એક ભૂલ - શંકા NIDHI SHAH દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

એક ભૂલ - શંકા

મિહિર ના પગ પર મોજા આવી અથડાતાં હતા પણ એને કોઈ સુધબુધ હતી નહિ. આજે ઘણા વર્ષો પછી એ સાગરને મળવા અને તેનો આસ્વાદ માણવા આવ્યો હતો. કુદરતની લાલિમા અને તેના સ્પર્શ થી આવતા સ્પંદનો એ તેના મનને કબ્જે કરી લીધું હતું. લગભગ એક કલાક એક જ સ્થિતિમાં ઊભો રહ્યો.પોતાનું રાજીનામું મુખ્યમંત્રી શ્રી દુષ્યંત દિવાન ને સોંપી સૌ જાહોજલાલી થી દૂર રીક્ષા માં બેસી દરિયાકિનારે એના મનગમતા ખૂણે આવી ઊભો રહ્યો હતો.
એણે એના ગુરુ દુષ્યંત દિવાન ને પોતાના પ્રેમ માટે આજે છોડી દીધા હતા. જુવાનીના તરવરાટ સાથે મિહિરે જ્યારે કોલેજમાં ભણવા આવ્યો ત્યારે તેનો મુલાકાત દુષ્યંત દિવાન સાથે થઈ હતી. તે વખતનો એ સ્ટુડન્ટ કાઉન્સિલ નો પ્રેસિડેન્ટ હતો. ઘણો આગળ પડતો એનો મોભો હતો. મિહિરને પણ કંઈક કરી છુટવાની જીજીવિશા હતી. દુષ્યંતનો સાથ મળતા જાણે તેના સ્વપ્નોને વાચા મળી. સ્વપ્નશીલ મિહિરે ફક્ત બે વર્ષ માં તો દુષ્યંત દિવાન પછી પ્રેસિડેન્ટનું પદ શોભાવ્યું. દુષ્યંત દિવાનના પપ્પા એ વખતે રાજ્યના શિક્ષણ મંત્રી હતા એટલે દુષ્યંતના નામનો ડંકો દરેક જગ્યાએ વાગતો. દુષ્યંતએ પોતાનો તો વિકાસ કર્યો પણ સાથે સાથે
તેના ચાહિતા મિહિરને પણ સફળતાના પગથિયાં એક પછી એક ચઢાવતો ગયો.
આવા સફળતાના શિખર પર ચઢેલા મિહિરની મુલાકાત એક નાના કાર્યક્રમમાં કાવેરી સાથે થઈ. કાવેરીની બોલવાની છટા અને તેની લાવણ્યતાએ મિહિરને મોહિત કર્યો.ધીરે ધીરે બંને વચ્ચેની મુલાકાત વધતી ગઈ. કાવેરીને પણ મિહિરનો સાથ બહુ ગમવા લાગ્યો. બંને જ્યારે મળતા ત્યારે સમય નું સાનભાન ભૂલી ઘણા કલાકો સાથે વિતાવતા. ચૂંટણી આવતા મિહિર તેમાં મશરૂફ થઈ ગયો. કાવેરીને જોઈએ એવો સમય આપી શકતો નહિ. કાવેરીને પણ મિહિરની રાજકારણી તરીકેની કારકિર્દી થોડી ઓછી ગમતી. તો પણ તે અવારનવાર તેની ઓફિસ માં આવતી અને તેને સૂઝ પડે એટલી મદદ પણ કરતી. તે વખતે અચાનક કાવેરીની પિતરાઈ બહેન સુમનનું કાવેરી ના ઘરે રહેવા આવવાનું થયું.
સુમનને પણ કાવેરી સાથે મિહિરની ઓફિસ જવા લાગી. સુમન ચૂંટણી પ્રચારમાં પણ મિહિરને સાથ આપવા લાગી. કાવેરી તે વખતે પોતાના કામમાં થોડી વ્યસ્ત રહેતી એટલે થોડા છેલ્લા દિવસો તો મિહિરને સુમન ની ઘણી મદદ રહી. સુમનને પણ પહેલેથી રાજકારણમાં રસ હતો તેથી એ દુષ્યંત દિવાનની પણ માનીતી બની ગઈ. લગભગ તેની પર્સનલ સેક્રેટરી ના પદ સુધી ફક્ત એક મહિનાના ટૂંકા સમયમાં સુમન પહોંચી ગઈ.
