વગડાનાં ફૂલો - 11 Divya Jadav દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

વગડાનાં ફૂલો - 11

જમકુમાં જાણે મહાકાળીનું રૂપ ધારણ કરી ઊભા હતા. લુહાર પાહે તાજા કતરાવેલા દાતરડામાંથી લોહી નીતરતું હતું. ભિમાનું કાંડુ જમકુમાંનાં ચરણોમાં પડ્યું હતું. ભીમો દર્દના મારે ભોંય પર પડ્યો બરાડતો હતો.

"ભીમાભાઈ! ભાઇડો નથી એટલે હું કઈ નોંધારી નથી હમજ્યા. મારી જાતની રખેવાળી કરતા મુને આવડે સે. આવી ભડવાયુ કરવા મારી પાહે વખત નથી. હું અસલ જમકુ સુ. યાદ રાખજો." માં નું આવું ભયાનક રૂપ જોઈ પરબત અને રવજી ધ્રુજતાં હતા.તે દી માં બંને ભાઈઓને ખોળામાં બેસાડી જમકુમાં ખુબ રડેલા.

ખેતરે ભાત દેવા આવેલી ભીમાની વહુ મોંઘી પોતાનું આખું ખેતર ખૂંદી વળેલી. પણ ક્યાંય ભીમો ન દેખાયો. એટલે ભાતાને માથેથી ઉતારી જમકુનાં ખેતર બાજુ ચાલતી થઈ. જમકુનાં ખેતરમાં જમીન પર આળોટતો હાથ પકડી તરફડીયા મારતો, અને લોહી લુહાણ હાલતમાં કણસતા ભીમાને, અને છોકરાવને ખોળામાં લઇ રડતા જમકુમાં ને જોઈ મોંઘી આખી પરિસ્થિતિ સમજી ગઈ.

કણસતો ભીમો મોંઘીને જોઈ શું કહેવું એ વિચારે એ પહેલાં જ મોંઘીએ પાસે પડેલી ડાંગ ઉપાડી ભીમાંના વાસા ઉપર બે ચાર જડી દીધી. " કાયર! તારા જેવો ધણી હોવા કરતાં તો મે રાંડાપો વહોર્યો હોત તો હારું થાત. જમકુ એ મને ઘણી ફેર ચેતવી. પણ હું જ આંધરી તે તારા ઉપર વિસવાસ મેલ્યો." મોંઘી ડાંગને જમીન ઉપર ઘા કરી જમકુ પાસે દોડી ગઈ.

" જમકુ! મારી આબરૂ તારા હાથમાં સે. એમના વતી હું તારી માફી માંગુ સુ. માફ કરી દે એમને. આ વાત અહીંયા હૂધી જ રાખજે. ગામમાં દેકારો થાહેતો. અમારે નીચાજોણું થાહે! આબરૂ વગરના અમારે જીવતર વેઢવુંય કપરું થઈ પડશે."

" માફી!! મોંઘી આ તો હંધિય મારી કરમ પીડા સે બેન. ધણી વગરની હું અટાણે સુહાગણ એ નથી. ને નથી વિધવા!!!." જમકુનાં ગળે ડૂમો ભરાઈ ગયો.

"હમજુ સુ બેન. આપણે બાયુનો અવતાર. આપણે તો કાંટાળા પંથે હાલ્યા વગર કઈ છૂટકો સે. ભાયડા જેમ કરે એમ સાચું. એને ક્યાં કોઈ દોષ દે!. સઘળો દોષ તો યે આપણો."

" મોંઘીકાકી! હું એને નઇ મેલું.પતાવી નાખીશ ભિમાને." પરબત છંછેડાયો.

" એને તો હું પણ પતાવી નાખત. એટલું જોર સે હજી મારામાં." જમકુમાંએ પરબતનો હાથ પકડી રોકતા કહ્યું.

"તો પતાવી કેમ નાં નાખ્યો એને."

"બાપે તો નોંધારા મેલ્યા! ને હું પણ જેલ પાછળ ધકેલાય જાવ તો પસી તમારું કોણ?" જમકુમાંએ નિઃસાસો નાખતા કહ્યું." પરબત એ હવે નઇ હામુ જોવે. એને એની કરણીની સજા મે આપી દીધી. તું આ વાતને હવે ભૂલી જા."

"જમકુ! હું જ અભાગણી સુ. મને માફ કરી દે જે." મોંઘી, જમકુમાં આગળ ખોળો પાથરતા બોલી.

