એક પૂનમની રાત
પ્રકરણ-79
વ્યોમા તૈયાર થઇને
ક્યારની દેવાંશની રાહ જોતી હતી. અણે દેવાંશને ફોન ના કર્યો એ જાણતી હતી કે
સિધ્ધાર્થ સાથે કોઇ અગત્યની મીટીંગ હતી. અનિકેતનો ફોન અંકિતા પર ગયેલો અંકિતા
તૈયાર થઇને અનિકેત આવ્યો એટલે એની સાથે વ્યોમાનાં ઘરે જવા નીકળી ગયાં.
દેવાંશ વ્યોમાનાં ઘરે પહોંચ્યો જીપનો હોર્ન
મારીને એ જીપ બહાર પાર્ક કરીને વ્યોમાનાં ઘરમાં આવ્યો. વ્યોમા તરત એને સામે લેવા
ગઇ. દેવાંશને જોઇને કહ્યું વાહ દેવું તું તો રાજકુવંર જેવો લાગે છે. એણે કહ્યું
મામા નાના તને મળવા રાહ જોઇ રહ્યાં છે. દેવાંશે કહ્યું તું પણ ખૂબ સુંદર તૈયાર થઇ
છે વાહ મારી રાજકુમારી.. વ્યોમાએ શરમાતાં
કહ્યું બસ તારી સાથે મન મુકીને રાસ રમવા છે. દેવાંશે કહ્યું ચાલ હમણાં અનિકેત લોકો
પણ આવી જશે. આપણે વડીલોને મળી લઇએ.
બંન્ને જણાં સાથે દિવાનખંડમાં ગયા અને દેવાંશને જોઇ નાના બોલી ઉઠ્યાં દેવાંશ દીકરા આવી
ગયો ? દેવાંશ એમના પગે પડીને આશીર્વાદ
લીધાં. સાથે વ્યોમા પણ પગે લાગી. નાનાએ માથે હાથ મૂકી આશીર્વાદ આપતાં કહ્યું સુખી
રહ્યો. દેવાંશ મામાને અને પછી વ્યોમાનાં પાપા મંમીને પણ પગે લાગ્યો. બધાએ બંન્ને
જણાંને આશીર્વાદ આપ્યાં.
નાનાજીની નજર દેવાંશ તરફજ જડાયેલી હતી.
દેવાંશ પછી એમની સામે બેઠો. દેવાંશે કહ્યું નાનાજી આપ લોકો આવ્યાં છો તો પાપા
મંમીને મળવા ઘરે આવો. આપનાં પુનીત પગલાંથી અમારું ઘર પાવન થશે અને મંમી પપ્પાને પણ
ખૂબ આનંદ થશે.
નાનાજી એ કહ્યું અમે જરૂર આવવાના છીએ વિનોદ નક્કી કરીને તારાં પાપા સાથે વાત કરી લેશે. તારાં
પાપાતો ખૂબ વ્યસ્ત રહેતાં હશે એમનાં માથે વધુ જવાબદારીઓ છે.
મીરાબહેને કહ્યું અમે આજકાલમાં નક્કી કરીને
જણાવીશું અને મળીને ઘણી વાતો પણ કરવાની છે. એમ કહી ઉભા થયાં અને મીઠાઇ લેવાં અંદર
ગયાં. ત્યાં અનિકેત અને અંકિતા પણ આવી ગયાં. દેવાંશે એનિકેતને કહ્યું તમે લોકો
સમયસર આવી ગયાં. વ્યોમાએ એ લોકોની ઓળખાણ નાના અને મામા સાથે કરાવી એ લોકોએ પણ એમનાં
આશિષ લીધાં.
મીરાંબહેને આવીને અનિકેત અંકિતાને આવકાર્યા
અને કહ્યું પાપા આ વ્યોમા અને દેવાંશની સાથેજ ઓફીસમાં છે અને એલોકો ખાસ ફ્રેન્ડ છે. એમણે બધાને મીઠાઇ ખવરાવીને મોં મીઠું
કરાવ્યું. વિનોદભાઇએ કહ્યું કેવું ચાલે છે તમારું કામ ? અનિકેતે કહ્યું અંકલ સરસ
ચાલે છે અમારાં ચીફ પણ અહીં આવેલાં છે ડૉ. દેવદત્તે ખુરાના જી પણ હવે અમારી સાથે છે.
