પ્રેમરંગ. - 22 Dr. Pruthvi Gohel દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

પ્રેમરંગ. - 22

પ્રકરણ-૨૨

પોતાની બહેનને મળવાની આશાની ખુશી અને આદિલકુમાર સાથેના પોતાના પ્રેમનો એકરાર એ બંનેની ખુશી આજે મોહિનીના ચેહરા પર ખૂબ છલકી રહી હતી.

આદિલ કુમારે મોહિનીને કહ્યું, "મોહિની! મને લાગે છે કે, હવે આપણે આપણી સીરિયલ પ્રેમ પરીક્ષાનું શૂટિંગ ફરી ચાલુ કરી દેવું જોઈએ. ઘણો સમય થઈ ગયો છે આમ પણ શૂટિંગ બંધ કર્યું એને પણ. માટે મને લાગે છે કે, હવે આપણે વધુ વિલંબ ન કરવો જોઈએ. હવે જો આપણે વધુ વિલંબ કરીશું તો લોકોનો રસ પણ આ સીરિયલ માંથી ઓછો થઈ જશે અને પછી આપણને જોઈતા ટી. આર. પી. પણ નહીં મળે."

"હા, તું બિલકુલ ઠીક કહે છે દિલ! મને પણ એવું જ લાગે છે. હું પણ તારી વાત સાથે સહમત છું દિલ!" મોહિનીએ જવાબ આપ્યો.

"હા, તો ઠીક છે. ચાલ તો હું હવે પ્રેમ કપૂરને મળી પણ આવું અને સીરિયલની આગળની વાર્તા લખવાનું પણ એમને કહી દઉં. અને જેટલું બને એટલું જલ્દીથી આપણે હવે સીરિયલનું શૂટિંગ ચાલુ કરી દઈએ." આદિલકુમાર બોલ્યા.

એટલું કહી એ પ્રેમ કપૂરના ઘરે જવા માટે નીકળ્યા.

આ બાજુ પ્રેમ કપૂર હજુ પણ વિચારતંદ્રામાં જ હતાં. એમના મન પર ફરી એકવાર રેશમ જ હાવી થઈ ગઈ હતી. એ ક્યારે અઠવાડિયું પૂરું થાય એની જ રાહ જોઈ રહ્યાં હતાં. એ પોતાના ઘરના ગાર્ડનમાં આમથી તેમ આંટા મારી રહ્યા હતા.

ક્યારે થશે પૂરી આ ઘડીઓ ઈંતઝારની?
સમશે શું કદીયે આ પીડા મનના ભારની?
મળશે શું મને ભાળ કદી મારા એ યારની?
પૂરી થશે શું કદી પરીક્ષા મારા એ પ્યારની?

એવામાં આદિલકુમાર એમના ઘરમાં દાખલ થયા. એમણે ઘરની ડોરબેલ વગાડી. પ્રેમ કપૂરની મા એ દરવાજો ખોલ્યો. સામે આદિલ કુમારને જોઈને પ્રેમ કપૂરની મા એ એમને આવકાર આપતાં કહ્યું, "આવ, બેટા! આદિલ! કેમ છે?"

"હું બિલકુલ મજામાં છું. આંટી! પ્રેમ કપૂર છે?" આદિલ કુમારે પૂછ્યું.

"હા, હા, છે ને દીકરા. એ ગાર્ડનમાં છે. ત્યાં પેલી બાજુ." એમ કહી એમણે આદિલકુમારને ગાર્ડન તરફનો રસ્તો બતાવ્યો. આદિલકુમાર હવે પ્રેમ કપૂર પાસે જવા લાગ્યાં.

આદિલકુમાર હવે પ્રેમ કપૂર પાસે પહોંચ્યા. પ્રેમ કપૂરની નજર આદિલકુમાર પર પડી. એમણે આદિલકુમારને આવકાર આપતાં કહ્યું, "ઓહો. આવો આવો આદિલકુમાર! આજે સવાર સવારમાં આ બાજુ ભૂલાં પડ્યાં? શું વાત છે? આજે તો ધન્ય ભાગ્ય મારા."

"હા, આ બાજુ ભૂલા પડવાનું કારણ એ છે કે, મને લાગે છે કે હવે આપણે સીરિયલનું શૂટિંગ ફરી ચાલુ કરી દેવું જોઈએ. હવે મોહિનીની તબિયત પણ સુધરી ગઈ છે અને ઘણાં સમયથી બધું શૂટિંગ પણ બંધ જ છે. એટલે મને લાગે છે કે, હવે આપણે ફરી સીરિયલનું શૂટિંગ ચાલુ કરી દેવું જોઈએ. માટે હું ઈચ્છું છું કે, તમે હવે પ્રેમ પરીક્ષાની આગળની વાર્તા લખો અને આપણે સીઝન ટુ નું શૂટિંગ પણ શરૂ કરી દઈએ." આદિલકુમારે પોતાના મનની વાત કરી.