કાવેરી તેની સંસ્થાના કામ પતાવી ચૂંટણી પ્રચારના છેલ્લા બે દિવસ તેના મિહિરને સાથ આપવા પહોંચી ત્યારે સુમનનો મિહિર સાથે નો ઘરોબો જોઈ થોડી અચંબિત થઈ ગઈ. પણ મિહિરતો તેને જોઈ ખુશ જ થયો. ત્યાર બાદ કાવેરી થોડી સુમનથી ચેતીને રહેવા લાગી. સુમનના મનમાં પણ મિહિર માટે દિલના કોઈ ખૂણે મીઠી પ્રીત બંધાઈ રહી હતી. ચૂંટણી પતતા દુષ્યંત દિવાન, મિહિર અને અન્ય પાર્ટીના સભ્યો બહુમતીથી જીત્યા. પાર્ટીના પ્રમુખ દુષ્યંત દિવાનને પાર્ટીના સભ્યોની બહુમતીથી રાજ્યના મુખ્યમંત્રી તરીકે પસંદ કરવામાં આવ્યા. મિહિરને પણ રાજ્યના ગૃહમંત્રી તરીકે પસંદ કરવામાં આવ્યો.
આવા યુવાન મંત્રીશ્રીઓ રાજ્ય સરકારમાં જોડાતાં સૌની આંખો તેમના પર હતી. શપથવિધિ પત્યા પછી દુષ્યંત દિવાને મિહિરને પોતાની કેબિનમાં મળવા બોલાવ્યો. મિહિરે એ પ્રમાણે કરવાનું વચન આપ્યું. ઘણા વખતથી કાવેરી અને મિહિર શાંતિથી મળ્યા ન હતા. મળવાની ઈચ્છા તો મિહિરને પણ હતી.પણ હવે મંત્રી બનતા તેણે કાવેરીને ફાઈવ સ્ટાર હોટલના રેસ્ટોરાંમાં મળવાનું નક્કી કર્યું. ત્યાં શાંતિ પણ મળી શકે અને હવે તેની પ્રતિભા પ્રમાણે તે જો ક્યાંય પણ મળે તો પત્રકારોને કોઈ વાત બનાવતા વાર લાગે નહિ. કાવેરીએ પણ તેને બરાબર સાત વાગે મળવાનું કહ્યુ.
મિહિર પણ બરાબર સાડા છ એ સુમનને લઈ પહોંચ્યો. કાવેરી પણ મિહિરને જલ્દી મળવાની ઈચ્છામાં વહેલી પહોંચી. તે પહોંચી ત્યારે તેણે સુમન અને મિહિરને એસ્કેલેટર પર ઉપર જતા જોયા. તે તો આ જોઈ અચંબિત રહી ગઈ. તે તેમની પાછળ લીફ્ટ થી પહોંચી. તેણે બન્નેને એક રૂમમાં હસતા વાતો કરતા પ્રવેશતાં જોયા. કાવેરી તો આ જોઈ બેબાકળી બની ગઈ. કોઈને કંઈ પૂછવા કે સુમન કે મિહિર સાથે એને વાત કરવાની ઈચ્છા પણ ન થઈ. એ ત્યાંથી રડતી રડતી ઘરે ચાલી ગઈ. કાવેરી એ એના પપ્પાને તેના મનની વાત કહી. કાવેરીના પપ્પાએ એને ખૂબ સમજાવી. સુમન અને મિહિર સાથે વાત કરી ખુલાસો કરવા કહ્યુ, પણ શંકાનો કીડો તેના મન માં જે સળવળતો હતો તે આજે આજે આગ ભભુકી તેના મનમાં જ્વાળાની જેમ ફાટ્યો હતો.
