જાહલ મહેશ ઠાકર દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

જાહલ

જાહલ

જ્યાં આજે પણ ગામની દરેક દીકરી ફળાને માથુ નમાવીને સાસરે જાય છે

જાન ઉઘલવાની હોય, પિયરપક્ષ છોડવાની વેળાએ દીકરી ચોધાર આંસુએ રડતી હોય, મા-બાપ અને બહેનપણીઓ કન્યાને ગળે લગાડી આશ્વાસનો આપતા હોય, દીકરીને ઘરનો ઉંબરો ઓળંગવો ડુંગર જેવડો લાગતો હોય, આ બધા વચ્ચે વરપક્ષ વિદાય મેળવવા ઉતાવળો થતો હોય છતાં દીકરીને તેના પિયરીયાં મંદિરે લઈ જાય છે. દીકરી માતાજીના ફળાને ખોળો પાથરી, મસ્તક નમાવી આશીર્વાદ મેળવે પછી જ તેને અશ્રુભીની વિદાય આપવામા આવે છે. આ પરંપરા આજ-કાલની કે સદી જૂની નથીપણ એક હજાર વર્ષ પુરાણી છે. હરિજન હોય કે બ્રાહ્મણ, હિન્દુ હોય કે મુસ્લિમ ગામના દરેક પરિવરો આ પ્રથાને શ્રધ્ધાભેર અનુસરે છે. અને આ વાત છે ભાવનગર જિલ્લાના મહુવા તાલુકાના કુંભણ ગામની.

ગામના કોઈપણ ઘરનું દૂઝણું ઢોર વીંયાય તેના દૂધમાંથી બનેલું પહેલું ઘી આઈ જાહલને ચડે છે
સોરઠના શુરવીર રાજવીની બહેને મહુવાના કુંભણમાં દેહ ત્યજયો હતો જયાં આજે ભવ્ય મંદિર છે
વાળાંક રાજવીએ આઈ જાહલને 'ક' થી શરૂ થતા નામવાળા એક ડઝન ગામો કાપડામાં આપ્યા હતા

નાનપણમાં રા'નવઘણ સાથે જ ઉછરેલી દેવાયતની દીકરી અને રા'નવઘણની મુંહબોલી બેન જાહલનું નામ ઈતિહાસના પાને હોય કે ન હોય પરંતુ લોકસાહિત્યના પાને ચારણ, ગઢવી-બારોટના ચોપડે અને મોંએ આજે પણ આજે એક હજાર વર્ષ પછી પણ શુરવીર નારી તથા સતી સ્ત્રી તરીકે રમતું રહ્યું છે. આજે પણ લોકસાહિત્યનો કોઈ કાર્યક્રમ, સંતવાણી કે લોકડાયરો સતી જાહલનું ભજન, દોહો, શુરવીરતાના દાખલા વિના ભાગ્યે જ પૂરો થતો હશે.

કુંભણ આવી કોર કાપડા,વાળાંકુ જાહલ વસી નીજ હથે ખોડલ ફળા નાખી, હરખે ઘડી હસી ગૌરવ ભરેલી અમરગાથા,ગાવે ગીગોગણસતિ નવલખો નવઘણ બેન લાવ્યો સીંધ સોરઠપતિ જુનાગઢના શુરવીર રાજવી રા'નવઘણની વહાલસોઈ બહેન આઈ જાહલના લગ્ન ભાવનગર જિલ્લાના મહુવા તાલુકાના કુંભણ ગામના સામત સાસતીયા સાથે વિક્રમ સંવત ૧૦૮૮ની આસપાસ થયાનું કુળ બારોટના ચોપડે નોંધાયેલું છે. આ ઈતિહાસ મહુવા તાલુકાના કુંભણ ગામ સુધી લંબાયેલો છે જે અંગે ડોળીયાના ગીગા ભગતની ઉપરોક્ત રચના કહી જાય છે,

