વગડાનાં ફૂલો - 13 Divya Jadav દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

વગડાનાં ફૂલો - 13

ઓટલાની પાછળ આવેલા મકાનની બારી પાસે ઊભો રવજીનો જીગરજાન ભાઈબંધ કાળું ભીમા અને મોહનની વાત સાંભળી રહ્યો હતો.

" રવજીનાં ઘરની પાથરી આણે જ ફેરવી લાગે છે. કંચનભાભીની આબરૂ ઉપર હાથ નાખતા ખચકાયોએ નઇ નપાવટ! સંગત જ એવી કરી બેઠો સે." કાળું મનમાં બબડ્યો.

" જા ઘરે જઈને સુઈ જા. મનમાં કંઈ ભાર નો રાખતો. કઈ નઇ થાય જો જે ને." ભીમાંએ મોહનનાં માથે હાથ ફેરવતા કહ્યું.

મોહન ત્યાંથી ચાલતો થયો. ડેલી ખોલી ઘરમાં પ્રવેશ્યો. સામે જમકુ માં કંચન ઉપર આકરા શબ્દોના પ્રહાર કરતા બોલી રહ્યા હતા.

" હુ થયું સે બાં. શેની ત્રાડો પાડો સો." મોહન ખાટલે હાથ ટેકવી બેસતાં બોલ્યો.

" તું ક્યાં હતો? તે અટાણે ય પીવાનું ચાલુ કરી દીધુ." જ્મકુમાં એ હાથમાં રાખેલી લાકડીનો ઘા મોહન ઉપર કરતા કહ્યું.

લાકડી મોહનની પીઠ ઉપર લાગી. મોહનને ભીમના બોલ યાદ આવી ગયા. " તારી બાં નો જ વાંક છે..." મોહન સમસમી ઉઠ્યો.

" બોલ ને શેની રાડો પાડે સે!" મોહન સામો ગરજ્યો.

" તારી ડોહી!! કૂવામાં પડી. "

" કોણ" મોહને અજાણ્યો થતાં પૂછ્યું.

" કંચન!" જમકુમાના ડોળા બહાર આવી ગયા.

" કા! ભાભી હુ થયું. હું દુઃખ પઇડા તમૂને."

" એ ! તમે માં દીકરો બેય હુઈ જાવ. જે થવાનું હતું એ થઈ ગયું." કડવીબેને વાતને વણસતી અટકાવવા કહેતા કંચનના ઓરડાનો દરવાજો અંદરથી બંદ કરી દિધો.

મોહનને જાણે જોતું તું એ મળી ગયું. પોતાનું કારસ્તાન છુપાઈ ગયું. એનો હરખ એના મોંઢામાં દેખાઈ આવ્યો હતો.

જમીન પર પાથરેલ કોથળામાં મોઢું છૂપાવી, ઊંધી વળી આંસુ સારતી કંચનને માથે હાથ ફેરવતા કડવીબેન બોલ્યા.

" મારો દિયર ભગવાનના ઘરનું માણસ હતો. તારો જેઠ, અમારા લગ્ન થયાને બે પાંચ દી માં તો વિદેશ ઉપડી ગયો. અમે દિયર ભોજાઈ ઘણી વખત ઘરે, વાળીએ એકલા હોય. પણ એ માણસ હતો!. એના પેટનું પાણીએ નો હલતું. મારું ધ્યાન રાખતો હગી બેનની જેમ. ને આ ક્યાંથી પાઈકો. રવજીભાઈ કે તારા જેઠ માયલું આનામાં રૂંવાડુએ નથી. "

" હાચુ કીધું બેન.પરંતુ મને તો કાલની બીક લાગે સે. મારે તો હવે રોજ એકલા રેવાનું. ને આ પી..ને આવશે . મારું મન કોચવાય સે."

" હવ નો ધણી ઉપરવાળો સે. એ હાંધાયના કરમ જુએ જ સે.. તને હવે હું પળવારેય રેઢી નઇ મેલું. તું ઉપાદી નો કરતી." કડવીબેન જેઠાણી મટી માં સરીખો હેતાળ હાથ કંચનના માથાં ઉપર ફેરવવા લાગ્યા. ને કંચન નીચિંત બની કડવીબેનને ચોંટીને સુઈ ગઈ.

સવાર પડતાં જમકુમાને ભાત પકડાવતા કડવીબેન બોલ્યા. " બા! તમે ભાત લઈને જાવ. મોહનભાઈને આપી દેજો. આજે હું ઘરે છું."

" કા! ઓલી પાસી કૂવો પૂરવાની સે. તે એના રખોપા કરવા રોકા છો."

" બા! તો એમ કરો ને. કંચનને ભેળી જ લઈ લો વાળી એ. આપને બધાય ભેળાં તો ખરા!."

"જીનકીની સો!! નાતના રિવાજ ખબર સે કે નથી તને. કે પર નાયતમાંથી આવી સે તું." જમકુમાં ભડક્યા.

" છ મહીના પસી એ આવવું ને અટાણે આવવું હુ ફેર પડી જવાનો સે."

મારો રવો.. મયરો એને બે મહિના થયા. એની વિધવાને હું આટણથી બારી કાઢી ને મારા ધોળા નથી લજવાવા સમજી!" જમકુમાં ગળગળા સાદે બોલ્યા.

" એકલી મુંઝાય સે."

" તો કે મને ખાઈ જાય. દીકરાને તો ખાઈ ગઈ."

". બા એ એનો ધણી હતો. તો હુ તમેય મારા સસરાને.."

" મારી હામું બોલે સે." કડવીબેનનાં ગાલ ઉપર જમકૂમાનો આ ઉંમરે પણ હથોડા જેવો લાગતો હાથ પડ્યો.

" કા! ભારે લાગ્યું. તો પસી એ ય તમારા દીકરાની વહુ સે." કડવીબેન તમાચા લાગેલા ગાલ ઉપર હાથ ફેરવતા બોલ્યા.

" એ તારો હાહરો.. મર્યો એનો મને લગીરેય અફસોસ નથી. પણ મારો રવો.. "

" કેમ તમને મેલી ને વિયાં ગ્યાતા એટલે ને! અને રવજીભાઈની બીમારીની તમને ખબર હતી. તો જાણી જોઈને શા માટે કંચનને ઘોર નરકમાં ધકેલી."

" એનો વંશ આગળ લાવવા હાટુ!" જમકુમાં ઓસરીના પગથિયાં ઉતરતા બોલ્યા.

" વધ્યો વંશ આગળ!! જાણી જોઈને ફૂલડાં જેવી છોકરીનું જીવતર બગડ્યું તમે."

" તારા થાશે ત્યારે ખબર પડશે તને. અત્યારે વાતો આવડે." ભાત ભરેલા તગારાને માથે ચડાવતા જમકુમાં ડેલી બહાર નીકળી ગયા.


જમકુમાં ના ગયા પછી તુરંત પાછળ કાળું ઘરમાં પ્રવેશ્યો.


( ક્રમશ..)