'નરોત્તમ' ઊઠ તો દિકરા, જો તો સાત વાગવા આવ્યા, તારા બાપા ક્યારના દુકાને પહોંચી ગયા અને તું હજી સુધી ઘોરી રહ્યો છો. નંદુ બહેને રસોડામાંથી દિકરાને અવાજ દીધો.
રસોડું તો કહેવા ખાતર હતું.બાકી ત્રણસો ચોરસ ફૂટની એક ઓરડી હતી. જેના છેવાડે ખૂણામાં નહાવા ધોવાની એક ચોકડી હતી.પાછળની દીવાલ ઉપર લાકડાની અભેરાઈઓ હતી જેના ઉપર રાંધવાના અને પીરસવાના વાસણો ખડકેલા હતા.એક નાનું પિંજરૂ હતું જેમાં ચા સાકર અને મસાલાના ડબલા ઉપરાંત ગરમ કરેલું દૂધ મૂકી રાખતા.એક સગડી હતી જેની ઉપર રસોઈ બનતી.
નંદુ બહેન અને એમનાં પતિ હસમુખ ભાઈ પોતાના ચાર સંતાનો સાથે સૌરાષ્ટ્રના નાનાં ગામડેથી આજીવિકા રળવા સન ૧૯૩૨ ની આસપાસ મુંબઈ આવ્યા હતા. ખારમાં ઝૂંપડપટ્ટી જેવા લત્તામાં રહેવા માટે એક રૂમ લીધી અને ખાર માર્કેટમાં માટીનાં વાસણોની દુકાન શરૂ કરી. સાલસ સ્વભાવના હસમુખ ભાઈ પાકા વેપારી.નાનામાં નાની અને ઓછામાં ઓછી વેચાતી વસ્તુઓનું પણ ઘરાક એમની દુકાનેથી ખાલી હાથે જાય નહી એની તેઓ તકેદારી રાખતા.
માટીનાં માટલાં, અનાજ ભરવાની કોઠી, માણ, કુંડા, તાવડી,
દીવડાઓ વગેરેથી દુકાન ખીચોખચ ભરેલી રહેતી.
હસમુખ ભાઈ અને નંદુ બહેનને રોજ સવારે વહેલા ઊઠી જવાની આદત હતી.બાળકો પણ વહેલા ઊઠીને નિશાળ ભેગા થઈ જાય.પછી હસમુખ ભાઈ નાસ્તો પાણી પતાવીને
સાડા છએક વાગ્યે જઈને દુકાન ખોલતા.અને રાતે આઠેક વાગ્યે પાછા ઘરે આવી જતા.
એમનાં સંતાનોમાં નરોત્તમ સહુથી મોટો, જેને ભણવામાં જરા પણ રસ નહી. જેમ તેમ કરીને ચાર ચોપડી પૂરી કરી. પછી દોસ્તારો સાથે રખડપટ્ટી કરવામાં પડ્યો.પણ હસમુખ ભાઇએ સમયસૂચકતા વાપરીને થોડું કડક થોડું નરમ વલણ અપનાવીને દિકરાને વંઠી જતા રોક્યો અને દુકાનમાં સાથે જોતરી દીધો. નરોત્તમ ભણ્યો ભલે ઓછું પણ બાપા સાથે રહીને હિસાબ કિતાબમાં એકદમ પાવરધો અને ધંધામાં કુશળ પુરવાર થયો. જોકે સવારમાં વહેલા ઉઠવાની એને આળસ થતી એટલે દુકાન હસમુખ ભાઈને જ ખોલવી પડતી.નરોત્તમ સાતેક વાગ્યે ઊઠીને નાસ્તો કરીને દુકાને પહોંચી જતો.
બેટા, ઊઠ ને હવે, તારા બાપાની આજે તબિયત પણ સારી નથી જા જલદી દુકાન ભેગો થા.નંદુ બહેને ફરીવાર અવાજ દીધો અને સડાક કરતો નરોત્તમ પથારીમાંથી બેઠો થઈ ગયો.
