એક ભૂલ NIDHI SHAH દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

એક ભૂલ

મોહિત તેની સંગીતની સૂરાવલિઓ માં ખોવાયેલો હતો ત્યાં તેના બારણે ટકોરા પડ્યા. બહાર ધોધમાર વરસાદ અને ગરજતા વાદળો વચ્ચે કોણે આવી ધ્યાનભંગ કર્યું તેમ વિચારતો બારણું ખોલવા ઊભો થયો. બારણું ફરી જોરથી ખખડ્યું. મોહિતે, "ખોલું !" કહી બારણું ખોલ્યું. ત્યાં તેના માનવામાં ન આવે એવી નમણી નાજુક પંદર વર્ષની દીકરી બારણે ઉભી હતી.
" હું અંદર આવી શકું?" એ દીકરી એ પુછ્યું.
"હા " ટૂંકો જવાબ આપી કંઇક મૂંઝવણમાં મોહિતે બારણામાં થોડી જગ્યા કરી આપી જેથી તે અંદર આવી શકે.
"શું હું થોડી વાર અહીં રોકાઈ શકું? વરસાદ બંધ થતાં તરત જતી રહીશ. " એ નમણી છોકરી બોલી.
મોહિત કશું વિચારી કહે કે પૂછે એ પહેલાં, તે તો સોફા પર જઈ બેસી ગઈ.
તે ક્યાંથી આવી છે ક્યાં જશે એ જાણવાની ઉત્સુકતા હોવા છતાં તેને સહેજ ભીની થયેલી જોઈ મોહિતે તેને કૉફી પીશે કે ચા એમ પુછ્યું.
"કોફી, મીઠી અને કડક" તરત શરમાયા વગર એ દીકરીએ જવાબ આપ્યો.
" મૃણાલ, તમે મને મૃણાલ કહી શકો છો." સોફા પર બેઠા બેઠા તેણે રસોડામાં કોફી બનાવતા મોહિતને પોતાનું નામ જણાવ્યું.
તેનો બોલવાનો અંદાજ અને પછી બોલાયેલું તેનું નામ મોહિત ને વર્ષો પછી કોઈની યાદ તાજી કરાવી રહ્યા હતા.
જૂની યાદો વાગોળતો તે ગરમ કોફી અને બિસ્કિટ લઈ ને મૃણાલ જ્યાં બેઠી હતી ત્યાં પહોંચ્યો.
" તમે નઈ લો, કોફી? તેનો અવાજ સાંભળી મોહિત તંદ્રા માંથી બહાર આવ્યો.
" ના, દીકરા નથી પીતો હવે." એવો ટૂંકો જવાબ આપી મોહિત સામેના સોફા પર બેઠો.
મૃણાલતો શરમાયા વગર કૉફી અને બિસ્કિટની મઝા માણવા લાગી.
મોહિતે ખચકાતા એનું આ બાજુ આવવાનું કારણ પુછ્યું.
બિન્દાસ મૃણાલ મસ્તીમાં બોલી કે અહી નજીકમાં તેની ફ્રેન્ડ રહે છે. તેને ત્યાં ભણવા આવી હતી. સાંજ પડતાં ઘરે જવા નીકળી. જ્યાં થોડી આગળ આવી ધોધમાર વરસાદ ચાલુ થતાં તમારા ઘરની લાઈટ ચાલુ જોઈ તો થયું અહીં થોડીવાર રોકાય, વરસાદ ધીમો થાય ત્યારે આગળ જઉં.
મોહિત કંઈ બોલ્યો નહીં. ચૂપચાપ પોતાના કામે પાછો વળગ્યો. થોડીવાર તો મૃણાલ ગુપચુપ બેસી રહી. પછી નીરવ શાંતિ ન ગમતા મોહિતને અહીં ત્યાંના પ્રશ્નો પૂછવા લાગી. પ્રશ્નો પૂછતા પૂછતા તેણે મોહિત ને તેના લગ્નજીવન અને તેની પત્ની વિશે જાણવાની ઉત્કંઠા દર્શાવી. મોહિત શરૂમાં તો સહજ રીતે જવાબ આપવા લાગ્યો પણ નાની મૃણાલે ધીરે ધીરે મોહિતના ધરબાઈ ગયેલા સ્પંદનોને તે જગાવતી ગઈ. ક્યાં મળ્યા ?ક્યારે મળ્યા ?કેવી રીતે પ્રેમ થયો? શું પસંદ હતું? શું નહિ?