કાવેરી કોઈ પણ રીતે કોઈની વાત માનવા તૈયાર હતી નહિ. સુમન અને મિહિર બંને ના કોઈ ફોન નો જવાબ આપ્યો નહિ. મિહિર મળવા આવ્યો તે પહેલાં અચાનક તે સંસ્થાના કામે એક વર્ષ માટે લંડન જતી રહી. મિહિરે લગભગ ઘણા સમય સુધી મેસેજ કર્યા પણ કાવેરીનો ગુસ્સો હજુ અકબંધ જ હતો. તેણે મિહિરના એક પણ મેસેજનો જવાબ આપ્યો નહિ. અચાનક એક દિવસ બંને એરપોર્ટ પર એકબીજા સાથે અથડાયા. બંને એક બીજાને જોતા ગળગળા થઈ ગયા. પણ આ તો કાવેરી અને એનો ગુસ્સો હતો. સહેલાઈ થી શાંત પડે એવા હતા નહિ. આટલી ભીડ અને જલ્દીમાં મિહિરને તેના માટેનો અતૂટ પ્રેમની ઝલક તેની આંખોમાં આંસુરૂપે ઝલકેલી દેખાઈ.
મિહિર પણ જાહેર જગ્યા અને સ્ટાફ સાથે હોવાથી જલ્દીથી મીટીંગ માટે પૂના નીકળી ગયો. બે દિવસ પછી પાછો ફર્યો ત્યારે તેણે કાવેરી ને તેને ફક્ત એક વાર મળી એને પોતાની સફાઈ આપવા કાકલૂદી કરતો સંદેશો મોકલ્યો. વળતો જવાબ આવશે એની મિહિરને કોઈ આશા હતી નહિ પણ ત્યાં તો મેસેજ નું બીપ થયું. વોઇસ મેસેજ ડાઉનલોડ કરી સાંભળતા ચોધાર આંસુ એ રોકી શક્યો નહિ.
અચાનક એક છોકરો બોલ પકડતા તેની સાથે અથડાયો ત્યારે એને કંઈક હોશમાં આવ્યો હોય એવું લાગ્યું. તે કૉલેજ માં હતો ત્યારે રોજ જ સાંજે દરિયાકિનારે આવતો અને બે - ત્રણ કલાક વ્યતિત કરતો.આજે ઘણા વર્ષે એવો જ સમય મિહિરને ફરી મળ્યો હતો. તે હજી ઘરે પાછા વળવાનું વિચારતો હતો ત્યાં અચાનક એને કોઈ એ બાહુપાશમાં જકડી લીધો. સ્પર્શ કોનો હતો એ એને સમજતાં વાર ન લાગી. કાવેરી ના આ સ્પર્શને જીવનભર પામવા જ તેણે પોતાની રાજકારણ ક્ષેત્રની સફળ કારકિર્દીને છોડી દીધી હતી.
એક સહજ સ્મિત અને આંખમાં અશ્રુ સાથે તે ઊંધો ફર્યો અને એને વળગી ખૂબ રડ્યો. શું કહેવું? શું ન કહેવું? કંઈ વિચારવાની શક્તિ એના માં બચી હતી નહિ. બસ એને વળગીને એક જ વાત બોલ્યા કરતો હતો એણે કોઈ ભૂલ કરી નથી. એ કાવેરીને તનમનથી ચાહે છે અને તેના જીવનમાં બીજા કોઈ ને સ્થાન નથી.
કાવેરી પણ ચોધાર આંસુ એ રડતાં તેની માફી માંગતી રહી. તરત જ પોતાને સંભાળી મિહિરની પ્રતિષ્ઠાને ઠેસ ન પહોંચે એ રીતે એ ધીરેથી પોતાની ગાડી તરફ દોરી ગઈ. ગાડીમાં બેસતાં જ તેણે દુષ્યંત દિવાન તેને મળવા આવ્યા હતા અને તેઓએ તે દિવસની બધી હકીકત કહી દીધી. તે દિવસના દુષ્યંત દિવાનના સુમન માટેના પ્રેમનો એકરાર અને તેની બેવકૂફી, તેની શંકા , તેની ભૂલે ચારેયની જીંદગી દુઃખથી ભરી દીધી હતી તે ઘટના દુષ્યંત દિવાને આજે પોતાના મિહિરનો દરેક રીતે ઉજડતા સંસારને બચાવવા ખુલાસો કરવા કાવેરી પાસે આવવું પડ્યું હતું.
કાવેરીએ મિહિરને તેના હાથ પકડી કદી આવી ભૂલ ન કરવા તથા જીવનભર સાથ નિભાવવાના વચન સાથે તેના હાથમાં રાજીનામા નું કવર પાછું આપતા તેને વળગી રડતી રહી.
લેખિકા- નિધિ શાહ