ક્યારના બોલતા કેમ નથી બા ? બાપા ખરાબ તબિયત સાથે દુકાને છે અને હું હજી ઘરે પડ્યો છું, બોલતો નરોત્તમ ચોકડી
તરફ ધસી ગયો. નાહીને બહાર આવ્યો ત્યારે નંદુ બહેને નાસ્તો કાઢી રાખ્યો હતો પણ નરોત્તમ ફક્ત ચા ગટગટાવીને
દુકાન તરફ ભાગ્યો.ઘરથી પાંચ મિનિટના અંતરે એમની દુકાન હતી. એણે દુકાનમાં નજર કરી ઊંચા થડાની આડશમાં હસમુખ ભાઈ બેઠા હતા.
ખીચોખીચ ભરેલી દુકાનમાં નરોત્તમ દાખલ થયો.
' બાપુજી ' તબિયત સારી નહોતી તો મને કેમ ના ઉઠાવ્યો ? હું આવીને દુકાન ખોલી નાખત. રિસભર્યા અવાજે નરોત્તમ
બોલ્યો.
અરે દિકરા,પેટમાં જરાક અસુખ વર્તાઈ રહ્યું છે.બીજું કંઈ નથી, તું નકામો દોડી આવ્યો, નાસ્તો કરીને આવ્યો કે એમજ ભાગી આવ્યો ? બાપાએ દીકરાની રિસને વધાવતા પૂછ્યું.
મારી ચિંતા ના કરો તમે ઘરે જઈને આરામ કરો આજે હું દુકાને જ રહીશ.રોજ નરોત્તમ દુકાને આવ્યા પછી રેંકડી પર વાસણ વેચવા નીકળી પડતો.જે આજે એણે મોકૂફ રાખ્યું.
અને હસમુખ ભાઈ ઊઠીને ઘરે જવા રવાના થયા.
સાંજે ચાર વાગ્યાના સુમારે સુંદરજી ભાઈએ હસમુખ ભાઈની દુકાન પાસે આવીને હાક મારી ' હસુ ભાઈ ' દુકાનમાં છો કે નહીં ? અને જવાબની રાહ જોયા વગર દુકાનના ઉંબરા ઉપર આવીને ઊભા રહ્યા.
થડાની આડશમાંથી નરોત્તમએ માથું ઊંચું કર્યું અને બોલ્યો,
'બાપા ઘરે છે, કંઈ કામ હતું કાકા ? '
' ના ભાઈ કામ કંઈ નથી, આતો રોજ મારી દુકાને પહોંચતા પહેલા તારા બાપા પાસે થોડીવાર બેસી વાતો કરીને આગળ જવાનો મારો નિયમ છે. આજે એ બહારથી દેખાયા નહીં એટલે અવાજ દીધો.' સુંદરજી ભાઈ ઝભાની બાંયથી મોઢા પરનો પરસેવો લૂછતાં બોલ્યા.
હસમુખ ભાઈની દુકાનથી થોડે આગળ બજારની અંદરના ભાગમાં સુંદરજી ભાઈની મોટી એવી કરિયાણાની દુકાન હતી.ધિખતો ધંધો ધરાવતા સુંદરજી ભાઈ અઠંગ વેપારી હતા. એ ધંધાના આધારે એમણે ઘણી મિલકત ભેગી કરી લીધી હતી. પણ એમની નજર હસમુખ ભાઈની દુકાન ઉપર
હતી.કારણકે એ બરાબર મોકાની જગ્યા હતી. અવારનવાર
સુંદરજી ભાઈ હસમુખ ભાઈને દુકાન પોતાને વેચી દેવા માટે દબાણ કરતા રહેતા. પણ હસમુખ ભાઈ એમનાં દબાણને
વશ નહોતા થતા એ વાતની પણ સુંદરજી ભાઈને દાઝ હતી.
વાત વાતમાં હસમુખ ભાઈને ઉતારી પાડવાનો એકપણ મોકો
સુંદરજી ભાઈ છોડતા નહોતા. પણ મિતભાષી હસમુખ ભાઈ એમની સાથે જીભા જોડી કર્યા વગર સંબંધો હંમેશા મધુર બની રહે એવા પ્રયત્નો કરતા રહેતા.
