આ વાત છે સન ૧૯૯૨ ની.
મુંબઈને અડીને આવેલા વસઈની પૂર્વ બાજુએ સાતેક કિલોમીટર દૂર અમારું ગામ,નામ સાતિવલી.
આજેતો ગામ ઘણું વિકસી ગયું છે પણ નેવુંના દાયકામાં ઘણું નાનું હતું.
ગામની એકતરફ તુંગારેશ્વરનો ડુંગર અને આસપાસ જંગલ.
મરાઠી આદિવાસીઓ ગામનાં મૂળ રહેવાસી.
પણ ગામ રાષ્ટ્રીય ધોરી માર્ગને અડીને આવેલું હોવાથી નાના મોટા ધંધા ઉદ્યોગોનો વિકાસ થઈ રહ્યો હતો.
અમારી પણ ગામમાં નાની એવી એક કરિયાણાની દુકાન હતી. દુકાનની પાછળ નાનું ઘર, જેમાં હું, મારા મોટા ભાઈ,
ભાભી અને એમનાં નાનાં બાળકો મોજથી રહેતા હતા.
ગામનું વાતાવરણ એકંદરે સારું હતું પણ ચોમાસું આવે એટલે મુશ્કેલ પરિસ્થિતિઓ નિર્માણ થવા લાગતી.
વરસાદ દિવસો સુધી એકધારો વરસતો રહે જેનાથી
નદી નાળાં છલકાઈ ઊઠે,વીજળી બત્તી ગુલ થઈ જાય જે દિવસો સુધી આવે નહી.ખખડધજ વૃક્ષો રસ્તાઓ પર તુટી પડે જેનાથી વાહન વ્યવહાર ઠપ થઈ જાય.
કેટલાંય દિવસો સુધી ગામનો સંપર્ક બહારની દુનિયા સાથે કપાઈ જાય.
ચોમાસું જેમજેમ જામતું જાય તેમ હરીયાળી ચાદર ચોમેર ફેલાતી જાય.જે વાતાવરણ દિવસને ખુશનુમા રાખતું એજ રાતને બિહામણી બનાવી દેતું.
અબૂધ આદિવાસીઓ ભૂત પ્રેત અને વળગાડ જેવી વાતોમાં બહુ માને.મારા મોટા ભાઈ પણ આવી વાતોમાં માને,પણ મને
એમાં કોઈ વિશ્વાસ નહોતો.કોઈ ભૂત પ્રેતની વાતો કરે તો મને એની ઉપર ખૂબ ખીજ ચડતી પણ મોટા ભાઈ જ્યારે ઍવી કોઈ વાતો કરે તો હું સામે દલીલ કર્યા વગર સાંભળી લેતો.
મારા મોટા બહેન અને બનેવી પણ ગામની સીમમાં રહેતા.અમારા રહેઠાણથી એકાદ કિલોમીટર દૂર નિર્જન વિસ્તારમાં એમનું નિવાસસ્થાન હતું.
એમને મળવા અવાર નવાર અમે એમનાં ઘરે જતા પણ રાતે જવાનું ટાળતા કેમકે અહી રસ્તો હંમેશા એકદમ ભેંકાર રહેતો.
પણ ચોમાસામાં એકવાર વરસાદ વગરની એક ભીની રાતે બહેન બનેવીને ત્યાં અમારે જવાનું થયું.
નવ વાગ્યે દુકાન વધાવીને હું, મોટા ભાઈ અને ભાભી ત્રણેય
પગપાળા બહેન બનેવીના ઘરે પહોંચ્યા.
આમતો એમને રાતે વહેલા સૂઈ જવાની ટેવ હતી પણ આજે કોણ જાણે કેમ અમે સૌ મોડી રાત સુધી વાતો કરતા
બેઠા રહ્યા.જ્યારે સમયનું ભાન થયું ત્યારે રાતનો એક વાગી ગયો હતો.અમે ત્રણેય જવા માટે ઉભા થયા.
' બહુ રાત થઈ ગઈ છે રોકાઈ જાઓ ' બનેવીએ વિવેક કર્યો. પણ સવારે વહેલા ઊઠીને દુકાનમાં કામે લાગી જવાનું હોવાથી બંનેની રજા લીધી.બનેવી અમારી સાથે આવ્યા અને
ઊંબરાનો ઝાંપો ખોલી આપ્યો.ઓટલાની છત ઉપર લટકતા
પીળા બલ્બનું અજવાળું ઝાંપા સુધી આવીને મંદ પડી ગયું હતું. એ અજવાળાંમાં મારી નજર મોટા ભાઈ ઉપર ગઈ તો એ થોડા અસ્વસ્થ જણાઈ રહ્યા હતા.