" માફ તો ઉપરવાળો કરે.હું કોણ! કોઈને માફ કરવા વાળી. જા લઈ જા આને કોઈ દાક્તર પાહે."


કંચન પાસે નાનપણમાં ઘટેલી ઘટના કહેતા રવજી રડી પડ્યો. " તો હુ! બાપુ કોઈ' દી પાસા ઘરે નથી આવ્યા?" કંચને રડતા રવજીને પાણીનો કળશ્યો આપતા કહ્યું.

" એક દહાડો ભાગવા કપડાં પહેરેલાં બે ત્રણ જણા ખરે બપોરે ઘરનું પુસતા પૂસતા આવેલા. હું ને પરબતભાઇ બેય ભાયુ વાળીએ હતા. કાળું વાળીએ અમને બરકવા આવેલો. " પરબતભાઈ જમકુકાકીએ કેવડાવ્યું સે ઘરે જટ હાલો. કોઈ ત્રણ માણસ તમારા ઘરે આવ્યા સે. કાકી ગુમસુમ થઈ બેઠા સે."

" બા!" પરબતને પેટમાં ફાળ પડી.

"કોણ આવ્યું. મારા બાપુ આવ્યા સે?" રવજી ઝડપભેર ઘર તરફ પગ ઉપડતાં બોલ્યો.

" એ ખબર નથી. આખું ગામ ભેળું થયું સે તારા ઘરે."

પરબત અને રવજી મોટી ફલાંગો ભરતા ઘર તરફ ચાલી રહ્યા હતા. ઘર નજીક આવતા જોયું કે જાણે કીડીયારું ઉભરાય એમ ઘર આગળ માણસોની ભીડ હતી.

ભીડને વીંધીને ઘરમાં પ્રવેશેલા પરબતે એક નજર જમકુમાં તરફ નાખી. નિર્જીવની જેમ, કોરી આંખે પડેલી જમકુમાં, અને એની પાસે પડેલ કેસરી કપડામાં બાંધેલું પોટલું!" જોઈ પરબત સમજી ગયો. રવજી રડતા મોહનને ચૂપ કરવા લાગ્યો.

" માં! જે થાય એ હારા હાટુ જ થાય સે." જમીનપર પડેલા જમકુમાનું માથું પોતાના ખોળામાં લઇ, જમકુમાંના માથે હાથ ફેરવતો પરબત બોલ્યો.

" આ હું બોલે સે તું કંઈ ભાન સે તને તારો બાપ દેવ થઈ ગયો સે. એની સમાધિ આશ્રમમાં દેવાની સે. " કાળા સડલાને ઘૂંઘટમાં બેસેલી, માથું ઊંચું કરી એક ડોસી બોલી.

"જેને પડી હોય એ જાવ સમાધિએ. આય ધળાપિટ કરવા એકેય નાં આવત્યું." પરબત મક્કમ સ્વરે બોલ્યો.

"પરબત! કૂવેથી ડોલ ભરી લાવ." જમકુમાં એકાએક ઊભા થતા બોલ્યા.

" પણ માં!"

" ડોલ ભરી આવ!"

પરબતે નાં છૂટકે કુવામાંથી પાણી ભરી લાવ્યો. ને જમકું માં એ પતિના નામનું સ્નાન જાતે જ કરી લીધું. ત્યારે છેલ્લી વખત જમકૂમાં પોક મૂકીને રડ્યા હતા.

ગામની બાયુએ થઈને એનો શણગાર બદલ્યો. માથું મુંડાવ્યું. મારી માંનો એ ચોટલો મને અતિશય ગમતો. એ હંમેશ માટે મારી આંખોથી ઓઝલ થઇ ગયો. ને અમને તેડવા આવેલા એ ત્રણેય માણસોની સાથે અમે મહામુનિને!! આશ્રમમાં સમાધિ દીધી. એ દિવસ પછી ક્યારેય જમકુમાંએ તે આશ્રમે પગ નથી મૂક્યો. કે નથી અમે!"

"બા એ ઘણું દુઃખ જોયું." કંચનની આંખમાં ઝળઝળિયા આવી ગયા.

રવજી કંચન સામે જોઈ રહ્યો. રવજીને કંચનના ચહેરમાં જમકુમાંનો ચહેરો દેખાઈ આવ્યો. ને એ હચમચી ગયો.

(ક્રમશ..)