નરોત્તમને પોતાના પિતા તરફના સુંદરજી ભાઈના તિરસ્કાર ભર્યા વલણની જાણ હોવા છતાં મીઠા અવાજે આવકાર આપ્યો. ' આવોને કાકા, અંદર આવીને બેસો તો ખરા '
' અંદર આવીને શું કરું ભાઈ, તારા બાપા હોતતો એની સાથે કંઇક વાતચીત પણ થાત. બોલતા બોલતા સુંદરજી ભાઈ
દુકાનમાં દાખલ થયા.
' મારા બાપા નથી તો શું થયું, હું છુને, આજે મારી સાથે વાતચીત કરો. નરોત્તમ સુંદરજી ભાઈ માટે બેસવાની જગ્યા
કરતા બોલ્યો.
' હવે તારી સાથે શું વાત કરવી ધૂળ અને ઢેફાં, 'તુમાખી ભર્યા
અવાજે સુંદરજી ભાઈ બોલ્યા.
' જે તમને ગમે તે વાત કરો હું સાંભળી રહ્યો છું.' નરોત્તમએ વિવેક ખોયા વગર કહ્યું અને પછી મનમાં ગણગણ્યો ' મારા બાપાનું અપમાન કરવા સિવાયની બીજી કોઈ વાત તમે નહી કરો એની મને ખબર છે.
સુંદરજી ભાઈએ દુકાનમાં નજર ફેરવી આખી દુકાન નાનાં મોટા માટલાં, કુંડા, હાંડી, તાવડી, તુલસી ક્યારા અને દિવડા ઓથી ભરેલી હતી. એક તસુ જગ્યા દુકાનમાં ખાલી નહોતી.
અને સુંદરજી ભાઇએ મનોમન નરોત્તમની ટીખળ કરવાનું નક્કી કર્યુ. ' આટલા બધા માટલાં અને માણ બધું ભર્યું છે તો
દિવસના વીસ પચીસ નંગ વેચાઈ જતા હશે નહી ?
' અરે ના કાકા, અઠવાડિયે એકાદી માણ વેચાય, બાકી માટલાં, તાવડી, દિવડાઓ રોજના વેચાયા કરે.' નરોત્તમએ જવાબ દીધો.
' તે આટલો બધો માલ શાને ભરી રાખતા હશો ? ક્યારે ખૂટશે આ બધું ? સુંદરજી ભાઇએ જૂઠી ચિંતા દર્શાવી.
' ચાલે, વેચાયા કરે ધીરે ધીરે, મારા બાપાનો નિયમ છે માલ ક્યારેય ખૂટવો ના જોઈએ કોઈ પણ ઘરાક ખાલી હાથે પાછું જાય એ એમને ના ગમે.' નરોત્તમ બોલ્યો.
' આ બધી જફા કરવી એના કરતા મારી એક વાત માનીશ ?
સુંદરજી ભાઇએ જાળ પાથરવાનું શરૂ કર્યું.
' બોલો કાકા ' નરોત્તમ ઉવાચ.
' આ બધી વસ્તુઓનો મને ભાવ કહે કેટલાની વહેંચે છે તું ?
' જુઓ આ માણ પાંચ રૂપિયાની વહેંચાય છે, માટલાં કોઈ ત્રણ રૂપિયાના છે, કોઈ અઢીના છે, તો કોઈ બે રૂપિયાના છે.
કુંડા બે રૂપિયા છે, એક રૂપિયો છે, તાવડી આઠ આનાની છે,
દિવા..... નરોત્તમ બોલવાનુ પૂરું કરે તે પહેલાં સુંદરજી ભાઈ
બોલી ઉઠ્યા ' ઠીક છે, આ બધી વસ્તુઓ અલગ અલગ ભાવની છે બરોબર ? આ બધુ હું એકસાથે એકજ ભાવે તારી પાસેથી ખરીદી લઉં તો તારે નિરાંત કે નહીં ?
' તમે શું કરશો આ માટીનાં વાસણોનું ? ' નરોત્તમએ ભોળા સ્વરે પૂછ્યું.
