પ્રેમરંગ. - 20 Dr. Pruthvi Gohel દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

પ્રેમરંગ. - 20

પ્રકરણ-૨૦

શાહિદે આવીને બધાને કહ્યું, "મોહિનીના ઘર પર પથ્થરમારો કોણે કર્યો હતો એની જાણ થઈ ગઈ છે."

"કોણે? કોણ છે એ કે, જેણે મોહિનીના ઘર પર પથ્થર મારો કર્યો હતો? એને તો અમે લોકો જીવતો નહીં છોડીએ." એની આ વાત સાંભળીને પ્રેમ કપૂર અને આદિલકુમાર બંને જણાં એકસાથે જ પૂછી ઉઠ્યા. કારણ કે, બંનેના મનમાં આ પ્રશ્ન તો ઘણાં સમયથી રમી જ રહ્યો હતો અને બંને પોતાની રીતે આ સવાલનો જવાબ મેળવવાની કોશિશ કરી રહ્યાં હતાં. પણ હજુ સુધી બંનેમાંથી કોઈને પણ આ પ્રશ્નનો જવાબ મળી જ રહ્યો નહોતો અને આજે અચાનક જ શાહિદે આવીને બંનેને આ વાત કરીને એકદમ જ ચોંકાવી દીધા હતા. બંને જણ હવે આતુરતાપૂર્વક શાહિદના જવાબની રાહ જોઈ રહ્યા હતા. બંનેની ધીરજ હવે ખૂટી રહી હતી. પણ પેલું કહેવાય છે ને કે, ધીરજના ફળ મીઠાં. પ્રેમ કપૂર અને આદિલ કુમારને પણ હવે એમણે રાખેલી ધીરજના મીઠાં ફળ મળવાના હતા.

ઘણીવાર એવું પણ બનતું હોય છે કે, આપણે આપણા મનમાં જે સવાલો રમતા હોય છે એનાથી ખૂબ જ પરેશાન થતા હોઈએ છીએ અને કુદરત અચાનક જ કોઈને મોકલીને આપણા સવાલના જવાબ મેળવવામાં મદદરૂપ થતી હોય છે અને પાછા આપણે તો એ વાતથી બિલકુલ અજાણ જ હોઈએ છીએ. આ કુદરત પણ ઘણી વખત કેવો કમાલ કરી જાય છે નહીં! પ્રેમ કપૂર અને આદિલકુમારને પણ શાહિદના રૂપમાં જાણે કોઈ દેવદૂત જ મળ્યો હતો.

પ્રેમ કપૂરના મનમાં આજે ફરીથી એક કવિતા રચાઈ.

મળ્યાં મને ફળ ધીરજના મીઠાં.
કુદરત આવી છે હવે મારી વ્હારે.
આજે હવે તો મેં દેવદૂતને દીઠાં.
કરીશ વિઘ્નોને પાર એના સહારે.
પ્રભુએ આપ્યા છે કાચા ચિઠ્ઠા.
કિંમત ચૂકવી છે હવે બહુ ભારે.

શાહિદે હવે વાતનો ઘટસ્ફોટ કરતાં કહ્યું કે, "મોહિનીના ઘર પર જેણે પથ્થરમારો કરાવ્યો હતો એ બીજું કોઈ નહિ પણ એનો સગો બાપ છે. અને એણે જ મોહિનીના ઘર પર પથ્થરમારો કરાવ્યો હતો. સાવ કેટલો હલકટ માણસ છે આ મોહિનીનો બાપ." શાહિદને પણ હવે તો મોહિનીના બાપ પર ખૂબ જ ગુસ્સો આવી રહ્યો હતો. એ આટલું બોલતાં તો ગુસ્સાથી ખૂબ જ સમસમી ગયો.

"ઓહ! આ શું બોલે છે તું શાહિદ? એવું તો કઈ રીતે શક્ય બને?"આદિલ કુમારને હજુ કંઈ સમજાઈ રહ્યું નહોતું એટલે એમણે શાહિદને પૂછ્યું.

એવામાં પ્રેમ કપૂર પણ બોલ્યા, "હા શાહિદ! આદિલકુમાર જે કંઈ પણ કહે છે એ બિલકુલ સાચું જ કહે છે. મોહિનીના બાપને કઈ રીતે મોહિનીના સરનામાંની જાણ થઈ? મોહિનીના સરનામાં વિષે એની મા અને રેશમ સિવાય બીજું કોઈ તો જાણતું પણ નથી. અને હું નથી માનતો કે, રેશમ અને મોહિનીની મા એના બાપને કોઈ પણ જાણ કરે. તો પછી મોહિનીના બાપને કઈ રીતે જાણ થાય અને એને કઈ રીતે ખબર પડે કે મોહિનીનું ઘર ક્યાં છે અને એ ક્યાં રહે છે?" પ્રેમ કપૂર પણ આદિલ કુમારના સ્વરમાં પોતાનો સ્વર ભેળવતા બોલ્યા.

