સગપણ થયાને પંદરમે દ'હાડે રવજી ઘોડે ચડી, જાજેરીજાન જોડી પરણવા ઉપાડ્યો. કંચન અને રવજીના મંગલ ગીતોના ગાન ગાતી જાનડિયું થાકતી ન હતી. " શિવ પારવતીની જોડી સે." બાયું રવજી અને કંચનનાં દુખણાઓ લેતી આંગળાના ટચક્યા ફોડવા લાગી.
પ્રથમ મીલનની રાતમાં બંને એક બીજામાં ઓતપ્રોત થઈ ગયા રવજી પોતાની સઘળી તકલીફો ભૂલી ગયો. અને મનોમન નિર્ધાર કર્યો "જ્યાં લગણ જીવીશ તા લગણ તારા હંધા ઓરતા પૂરા કરીશ." તે દિવસે કંચને રવજીના હોઠ ઉપર આંગળાના ટેરવા રાખી કહ્યું." હું પણ." કહેતા એ શરમાઈ ગઈ.
રવજી પોતાના છેલ્લા બચેલા દિવસો કંચન સાથે સુખમય પસાર કરવા લાગ્યો. કંચન વાળીએ ભાત લઈને આવે , તે'દી તો રવજીની ભૂખ ઉઘળી જાતી. અને કંચન સાથે પ્રેમભરી વાતો કરતા કેટલું એ ખવાઈ જતું. કંચન તાણ કરી કરીને રાવજીને જમાળતી. ને રવજી કંચનના સ્નેહના સમુંદરમાં હિલોળા લેવા લાગતો.
ઘરના વાડાની પાછળના ભાગે આવેલા કૂવામાં કંચન પાણી ભરવા જાય એટલે રવજી અચૂક ત્યાં આવી ચડતો. કૂવામાંથી ગાગર ખેંચતી કાંચના હાથની બંગડીઓનો ખનકાર રવજીને અતિશય પ્રિય હતો. એક દિવસ રવજી કાંચની લાલ લીલી બંગડીઓ લઈ આવ્યો. એ બંગડી કંચને પહેરી ત્યારે રવજી ઝૂમી ઉઠ્યો હતો.
બંનેની પ્રેમભરી જિંદગીની વચ્ચે રાવજીની તબિયત પણ લથડતી હતી. જેમ જેમ દિવસો પસાર થઈ રહ્યા હતા. તેમ તેમ તેનું શરીર વધારે જીર્ણ થઈ રહ્યું હતી. આંખોની નીચેના કુંડાળા વધારે ઘેરા કાળા બની રહ્યા હતા. છતાંય રવજી કંચન એકમેક સાથે મનભરી જીવિલેવા તૈયાર હતા. ક્યારેક કંચન રવજીને ખોવાના વિચારમાત્રથી ધ્રુજી ઉઠતી ત્યારે રવજી કંચનને પોતાની બાહોમાં ભરી એને સમજાવતો." કંચન તું બીજે પરણી જાજે." રાવજીનાં શબ્દોએ જાણે કંચનનું હૈયું વલોવાઈ ગયું. એ રવજીની છાતીએ માથું ઢાળી બોલી." હું પણ સાથે આવું તો!"
" તે સામે ચાલીને દુઃખ વહોરી લીધું સે! તું ના માની ને! આજે... "રવજી ગળગળો થઈ ગયો.
"બીજે પરણી હોતતો હુ આવું નાં બને એની ખાતરી સે તમારી પાહે." કંચન બે ઘડી ચૂપ રહી.
રવજી ઊંડો શ્વાસ ભરતા બોલ્યો." હાચુ સ! કંચન તારું કેવું, વિધાતાના લખાણ કેણે વાંચિયા સે! આ તો તને નોંધારી મેલી જાવુ મને મહાણેય શાંતિ નઇ વળે. જીવ મુંઝાય સે મારો, તારો એ સફેદ સાડલો પહેરેલ ચહેરો મને આંખોમાં તરી આવે સે. મારા ગયા પસી તને..."
" પસી!...પસી કળવીબેન સે, બાં સે, ને હગા વીરા જેવી દિયર સે. તમે મારી ચીંત્યા નાં કરશો. તમારા જીવને લગીરે મૂંઝાવા ના દેશો."