સહજતાથી પૂછાતા પ્રશ્નો ના જવાબ ક્યારે દિલ ખોલીને અપાતા ગયા એનું મોહિતને ધ્યાન ન રહ્યુ. મનની લાગણીઓનો એકરાર મોહિતના ચહેરા ઉપર ઝળકી રહ્યો હતો. મૃણાલ ને જે જાણવું હતું તે સારી વાતોને ઝીણવટથી જાણતી ગઈ પણ જ્યાં મોહિતને તેની પ્રેમિકા, તેની પત્ની વિશે પૂછ્યું. તે ક્યાં છે? એવા સહજ પ્રશ્નએ મોહિતના ચહેરા પરથી નૂર ઉડાવી દીધું.
ત્યાં જ મૃણાલના ચહેરા પર પણ ગંભીરતા છવાઈ ગઈ. અચાનક જ મોહિત બોલ્યો, " મુગ્ધા, મુગ્ધા એનું નામ હતું. એ ક્યાં છે ખબર નથી. નાનીસી ભૂલનું આટલું મોટું પરિણામ આવશે એ પણ ખબર ન હતી. " મોહિત થોડું રોકાયો. એની આંખોના ખૂણા ભીના થઇ ગયા. " દીકરા કેમ મારી લાગણીઓ તારી સામે વ્યક્ત કરું છું. ખબર નથી પણ તો પણ તને કહેવાની ઈચ્છા થાય છે એટલે કહું છું.
હું અને મુગ્ધા કૉલેજથી સાથે, પહેલી વાર એક બીજાને સંગીતના રિયાઝ માટે મળ્યા હતા. કૉલેજ માં અમારી ફ્રેશર્સ ની વેલકમ પાર્ટી હતી. તેનો કાર્યક્રમની બાગડોર મે અને મુગ્ધા એ સંભાળી હતી. બસ પછી શું! મુલાકાતો કયા જન્મ જન્મના સાથમાં બદલાય ગઈ તેનો અમને બંને ને ખ્યાલ જ ન રહ્યો. પરિવારના સૌ સભ્યોની હામીથી લગ્નના તાંતણે બંધાયા.
પાંચ વર્ષ પછી અમારા ઘરે એક દીકરી નો જન્મ થયો. મુગ્ધા દીકરીના જન્મ પછી તેના લાલન- પાલનમાં ઓતપ્રોત થઈ ગઈ.મોહિત પોતાના કોન્સર્ટ અને રિયાઝ માં મશ્રુફ થઈ ગયો. સ્વાતી જે તેમની સાથે ભણતી એણે મોહિતની સાથે કોન્સર્ટ માં મુગ્ધા ની જગ્યાએ જવાનું ચાલુ કર્યું. મુગ્ધા એ ત્રણ - ચાર વર્ષના સમય પછી પાછું મોહિત સાથે કોન્સર્ટમાં જવાની ઈચ્છા વ્યક્ત કરી. પણ મારી દીકરી એને છોડતી હતી નહિ એટલે તે ફરી પાછી તેનામાં ઓતપ્રોત થઈ ગઈ.
એક વાર શહેરમાં જ કોન્સર્ટ હતી. તેથી તેણી પણ કાર્યક્રમ જોવા આવવાની હતી. હું તૈયારી કરવા વહેલો ગયો. તે બે કલાક પછી પહોંચવાની હતી. સ્વાતી હરહંમેશ ની જેમ મારી સાથે જ હતી. તેની સગાઈ મયંક સાથે થઈ હતી. તે પણ દરેક કોન્સર્ટ નો અચૂક ભાગ બનતો. કોન્સર્ટ ના બે દિવસ પહેલા સ્વાતી તેને મળવા અચાનક એની ઓફિસ ગઈ હતી. ત્યાં તેણે મયંક અને એની સેક્રેટરી ને વાંધાજનક અવસ્થા માં જોયા. આથી સ્વાતી એ મયંક સાથે ફોડ પાડ્યો. તેનાથી મયંક ખૂબ ગુસ્સે થયો અને સ્વાતી ને ગમે તેમ બોલવા લાગ્યો. તેણે કોન્સર્ટ ના એક કલાક પહેલા આવી સ્વાતી ને તેની બધી વસ્તઓને પરત આપી અને સગાઈ તોડી જતો રહ્યો.
સ્વાતી ની હાલત કાપો તો લોહીના નીકળે તેવી થઈ ગઈ. તે કોન્સર્ટમાં સ્વાતી ને લગભગ એક કલાક અલગ અલગ બંદીશ રજૂ કરવાની હતી. રડી રડી એનો અવાજ જાડો થઈ ગયો હતો. હું તેને શાંત રાખવાની કોશિશ કરી રહ્યો હતો પણ તે કેમેય કરો ચૂપ થતી ન હતી. તેને શાંત કરવા મે તેને બાથ ભરી સાંત્વના આપી રહ્યો હતો અને ગરમ ચાનો કપ પકડી તેને પીવડાવવાની કોશિશ કરી રહ્યો હતો. સ્વાતી એ તો મારા અથાગ પ્રયત્ન પછી પણ ગાવાની ના જ પાડી અને આખો પ્રોગ્રામ મારે એકલે હાથે સાંભળવો પડ્યો.