' હું ચૂરો કરીને રસ્તા પર બિછાવી દઉં તારે શી પંચાત ? તું હા કે ના માં જવાબ દેને. ' સુંદરજી ભાઈ ખિજાઈને બોલ્યા.
' પણ અત્યારે મારા બાપા અહી છે નહી, કેમ કરીને હું હા કહું ' નરોત્તમ મૂંઝાઈ ગયો.
બેટમજી, તારા બાપા અહી નથી એટલે તો તને શીશામાં ઉતારી રહ્યો છું. સુંદરજી ભાઈ હર્ષના ઉભરાને દબાવતા મનમાં બોલ્યા.
' તારા બાપાને તડકે મુક, આ વાત આપણા બેઉ વચ્ચેની છે.
કોઈ પણ એક કિંમત નક્કી કરીને હું તારો બધો માલ લઈ લઈશ. સોદો પાર પડશે તો તારા બાપા પણ રાજીના રેડ થઈ જશે.' સુંદરજી ભાઇએ નરોત્તમ ઉપર માનસિક ભીંસ વધારી
' શુ કિંમત આપશો કાકા ? નરોત્તમએ પૂછ્યું.
હં હવે આવ્યોને સીધા રસ્તા પર. સુંદરજી ભાઈ ખંધુ હસ્યા.
બેટા, તમને બાપ દિકરાને રસ્તા ઉપર ના લઈ આવું તો મારું નામ સુંદરજી નહી. મનોમન ગણગણતા સુંદરજી ભાઈ દુકાનમાં કેટલો અને કેવો માલ છે એ જોવા ચોમેર નજર કરવા લાગ્યા. દુકાનની પાછળ ગોડાઉન હતું એમાં પણ નજર ફેરવી લીધી.મોટેભાગે મોટી વસ્તુઓજ દેખાઈ રહી હતી. ' એક રૂપિયાની એક ના હિસાબે હું તારો બધો માલ ખરીદી લઈશ.' સુંદરજી ભાઈ ઉવાચ.
' શું ? એક રૂપિયો ! કાકા હોય કાંઈ ? આ પાંચ રૂપિયા, ત્રણ રૂપિયા, બે રૂપિયા વાળી બધી વસ્તુ તમને એક રૂપિયાની એકના હિસાબે જોઈએ છે ? નરોત્તમ વિમાસણ ભર્યા સ્વરે
બોલ્યો.
' હા ભઈલા, હું તારી દુકાનની દરેક વસ્તુ એક રૂપિયાની એક ના હિસાબે લઈ લઈશ.' સુંદરજી ભાઈ બોલ્યા.
' મારા બાપાને ખબર પડશે તો મારી છાલ છીલી નાખશે.' નરોત્તમનો અવાજ રડમસ થઈ ગયો.
' બાપાને કહેજે આજે વિલાયતથી મોટો સોદાગર આવ્યો હતો, સોદો કરીને બધો માલ લઈ ગયો એ જાણીને તારા બાપા ખુશ થઇ જશે.' સુંદરજી ભાઈએ નરોત્તમની આસપાસ જાળ વધુ કસવા માંડી.
' ઠીક છે, મને સોદો મંજૂર છે, ચાલો હું માલ ગણવા માંડું અને તમે કલમ ખડિયો લઈને એક કાગળ ઉપર લખતા જાઓ.'
સુંદરજી ભાઈ મનોમન રાજી થતા કાગળ, કલમ અને ખડિયો
લઈને દુકાનની વચ્ચે એક જગ્યાએ બેસી ગયા.
નરોત્તમ નીચે ઝૂક્યો અને માટલાની હારને એક બાજુ ખસેડી નીચેથી ચાર પાંચ લાંબા ખોખાં ખેંચી કાઢ્યા. એક ખોખું ખોલ્યું ત્યાં સુંદરજી ભાઇએ પૂછ્યું ' આ શું છે ?'