આઈ જાહલ અંગે વિગતો આપતા કુંભણ ગામના અમરુદાનભાઈ બારોટે જણાવ્યું હતુ કે, રા'કવાડના નિધન બાદ જુનાણા પર સિધ્ધરાજ સુબાની આણ પ્રવર્તતી હતી. જુનાગઢના રાજાના વિશ્વાસુ સાથી આલીદર બોડીદરનેસના ધણી આહિર દેવાયત બોદરને ત્યાં ખાનગી રીતે બાળ રા'નવઘણનો ઉછેર થયેલો દેવાયતને બે સ્ત્રીઓ હતી જેમાની પ્રથમ પત્નીના ખોળે કાંધલ અને વાહણ થયા જયારે બીજી પત્નીથી ગો અને પુત્રી જાહલનો જન્મ થયેલો આમ આપત્તિના સમયમાં રા'નવઘણ બહેન જાહલના દુધમાં ભાગ પડાવીને મોટો થયેલો તેવો ઈતિહાસ સાક્ષી પૂરે છે

લાંબા સંઘર્ષ બાદ જંગલમાં એકત્ર થયેલી દેવયત બોદરના વિશ્વાસુઓ તથા આહિર સર્જીત કાટીયા વરણની સેનાએ રાજ સામે બગાવત કરી જુનાણાનું રાજ પુનઃ પ્રાપ્ત કર્યુ રા'નવઘણના લાલટે રાજતિલક થયેં. સમય જતા બહેન જાહલ જવાન થતા તેના લગ્ન ઉના તાલુકાના વાળુકડ ગામના રહીશ સામત સાસટીયા સાથે ખુબજ ધામધુમથી કરાયા અને લગ્ન બાદ જાહલ અને સામત સાસતીયાનો ઘર સંસાર ખુબ સારી રીતે ચાલતો હતો પરંતુ તેમનું સુખ લાંબો સમય ચાલ્યુ નહી અને તે વિસ્તારમાં દુષ્કાળના ઓળા ઉતર્યા અન્ન-પાણી ખુટતા અને પશુધન મોતના મુખમાં હોમાવા લાગ્યા વસ્તી હીજરત કરવા લાગી જેથી સામત સાસતીયા અને આઈ જાહલના સાથી પોતાના આહિર પરિવારે પણ દુષ્કાળ પાર કરવા હીજરત કરી સિંધુ નદી પાર કરી સામા કાંઠાના સિંધ પ્રાંતના ગામોમાં જઈને રહેવા લાગ્યા એક દિવસ પાણી ભરવા ગયેલી આઈ જાહલને જોઈને તેમના જોબનથી માહિત થઈને હિન્દુમાંથી મુસ્લિમ બનેલા સુમરો ગીરાસદારે કુદ્રષ્ટી કરી અયોગ્ય માંગણી કરતા આઈએ તેને પોતાના વ્રતની ત્રણ માસની અવધિ પુરી કરવાની વિનવણી કરતા સુમરાએ આઈને પોતાના મહેલમાં નજરબંધ કર્યા દિવસો વીતવા લાગ્યા આ બાજુ આઈ જાહલ તેમના પતિ સાથે એક ગુપ્તપત્ર લખીને જુનાણામાં પોતાના ભાઈને ત્યાં રવાના કરે છે પત્ર મળતાની સાથે જ રા'નવઘણ સિંધનો દરિયો પાર કરીને સમાણા નગર ઉપર ત્રાટકે છે.ુ ભયંકર યુધ્ધ ખેલાયુ લાશો ઢળી લોહીની નદીઓ વહેતી થઈ તલવારના એક જ ઝાટકે સુમરાને હણી નાખ્યો બહેનના શિયળની રક્ષા કરી બહેન-બનેવીને જુનાગઢ પરત લાવ્યા

