વગડાનાં ફૂલો - 4 Divya Jadav દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

વગડાનાં ફૂલો - 4

" ગોઝારી ને ભાયડો મર્યો ને પાંખો ફૂટી નીકળી. તે એની જાતની નપાવટ બાઈ . લાવ મારી લાકડી હમણાં ટાંટિયા તોડી નાખું એના. મૂઈ આ મરી ગઈ હોત હારું થાત. ડાકણી મારા દીકરાને ભરખી ગઈ. " જમકુમાની જીભ એના અસલી સ્વરૂપે આવી પહોંચી આખા ઘરમાં જમકુમાનો અવાજ પડઘાતો હતો. એના તોછડાઈ ભર્યા શબ્દોએ સવારના ખુશનુમા વાતાવરણને ડહોળી નાખ્યું.

" બા અતારમાં કેની હારે લમણાંઝિક કરોસ. હુ થયું તે હવાર હવારમાં તમે આખ્યાન ચાલુ કરી નાખ્યું." મોહનભાઈ ઓસરીમાં આવી અધખુલ્લી આંખો ચોળતા બોલ્યા.

" તે તારે ક્યાં કઈ સે નાક શરમ જેવું. રાતે કોથળીમારીને હુઈ ગ્યો તે હિધી હવાર થઈ ગઈ. મારું નાક કાપવા બેઠી સે નભાઈ. મારો પરબત પાંચમા પુસાતો ને એની બાયે નાક નેવે મૂકી દીધું ."

" બિસારા પરબતભાઈના લાકડા મહાણે લજવાતા કરી નાખ્યાં. અટાણ હુધિ ભાઈનું મોઢું આડું આવતું તે જીભ ખાડે કરીને બેઠી હતી . હવે નઇ આવીને નાત બારી મેલી નાખો. આના કારણે આપણા મયુરનું સગપણેય ક્યાંય નહિ થાય. " પુરીબેને બળતામાં ઘી હોમવાનું શરુ કર્યું.

" હુ થયું સે એ કોને, માથું ફાટે સે મારું. "

" એ તારી નજરે જોઈ લે! ચડી જા મેળીએ જા." જમકુમા એક હાથેથી કમર પકડી બીજા હાથે લાકડીનો ટેકો કરી હાલતાં થયા." હું એ જોવ સુ કેમ ઘરબારી નીકળીસે." જમકુમાંનો બબળાટ હજુ પણ ચાલુ જ હતો. ને ઘા ઉપર હથોડો માર્યાનો આનંદ પુરીબેનનાં ચહેરાપર છલકાઈ રહ્યો હતો.

" આ શેવાનો ઉખરમારો આદર્યો સે તમી" મોહનભાઈ છત ઉપરથી બરાડ્યા.

" વાવણીની તૈયારી ભાઈ બીજુ તો અમારે હુ હોય."

"મારે બહારગામ જવાનું સે. ને મયુર હજુ હુતોસ. કાલે વેલાહર બોલ્યા હોત તો અટાણ થતાં મયુર ખેતરે પુગી ગયો હોત. હવે કાલ પર રાખો કાં બપોર ઢુંકાળા રાખો અમારું પતાવીને પસી મયુર આવશે " મોહનભાઈ વાતને સમજવા છતાંય આંખ આડાકાન કરી બોલી રહ્યા હતા.

" ના રે ના! ભાઈ તે તમે તમારુ પતાવી દો. અમે તો હાહુ વવ ખેતર વાવી નાખીશું ."

" તારી જાતની ખેતર વાવવા ઉપડી સે. હમણાં તને આયણપા વાવી નાખું." જમકુબા ડેલી ખોલતાની સાથે જ વરસ્યા."

" તે હે બા ખેતર મારા ધણીનું સે. એમાં મારે કોઈને પુસવાનું હોય. " કડવીબહેન હસતા ચહેરે બોલી રહ્યા હતા. ત્યાં છત ઉપરથી મોહનભાઈ તાડુક્યા.

" ભાભી ખેતર ભાઈનું સે. એટલે જ તો હું વાવી દવ એમાં વાંધો સે કઈ તમને . તમારાથી બારા ના જવાય એ તો ખબર પડે સે ને તમને. હાયરે કાર્તિકની વિધવાનેય લઈ જાવી સે. તમારા માથે ધોરા આવ્યા સે એનો તો મલાજો રાખો."

" ભાઈ ધોરા આવે કે કારા પણ ખેતર તો હું જ વાવિશ. ને એ ખાલી કાર્તિકની વિધવા નથી મારા દીકરાની વહુ પણ સે. તમ તમારે તમારું કામ કરો જ્યાં જરૂર પડે ત્યાં તમે તો સો જ ને. બરકી લઈશ તમને આવશો ને!"