નાનાજીએ નામ સાંભળ્યું અને બોલ્યાં ઓહ ડૉ. ખુરાના હું એમને જાણું છું અમારે એકવાર મુલાકાત થઇ છે. અમે એક... પછી યાદ કરતાં કહ્યું સિધ્ધપુર
નાં રુદ્ર મહાલનાં કેસ અંગે મળ્યાં છીએ. બહુ
બાહોશ અને જ્ઞાની માણસ છે. વ્યોમાએ આષ્ચર્ય વ્યક્ત કરતાં કહ્યું
નાનાજી તમે એમને ઓળખો છો ? મળેલા છો ? નાનાજીએ એમની લાંબી સફેદ દાઢી પર હાથ
પ્રસરવાતાં બોલ્યાં હાં દીકરી મળેલો છું.
જાણીને દેવાંશને પણ આનંદ થયો. એણે કહ્યું
વાહ તો તો અમને પણ ઘણું જાણવાં મળશે. નાનાજીએ કહ્યું હું ખાસ કામ અંગે જે આવ્યો
છું વિધિની વિવિત્રતા છે કે આજે ઘણાં સમય પછી બધાને મળવાનું થશે.
મીરાંબહેને કહ્યું છોકરાઓ તમારે નવરાત્રી
અંગે જવાનું છે તમે લોકો જઇ આવો. પણ ધ્યાન રાખજો અત્યારે તહેવાર સાથે સાથે સમય
નાજુક છે અને અહીં પાછાં આવજો. વિનોદ વિક્રમસિહજી સાથે પણ વાત કરી લેશે એટલે મળવાનું નક્કી થઇ જાય.
દેવાંશે કહ્યું આંટી ગરબાથી પાછા અમે મારાં
ઘરે માં ને મળીને આવીશું માં વ્યોમાને જોવા અને મળવા માંગે છે. અંકલ તમે પાપા સાથે
વાત કરી લેજો. રાત્રે આવીને બધી વાત કરીશું.
ત્યાં અંકીતાએ કહ્યું પાપાએ પણ કહ્યું છે
એકવાર બધાં સાથે એમને પણ મળીએ. દેવાંશે કહ્યું સાચીવાત છે એકવાર એવી રીતે નક્કી
કરીશું. વડીલો બધાં અરસ પરસ મળીલે એ જરૂરી છે.
મીરાંબહેને કહ્યું બધું થઇ જશે હમણાં તમે
લોકો જવા નીકળો અને વેળાસર મળી ગરબા
રમીને આવી જજો અમે વાત કરી લઇશું.
દેવાંશે વ્યોમાને ઇશારો કર્યો અને નીકળવાની
તૈયારી કરી. ચારે જણાં બહાર નીકળ્યાં અનિકેતે કહ્યું અમે... ત્યાં દેવાંશે કહ્યું
અનિકેત બાઇક અહીંજ અંદર પાર્ક કરી દે આપણે ચારે જીપમાં સાથેજ નીકળીએ અહીં સાથેજ
પાછાં આવીશું અનિકેતે બાઇક વ્યોમાનાં કમ્પાઉન્ડમાં પાર્ક કરી દીધી અને ચારે જણાં
જીપમાં સાથે જવા નીકળી ગયાં.
દેવાંશની બાજુમાં અનિકેત અને પાછળ વ્યોમા
અને અંકિતા બેઠાં. બધાં ખૂબ ઉત્સાહમાં હતાં બધાએ સરસ નવરાત્રીનો ડ્રેસ પહેર્યો
હતો. દેવાંશે કહ્યું અનિકેત આપણે સીધા અલકાપુરી જવું છે કે બધે ફરતાં ફરતાં
નીકળવું છે ? ત્યાં અંકિતાએ કહ્યું આજે પહેલો દિવસ છે બધે જોતાં જોતાં જઇએ પછી
અલકાપુરીમાં જોડાઇ જઇશું ત્યાં ખૂબ સારાં ગરબા થાય છે.
દેવાંશે કહ્યું ભલે અને એણે જીપ એ રીતે
લીધી ગોત્રીરોડથી નીકળી ચક્લી
સર્કલ થઇને બધે નવરાત્રીથી તૈયારી જોતાં જોતાં જઇ રહ્યાં હતાં. આજે બધાં છોકરાં
છોકરીઓ ટ્રેડીશનલ ડ્રેસ પહેરીને નીકળ્યાં હતાં મોટાં ભાગનાં બાઇક પર નીકળ્યાં
હતાં. દેવાંશ કહ્યું નવરાત્રી આવે વડોદરાની રાત્રી યુવાન થઇ જાય છે અને અહીનાં
ગરબા પણ જગપ્રખ્યાત છે કેટલાં શિસ્તથી અસલ ગરબા ગવાય છે અને ગાયકો પણ લોકોની નાડ
સારી રીતે પારખી જાય છે એ પ્રમાણે ગરબાની ધૂન અને ગાયકી રજૂ કરે છે.
અનિકેત દેવાંશને પૂછ્યું દેવાંશ સિધ્ધાર્થ
સરે તને કેમ બોલાવેલો ? દેવાંશે કહ્યું યાર કંઇક અજબ બની ગયું હતું. એમની સાથે પણ પછી વાત કરીશું. હમણાં રાસ
ગરબાનો મૂડ અને માહોલ છે. એણે કહ્યું તે સારું યાદ કરાવ્યું. હું સિધ્ધાર્થ અંકલ
સાથે વાત કરી લઊં કે અમે ફરતાં ફરતાં અલકાપુરી ગ્રાઉન્ડમાં ગરબા માટે જઇ રહ્યાં
છીએ. દેવાંશ જીપ ધીમી કરી સાઇડમાં ઉભી રાખી અને સિધ્ધાર્થ અંકલને ફોન જોડયો. તરતજ
સામેથી રીસ્પોન્સ મળ્યો.
સિધ્ધાર્થ અંકલે કહ્યું દેવાંશ તમે લોકો
ગરબા અંગે નીકળી ગયાં ? સરસ તારાં ગયાં પછી મેં સર સાથે પણ ચર્ચા કરી હતી એ બધી
વાત પછી કરીશ ખાસ વાત કે હું પણ ત્યાં અલકાપુરી લગભગ 10 થી 11 ની વચ્ચે આવી જઇશ
ત્યાંનો બંદોબસ્ત પણ ચેક કરીશ ત્યાં પોલીસનાં માણસો પણ સાદા ડ્રેસમાં ધ્યાન રાખવા
માટે હશે.
દેવાંશે કહ્યું વાહ આવો સર આવીને મને ફોન કરજો હું ઇયર ફોન પહેરેલાં રાખીશ જેથી ગરબામાં શોર વચ્ચે પણ
સાંભળી શકીશ. તમે રૂબરૂ આવો ત્યારે વાત કરીશું. સિધ્ધાર્થે કહ્યું કોઇ ચિંતા વિના
તમે લોકો ગરબા માણજો. ચાલ રૂબરૂ મળીએ. ફોન મૂકાયો. દેવાંશે હમણાંજ ઇયર ફોન પહેરી
લીધાં જીપ સ્ટાર્ટ કરીને અલકાપુરી જવા નીકળ્યાં.
અલ્કાપુરીનું પ્રખ્યાત ગ્રાઉન્ડ ભરચક થવાં
માંડેલુ-ત્યાં સામે વિશાળ સ્ટેજ પર પ્રસિધ્ધ ગાયકો હાજર હતાં હજી ગરબા શરૂ થવાનાં
હતાં ગરબા અંગેનું મ્યુઝીક ચાલુ હતું લાઇવ પ્રસારણ થવાનું હતું ત્યાં બહારજ યોગ્ય
જગ્યાએ જીપ પાર્ક કરી અને ચારે જણાં ગરબામાં સામેલ થવાં અંદર ગયાં.
સ્ટેજ પરથી એનાઉન્સ થયું કે પહેલાં માંની
સ્તુતિ ગવાશે પછી ગરબા ગવાશે છેલ્લે રાસ અને પછી માંની આરતી ગવાયા પછી આજની
પૂર્ણાહિતિ થશે.
આખું ગ્રાઉન્ડ ખીચોખીચ ભરાયેલું હતું બધાં
ખેલેંદા એક શિસ્તથી મોટાં રાઉન્ડમાં ગોઠવાયેલાં હતાં. બધાંનો ઉત્સાહ અનેરો હતો.
લાઇવ ગરબા સ્ટેજ પરથી ગાવાનાં શરૂ થયાં અને બધાએ એ ઝીલીને ગાવાનાં શરૂ થયાં. બધાં
પોતપોતાની જોડીમાં હતાં અને આનંદથી ગરબા ચાલુ થયાં દેવાંશ અને વ્યોમા સાથે ગરબા
ગાવા ચાલુ કર્યો. અનિકેત અને અંકિતા પણ સાથે આપી રહેલાં. ત્યાં સુંદર દેખાતી ચણીયા
ચોળીમાં એક છોકરી આવી સાથે જોડાઇ અને ગરબા ચાલી રહેલાં ત્યાં.....
વધુ આવતા અંકે - પ્રકરણ - 80