"હા, તમે ઠીક કહો છો. આદિલકુમાર! પણ હું ઈચ્છું છું કે, એકવાર આ અઠવાડિયું વીતી જવા દો. ત્યાં સુધીમાં રેશમની કદાચ ખબર પડી જાય. જેથી હું વાર્તાને વધુ સારી રીતે ન્યાય આપી શકું. નહીં તો હું કદાચ વાર્તા સારી રીતે નહીં લખી શકું. કારણ કે, હું અત્યારે ખૂબ જ ડિસ્ટર્બ છું. પ્લીઝ! હું આશા રાખું છું કે, તમે મારી વાતને સારી રીતે સમજી શકશો." પ્રેમ કપૂર બોલ્યા.

"હા, હા, ઠીક છે. આમ પણ આટલું મોડું થયું છે તો એક અઠવાડિયું ઓર સહી. અને હા, હું તમને બીજા પણ એક સારા સમાચાર આપવા માંગુ છું." આદિલકુમાર બોલ્યા.

"શું છે સારા સમાચાર?" પ્રેમ કપૂરે પૂછ્યું.

"હું અને મોહિની બને ટૂંક સમયમાં જ લગ્ન કરવાના છીએ. બસ આ સીરિયલનું શૂટિંગ પતે પછી અમે બંને લગ્ન કરવાના છીએ." આદિલકુમાર બોલ્યા.

"અરે વાહ! આ તો ખૂબ જ સારા સમાચાર છે. હું તમારા બંને માટે ખૂબ જ ખુશ છું. આઈ એમ રીયલી હેપ્પી ફોર યુ. અને મેની મેની કૉંગ્રેચ્યુંલેશન ટુ બોથ ઓફ યુ. મોહિનીને પણ મારા તરફથી વધામણી આપજો." પ્રેમ કપૂરે પોતાની ખુશી વ્યક્ત કરતા કહ્યું.

સમય વીતી રહ્યો હતો. એમ કરતા એક અઠવાડિયું પણ પૂર્ણ થઈ ગયું. અંતે એ દિવસ આવી જ ગયો જેની પ્રેમ કપૂર ખૂબ જ આતુરતાથી રાહ જોઈ રહ્યાં હતા. એ વારંવાર પોતાના મોબાઈલની સ્ક્રીન સામે જોઈ રહ્યાં હતાં. એમના મનમાં આશા હતી કે, હમણાં જ બાદલનો ફોન આવશે અને એ મને રેશમ વિષે જણાવશે. આજે આટલાં બધાં વર્ષો પછી હું મારી રેશમને મળીશ. એવા અનેક વિચારો એમના મનમાં રમી રહ્યા હતા. એ પોતાના સપનાની જ દુનિયામાં ખોવાયેલા હતાં. એમણે પોતાની ડાયરીમાં લખ્યું.

પ્રેમની આજ કેવી ઊઠી છે તડપ.
આવે નહીં હવે કદીયે એમાં ઓછપ.
પ્રેમ! પ્રેમ! નામ મારું જ તું હવે જપ.
એ જ તો છે હવે તારું આ સાચું તપ.

એવામાં જ પ્રેમ કપૂરના મોબાઈલની રિંગ વાગી. મોબાઈલની આ રીંગે પ્રેમ કપૂરની વિચારધારા તોડી. એમણે સ્ક્રીનમાં જોયું. એમાં બાદલનું નામ ડિસ્પ્લે થતું હતું. એ નામ જોતાં જ એમણે એક ક્ષણનો પણ વિલંબ કર્યા વિના તરત જ ફોન ઉપાડ્યો અને બોલી ઊઠ્યા, "શું થયું? બાદલ? મારી રેશમ મળી ગઈ ને? કયાં છે એ? મને જલ્દી કહે. હેલ્લો! હેલ્લો!" પ્રેમ કપૂર સાવ ગાંડા જેવા થઈ ગયાં હતાં.

સામે છેડેથી હજુ કોઈ જ અવાજ આવી રહ્યો નહોતો. પ્રેમ કપૂર હજુ પણ "હેલ્લો હેલ્લો" જ કરી રહ્યાં હતાં. ત્યાં થોડી જ વારમાં બાદલનો અવાજ સંભળાયો.

એ બોલ્યો, "રેશમની ખબર તો મળી ગઈ છે પ્રેમ કપૂર! પણ.."

"પણ શું બાદલ? મને જલ્દીથી કહે. મારી ધીરજ હવે ખૂટી રહી છે. હું હવે વધુ રાહ જોઈ શકું તેમ નથી. રેશમ ઠીક તો છે ને? ક્યાં છે એ? મને જલદી કહે બાદલ!" પ્રેમ કપૂર બોલવા લાગ્યા. પ્રેમ કપૂરની ધીરજ હવે ખરેખર ખૂટવા લાગી હતી.