" ગામ વચ્ચે અમારી આબરૂ કાઢી નાખવા બેઠા સો કે શું. મેનના વિવા કરવાના સે. મયુરના નતરાની વાતો ક્યાંક કરવી હોય તો કિયા મોંઢે કરવી એનો તો વિસાર કરો. "

" પરબતનું નામ ડુબાડીને રેવાની સે આ કાઢોળ. "

" બા જીભ કાબૂમાં રાખજો. " કડવીબેનાના ભવા ખેંચાયા.

" મારી હામે બોલેસ . " જમકુમાં લાકડી ઉગામી ઊભા રહી ગયા. મેના અને પૂનમ ઘરમાંથી દોડીને બહાર આવી. સામે જમકૂમાને લાકડી ઊગામીને ઊભેલા જોઈ મેના ઓસરીની પાળ કૂદી સીધી કડવીબેનની આડી ફરી ગઈ. કડવિબેને કચકચાવીને પકડેલ ધારિયું જમકૂબા તરફ ધર્યું.

" બા તમારો દીકરો જીવતો હતો તા લગી જ તમારી મરજાદ જાળવતી. હવે નઇ જાળવું ફરીવાર લાકડી ઉગામી તો આ ધારિયું કોઈનું હગલું નઇ થાય હવે જાવ તમારા ઘરે પુરીએ શિરામણ બનાવી નાખ્યું હઈસે. શિરાવી લ્યો ને રામનામ લો. "

જમકૂમા પગપછાડતા ત્યાંથી નીકળી ગયા. મોહનભાઈ મેળીએથી રાતાપીડા થતાં પગથિયાં ઉતરતા ગોથું ખાઈ સીધા જમીન પર પડ્યા. ઊભા થઈ લંગડાતા પગે માંડ ઓસરીએ પહોચ્યાં ત્યાં પુરિબેને ફરીવાર ઉમેર્યું. " પૂનમ જેદીથી આ ઘરમાં આવી તે દી થી આપણા કુટુંબનું નખ્ખોદ વળી ગયું સે."

" બા એવું નાં હોય હંધિય કિસ્મતની વાત સે એમાં એનો શો દોષ." મયુર વચ્ચે બોલ્યો.

" તું સાનોમાનો બેસ. તને ના ખબર હોય જા શીરાવી લે. " પુરીબેન મયૂરને ટોકતા બોલ્યા.

" હુ તમને હુ કવ કે મેનના હાહરે ખબર પુગાડી દો કે આય હુ હાલે સે. લગન કરવા હોય તો કરો અમારા માથે પસી કંઈ નઇ. "

" વાત હાચી સે તારી પણ ભાભીને ખબર પડશે તો આફત આવી જાહે."

" બા મેનાબેનનું સગપણ તોડાવી તમને હુ મળવાનું સે. હાય લાગશે દીકરીની."

" તે હું આબરૂના ધજાગરા કરું. કે આને વિધવાપણું નથી હચવતું. " જમકૂમાં ચાનો હબેડકો લેતા બોલ્યા.

" એનું સે ને એ વાવે એમાં ખોટું શું છે." મયુર હજી પણ પોતાની વાત નહતો મેલતો એટલે મોહનભાઈએ એની ઝાટકણી કાઢતાં કહ્યું." તું એ ક્યાં એના જેવો થઇ ગયો વિધવાઓથી બારું નો નીકળાય. ને એને ખેતરે કામે જવું સે. તું મુંગો રેજે જે થાય એ જોયા રાખજે ખબરદાર જો વચ્ચે તારો જીભડો ફેરવ્યો સે તો."

" નાત અને નાતના રિવાજ તમને જ એક દી ભરખી જાહે." કહેતા મયુર ત્યાંથી ઊભો થઈ ગયો.

" નવું લોહી ઉકળ્યું લાગે સે." જમકુમાએ કટાક્ષ કર્યો.

" એ તો નવું લોહિસે પણ કડવીભાભી ક્યાં નવું લોહી સે. ખાઈ પી ઉતર્યા તોયે વેવલીની થઈ ગઈ સે. હમજતી નથી કે પાસળનાનું હુ થાહે એનો વીસાર નથી કરવો આ બાયને."

" મિલકત હાથમાં આવી તે હચવાતી નથી." પુરીબેન રોટલામાં ઘીનો લોંદો ચોપડતા બોલ્યા.

આ તરફ કડવીબહેનનાં ખોળામાં માથું મૂકી રડી રહેલી પૂનમ અને મેનાને કડવીબેન સમજાવી રહ્યા હતા.

( ક્રમશ..)