' એ સંભાળીને જજો ' કહેતા બનેવી ઝાંપો વાસીને ઘરમાં પાછા વળી ગયા.અને અમે ત્રણેયએ અમારા ગંતવ્ય સ્થાન
તરફ પ્રયાણ કર્યું.
ખાડા ખેય્યા વાળા રસ્તા પર સંભાળીને ચાલવું પડતું હતું.
આ રસ્તો આશરે ત્રણસો વાર આગળ જઈને પાકા રસ્તાને મળતો હતો જે ગામ તરફ જતો હતો.
હું જરા ઝડપી ચાલે આગળ ચાલી રહ્યો હતો અને ભાઈ ભાભી પાછળ આવી રહ્યા હતા.
થોડેક આગળ ગયા પછી મે પાછાં વળીને જોયું તો બંને ઉભા રહી ગયા હતા.ભાઈનો એક હાથ છાતી ઉપર હતો
' શું થયું ભાઈ ? ' પૂછતો હું એમની તરફ આગળ વધવા ગયો પણ ભાઇએ મને હાથના ઇશારાથી રોક્યો અને કહ્યું
' છાતીમાં જરાક દુઃખી રહ્યું છે તું આગળ જા અમે પહોંચીએ છીએ ' કમને હું પાછો ફર્યો અને રસ્તાને ત્રિભેટે જઈને ઊભો રહ્યો.
અહીં ઘોર અંધારું છવાયેલું હતું.રસ્તાની બંને બાજુ ઉભેલા ઊંચા વૃક્ષોની ઘટા મથાળેથી એકબીજામાં એવી ગૂંથાયેલી
હતી જાણે કોઈ ગુફામાંથી રસ્તો જઈ રહ્યો હોય એવું લાગતું હતું. ઝાડીઓમાં તમરાં તમતમાટ કરી રહ્યા હતા તો ક્યારેક આગિયા ઝબૂકીને રહી જતા હતા.
બે એક મિનિટમાં ભાઈ ભાભી પણ આવી પહોંચ્યા. ભાઈ
તો આવતા વેંત જમીન ઉપર ફસડાઈ પડ્યા. હું ગભરાયો
' બહુ દુઃખે છે ભાઈ ? ' મે પૂછ્યું . એમણે આંખો મીંચી અને હોઠ ભીડીને હકારમાં માથું હલાવ્યું.
ભાઈને આવી દશામાં પગપાળા ઘરે લઈ જવા એ ઉચિત
નહોતું અને આટલી મોડી રાતે કોઈ વાહન મળે એ પણ શક્ય નહોતું.છતાં મે બંને દિશામાં નજર દોડાવી દૂર દૂર સુધી વાહન તો શું કોઈ માણસનો પણ અણસાર નહોતો.
ત્યાં પાછળથી ભાઇએ અવાજ દીધો ' સાંભળ નાનાં, તું અને તારી ભાભી અહીથી ચાલવા માંડો જલદી.' ' અમે ચાલવા માંડીએ, અને તમે ? ' મે પૂછ્યું.
એવામાં અમારે જવું હતું એ દિશામાંથી કોઈના પગલાંનો અવાજ આવવા લાગ્યો.જાણે કોઈ ભારેખમ પગરખાં પહેરીને ધીમી ચાલે અમારી તરફ આવી રહ્યું હતું. પગરવ સાંભળીને ભાઈના ચહેરા પર ડર છવાઈ ગયો. એમણે ફરીથી મને કહ્યું ' જલદી કર નાનાં, તારી ભાભીને લઈને જા અહીથી.' ' તમને એકલા મૂકીને અમે નહિ જઈએ ' ભાભીએ
પણ પતિને કથળેલી તબિયતમાં એકલા મૂકીને જવાની આનાકાની કરી.
' મારી ચિંતા છોડો મને કળ વળશે કે તરત હું ઘરે પહોંચી જઈશ.' ભાઇએ સત્તાવાહી અવાજ કાઢ્યો પણ ભયથી એમનો ચહેરો સફેદ પડી ગયો હતો.પગલાંનો અવાજ
ધીમે ધીમે નજીક આવતો જતો હતો.
મે ભાઈને પૂછ્યું ' આ પગલાના અવાજથી તો તમે ડરી નથી
રહ્યાને ? કોઈ ભૂતપ્રેત હશે એવું લાગે છે તમને ? '
આ જગ્યાએ ઘણા ગામવાસીઓને ખરાબ અનુભવ થઈ ચૂક્યા છે ખબર છે ને તને ? ભાઇએ મને તતડાવી નાખ્યો.
' અરે ભાઈ, આવી બધી વાતોમાં તમે શુ કામ વિશ્વાસ કરો છો ? ભૂત બુત જેવું કંઈ હોતું નથી.આમાં ડરવાનું કેવું ? '
ઉભા રહો હું જોઉં જઈને કોણ છે, કહેતો હું રસ્તાની વચ્ચે જઈને પગરવની દિશામાં આંખો ખેંચીને જોવા લાગ્યો.
ગાઢ અંધકારમાં એક આછી આકૃતિ આગળ વધી રહી હતી. ધીમી ચાલે ચાલી રહેલી એ આકૃતિના પગ ખબ ખબ
કરતા રસ્તા પર પડી રહ્યા હતા.હું પાછો ભાઈ પાસે જઈને
બેઠો અને કહ્યું ' કોઈ ઘરડી વ્યક્તિ હોય એવું લાગે છે,
જુઓને કેટલી ધીમી ગતિએ ચાલી રહી છે.
પણ ભયથી બેબાકળા થઈને ભાઈ બોલી ઉઠ્યા, ' તમે બંને મારી વાત સાંભળો અને આ પાછળના ટૂંકા રસ્તેથી નીકળી જાવ.' પણ હું અને ભાભી ભાઈની બાજુમાંજ બેઠા રહ્યા.
અંધારામાં કશું સ્પષ્ટ દેખાઈ નહોતું રહ્યું પણ એટલું કળાયું કે
પેલી આકૃતિ હવે અમારી સમીપે પહોંચી ગઈ હતી.એના
શ્વાસોચ્છવાસના થડકારા અમને સાફ સંભળાઈ રહ્યા હતા.
અમે ત્રણેય તેની આગળ વધી જવાની રાહ જોતા નજર ઢાળીને બેઠા રહ્યા. પણ એ આકૃતિ આગળ વધવાને બદલે બરોબર અમારી સામે આવીને થંભી ગઈ. બે પળ પછી અચાનક એ અમારી તરફ આવવા લાગી અને મારી સામે આવીને ઊભી રહી ગઈ. કેમ જાણે હું ત્યાં એકલો ના હોઉં. નીચી નજરે મે બાજુમાં જોયું ને મારા હોશકોશ ઊડી ગયા.હું ત્યાં એકલો જ બેઠો હતો.ભાઈ ભાભી બંને ગાયબ થઈ ગયા હતા.ભયનું લખલખું મારા શરીરમાંથી પસાર થઈ ગયું.ડરતા ડરતા મે આંખો ઊંચી કરી.
પેલી આકૃતિના બંને હાથના ખોબામાં એક કપાયેલું માથું હતું
જેની આંખો મારી સામે તગતગી રહી હતી અને જુલફાં ગૂંચળું વળીને ગોઠણ સુધી પહોંચી રહ્યા હતા.
ડરતા ડરતા મે નજર વધુ ઊંચી કરી,પેલાના ધડ ઉપર માથું નહોતું પોતાનુંજ માથું તેણે ખોબામાં ધરી રાખ્યું હતું.તેના મેલા પહેરણ પર લોહી રેળાઈને કાળું પડી ગયું હતું.આવું
ભયાનક દ્રશ્ય જોઈને મારા ગાત્રો થીજી ગયા.આંખો ખુલીને
ખૂલી રહી ગઈ.
ત્યાંતો પેલાના મસ્તકમાંથી અવાજ ગુંજી ઉઠ્યો,' કેમ ભાઈ,
તું કહેતો હતોને કે તને ભૂત બૂતનો કોઈ ડર નથી લાગતો હવે
લાગે છે ડર ? '
એક અજબની ગભરામણ શરીરમાં ફરી વળી.ચીસ પાડવા મે મોં ખોલ્યું પણ અવાજ ના નીકળ્યો. તેની આંખોમાંથી નીકળતા તાપથી બચવા હું એકતરફ પડખું ફરી ગયો અને...
ધડામના અવાજ સાથે સોફા પરથી નીચે જમીન ઉપર પટકાયો.આંખો ખુલી ગઈ અને ચીસ પાડવા ખૂલેલું મોં બંધ
થઈ ગયું.રાતના ભેંકાર વાતાવરણમાંથી ભરબપોરમાં આવી
ગયો.
મને નીચે પડેલો જોઈને ભાઈ, ભાભી અને બાળકો મારી આજુબાજુમાં ભેગા થઈ ગયા.ભાભીએ પૂછ્યું ' શું થયું ?'
હું મૂંઝાઈ ગયો અને કહ્યું ' એક ડરામણું સપનું જોયું ' !!!!!!!
સમાપ્ત