"ભાભી! ભાભી તારું ધ્યાન રાખશે. પણ ...પણ.."
" પણ હુ કેમ બોલતા ખચકાવ?"
" કંચન, બાં ની વાતનું માઠું નાં લગાડીશ. એણે તો
સમયે આવી કઠોર કરી નાખી સે. પેલા મારી બાં આવી આકરી નહોતી." રવજીને, ખખરાના પાંદડાને પગનાં તળિયે ચિથરાથી બાંધી બડબડતા તડકામાં ત્રણ ત્રણ સંતાનોને ખેતરે લઈ કામ કરતી માં નો ચહેરો દેખાઈ આવ્યો.
" હુ વિચાર કરોશ?"
"હ..!"
"હુ વિચારો સો."
"ભક્તિભાવમાં પડી બાવા સાધુઓને ભેળાં કરી સત્સંગની વાતો કરતો, પોતાની સઘળી સાંસારિક જવાબદારી ભૂલી ગયેલા મારા બાપને યાદ કરું સુ. અને ત્રણ ત્રણ છોકરાઓને એકલે હાથે સ્વાભિમાનથી ઉછેરતી મારી બાં,કયે આટલી કઠોર થઈ ગઈ એ હુ સમજી નથી શકતો."
"બાપુ તો દેવ જેવા માણહ હતા. કાકાનાં મોંઢે ઘણી વખત સાંભળ્યુ સે."
"દેવ તો એને કેવાય જે બાયડી છોકરાંને હરખા હંભાળી જાણે. બાકી તેવડના હોય તો પેલા જ ભગવો ઓઢી લેવાય, આમ સોકરાવ ને રઝળતા મેલી હાથમાં તંબુરો લે એના જેવુ કાયર કોઈ ના હોય."
" બાપુ ને હું કાયર નથી માનતી. ભગવાનની ભક્તિ કરવાને કાયરતા કેવાય. એણે તો એના જીવનની દશા સુધારી કેવાય."
" ને અમારી દશા!, મારી બાં ની દશાનું હું? અમારો ક્યો ગુનો. તને નથી ખબર કંચન , જુવાન બાય એકલી હોયને ત્યારે કેટલીએ આંખો એના ઉપર મંડાય એ તો જેને પડી હોય એ જાણે. તોયે બે માથાળી મારી માં!..
રાવજીને એ દિવસ યાદ આવી ગયો. જમકુમાં મકાઇને વાઢી રહ્યા હતા. દસેક વર્ષનો પરબત વડના ઝાડની ડાળીમાં જમકુમના ઓઢણાંનો બાંધેલ હિંચકામાં મોહનને સુવડાવી રહ્યો હતો. અચાનક પોતાનો સેઠાપડોસી ભિમો આવી ચડયો.
" ભાભી! એકલા એકલા મકાઈ વા' ઢોસ. મને બરકી લેવાયને!."
" ના..નાં ભાઈ એ તો હું કરી લઈશ. તમ તમારે તમારું કામ કરો. તમારેય ઘણા કામ હશે." જમકુમાં મોંઢે હાસ્યનો મહોરો પહેરતા બોલ્યા.
"મારે કામ તો સે. પણ આ તમને એકલા ભાળ્યા ને પાસુ આય બીજું કોઈ નથી તે લાગ્યું તમારી પાહે.." કહેતો ભીમો ખુંધુ હસવા લાગ્યો.
જમકુ માં ભીમના" આય બીજું કોઈ નથી." ભાર દઈને બોલેલા શબ્દો મગજમાં તમ્મર ચડાવી ગયા.
"ભીમાભાઈ મારે કામ પડશે ત્યારે તમને બરકી લઈશ. તમે ને મોંઘીબેન બેય આવજો હો!"
" લાવો, લાવો કરવા લાગુ. કામ કરવામાં કંઈ નાનમ નાં હોય." ભીમો જાણે જમકુમાંની વાત સાંભળી ન સાંભળી કરી જમકુમાંનો હાથ પકડયો ત્યા જ ભીમાંની ભયાનક ચિખ સંભળાઈ.
(ક્રમશ..)