરમ ટીપાં વિનયનાં ખભા પર પડી એનો નહીં રડવાનો દંભ ઉજાગર કરી નાંખે છે.

* * *

આખરે એ દિવસ આવી ગયો. બપોરનાં સમયે વિનયની વિદેશ જવાની તૈયારીઓ ચાલી રહી છે. કરશન વિનયનો બધો સામાન જીપમાં ગોઠવી રહ્યો છે. ગંગાબા આંખમાં આંસુ સાથે પગે લાગતા દિકરાને આશિર્વાદ આપે છે. અમદાવાદ હવાઈમથક સુધી દીકરાને મુકવા કાળૂભા જાતે જીપ લઇ તૈયાર થયા છે. કાળૂભા જઇ જીપનું સ્ટેરિંગ સંભાળે છે. મધુ વિનયને વિદાય આપવા પાદરે આવેલા ખેતરપાળ દાદાનાં મંદિરે આવી ઊભી રહેવાની છે. વિનય જીપમાં ગોઠવાય છે. કાળૂભાએ જીપ ઉપાડી. વિનયે ડેલીએ ઊભેલા ગંગાબા અને કરશનને હાથ હલાવી આવજો કહ્યુ.

"ઉભા રહ્યો બાપુ હું ખેતરપાળ દાદાને પગે લાગતો આવું" ગામની પાદરે મંદીર આવતાં વિનયે કાળૂભાને કહ્યુ.

"હા જા...જલ્દી આવજે મોડું થાય છે"

વિનય મંદીર પહોંચ્યો પણ મધુ ત્યાં દેખાણી નહીં. દાદાના દર્શન કરી આમ તેમ આંટા મારવા લાગ્યો એક બે વાર મંદિરનો ઘંટ પણ જોરથી વગાડ્યો પણ મધુ કાંય દેખાણી નઇ. બેબાકળો થઇ વિનય મંદીરનાં ઓટલેથી ગામ તરફના રસ્તા પર ઉંચો-નીચો થઇ જોવા લાગ્યો. દુર દુર સુધી કોઈ દેખાતું ન હતું. કાળૂભા પણ બે ત્રણ વાર બુમ પાડી ચુક્યા હતાં. વિનય નિરાશ થઇ જીપ ભણી ચાલ્યો. જતાં જતાં કોઇએ વિન... એવાં અધૂરા સ્વરે બુમ પાડી હોય એવું લાગ્યું એણે ફરી પાછળ વળી જોયું ને ઉભો રહ્યો પણ કોઈ દેખાણુ નહીં. કાળૂભાએ પાછી બુમ મારી. કોઈ ભાસ થયો હશે એમ વિચારી એ જીપમાં જઇ બેઠો. જીપ ઉપડી. મંદીર દેખાતું બંધ થયું ત્યાં સુધી તે એ તરફ જોઇ રહ્યો પણ કોઈ દેખાણુ નહીં. જીપ છડછડાડ ધુળ ઉડાડતી શહેરનાં રસ્તે અદ્રશ્ય થઇ ગઇ.

* * *
ચાર વર્ષ પછી.....

વિનય લંડનથી સ્નાતકની પદવી લઇ પાછો આવ્યો છે. ઘરનાં સભ્યો જોડે થોડો સમય વિતાવી એ ચાર વર્ષથી વિરહની વેદનામાં તડપતું દિલ લઇ મધુને મળવા નીકળી પડ્યો છે. હજી પણ એનાં મનમાં એ સવાલ ફર્યા કરે છે કે...મધુ તેં દિવસે કેમ મળવા નહીં આવી હોય. પણ આજના મિલનનાં ઉમંગ આગળ એ સવાલ ફિકોં પડી જાય છે. પણ વિનય મધુનાં ઘરે પહોચ્યોં ત્યાં તો એનો ઉમંગ ધરાશાહી થઇ ગયો. ગાર-માટીનાં પડી ગયેલાં મધુના ઘરનાં હવે માંડ અવશેષો જ વધ્યા છે અને લોકોની વાતો પરથી પણ કાંઈક અણબનાવની ગંધ આવતી હતી. વિનયને તેનાં એક અંગત મિત્ર તરફથી જાણવા મળ્યું કે ચાર વર્ષ પેલા જ્યારે એ લંડન જવા નીકળ્યો તેં દિવસે મધુ ખેતરપાળ દાદાના મંદીરે બપોરે એકલી બેઠી હતી એટલે ત્યાં પાદરે મહુડો ઢિચી જુગાર રમતા નઠારાઓની ઝપટે ચડી ગઇ. બિચારીએ બૂમો પાડી હસે પણ બપોરનાં સમય કોણ હોય તે પાદરે તો એની બુમ સાંભળે. પીખી નાંખી પાંચ-છ હરામીઓએ ભેગા થઇ બિચારીને. આતો સાંજે શંભુ રબારી ગાયો લઇ પાછો આવતો તો ત્યારે એક ગાય જાડીમાં જઇ ઉભી થઇ ગઇ. શંભુએ ગણો સાદ પાડ્યો પણ ગાય ત્યાંથી હલી નહીં તો તે ગાય હાંકવા ઝાડીમાં ગયો. જઇને જોયું તો ગાયનાં પગ પાસે બેભાન , લોહી-લુંહાણ ને નગ્ન હાલતમાં મધુ પડી હતી. ચંદુએ તો દીકરીની હાલત જોઇ એ રાત્રે જ ઘરમાં ફાંસો ખાઇ લીધો. પછી મધુ બેઠી તો થઇ પણ જીવતી લાશ બની ને રહી ગઇ. ખાલી ગામમાં આમતેમ ભટક્યા કરતી. ગણીવાર તો ગામનાં છોકરાં ગાંડી-ગાંડી કહી પથ્થર મારતા. એકાદ પથ્થર માથામાં વાગતો, લોહી નીકળતું તો પણ મોઢામાંથી નાતો એક શબ્દ નીકળતો નાતો આંખમાંથી આંસુ. ત્રણ ચાર મહિના એમ ને વીતી ગયાં. પછી ગામનાં સરપંચ અને આગેવાનો એ કોઈ ચરોતર બાજુ ઈસાઈ મિશનરી કેન્દ્ર વાળાનો સંપર્ક સાધ્યો. એ લોકો આવીને મધુને લઇ ગયાં. એ પછી એનાં કોઈ સમાચાર નથી.