એ બધા ચક્કર માં મુગ્ધા આવી કે નઈ એ જોવા નો ટાઇમ પણ ન મળ્યો. પ્રોગ્રામ પછી લોકોથી ઘેરાયેલો હું અડધા કલાકે તેને શોધવા લાગ્યો પણ એ મળી નહિ. વિચાર્યું કે તે કદાચ દીકરી ની ચિંતામાં ઘરે વહેલી ગઈ હશે.
ઘરે પહોંચતા જ હું અચાનક હેતબાઈ ગયો. ટેબલ પર એક ચિઠ્ઠી હતી અને એનું લખાણ વાંચીને મને પણ ગહેરો શોક લાગ્યો. તેમાં તેણે કોન્સર્ટ પહેલા મારી અને સ્વાતી ની વાતો અધૂરી સાંભળી કઈ બીજો મતલબ કાઢ્યો સાથે એ વાત પણ ડઘાયો કે એણે મને મળી કઈ વાત કરી શું હકીકત માં બન્યું હશે એ જાણવાની પણ તકલીફ નઈ લીધી. એ વાતનો ગુસ્સો એવો આવ્યો કે હું પણ એને મળવા એક વર્ષ સુધી ગયો નહિ. મારી દિકરી ને પણ જોઈ નહોતી એમાં ને એમાં હું બીમાર રહેવા લાગ્યો.
વર્ષ પછી હું એના ઘરે ગયો તો પાડોશીથી ખબર પડી એ અને એની મમ્મી તેના ભાઈ પાસે શિકાગો જતા રહ્યા છે. કેટલીયે ચિઠ્ઠીઓ, કેટલાયે કૉલ અને કેટલાયે વોઇસ મેસેજીસ નો કોઈ જવાબ આજ સુધી નથી.
અત્યાર સુધી શાંતિથી સાંભળતી મુગ્ધા અચાનક બોલી ઉઠી. તો તમારી દીકરી નું નામ શું હતું? તમે મને નામ તો કીધું નહિ.
એક શ્વાસમાં જાણે પોતાની લાગણીઓ વ્યક્ત કરતો મોહીત જાણે તંદ્રા માંથી જાગતો હોય એમ બોલ્યો,' મૃણાલ ' મારી મીઠડી. તે આગળ બોલ્યો, " હું એને વહાલથી મીઠી કહેતો. એના ખંજન મને આજે પણ આ જીવન જીવવાની પ્રેરણા આપે છે."
ત્યાં જ મૃણાલ બોલી, " એ આ તો મારું નામ થયું." મોહિત અચાનક સફાળો જાગ્યો હોય એમ મૃણાલ ને એકી ટસે જોવા લાગ્યો. ત્યાં અચાનક મૃણાલ ઊભી થઈ અને બોલી હવે લાગે છે વરસાદ થંભી ગયો છે. હું જાઉં.
મોહિત પણ અચાનક ઊભો થયો અને બોલ્યો, " ચલ દીકરા હું તને મૂકી જઉં."
રાત ના લગભગ નવ વાગ્યા હતા એટલે મૃણાલ પણ કંઈ બોલી નહિ. મૃણાલ રસ્તો બતાવતી ગઈ એમ મોહિત ગાડી ચલાવતો ગયો. ગાડી એક હોસ્પિટલ આગળ આવી ઊભી રહી.
મોહિતે અચંબાથી પૂછ્યું, " તું અહીં રહે છે?" મૃણાલ એ કહ્યુ, "ના મારી મમ્મી હમણા અહીં છે." મોહિતે કંઈ વિચાર્યા વગર કહ્યુ, " તો મને મેળવ."
મૃણાલ તેને છઠા માળે એક પ્રાઇવેટ રૂમમાં લઈ ગઈ. અંદર ઘુસતા જ ત્યાં સૂતેલા વ્યક્તિને જોઈ મોહિતના પગ થીજી ગયા. એ મુગ્ધા હતી. જે મોહિત ને વર્ષો પહેલા છોડીને ગઈ હતી. મોહિત કશું જ સમજી ન શક્યો. હજુ કંઈ કહે એ પહેલાં મૃણાલ તેને વળગી 'પપ્પા ..... પપ્પા 'અને ફૂટી ફૂટી રડવા લાગી.
આજે એણે મોહિત ને પહેલીવાર કોઈએ આટલા વર્ષો પછી પપ્પા કહી સંબોધ્યો હતો. મૃણાલ સાથે તે છેલ્લા ત્રણ - ચાર કલાક થી વાતો કરતો હતો પણ અત્યારના તેના મોઢા માંથી નીકળેલો ' પપ્પા' શબ્દ એક અજીબ લાગણી ઉત્પન્ન કરી રહ્યો હતો.
પલંગમાં સૂતી મુગ્ધા પાસે મોહિત બેઠો. મુગ્ધા ની આંખોમાં ગ્લાનિ, દુઃખ, ગુસ્સો, પ્રેમ બધા ભાવ મિશ્ર દેખાતા હતાં. આટલા વર્ષે મળ્યા ની ખુશી પ્રગટ કરવી કે કેટ - કેટલા પ્રશ્નો પૂછવા એ મોહિત નક્કી કરે ત્યાં તો મુગ્ધા બોલી, " મને માફ કરજે મોહિત. ક્યારેક આંખે જોયેલું પણ ખોટું હોય છે. વર્ષો પછી, મહિના પહેલા સ્વાતિ શિકાગોમાં હોસ્પિટલમાં મળી હતી. તેણે મને સઘળી વાત કરી કે તું એને સાંત્વના આપી તેને પ્રોગ્રામમાં ગાવા પ્રેરણા આપી રહ્યો હતો. પણ તે ના માની અને ત્યાંથી જતી રહી. અને હું બુધ્ધુ કંઈ પણ સમજ્યા વગર , વિચાર્યા વગર તને છોડી ને જતી રહી.
મુગ્ધા આગળ બોલી, " કદાચ, હું તારા આવવાની રાહ જોઈ. તારી સાથે ખરી - ખોટી કરવા રોકાઈ હોત! તો આપણી દીકરીને મેં પિતાથી વંચિત ન રાખી હોત. ત્યાં તો ફરી ચોધાર આંસુ એ એ રડી પડી.
ત્યાં જ મૃણાલ બોલી , " મમ્મી - પપ્પા જે થયું એ ભૂલી જાવ. પપ્પા મમ્મીને ફેફસાનું કેન્સર છે. ડોક્ટરે થોડો સમય આપ્યો છે. તેથી મમ્મી અહીં તમને મને મળવવા અને તેની ભૂલ સુધારી બાકી નો સમય તમારી સાથે ગાળવા આવી છે. શું આપણે સાથે રહી શકીએ?"
મોહિત તો આ સાંભળતા ચોધાર આંસુ એ રડી પડ્યો. થોડી વારમાં પોતાની જાત ને સંભાળી તે બોલ્યો, " દીકરા, એ ઘર તારું અને મમ્મીનું જ છે. હું તો તમારા વગર સાવ અધૂરો હતો. આ બોલી મોહિત ઊભો થયો. તેણે કહ્યું, " હું ડોક્ટર ને મળીને આવું છું."
ડોક્ટર સાથે વાત કરી મોહિત પાછો રૂમમાં આવ્યો .તેણે કીધું , " દીકરા, અહી મમ્મીનાં બધા રીપોર્ટસ આવી ગયા છે. ડોક્ટર ના હિસાબે મમ્મી ને દર અઠવાડિયે બતાવવા લાવવી પડશે. બાકી આપણે ઘરે જઈ શકીએ છીએ."
આજે મોહિતની ખુશી નું ઠેકાણું ન હતું. તે આજે એના જીવનના બે અંગો સમાન મૃણાલ અને મુગ્ધા બને ને ઘરે લઈ આવ્યો હતો. પહેલા તો એણે મુગ્ધા ને બધી વ્યવસ્થા કરી આપી. પછી બંને ની આગતા સ્વાગતા માં લાગી ગયો.
શાંતિ થી સમય મળતા આટ આટલા વર્ષો ની સુખ દુઃખની વાતો એ વળગ્યા. તેની ભૂલ ના અફસોસ સાથે ઘણી ઘણી વાતો કરી. ક્યાં રાતની સવાર થઈ એનું ધ્યાન રહ્યુ નહિ. અચાનક આંખો ખુલતા મુગ્ધા પર નજર પડી તો એ સસ્મિત ચીર નિદ્રામાં પોઢી ગઈ હતી. એના ચહેરા પર એક ગજબ શાંતિ અને સંતોષની લાગણી હતી.
મોહિત અને મૃણાલ તેને સાચી શ્રદ્ધાંજલિ અર્પતા તેની ભૂલ સુધારતા એકમેકના સાથી બની બાકી જિંદગી સાથે રહ્યા.

લિ. નિધિ શાહ