મને એ દિવસ આજે પણ બરાબર યાદ છે, દિવસ નહીં, પણ રાત.... હું યૌવનના ઉંબરે હજી ટકોરા મારતી ઊભી જ હતી... જુવાની આળસ મરડીને નવી તાજગી ભરી રહી હતી... છલોછલ યૌવન છલકાવતી નવયૌવનાનું મદભર્યું રૂપ હતું મારું. આરસપહાણમાં કંડારેલ લાવણ્યસભર કોઈ અપ્સરા જેવો અંગમરોડ... ક્યારેક તો અરીસામાં મને પોતાને જોઈ ખૂદ હું જ શરમાઈ જતી...
આ ખીલતી ઉંમરે એ દિવસે હું મારી સખી અનન્યાને ત્યાં અસાઈન્મેન્ટ પ્રિપરેશન માટે ગઈ હતી. બે અંતરંગ સખીઓ મળે, પછી સમયનું ભાન ભાગ્યે જ રહેતું હોય છે. પાછું લાંબુ લચ અસાઈન્મેન્ટ... એની તૈયારી.... બાપ રે..... રાતના સાડા દસ એના ઘરે જ થઈ ગયા.. એનું ઘર મારા ઘરથી ખાસ્સું દૂર હતું. મેં કહ્યું, "અરે બાપ રે! બહુ મોડું થયું, અનન્યા... મમ્મીએ રાત્રે મોડું નહીં કરવાની સૂચના આપી હતી. સમય ક્યાં ગયો ખબર જ ન પડી.. ચલ, હું નીકળું.. " કહીને મેં જવાની તૈયારી કરી. પાછું એ અને એની મમ્મી બે જ હતાં.કોઈ પુરુષ એના ઘરમાં નહીં કે છોડવા આવે. એ એરિયામાં મોડે સુધી રિક્ષા મળવી પણ મુશ્કેલ... છતાં હું હિંમત કરીને ઘરે જવા માટે રવાના થઈ. થોડી ગભરામણ થઈ, પણ પછી 'હિંમતે મર્દા તો મદદે ખુદા' એમ વિચારી આગળ વધી.. ભગવાનની દયાથી રિક્ષા પણ મળી ગઈ. પૂરા સવા કલાકનો રસ્તો, એકલી યુવાન છોકરી, અજાણ્યો રિક્ષાચાલક, બધાં અનહોનીનાં ચિહ્નો દેખાતાં હતાં. માંડ અડધોએક કલાક પછી રિક્ષા બંધ પડી ગઈ. પંદર વીસ મિનિટ પછી રિક્ષા સ્ટાર્ટ થઈ પણ ઝટકા મારતી ધીમે ધીમે ચાલવા લાગી. મેં મનોમન ભગવાનનો પાડ માન્યો. પણ બીજી વીસેક મિનિટ પછી રિક્ષા ફરી બંધ... આજે પ્રભુ પણ કસોટી પર ઉતરી આવ્યો હોય એવું લાગ્યું.. રિક્ષાચાલકે આગળ રિક્ષા નહીં જઈ શકે એવું જણાવી સોરી મેડમ... કહ્યું... ખરેખર સફરનો suffer હવે જ શરૂ થયો. હું પગે મારા ઘરની દિશામાં આગળ વધવા લાગી. એકલવાયા રસ્તે અંધારામાં એકલાં ચાલવું જીંદગીનો પ્રથમ કટુ અનુભવ.. થોડે દૂર એક લઘરવઘર માણસ મારી સામે ટગર ટગર જોઈ રહ્યો હતો. એની ઊંડી ઉતરી ગયેલી આંખો, ચકળવકળ થતી હતી, ભૂખને લીધે દુબળું પડી ગયેલું શરીર, ને એ હાડકાંને ઢાંકવા પહેરેલા મેલાઘેલાં કપડાં. કોઈ ભિખારી શા દીદાર હતા. એ પણ મારી પાછળ પાછળ ચાલવા લાગ્યો.. હું ખૂબ ગભરાઈ ગઈ. શું કરું કાંઈ સમજાયું નહીં. મેં ઉતાવળે પગ ઉપાડ્યો. થોડે હજુ દૂર ગઈ ત્યાં બે લવરમૂછિયા હાહાહીહી કરતા મારી સામે વરૂદ્રષ્ટિ કરી લાળ ટપકાવતા લાગ્યા. પેલો ભિખારી જેવો તો હજુ મારો પીછો કરી રહ્યો હતો. કદાચ એને જોઈને જ પેલા બે જણની હિંમત પાણીમાં બેસી ગઈ હતી. હું લગભગ દોડવા જ લાગી. તો પેલો ભિખારી પણ જાણે સાથોસાથ દોડતો હોય એવું લાગ્યું. એને જોઈને એક સૂગ ચડી ગઈ. આવા ભિખારી પણ પીછો કરતા હશે એ માન્યામાં નહોતું આવતું. મેં પાછળ ફરીને જોયું તો એ પણ ઊભો રહી ગયો. મારો જીવ હવે તાળવે ચોંટી ગયો. એ જ દોડતી ચાલે રસ્તો કાપતી જતી હતી. પણ પેલો પાછળ જ... અંતે મારી સોસાયટી આવી ને જીવમાં જીવ પણ. હું થાકને લીધે હાંફવા લાગી હતી. હવે ચાલ ધીમી કરી મેં હિંમત કરીને એને સંભળાવી જ દીધું "શરમ નથી આવતી, તને? આટલી મોડી રાત્રે એક છોકરીનો પીછો કરતાં. ક્યારનો પાછળ પાછળ આવે છે મારી. ઈરાદો શું છે બોલ તારો.. નફ્ફટ.. "
ત્યાંથી પસાર થઈ રહેલા અમારા પાડોશી રમેશભાઈ પણ ઊભા રહી ગયા ને પેલાને ધમકાવવાના ઈરાદે એ પણ તૂટી જ પડ્યા. પણ પછી જે જવાબ પેલા ભિખારીએ આપ્યો એ સાંભળીને અમે બંને અવાક્ થઈ ગયા. ભિખારીએ એટલું જ કહ્યું "બહેન, દિકરી! આપણો વિસ્તાર અને આ જમાનો આપણે સમજીએ છીએ એટલો સરળ નથી. માટે બીજી વાર આટલે મોડે એકલી જવાનું ટાળજે દિકરી! આજે હું તારી સાથે કોઈ અણબનાવ ન બને એ માટે જ તારી પાછળ આવ્યો છું. હવે તારું ઘર આવી ગયું ને તારા સગા પણ. તું સુરક્ષિત ઘરે પહોંચી. બસ મને સંતોષ છે. " કહીને એ પાછા ફરવા રવાના થયો. હું એ લઘરવઘર માણસની પીઠને ક્યાંય સુધી જોતી રહી. મારા મનમાં એના પ્રત્યે ઊઠેલી સૂગ અહોભાવમાં ફેરવાઈ ગઈ હતી..
આ હતી મારા જીવનની ઐતિહાસિક અને અવિસ્મરણીય પળ....
મંજુલા ગજકંધ ઘેલા 'ઊર્મિ'