3.

"ભૈયા જરા શંભાલકર ચલનાં વરના આપ નહેર મે ગીર જાઓગે. પુલ કાફી ટુટ ગયાં હૈ." પાછળ ચાલ્યા આવતાં વિનયને સિસ્ટરએ સજાગ કરતાં કહ્યુ. સિસ્ટરનાં બોલવાથી વિનય ભૂતકાળના સ્મરણોમાંથી ઝબકી બહાર આવ્યો અને પ્રત્યુત્તરમાં ખાલી "હા" બોલ્યો.

"અભી કિતના દુર હૈ"

"બસ પહોંચને હી વાલે હૈ"

જેમ જેમ રસ્તો કપાતો જતો હતો તેમ તેમ વિનયના હૃદયના ધબકારા વધારે ને વધારે તેજ થઇ રહ્યાં હતાં. દુરથી એક અભયારણ્યનાં દરવાજા જેવો ઊંચો દરવાજો દેખાણો અને તેનાં સળિયા પકડી ઉભેલી સફેદ વસ્ત્ર વાલી આકૃતિ પણ. જેમ જેમ વિનય અને દરવાજા વચ્ચેનું અંતર ઘટતું જતું હતું તેમ તેમ એ આકૃતિ પણ સ્પષ્ટ થતી જતી હતી. રોજની જેમ મધુ આજે પણ રસ્તા પર મીટ માંડી દરવાજે ઉભી હતી. રસ્તા પર સિસ્ટરની બાજુમાં ચાલ્યા આવતાં વિનયની આકૃતિ મધુની આંખમાં સ્પષ્ટ થતી જાય છે તેમ તેમ જાણે વર્ષોથી બંધ પડેલો રક્ત પ્રવાહ પુનઃ વધારે ગતિથી શરીરમાં ફરવા લાગે એમ તેનું આખું શરીર કંપારી મારવા લાગે છે. વિનય હવે દરવાજેથી દસ જ કદમ દુર ઉભો છે. વર્ષાઋતુની જેમ એક વીજળી જેવો પ્રવાહ મધુનાં શરીરમાંથી ક્ષણ માત્રમાં પસાર થઇ જાય છે. પછી મેઘ ગર્જનાની જેમ એક ચીસ સાથે મોંમાંથી ડૂસકું નીકળે છે અને બારે મેઘ ખાંગા થયાં હોય તેમ આંખમાંથી આંસુ વહેવા લાગે છે. આશ્રમનું આખું વાતાવરણ મધુનાં રુદનથી થંભી જાય છે. આટલા વર્ષોથી ફરતી પથ્થરની મૂર્તિને આજે પીગળતી જોઇ મિશનરીનાં લોકો સ્તબ્ધ થઇ ગયા છે.

* * *

બીજા દિવસે ગાડીનાં સમયે મિશનરીમાંથી વિદાય લઇ વિનય અને મધુ એકબીજાનો હાથ પકડી સ્ટેશન તરફનાં રસ્તા પર ચાલ્યા જાય છે. એવામાં કોઈ પાછળથી બુમ મારે છે.
"રુકોં"
બન્ને ઉભા રહી પાછળ વળી જોવે છે.

"યે લો ભૈયા ...ઉસકો યહાં હમ લાયે તબ કોઇ સામાન તો સાથ મે નહીં થા મગર યે કપડા થા જીશકોં યે પૂરા દિન સીને સે લગાકર ગુમતિ રહેતી થી." નજીક આવીને ઉભી રહેલી સિસ્ટરે મધુને ઉદ્દેશી વિનયને કહ્યુ.

વિનય એ કપડાને જોઇ તરત ઓળખી ગયો. એ એજ ખેશ હતો જે એણે સગાઈની ઓઢણી ગણી મધુને આપ્યો હતો. મધુ એ ખેશ સિસ્ટરનાં હાથમાંથી લઇ ઓઢણીની જેમ માથે ઓઢી લે છે. બન્ને એકબીજા સામું જોઇ હળવું સ્મિત કરે છે. પછી સિસ્ટરને આવજો કહી એકબીજાનો હાથ પકડી ફરી સ્ટેશન તરફનાં રસ્તે ચાલવા લાગે છે. સિસ્ટર હજી ત્યાં જ રસ્તા પર ઉભી રહી બન્નેને જતા જોઇ રહી છે. મધુને વિનય સાથે જતા જોઇ એને એવો ભાસ થાય છે કે જાણે સીતાજી ધરતીમાં સમાવવાનું માંડી વાળી વાલ્મિકી ઋષિના આશ્રમમાંથી રામ સાથે પાછા અયોધ્યા જતા હોય.


પુર્ણ

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED