મોજીસ્તાન (87)
સુંદર ષોડશીના ગાલ પર પિયુને જોઈને પડતા લાલ શેરડા જેવી લાલીમાં પૂર્વના આકાશમાં ફેલાવા લાગી હતી.રન્નાદેના અશ્વો ક્ષિતિજનો ઢાળ ચડીને પૃથ્વીને અજવાળવા આવી રહ્યા હતા. હુકમચંદની આંખ ખુલી ત્યારે એ પોતાની હાલત જોઈ ધ્રુજી ગયો.
એક થાંભલા સાથે એને સજ્જડ બાંધવામાં આવ્યો હતો. એ જગ્યા કોઈ વિશાળ ગોડાઉન જેવી હતી.છેક ઉપર પતરાંની સિલિંગ પાસે રહેલા વેન્ટીલેશનમાંથી આછો ઉજાસ ગોડાઉનમાં ફેલાઈ રહ્યો હતો. કેટલાક પીપ અને કોઈ ચીજો ભરલા કોથળાનો ઢગલો હુકમચંદની આસપાસ ખડકાયેલો હતો.થોડે દુર લોખંડના થડા પર કેટલીક મશીનરી પડી હતી.કટાઈ ગયેલા પાઇપ અને જાડા લાકડાનો એક ઢગલો એ થડા પાસે પડ્યો હતો.
હુકમચંદ ગઈ રાતે બનેલો બનાવ યાદ કરવા લાગ્યો.બરવાળાથી પાછા આવીને એ ઘર તરફ જતો હતો ત્યારે એકદમ સફેદ સફારી પહેરેલો એક આદમી અંધારમાંથી એકાએક ધસી આવ્યો હતો અને પોતે કંઈ સમજે એ પહેલાં જ એના નાક આગળ ક્લોરોફોર્મથી ભીંજાયેલો રૂમાલ એ માણસે દબાવી દીધો હતો અને પછી છેક અત્યારે એની આંખ ઉઘડી હતી.
છૂટવા માટે હુકમચંદે એક બે આંચકા મારી જોયા પણ દોરડું મચક આપે એમ લાગતું નહોતું.
'આ કામ કરનાર રણછોડ કે એના માણસો જ હોવા જોઈએ.' એ ખ્યાલ હુકમચંદને આવ્યો હતો.
થોડીવારે શટર ખુલવાનો અવાજ આવ્યો. બહારનું અજવાળું એ ગોડાઉનમાં ધસી આવ્યું.પણ બીજી જ ક્ષણે શટર બંધ થઈ થવાના અવાજ સાથે અંધારું છવાઈ ગયું.એક ઉંચો અને જાડો આદમી ત્યાં આવીને ઉભો રહ્યો.દીવાલ પર હાથ ફેરવીને એણે સ્વીચ ઓંન કરી.એક પીળો લેમ્પ હુકમચંદના માથા પર પીળો પ્રકાશ વેરી રહ્યો. જાડી મૂછોને વળ દઈને એણે આંકડા ચડાવ્યા હતા.હુકમચંદને જોઈને એ હસ્યો.માવો ચાવતા એના પીળા દાંત જોઈ હુકમચંદને ચિતરી ચડી.
''કોણ છો તું ? મને કેમ કેદ કર્યો છે, આનું પરિણામ તને ને તારા માલિક રણછોડીયાને ખબર નથી. હું તમને લોકોને છઠ્ઠીનું ધાવણ યાદ કરાવી દઈશ." હુકમચંદે ગુસ્સે થઈને કહ્યું.
પેલો માણસ હુકમચંદની વાત સાંભળીને ફરીવાર હસ્યો અને માવાની પિચકારી હુકમચંદની છાતી પર મારી.
"સઠ્ઠીનું ધાવણ તો તને યાદ આવી જહે હુકમસંદ ! તું હમણેથી બહુ ફાટતો ફરસ.કદાસ તું મને ઓળખતો નહી.હું ખુમાનસંગ ભંડારી.. તને ઠેકાણે પાડવાનો કંત્રાટ આપડે લીધોસ." કહી ખુમાનસંગે હુકમચંદના પગ આગળ સહેજ નમીને નાક ઠલવ્યું. અને ગંદા હાથ હુકમચંદના મોઢા પર લૂછયા.
"લે થોડોક ક્રીમ લગાડી દવ." કહી એણે એના પીળા દાંત ફરી દેખાડ્યા અને ઉમેર્યું, "આપડને ગોબરાઈ બવ ગમેસ.તને તરસ લાગે તો કેજે. આજનો દી તારે ખુમાનસંગના પેશાબનો લાવો લેવાનોસ. કેતો હોય તો ગલાસ ભરી લાવું ! અને ભૂખ લાગે તોય કેજે તુંતારે ! તને આજ કઈ વાનગી આલવાની સે ઈતો હવે તું હમજી જ ગિયો હશ !"
હુકમચંદને કમકમાં આવી ગયા.એને એમ હતું કે કદાચ આ લોકો મારપીટ કરશે એને બદલે જુદી જ ટ્રીટમેન્ટ આ લોકોએ વિચારી હતી.
''ખુમાનસંગ તને રણછોડે કેટલા રૂપિયા આપ્યા છે ? હું તને ડબલ આપીશ, પણ તું મને જવા દે.મને ઝાડો પેશાબ ખવડાવીને હેરાન ન કરતો." હુકમચંદે ઢીલા અવાજે કહ્યું.
"હેહેહે...ખુમાનસંગનો ઉસુલ સે, એકવાર કામ લીધા પસી ડબલ તો સુ દહગણાની ઓફર હોય તોય આપડે નથી લેતા.એટલે તું મૂંગો રે ઈમાં જ તારી ભલાઈ સે હુકમાં.." કહી ખુમાનસંગ ત્યાંથી જતો રહ્યો.
*
ગઈરાતે મોડા આવવાનું કહીને સવાર સુધી હુકમચંદ ઘેર આવ્યો નહિ એટલે એની પત્નીને થોડી ચિંતા થઈ હતી.કારણ કે આવું પહેલીવાર બન્યું હતું.વીજળી હજી જાગી નહોતી.સવારે આઠ વાગ્યા પહેલા એ ક્યારેય ઉઠતી નહિ. કોલેજનું શિક્ષણ તો ક્યારનું પૂરું થઈ ગયું હતું પણ એ કોઈ પરીક્ષાની તૈયારી કરતી હતી. એટલે મોડે સુધી વાંચતી રહેતી. હુકમચંદ રોજ સવારે તૈયાર થઈને એના રૂમમાં જઈ વહાલી દીકરીના માથા પર હાથ ફેરવીને જગાડતો.
પણ આજે એની માએ એને જગાડી એટલે એણે પપ્પા વિશે પૂછ્યું.
"રાતે મોડા આવવાનું કહેતા હતા પણ હજી આવ્યા નથી.તું જાગીને તપાસ કર.મેં ફોન કર્યો પણ ફોન બંધ છે.જગાભાઈ કે નારસંગભાઈને ફોન કરીને પૂછ તો ખરી કે ક્યાં ગયા છે.તારા પપ્પાને કોણ જાણે કેટલું ભેગું કરવું છે..!
હાથે કરીને ઉપાધિ વ્હોરવા બેઠા છે.સરસ મજાનો ધંધો મૂકીને આ રાજકારણના ગંદા ધંધામાં પડ્યા છે.જેવાતેવા માણસો સાથે પનારો પાડે છે પણ કોક દી ન થવાનું થાય.પણ સમજે તો ને !" હુકમચંદની પત્નીએ ચિંતા વ્યક્ત કરી.
"મા તું પપ્પાને હજી ઓળખતી નથી ? સોમા સોંસરવા નીકળે એવા છે.એમનું લક્ષ બહુ ઊંચું છે.રાજ્યના મુખ્યમંત્રી બન્યા વગર એ હેઠા બેસવાના નથી. એમનું સપનું તો વડાપ્રધાન પણ બનવાનું છે." કહી વીજળી પથારીમાંથી ઉઠી.
''એમ મુખ્યમંત્રી થઈ જવાતું હોત તો તો શું જોઈએ. તું તૈયાર થઈને તપાસ તો કર.ક્યાં ચોળા વેચવા ગુડાયા છે ભગવાન જાણે !" કહી સવિતા રસોડામાં ગઈ.વિજળીએ તરત ફોન લઈને એના પપ્પાને લગાડ્યો.પણ એની મમ્મીએ કહ્યા મુજબ ફોન સ્વીચઓફ આવતો હતો.
'કદાચ બેટરી પુરી થઈ ગઈ હશે.' એમ બબડીને બાથરૂમમાં ઘુસી.
કલાકેક પછી વિજળીએ જગાને ફોન કર્યો. જગાએ ગઈ રાતે બનેલી ઘટના કહી સંભળાવી.રાતે તો શેઠને ગોડાઉન પર ઉતારીને જગો અને નારસંગ પોતપોતાના ઘેર જતા રહ્યા હતા.
'પપ્પા ગોડાઉન પરથી ઘેર આવવાને બદલે ક્યાં જતા રહ્યા હશે ?' વીજળીને પણ હવે ચિંતા થવા લાગી.
વિજળીએ તરત જ ધરમશી ધંધુકિયાને ફોન કરીને જાણ કરી. ગામમાં ચંચા જેવા બેચાર લોકોને પણ ફોન કરી જોયા.દસ વાગતાં સુધીમાં આખા ગામમાં સમાચાર ફેલાઈ ગયા કે હુકમચંદ ગુમ થઈ ગયા છે.જગો અને નારસંગ તખુભા પાસે પણ જઈ આવ્યા.
તખુભા,રવજી સવજી, ગંભુ અને માનસંગ, જાદવ,વજુશેઠ અને તભાભાભા વગરેને જેમ જેમ ખબર પડતી ગઈ તેમતેમ બધા હુકમચંદના ઘેર આવવા લાગ્યા.સરપંચ ગુમ થઈ ગયા હોવાના સમાચારે ગામમાં અચરજનું મોજું ફેલાઈ ગયુ હતું.
ધરમશી ધંધુકિયા પણ આગિયાર વાગ્યે એમની કાર લઈને ધસી આવ્યા.ધારાસભ્ય આવ્યા એટલે ગામમાં લોકો ઉમટી પડ્યા. ઘણાએ આવીને, 'સરપંચ જેવી વ્યક્તિ સલામત ન હોય તો અમારી શું દશા થશે ?' એવો બળાપો પણ ઠાલવ્યો.
ધરમશીભાઈએ બધાને સાંત્વના આપીને ફરિયાદ લખાવાનું સૂચન કર્યું. 'પોલીસ હુકમચંદને પાતાળમાંથી પણ શોધી કાઢશે.' એવો સધિયારો પણ આપ્યો.
હુકમચંદના ઘેરથી ધંધુકિયાએ વીજળી અને એની મમ્મીને સાથે લઈ કાર બરવાળા પોલીસ સ્ટેશને લેવડાવી.સોંડાગર હાજર નહોતો એટલે તાબડતોબ એને બોલાવવામાં આવ્યો. ધરમશીએ ઉગ્ર શબ્દોમાં સોંડાગરને તતડાવી નાંખ્યો.અને ગઈકાલે રાતે જે બનાવ બન્યો હતો એનો સંદર્ભ લઈ રણછોડ પર જ શંકા હોવાનું લખાવ્યું.
સાંજ સુધીમાં હુકમચંદને હાજર કરવાનું ફરમાન કરીને ધરમશીએ રાજ્યના પોલીસ કમિશ્નર તન્ના સાહેબને પણ મામલાની જાણકારી આપી.કમિશ્નરના આદેશથી તાત્કાલિક પોલીસને દોડતી કરી દેવામાં આવી. હુકમચંદના ફોનનું લોકેશન મેળવવામાં આવ્યું પણ ફોન તો બંધ હાલતમાં ગામના પાદરેથી જ મળી આવ્યો.
રણછોડને બોલાવીને એની પૂછપરછ કરવામાં આવી.પણ રણછોડે હુકમચંદની બાબતમાં પોતે કશું જ જાણતો હોવાનો ઇનકાર કર્યો.
ધરમશીભાઈએ પોલીસ કમિશ્નરને ગઈ રાતે બનેલા બનાવ અંગે તપાસ કરવા જણાવ્યું.ગઈ રાતે સોંડાગરે પોતાનો ફોન ઉપાડ્યો નહોતો એટલે કમિશ્નર તન્ના પણ સોંડાગર ઉપર ખફા થયા હતા.હુકમચંદ ગુમ થવા પાછળ સોંડાંગરનો હાથ હોવાની પ્રબળ શંકા વ્યક્ત કરીને તન્નાએ જો સાંજ સુધીમાં એ હુકમચંદને શોધી નહિ શકે તો સસ્પેન્ડ કરવાની ધમકી આપી.
કમિશ્નરની ધમકીને કારણે સોંડાગર હરકતમાં આવ્યો હતો. રણછોડના કહેવાથી જ એણે હુકમચંદના ગોડાઉન પર રેડ પાડીને એને ગિરફ્તાર કર્યો હતો. હવે હુકમચંદ ગુમ થયો એટલે એને રણછોડ પર જ શંકા ગઈ હતી.પણ રણછોડ સાથેની સાંઠગાંઠને કારણે રણછોડ પર વધુ દબાણ કર્યું નહોતું.
પણ પોલીસ ક્યારેક કોઈની મિત્રતા નિભાવતી નથી.સસ્પેન્ડ થવાની બીકે સોંડાગરે રણછોડને ફરીવાર બોલાવવો પડ્યો.
પણ રણછોડ પાક્કો ખેલાડી હતો.સોંડાગર સસ્પેન્ડ થાય તો એને કોઈ ફેર પડવાનો નહોતો. એણે હુકમચંદને એવી જગ્યાએ સંતાડયો હતો કે સોંડાગર તો શું આખા રાજ્યની પોલીસ પણ એને શોધી શકવાની નહોતી.
*
ટેમુ અને નીના ઘરમાં પ્રવેશ્યાં એટલે નગીનદાસની આંખો ચાર થઈ ગઈ.ટેમુની દુકાને એકવાર નીના માટે થઈને થયેલો ઝગડો એને યાદ આવી ગયો. એ વખતે ટેમુની માએ નગીનદાસને તતડાવી નાખેલો !
"ક્યાં ગઈ હતી આ લબાડ સાથે. તને કંઈ ભાનબાન છે કે નહિ ? બાપની આબરૂ બોળાવવા બેઠી છો કે શું ?" નગીનદાસ તાડુંક્યો.
''પપ્પા તમે ટેમુને લબાડ ન કહો. એ જ મને ઘેર લઈ આવ્યો છે. અને તમારી આબરૂનું ધ્યાન રાખવાનો શોખ એને જ બહુ છે." કહી નીનાએ ટેમુ તરફ ફરીને ઉમેર્યું, " મેં કીધું'તુને તને ? હું મારા પપ્પાને બહુ સારી રીતે ઓળખું છું."
"જુઓ કાકા, નીના તમારી દીકરી છે.એની સગાઈ તમે જે છોકરા સાથે કરી છે એ છોકરો કેરેકટરલેસ છે.એટલે તમે આ સગાઈ તોડી નાખો.ત્યારબાદ તમારે બીજી કોઈ ચિંતા કરવાની જરૂર નથી.નીનાની જવાબદારી હવે મારી છે..!" ટેમુએ એને આવડી એવી રજુઆત કરી.ટેમુની વાત સાંભળીને નીના હસી પડી.
નગીનદાસ ડોળા કાઢીને ટેમુને તાકી રહ્યો.હજી ઉગીને ઉભો થયેલો આ છોકરો જે સલાહ આપી રહ્યો હતો અને પોતાની દીકરીને એની જવાબદારી હોવાનું કહી રહ્યો હતો એ જોઈ એ બરાબરનો ખિજાયો.
નગીનદાસ કંઈ પ્રતિક્રિયા કરે એ પહેલાં નીનાને હસતી જોઈને ટેમુ પણ હસી પડ્યો. નગીનદાસ ગુસ્સાથી લાલપીળો થઈ રહ્યો હોવા છતાં ટેમુએ આગળ વધીને નગીનદાસના ખભા પર હાથ મુક્યો.
'મને ખ્યાલ જ હતો કે મારી વાત તમને નહિ ગમે.પણ જીવનમાં ક્યારેક આકરા નિર્ણયો લેવા પડતા હોય છે,સસરાજી..!"
નગીનદાસ ઓસરીમાં પડેલા સિલાઈ મશીન પર બેઠો હતો.ટેમુ હવે હદ વટાવી ગયો હતો. સસરાજી શબ્દ સાંભળીને એણે પિત્તો ગુમાવ્યો,
"હાળા હરામખોર..તું કોને સસરાજી કહે છે હેં ? તારી ઓખાત શું છે ? નાલાયક ઉભો રે તને સ્વાદ ચખાડું..!" કહી નગીનદાસ ઉઠ્યો. ટેમુના શર્ટનો કોલર પકડીને તમાચો મારવા એણે હાથ ઉગામ્યો.એ જ વખતે નીનાએ દોડીને નગીનદાસનો હાથ પકડી લીધો.
"ન...હી...ઈ..ઈ...." નગીનદાસ જાણે તલવારનો ઘા કરતો હોય એમ નીનાએ જોરથી રાડ પાડી. એ સાંભળીને નયના રસોડામાંથી બહાર દોડી આવી.
"મારો હાથ મૂકી દે..અને તું આઘી મર્ય કહું છું..." નગીનદાસે બરાડો પાડ્યો.
"નીના તું ખસી જા.પપ્પાજીને એમની દાઝ ઉતારી લેવા દે ! ઇતિહાસ સાક્ષી છે પ્રેમીઓને માર ખાવો જ પડતો હોય છે. હું આરામથી બે ચાર લાફા ખમી લઈશ.'' કહી ટેમુએ નગીનદાસને કહ્યું, "પપ્પાજી તમેં તમારો ગુસ્સો મારી પર ઉતારી નાંખો જેથી તમને શાંતિ મળશે. અને હસતા મુખે તમે નીનાનો હાથ મારા હાથમાં મૂકી શકશો..!"
નગીનદાસે બળ કર્યું પણ નીનાએ એનો હાથ છોડવાને બદલે બંને હાથે બળ કરીને નગીનદાસનો હાથ ખેંચ્યો.આ બબાલ જોઈ નયનાએ પણ નીનાનો સાથ આપ્યો.
"તમને નીનાના સમ છે જો એ છોકરા ઉપર હાથ ઉપાડ્યો છે તો. હું ઈમ કવ છું કે હેઠા બેહો.આમ મારામારી કરીને કંઈ થવાનું નથી."
"સાસુજી સાચું જ કહી રહ્યાં છે.સસરાજી તમે નાહકનો ગુસ્સો ન કરો.હું એક ઉત્તમ જમાઈ તરીકે આ ટેમુને સાબિત કરી બતાવીશ.
અમદાવાદી કેરેકટરલેસ કરતા હું નીનાને સ્વર્ગનું સુખ આપીશ.હું એને મારી હથેળીમાં રાખીશ. મારી પલકો પર બેસાડીશ. નીના કહેશે તો આકાશમાંથી તારા તોડી લાવીશ.પણ મને ખબર છે નીના એવું નહિ કહે.કારણ કે આકાશના તારા આપણને કંઈ કામમાં આવતા નથી.પાછું તારા વગરનું આકાશ સારું પણ ન લાગે ને.. હે..હે...હે ! હું એનો પડ્યો બોલ જીલીશ અને રાણીની જેમ રાખીશ."
નગીનદાસથી ટેમુનો આ લવારો સહન થતો નહોતો.એક હાથ નીનાએ ખેંચી રાખ્યો હતો એટલે નગીનદાસે ટેમુનો કોલર છોડીને એ હાથ ટેમુને તમાચો મારવા ઊંચો કર્યો.પણ જેવો નગીનદાસે કોલર છોડ્યો કે તરત ટેમુ દૂર ખસી જઈને હસ્યો.
નગીનદાસ, નીનાને ધક્કો મારીને ટેમુને મારવા ધસ્યો.હવામાં ઊંચો થયેલો હાથ હવામાં જ વીંજાયો. ટેમુએ એક તરફ ખસી જઈને નગીનદાસનો ઘા ચુકાવી દીધો. નગીનદાસ હવામાં હાથ વીંજે ને ટેમુ દૂર ખસી જાય. વળી નગીનદાસ બેવડો દાઝે ભરાઈને પાટું મારવા ધસે પણ ચપળ ટેમુ ખસી જાય એટલે નગીનદાસ પડતાં પડતાં માંડ બચે. ટેમુ ઓસરીમાંથી ફળિયામાં અને ફળિયામાંથી ઓસરીમાં ભાગે. ઘડીક નયના પાછળ સંતાય તો ઘડીક નીના પાછળ !
દસેક મિનિટ સુધી નગીનદાસે મરણિયા બનીને ટેમુને પકડવાની કોશિશ કરી.આખરે એના શ્વાસ ફૂલી ગયા.હાંફતો હાંફતો એ ઓસરીની ધારે શ્વાસ ખાવા બેઠો. એ જોઈ ટેમુ ફળિયામાં જઈ નગીનદાસની સામે ઉભો રહ્યો.
"જુઓ સસરાજી,તમે મારી ચપળતા અને ચાલાકી જોઈ લીધીને ? આ ઉપરથી સાબિત થાય છે કે હું કોઈના હાથમાં આવું એમ નથી.તમારી જેવા ખિસકોલા તો મને શું પકડવાના ? એટલે હવે તમેં નીનાનો હાથ મારા હાથમાં આપી દો એમાં જ તમારું ભલું છે અને નીનાનું ઉજ્જવળ ભવિષ્ય છે.ચાલો હવે હા પાડી દો એટલે કામ પતે..!"
નગીનદાસે ડોળા કાઢીને શ્વાસ લેવા ડોક નીચી નમાવીને ઊંચી કરી.એ જોઈ ટેમુ ખુશ થઈને નાચવા લાગ્યો.એણે દોડીને નીનાનો હાથ પકડી લીધો.
"પપ્પાજી માની ગયા..પપ્પાજી માની ગયા..વાહ પપ્પા.. આહ પપ્પા..!" કહી ટેમુએ નીનાના બેઉ હાથ પકડીને ફેર ફૂદરફી ફેરવી..
"હું કાંઈ માની નથી ગયો..છોડ અલ્યા કંદોઈના છોકરા..છોડ મારી છોકરીને." કહી નગીનદાસ ઊભો થઈને ગોળ ગોળ ફરતા ટેમુને પકડવા દોડ્યો.
એ સાથે જ ટેમુનો ધક્કો નગીનદાસને લાગતા એ ખડકીના બારણાં તરફ ગડથોલીયું ખાઈને પડ્યો.એનું માથું બારણાં સાથે ધડામ લઈને ભટકાયું.
"ઓય.. ઓય.. બાપલીયા..." નગીનદાસના મોઢામાંથી રાડ નીકળી ગઈ.બેઉ હાથ માથા પર દબાવીને એ બેસી પડ્યો.ટેમુ સાથે ફેર ફૂદરડી ફરતી નીનાએ એ જોયું.
"પપ્પા..આ...આ...આ....!" જાણે ટેમુએ બંધુકની ગોળીથી નગીનદાસને વીંધી નાંખ્યો હોય એવી ચીસ નીનાએ પાડી.ટેમુ પણ ''સસરા..જી...ઈ..ઈ..ઈ.....'' એમ રાડ પાડીને નીના પાછળ ધસ્યો.
એ દ્રશ્ય જોઈ નયનાએ પણ 'નિનાના...પપ્પા.. આ...આ...'' એવી ચીસ પાડી.જાણે નગીનદાસ મરવા પડ્યો હોય એમ પેલા ત્રણેય દોડીને નગીનદાસ પાસે ગયા. ટેમુએ નયનાના ખભા પર દબાણ આપીને એને નગીનદાસ પાસે બેસાડી દીધી.ઝડપથી નગીનદાસને ધક્કો મારીને એનું માથું નયનાના ખોળામાં રખાવીને ટેમુએ કહ્યું, "રામના નામ લ્યો ! હું ક્યારનો સમજાવતો હતો પણ તમે માન્યા નહિ.વિનાશ કાળે વિપરીત બુદ્ધિ.. નીના તું ઝડપથી ઘરમાં જઈ ગંગાજળ લઈ આવ.તારા પપ્પાના માથામાં ગંભીર ઘાવ થયો છે.લગભગ તો હેમરેજ થઈ ગયું છે.અને નહિ થયું હોય તો હમણે થઈ જશે.હે ભગવાન તમે આ શું કરી નાખ્યું.મારી નીનાના માથેથી પિતાનું છત્ર છીનવી લીધું.પણ ફિકર નોટ,ભગવાન એક હાથે લઈ લે છે તો બીજા હાથે તરત આપી દે છે.નીનાના પિતા ભલે જતા રહે પણ તરત આ ટેમુ સ્વરૂપે પ્રભુએ પતિ આપી દીધો છે.નીના તું ઘડીક રડવું હોય તો રડી લે.કારણ કે કન્યા વિદાય વખતે તારે અમથુય રડવાનું જ હતું.પ્રભુને બધી ખબર જ હોય છે.જે નસીબમાં હોય એ એક યા બીજા સ્વરૂપે મળી જ જાય છે."
"તું શું બકે છે અલ્યા હરામખોર.હું કંઈ મરી નથી જ્યો.તું અત્યારે જ મારા ઘેરથી ચાલ્યો જા.તારા બાપને હું ફરિયાદ કરવા આવું છું.ભાગ સાલ્લા નાલાયક." નગીનદાસે ટેમુનો લવારો સાંભળીને રાડ પાડી.
"મરી તો નથી ગયા.પણ તમારા માથામાં ગંભીર ઘા થયો છે. લગભગ તો હેમરેજ જ છે.મારા ફુવાને ભેંસની તાજી જન્મેલી પાડીએ ગોથું માર્યું'તું ત્યારે આવી રીતે જ તેઓ ખડકી હાર્યે ભટકાણા'તા.ઈતો ભાગ્યશાળી હતા તે જરાય દુઃખી નો થયા અને સ્થળ ઉપર જ મરી ગ્યા. પણ તમારા કરમ એટલા સારા નહિ હોય એટલે તમે હજી રિબાઈ રિબાઈને મરશો.હવે છેલ્લી ઘડીએ એક સારું કામ કરતા જાવ." કહી ટેમુએ નીનાનો હાથ ખેંચીને પોતાની બાજુમાં બેસાડી.નીનાનો હાથ પોતાના હાથમાં લઈ નગીનદાસનો એક હાથ ટેમુએ ખેંચ્યો.
"લ્યો હવે તમારી દીકરીનો હાથ એક સુરક્ષિત, સલામત અને મજબૂત હાથમાં સોંપીને સ્વર્ગે સિધાવો. તમારા ચણિયા બ્લાઉઝના જે ઓર્ડર બાકી હશે એ તમામ ઓર્ડર હું ટેમુ મીઠાલાલ સિલાઈકામ શીખીને પુરા કરવાની પ્રતિજ્ઞા લઉં છું !"
નગીનદાસે તકનો લાભ લઈને સામે બેઠેલા ટેમુની છાતીમાં જોરથી પાટું ઝીંક્યું. એ સાથે જ ટેમુ ઉછળીને ફળિયામાં ચત્તોપાટ પડ્યો.પણ એના હાથમાં નીનાનો હાથ હોવાથી નીના પણ ખેંચાઈને ટેમુ ઉપર પડી.ટેમુએ એની પીઠ ફરતે હાથ વીંટાળી દીધા.અને નીનાએ ટેમુના ગાલ પર ચુંબન કરી લીધું.
નયના અને નગીનદાસ એ દ્રશ્ય જોઈ રહ્યા.ખડકી આગળ ક્યારના આ તમાશો જોઈ રહેલા લોકોના ટોળાએ તાળીઓ પાડીને સિટીઓ મારી.
(ક્રમશ:)