પદમાર્જુન - (ભાગ - ૧૭) Pooja Bhindi દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

પદમાર્જુન - (ભાગ - ૧૭)

પોતાનાં વિચારને અમલમાં મૂકવા માટે પદ્મિની ચોરીછુપીથી પાછળનાં ભાગેથી આશ્રમમાં પ્રવેશી.બગીચામાં જઇ થોડે દુરનાં ઘટ્ટ વૃક્ષની પાછળ સંતાઈ ગઈ.બાજુનાં વનસ્પતિમાંથી ભરાવદાર ડાળખીઓ તોડી પોતાની ફરતે ગોઠવી દીધી.એ વૃક્ષની થોડે આગળ પોતાની પાસે રહેલ ગુલાબનાં છોડમાંથી નાની-નાની કાંટાળી ડાળખીઓ કાઢી રાખી દીધી.જેથી કરીને કોઇ સૈનિક પોતાની તરફ આવે તો અંધારાનાં કારણે કાંટાળી ડાળખી પર તેનો પગ પડે અને તેની ચીસથી પદ્મિનીની ઊંઘ ઊડી જાય.

પોતાની આસપાસ એક ઔષધિ છાંટી દીધી જેની સુવાસથી જીવજંતુઓ તેનાથી દૂર રહે.બધું સુનિશ્ચિત કર્યા બાદ તે આશ્રમનાં બગીચામાં સુઈ ગઈ.

હવે આગળ :

અડધી રાત્રી પુરી થવાં આવી હતી. અચાનક અવાજનાં કારણે પદ્મિનીની ઉંઘ ઉડી ગઇ. તેણે ડરીને ઝાડવા પાછળથી આશ્રમ તરફ જોયું.

સૈનિકો કોઈક સાથે લડાઇ કરી રહ્યાં હતાં. તેમનાં પહેરવેશ પરથી તેઓ લૂંટારુઓ લાગી રહ્યા હતાં.

“ગુરુ સંદીપ અમારી વિરુદ્ધ લડવા માટે અહીં જ રાજકુમારને શિક્ષણ આપે છે ને? માટે આજે તો આ આશ્રમને અમે નષ્ટ કરીને જ રહીશું.”તેમાંના એક લૂંટારુએ કહ્યું.

“તું ફટાફટ વિરમગઢ જા અને મદદ લઇને આવ. ત્યાં સુધી અમે આ લૂંટારુઓને રોકીને રાખીયે છીએ.” સૈનિકે કહ્યું.તેની વાત સાંભળીને એક સૈનિક આશ્રમની બહાર જવા ગયો પરંતુ ત્યાં તો એક લૂંટારુએ તેની પીઠમાં તિર મારી દીધું.તિર લાગવાને કારણે એ સૈનિક મૂર્છિત થઈને ત્યાં જ પડી ગયો.

સૈનિકો અને લૂંટારુઓ વચ્ચે થોડી વાર યુદ્ધ ચાલ્યું.શરૂઆતમાં સૈનિકોએ સારી લડાઈ આપી પરંતુ હવે ધીરે-ધીરે લૂંટારુઓ સૈનિકો ઉપર ભારે પડી રહ્યાં હતાં. દુર બગીચામાં ઝાડ પાછળ સંતાઈને આ બધું જોઈ રહેલી પદ્મિની ચિંતિત થઇ ગઇ. લૂંટારુઓની વાત સાંભળીને એટલું તો નિશ્ચિંત થઈ ગયું હતું કે એ સૈનિકો વિરામગઢનાં જ હતાં અને આશ્રમની રક્ષા કરી રહ્યા હતા. પોતે એક કુશળ યોદ્ધા હોવા છતાં પણ જો સૈનિકોની મદદ ન કરી તો અવશ્ય બધાં લૂંટારુઓ મળીને સૈનિકોને મારી નાખશે અને આશ્રમ તબાહ કરી નાખશે. માટે પોતાનું મન મક્કમ કરીને એ મેદાનમાં આવી.નિશાનો તાકીને એક તિર છોડ્યું જે એક લૂંટારાની છાતીની આરપાર થઇ ગયું અને તે લૂંટારું ત્યાં જ ફસડાઇ પડ્યો.અચાનક પોતાનાં સભ્યને તડફડતો જોઈને એ ટોળકીનાં સરદારે પદ્મિનીની સામે જોયું અને બોલ્યો,

“કોણ છે તું?તને તારો જીવ વ્હાલો નથી?”

“પિતાજી, અવશ્ય તે ગુરુ સંદીપની પુત્રી આર્યા છે.આટલી સુંદર,આટલું બહાદુર બીજું કોણ હોઈ શકે?”સરદારનાં પુત્રએ કહ્યું.

“આર્યા, હાર માની લે.નહીં તો જીવથી હાથ ધોઈ બેસીસ.”સરદારે કહ્યું.

“ના પિતાજી, આ શું કહો છો તમે?આટલી બહાદુર યુવતી તો તમારી પુત્રવધુ તરીકે શોભે.”

પોતાનાં પુત્રની વાત સાંભળીને સરદાર હસ્યો અને કહ્યું, “ઠીક છે બેટા,તારી આ મનોકામના પણ પુર્ણ થશે.પરંતુ એ પહેલાં તારે તારાં ભાવિ સસરાનો આ આશ્રમ તબાહ કરવો પડશે.”

“જેવી તમારી આજ્ઞા પિતાજી.”સરદારનાં પુત્રએ કહ્યું અને આર્યા સામે સ્મિત કરી ફરીથી લડવા લાગ્યો.

તે બંનેની વાત સાંભળીને પદ્મિની અત્યંત ક્રોધિત થઈ અને જુસ્સા સાથે યુદ્ધ કરવાં લાગી.હવે તે એકલી જ લૂંટારાઓની ટોળકી પર ભારે પડી રહી હતી.તેઓની ટોળકીનાં પાંચ સદસ્યો મરી ચુક્યા હતાં. તેથી સરદારે બાકી બધાને ઇશારો કરી અત્યાર પૂરતું ભાગી જવા કહ્યું.લૂંટારુઓને ભાગતાં જોઈને બધા સૈનિકો ખુશ થઈ ગયા.

લૂંટારુઓને ભાગતાં જોઈને પદ્મિનીએ વિચાર્યું, “મારે હવે અહીંથી દુર જવું જોઈએ.હું મારો ભુતકાળ દોહરાવવા નથી ઇચ્છતી.”

પદ્મિની જઇ રહી હતી ત્યાં જ સૈનિકોના વડાએ કહ્યું,
“બહાદુર કન્યા અમારી સહાયતા કરવાં માટે તારો ખુબ ખુબ આભાર. પરંતુ તું કોણ છો અને તું અમારાં આશ્રમમાં શા માટે છુપાઈ હતી?”

પદ્મિનીને ત્યાં રોકાવવું ઠીક ન લાગ્યું તેથી તે ત્યાંથી ભાગવા લાગી.તેને ભાગતી જોઈને સૈનિકોનો વડો ચિલ્લાયો,

“સૈનિકો પકડો એને. એ અવશ્ય આપણાં કોઈ દુશ્મન રાજ્યની દૂત છે.”

તેની વાત સાંભળીને એક સૈનિકે પદ્મિનીનાં પગ પર તિર ચલાવ્યું. તે તિર સીધું પદ્મિનીનાં પગમાં ખુંપી ગયું તેથી પદ્મિની ચિલ્લાઇને પડી ગઈ.સૈનિકોએ તેને પકડી લીધી.એક સૈનિકે તેનાં મોં પરથી નકાબ હટાવવાનો પ્રયત્ન કર્યો.

“તારી હિંમત કેમ થઇ મને સ્પર્શ કરવાની?”પદ્મિની ક્રોધિત થઇને ચિલ્લાઈ.

