ઊર્મિ કાવ્યો Manjula Gajkandh દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

ઊર્મિ કાવ્યો

ગઝલ :મળે .


દિલ દરવાજે કદી તાળાં મળે,
ગામ વચ્ચોવચ્ચ તો નાળાં મળે.

આ સફાઈના વખાણો શું કરો, સાફ ઘરમાં પણ કદી જાળાં મળે.

હોય સુંવાળપ બધે એવું બને?
ફૂલ પણ આ કંટકો વાળાં મળે.

તન ભલે ઉજળાં લઈ જગમાં ફરે,
ડાઘ એમાં પણ ઘણાં કાળાં મળે

હોય છે લીલાશ 'ઊર્મિ' વન મહીં,
તોય ભઠ સૂકાં જુઓ ડાળાં મળે.
*

* તમને *
જરા પાસ આવો તો કહેવું છે તમને.
ફરી લાગણીમાં શું વહેવું છે તમને.

વગર કારણે પ્રીત થાતી જગતમાં,
નિખાલસપણે દિલમાં રહેવું છે તમને.

અમારી ઘણી અણસમજને સહી છે,
હજી કેટલું તો સહેવું છે તમને.

ન આપો તમે લાગણી એટલી તો,
હ્રદયથી ખરેખર ચહેવું છે તમને.

નથી જોઇતું કાંઈ વધારે અમોને.
કહો 'ઊર્મિ' દિલ આ લહેવું છે તમને.
*


તું
ભરે
બાથ ને
છલકે છે
હૈયે લાગણી.
આંખો અભિષેક
અશ્રુથી કરે તુજ હૈયે!
*

આજ હોળી રંગ આવો કેમ છે?
સાવ કોરો છે? મને આ વ્હેમ છે.

આવ ઝાંખી આ કરાવું જો તને
જે હતો તે પ્રેમ એનો એમ છે.

તું તહેવારો અને ઉલ્લાસ ખરો
તું શરણ, તું આખરી એ નેમ છે.

સાથ તું છે તો સફરમાં છે મજા,
રાત દિવસ તું કહે એ તેમ છે.

ના કહે આને તું માયાજાળ છે,
'ઊર્મિ' હૈયે વસે તુજ પ્રેમ છે.

*
આવ તારું મન પ્રેમરંગે
રંગી દઉં વાલમ, તું પણ
ભાવ પિચકારી છોડી ને
ભીંજવ મારું હૈયું!
*
આખરે નારી નસીબે
એ જ લખ્યું બસ
સોનાનું પિંજરું મળ્યું
પ્રેમનામે અરમાનનું
શબ મળ્યું...
ખીલતાં જીવનના
વલખામાં હાથ કંઈ
જ ન આવ્યું...
*
મૌન રહેવાની કરી મેં પહેલ છે ,
છે ખબર મન કાજ ના આ સહેલ છે.

દર્દ સહેતી એ રહી છું, સહીશ હું
આજ કુદરત પાસ નાખી ટહેલ છે

ચાસ પડ્યા ગાલ પર દેખાય આ,
એ નદીઓ અશ્રુની તો વહેલ છે.

આજ ધરખમ લાગતી નફરત મને
કાલ લગ દિલને તમે તો ચહેલ છે.

'ઊર્મિ' ભાગ્યે ઝૂરતું ખંડેર છે,
ચાહમાં પણ ક્યાંય કોઈ મહેલ છે..
*

ગઝલ

રાહ જોઉં છું હવે તો આવને.
લાગણીભીનું હવે મન લાવને.

ધસમસે ઊરે નદીઓ સામટી,
પ્રેમ સાગર એટલો છલકાવને.

ક્યાં જશે તું આમ મોં તુજ ફેરવી,
ફૂલ સરખું મુખ જરી મલકાવને.

પ્રેમ ના હો ઓશિયાળો આ કદી,
લોક લાજે ના મિલન અટકાવને.

નામ તારે મેં કરી છે જીંદગી,
તુંય 'ઊર્મિ' ચાહતો અપનાવને.
*

કવિતા

નિદ્રાધીન શીશુનું નિર્દોષ સ્મિત છે કવિતા,
અથાગ રણ વચાળે મીઠી વીરડી છે કવિતા.

મધદરિયે ડૂબતા કાજ એક તરણ છે કવિતા.
સૂનાં હૈયાં ને હોઠને ખુશીની લહેર છે કવિતા.

ઝૂંટાતા જીવનની છેલ્લી એ આશ છે કવિતા.
અર્ધ્ય સવિતાને ને ઈશની આરત છે કવિતા.

મૃદુ, રુજુ પ્રેમાળ હાથનો પંપાળ છે કવિતા.
ઉગતી પરોઢે ધીરું ધબકતું જીવન છે કવિતા.

લૂંટાયું સઘળું હોય ત્યારે હૈયે શેષ છે કવિતા,
'ઊર્મિ' બસ રાચે જેમાં, એક જ છે કવિતા.
*

ગઝલ
લગાગા ×4

ગયો છે શિયાળો, તજી દો રજાઈ,
મજાની આ ઉષ્મા બધે છે છવાઈ.

જલે જ્યોતથી જ્યોત પ્રેમે જગાવો,
મળે દિલ પછી છોડવી આ લડાઈ.

કરો કોશિષો તો સફળતા મળે છે,
નહીં યત્ન કરશે કદીયે ઠગાઈ.

મુખે બોલ મીઠા વદો હર ઘડીએ,
વળી સ્નેહ સંગાથ રાખો સગાઈ.

વહે ધોધ 'ઊર્મિ' સદાયે અમનનો ,
પછી મન ચમન આપતું સુખ વધાઈ.
*
ગઝલ :નીકળ્યા

ગાલગાગા ગાલગાગા ગાલગા

મેં વિચાર્યું, ફૂલનાં ઢગલા હશે,
કંટકોનાં એય ભારા નીકળ્યા.

આજ તું માને ન માને, ના ફિકર,
એજ દિલનાં હાલ તારા નીકળ્યા.

રાહ જોજે તું, કહું કિસ્મત તને,
હા, કદી મારાય વારા નીકળ્યા.

નીર ચોખ્ખામાં ગયાં'તા નાહવા,
ઓહ, કાદવ, કીચ, ગારા નીકળ્યા.

પોટલીમાં બંધ પડ્યા 'ઊર્મિ' સદા,
ખ્વાબ એ અકબંધ મારા નીકળ્યા.

મંજુલા ગજકંધ ઘેલા 'ઊર્મિ'