ત્યાં ફરી આદિલ કુમારને એક વિચાર આવ્યો અને એણે તરત શાહિદને પૂછ્યું, "અરે પણ શાહિદ! તને કઈ રીતે જાણ થઈ કે મોહિનીના બાપે જ એના ઘર પર પથ્થરમારો કરાવ્યો હતો? તું આ વાત કઈ રીતે જાણે છે?

શાહિદે જવાબ આપતાં કહ્યું, "તમારા બધાં જ પ્રશ્નોના જવાબ હું આપું છું. જ્યારે મને ખબર પડી કે મોહિનીના ઘર પર પથ્થરમારો થયો છે ત્યારે મારો એક મિત્ર છે બાદલ. આ મારો મિત્ર બાદલ એક જાસૂસી સંસ્થામાં કામ કરે છે. આ જાસૂસ લોકોનું એ કામ જ હોય છે કે કોઈ વ્યક્તિની ગુપ્ત માહિતી ભેગી કરીને આપણા સુધી પહોંચાડવાનું. અને આ લોકો એકદમ ખાનગી રીતે કામ કરતાં હોય છે. એના ખુદના પરિવારને પણ જાણ નથી હોતી કે, એ પોતે જાસૂસ છે. એટલા માટે મેં જ એને મોહિનીના ઘર પર જે પથ્થર મારો થયો હતો એની તપાસ કરવાનું કહ્યું હતું. અને એણે જ મને આ બાતમી આપી છે. અને મને હજુ આજે જ ખબર પડી. અને જેવી મને ખબર પડી એટલે જ હું તમને લોકોને જાણ કરવા દોડતો આવ્યો છું." શાહિદે કહ્યું.

પ્રેમ કપૂર મનમાં જ વિચાર કરવા લાગ્યા કે આ માણસ તો મારા માટે બહુ જ કામનો માણસ છે અને આ જ માણસ છે કે જે મને રેશમને શોધવામાં મદદરૂપ થઈ શકે તેમ છે. તેઓ મનોમન કંઈક વિચાર કરીને બોલ્યા, "શાહિદ! શું તું મને એ માણસને મળાવી શકે છે?" પ્રેમ કપૂરે મનમાં એક આશા સાથે શાહિદ ને પૂછ્યું.

"હા, હા, કેમ નહીં? હું ચોક્કસ તમને એને મળાવી શકીશ. કહો, તમે એને ક્યારે મળવા માંગો છો?" શાહિદે પૂછ્યું.

"જેટલું બની શકે એટલું જલ્દીથી હું એને મળવા માંગુ છું." પ્રેમ કપૂરની ધીરજ હવે ખૂટી રહી હતી.

શાહિદે પોતાના મિત્ર બાદલને ફોન કર્યો અને કહ્યું, "બાદલ! પ્રેમ કપૂર તને મળવા માંગે છે. શું તું એમને મળીશ?"

"હા...હા.... બિલકુલ મળીશ. આવતી કાલે હું તને જે જગ્યાએ કહું ત્યાં તું અને પ્રેમ કપૂર બંને આવી જજો. અને તમે બંને એકલા જ આવજો. બીજા કોઈને સાથે ન લાવશો. કારણ કે, તને તો ખબર છે કે, અમે એવી રીતે કોઈને બહુ મળી શકતાં નથી. આ તો તું મારો મિત્ર છે એટલે તમને લોકોને મળીશ. હું આવતીકાલે તને કહીશ. સારું ચલ. બાય. હવે હું ફોન મુકું છું." સામે છેડેથી આટલું કહીને બાદલે ફોન મૂકી દીધો.

ફોન પત્યો એટલે શાહિદે પ્રેમ કપૂરને કહ્યું, "તમારા માટે સારા સમાચાર છે. બાદલ તમને મળવા માટે તૈયાર થઈ ગયો છે. આવતી કાલે એ જ્યાં કહે ત્યાં આપણે જવાનું છે. તમે આવતી કાલે એને મળવા માટે તૈયાર થઈ જજો."

"તારો ખૂબ ખૂબ આભાર. શાહિદ!" પ્રેમ કપૂરે શાહિદનો આભાર વ્યક્ત કરતાં કહ્યું.