' દિવાળીના કોડિયાં છે.' કહીને નરોત્તમએ ગણવાની શરૂઆત કરી. ગણી લીધા પછી એણે સુંદરજી ભાઈને કહ્યું,
'૨૦૦ નંગ છે લખો.' સુંદરજી ભાઇએ આંકડો લખ્યો ત્યાં
નરોત્તમએ બીજું ખોખું ખોલ્યું.સુંદરજી ભાઇએ વળી પૂછ્યું,
' આ ? ' કોડિયાંજ છે, નરોત્તમએ એમની સામે જોયા વગર
ગણતરી કરતા કહ્યું. આ પણ ૨૦૦ નંગ છે લખી લ્યો.આમ એક પછી એક પાંચ ખોખાં એણે ગણી કાઢ્યા. સુંદરજી ભાઈ નાછૂટકે કાગળ ઉપર ગણતરી લખતા ગયા.
' કેટલા નંગ થયા કોડિયાં ? નરોત્તમએ સુંદરજી ભાઈની સામે
જોઈને પૂછ્યું. ' આતો ૧૦૦૦ નંગ થયા ' સુંદરજી ભાઈ બોલ્યા.
' ઉભા રહો હજી પાછળ ગોડાઉનમાં કોડિયાંનાં બીજા ખોખાં છે તે લેતો આવું ' કહેતો નરોત્તમ ગોડાઉન તરફ જવા
ગયો ત્યાં સુંદરજી ભાઇએ એનો હાથ પકડીને રોક્યો.
' ભાઈ, હજી કેટલા ખોખાં છે ?
' પંદરેક ખોખાં હશે, હમણાં ગણાઈ જશે ચપટી વારમાં '
બોલતો નરોત્તમ ગોડાઉનમાં ગયો અને બે હાથમાં પાંચેક ખોખાં ઉંચકીને લઈ આવ્યો. સુંદરજી ભાઇએ મનોમન હિસાબ લગાવ્યો, ૪૦૦૦ રૂપિયા તો કોડિયાંનાં જ થઈ જશે બીજો માલ તો હજી ગણવાનો બાકી છે. અને આ છોકરો
હજી બીજી કેટલી નાની નાની વસ્તુઓ કાઢશે ?
' આ એક કોડિયું કેટલાંનું વેચો છો ? સુંદરજી ભાઇએ પૂછ્યું
' એક આનાનું ' નરોત્તમ નિર્દોષ ભાવે બોલ્યો.
' એક આનાનું કોડિયું તારે મને એક રૂપિયામાં પધરાવવું છે ?
સુંદરજી ભાઈ ખિજાઈને બોલ્યા.
' કાકા, તમેજ કહ્યુંને કે દુકાનની દરેક વસ્તુ એક રૂપિયાની
એકના હિસાબે તમે ખરીદી લેશો. તમારી ઈચ્છા પ્રમાણે હું બધી વસ્તુ એક રૂપિયામાંજ આપી રહ્યો છું. નરોત્તમ ધીરજ
રાખીને બોલ્યો.
' હા પણ મને એમ કે તારી દુકાનમાં માણ, માટલાં જેવી મોટી
વસ્તુઓજ હશે.ઍવી શી ખબર કે કોડિયાં પણ આટલા મોટા જથ્થામાં હશે. સુંદરજી ભાઈ શિયાંવિયાં થઈ ગયા.
' કાકા જે છે એ બધું દુકાનમાંજ છે ને, ચાલો હવે જલદીથી
કામ પતાવીએ મારા બાપા આવશે તો પાછો સોદો રદ કરવો
પડશે ' નરોત્તમએ ઉતાવળ કરતા કહ્યું.
' હસમુખ ભાઈના દિકરા, માની ગયો તને, પાણીમાં નાખેલી જાળ કેમ કાપવી એ તું બરાબર જાણે છે. તમે બાપ દીકરો
બેઉ સાચા વેપારી છો મને માફ કરી દે. કહેતા સુંદરજી ભાઈ
પોતાની ભોંઠપ છુપાવતા દુકાનની બહાર નીકળી ગયા.અને
નરોત્તમ એમની હારના ભાર થી ઝૂકેલી પીઠ તરફ જોઈ રહ્યો
................................સમાપ્ત..................................