તેની આંખોમાં ક્રોધ જોઈને સૈનિકે તેને રાજસભામાં લઈ જવું ઠીક સમજ્યું.

વિરમગઢનો સભાખંડ

પદ્મિની પોતાનાં વિચારોમાંથી બહાર આવી.સૈનિક ગુરુ સંદીપનો ક્રોધ જાણતો હોવાથી લૂંટારાએ આર્યા વિશે જે કઈ કહ્યું એ સિવાયનો બધો જ વૃતાંત સભાજનોને કહી સંભળાવ્યો.

“આ તે શું કર્યું?જેણે મારો આશ્રમ બચાવ્યો એ બહાદુર કન્યાને જ તે બંદી બનાવી દીધી?”ગુરુ સંદીપે ઉદાસ થઈને પૂછ્યું.

“પરંતુ ગુરુદેવ એ યુવતી પોતાની ઓળખ છુપાવીને ભાગી રહી હતી.”સૈનિકે પોતાનો બચાવ કરતાં કહ્યું.

“કન્યા, તારે કંઈ કહેવું છે?”રાજા વિરાટે પદ્મિનીની સામે જોઇને પૂછ્યું.

પદ્મિની થોડી આગળ આવી.તેણે રાજા વિરાટની સામે જોઇને બે હાથ જોડી નમસ્કાર કર્યાં અને કહ્યું,

“પ્રણીપાત મહારાજ. મારું નામ પદ્મિની છે. મને પ્રવાસનો શોખ છે તેથી હું વિવિધ પ્રદેશોમાં ભ્રમણ કરતી રહું છું. સફરનો થાક લાગે એટલે બે-ત્રણ મહિના માટે કોઇ આશ્રમમાં વાસ કરું છું. એવાં જ એક સફર દરમિયાન હું વિરમગઢ આવવાં માટે નીકળી હતી.સૂર્યાસ્ત થઇ ચુક્યો હતો માટે હું રાત્રીનીવાસ માટે કોઇક સ્થળ શોધી રહી હતી.તેવામાં મને સાંદિપની આશ્રમ દેખાયો.ત્યાં શિષ્યોને બદલે માત્ર સૈનિકોને જોઈને મને લાગ્યું કે દુશ્મન રાજ્યનાં સૈનિકોએ આશ્રમ પર અનીતિથી કબજો કરી લીધો છે. રાત્રી દરમિયાન વનમાં વાસ કરવો શક્ય નહતો તેથી હું પાછળનાં રસ્તેથી આશ્રમમાં પ્રવેશી.”

“પછી તો શું બન્યું એ તમે જાણો જ છો. લૂંટારુઓ ભાગી ગયા ત્યાર બાદ હું ત્યાંથી જવા લાગી કારણકે મેં વિચાર્યું કે સૈનિકો જરૂર મને કોઈ દૂત સમજીને કેદ કરી લેશે અને થયું પણ એવું.હું જેવી ભાગવા લાગી કે તરત જ એક સૈનિકે મારાં પગ પર તિર માર્યું તેથી હું પડી ગઈ.ત્યાર બાદ તેમનાં નાયકે મારી પરવાનગી વગર જ મારો નકાબ હટાવવાનો પ્રયત્ન કર્યો. મેં નકાબ ન હટાવવા દીધો એટલે તેઓ મને અહીં લઈ આવ્યાં."

એટલું કહ્યાં બાદ પદ્મિનીએ મક્કમ નજરે વિરાટ સામે
જોયું અને વિનમ્રતાથી કહ્યું,

"મહારાજ હું માત્ર એક પ્રવાસી જ છું.હું કોઇ દુત નથી.તમે જે ફેંસલો કરશો એ મને માન્ય છે."

....

શું લાગે છે વાચકમિત્રો,રાજા વિરાટ પદ્મિનીનો વિશ્વાસ કરશે?
શું સભાખંડમાં અર્જુન પદ્મિનીનો પક્ષ લઈ શકશે?

જાણવા માટે વાંચતા રહો, પદમાર્જુન.