છ માસ સુધી ઉમદા મહેમાનગતી કર્યા બાદ આઈ જાહલ અને તેમના પંન્ સામત સાસતીયા સાથે ભાવનગર જિલ્લાના મહુવા તાલુકાના એ વખતના વાળાંક વિસ્તાર તરીકે ઓળખાતા રૂપાવા નદીના કાંઠે આવેલ કૃંભણ ગામે વસવાસટ કર્યો જેમાં આઈ જાહલ જયારે સાત વર્ષની ઉમરના હતા ત્યારથી જ આઈ ખોડીયારના પરમ ભકત રહયા હતા જેની ભક્તિના ભાવસમા માતાજીના ત્રિશુળના ફળા સાથે જ રાખતા ભાઈ રા'નવઘણને ખબર પડી કે બહેન વાળાંક પંથકમાં વસવાટ કરે છે ત્યારે વાળાંકના રાજવીઓ અને જુનાગઢના રાજ સાથે મૈત્રીપુર્ણ વ્યહવારો હોવાથી વાળાંક રાજ પરિવારે પણ આઈ જાહલને બહેન માનીને કાપડામાં ક અક્ષર પરથી આવતા કાળેલા, કાકીડી, કુંભણ, કીકરીયા, કોંજળી જેવા ૧ર ગામો આપેલા અને એક માન્યતા મુજબ આઈ જાહલે પોતાનું પાછલું જીવન મહુવા તાલુકાના કુંભણ ગામે જ વિતાવ્યુ હતુ અને તેમણે તેમના મૃત્યુ સમયે આઈ ખોડીયારના ત્રિશુળરૂપી ફળાને તેમની સાથે જ રાખવાની ઈચ્છા વ્યકત કરેલી જે આજે પણ ત્યાં સ્થાપિત છે જો કે આઈ જાહલના દેહાંત બાદ તેમના વંશજો સમયાંતરે તળાજા તાલુકાના ચુડી ગામે આવીને વસ્યા ત્યાં હાલ ખેતીકામ કરીને ગુજરાન ચલાવે છે અને ઈતિહાસકારોના કહેવા મુજબ બોદર શાખના સોરઠીયા આહિરો આજે બરાળ શાખ ધારણ કરીને આહિરોની વણાર પરજમાં ભળેલા છે.

મહુવા તાલુકાના કુંભણ ગામે આવેલા આઈ જાહલના સમાધિ મંદિરનું ગામમાં હિન્દુ-મુસ્લિમ તમામ કોમ અને જ્ઞાતિ માટે ભારે મહત્વ છે વિક્રમ સંવત ર૦૧૧માં પીપળના ઝાડમાં આવેલી આ સ્મૃતિની જગ્યાએ ગ્રામજનોએ એક સુંદર મંદિર બંધાવ્યું છે તેમજ લગ્ન કરીને સાસરે જતી ગામની તમામ દીકરીઓ આઈ જાહલના મંદિરે દર્શન કરીને જ ઘરસંસારની શરૂવાત કરે છે. આ પરંપરા વર્ષો જુની છે તેમજ ગામમાં કોઈ પણ પશુપાલકને ત્યાં ભેંસનું પહેલુ દુઝાણાનું ખીરૂ અને ઘી માતાજીના મંદિરે ધરાય છે તેમજ કુંભણ ગામના સુપ્રસિધ્ધ કથાકાર શરદભાઈ વ્યાસની આગેવાની નીચે સમસ્ત ગ્રામજનો આઈ જાહલની મરણતીથિ મનાતી કાર્તિક સુદ ચોથના દિવસે ભવ્ય યજ્ઞા તેમજ લોકડાયરાનું આયોજન કરાય છે જેમા ધીરૂભાઈ, વલકુભાઈ, ભુપતભાઈ, કનુભાઈ જેવા અનેક ગ્રામજનો આ કાર્યમાં હોંશભેર જોડાય છે.

જય માઁ જાહલ જય મા સોનબાઈ