પ્રેમરંગ. - 17 Dr. Pruthvi Gohel દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

પ્રેમરંગ. - 17

પ્રકરણ-૧૭

પ્રેમ કપૂર પોતાની ડાયરીમાં કવિતા લખી રહ્યા હતા ત્યાં જ પાછળથી એમની મા આવી અને એણે પ્રેમને પૂછ્યું, "શું કરી રહ્યો છે દીકરા?"

"કંઈ નહીં મા! બસ એ તો એમ જ કવિતા લખી રહ્યો હતો." પ્રેમ કપૂર બોલ્યા.

"શું વાત છે દીકરા? સાવ સાચું કહે. જ્યારથી તું આવ્યો છે ત્યારથી હું જોઈ રહી છું કે, તું બહુ ચિંતામાં છે? એવી શું વાત છે જે તને આટલું બધું પજવી રહી છે? દીકરા! હું તારી મા છું. શું મને પણ તું તારા મનની વાત નહીં કહે? મા ને પોતાના દિલની વાત કહેવાથી મન હળવું થાય છે. કે પછી આટલાં વર્ષોના વિરહ પછી હવે આપણે મળ્યા છીએ એટલે આપણો સંબંધ પહેલાં જેવો રહ્યો નથી? જો કે આમ જોઈએ તો પહેલાં પણ કયાં આપણાં સંબંધો સારા રહ્યાં હતાં? જયારે તારે મારી જરૂર હતી ત્યારે જ હું તને બિલકુલ સમય જ ન આપી શકી. હું અને તારા પપ્પા અમારા જ પ્રશ્નોમાં એટલા ગૂંચવાયેલા રહ્યા કે તારા પર ધ્યાન જ ન આપી શક્યા, અને એનું પરિણામ તો આજે હવે અમે અને તે બંને એ જોઈ જ લીધું." પ્રેમ કપૂરની મા ને આટલાં વર્ષોનો જે પસ્તાવો ભેગો થયો હતો એ આજે શબ્દોમાં વહી નીકળ્યો હતો.

કોઈ માણસને જ્યારે જીવનમાં પોતે કરેલી ભૂલોનો પસ્તાવો થાય છે ત્યારે અમુક સમયે એ શબ્દોરૂપે વહી નીકળે છે. પ્રેમ કપૂરની માતાને પણ આજે આવો જ પસ્તાવો થઈ રહ્યો હતો અને એ આજે હવે એમના મુખેથી શબ્દોના રૂપમાં વહી નીકળ્યો હતો.

"તું એવું ન બોલ. મમ્મી! તું મારી મા છે. દરેક માતાપિતા એવું જ ઈચ્છે છે કે, પોતાના સંતાનોને ઉજજવળ ભવિષ્ય મળે અને એ માટે એ પ્રયત્નો પણ કરે જ છે. તારા અને પપ્પાના પણ મારું ભવિષ્ય ઉજ્જવળ બને એ માટેનાં જ પ્રયત્નો હતાં. માત્ર દુઃખ એ વાતનું છે કે, હું તમને લોકોને સમજી ન શક્યો અને ઘર છોડીને ચાલી નીકળ્યો. મારે ખરેખર ઘર છોડવું જોઈતું નહોતું. એક દીકરા તરીકેની મારી ફરજ હતી તમારા બંનેનું ધ્યાન રાખવાની. પણ હું મારી ફરજ ચૂક્યો. મેં મારી ફરજ સારી રીતે ન બજાવી. એ માટે તું અને પપ્પા બંને મને માફ કરી દો." પ્રેમ કપૂરે પણ પોતાના વર્તન બદલ માફી માંગી.

"દીકરા. તારે અમારી માફી માંગવાની કોઈ જ જરૂર નથી. અમે તો તને ક્યારનો માફ કરી દીધો છે. પણ હવે તું મને એ કહે કે, તું શું ચિંતામાં છે? શું તું હિરોઈન મોહિનીને લઈને કોઈ ચિંતામાં છે?" પ્રેમ કપૂરની મા એ પૂછયું.

"હા મા!" પ્રેમ કપૂરે કહ્યું. દીકરાના મનની વાત એક મા કેવી રીતે સમજી જતી હોય છે નહીં! મા તો મા જ હોય છે! પ્રેમ કપૂરને વિચાર આવ્યો.

"શું વાત છે દીકરા? આજે મા પાસે પોતાનું દિલ હલકું કરી નાખ." પ્રેમ કપૂરની મા એ કહ્યું.

પ્રેમ કપૂરે એના કોલેજકાળના રેશમ સાથેના સંબંધથી લઈને મોહિનીના અકસ્માત થયા સુધીની બધી જ વાતો એની મા ને કરી. કેવી રીતે એ રેશમના પ્રેમમાં પડ્યા? કેવી રીતે એના બેરંગ જીવનમાં પ્રેમનાં રંગો પુરાયાં? કેવી રીતે એ બંને માત્ર સંવાદના અભાવને કારણે અલગ થયાં? એ બધી જ વાત એમણે પોતાની માતાને કરી. એ પછી એમણે પોતે પોતાનું ઘર છોડ્યા પછી કેવી રીતે એમની મુલાકાત આદિલ કુમાર સાથે થઈ અને કેવી રીતે એ બંને મળ્યાં? આદિલ કુમારે પ્રેમ કપૂરના પુસ્તકો વાંચ્યા હતા અને એમના પુસ્તકો વાંચીને જ એમના લખાણ પ્રત્યે આકર્ષિત થયા હતા અને આદિલ કુમારે એમને પોતાની સીરિયલના સ્ટોરી રાઈટર બનવાનો મોકો આપ્યો, અને એ દરમિયાન જ એમનો મોહિની જોડે પરિચય થયો અને બધાં સીરિયલના શૂટિંગમાં વ્યસ્ત થઈ ગયા અને પછી એક દિવસ અચાનક મોહિનીના ઘર પર પથ્થરમારો થયો અને મોહિનીની તબિયત લથડી અને શૂટિંગ બંધ થયું. અને પછી ડૉ. અનંત દ્વારા મોહિનીના હિપ્નોટીઝમના સેશન્સ! અને વારંવાર એમને મોહિનીના રૂપમાં રેશમનું દેખાવું! અને પછી મોહિની અને રેશમ બંને બહેનો હોવાની જાણ થવી! કેવી રીતે બંનેના પિતા એમનું સેક્સ ચેન્જનું ઓપરેશન કરાવવા ઈચ્છતાં હતાં અને કેવી રીતે એની મા એ એ બંનેને પોતાના ઘરેથી ભગાડવામાં મદદ કરી અને પછી એ બંને બહેનોનું એમના મામાના ઘરે જઈને રહેવું! એ બધી જ વાતો એમણે પોતાની મા ને કરી અને પછી કહ્યું, "મા! મને હજુયે મોહિની અને રેશમ વચ્ચેનો ભેદ સમજાઈ નથી રહ્યો. મોહિની શા માટે અમુક વખતે રેશમ જેવું વર્તન કરી બેસે છે? શા માટે મોહિની પર રેશમ હાવી થઈ જાય છે? અને રેશમ કયાં છે એ પણ અમે કોઈ જાણતા નથી. આશા છે કે, આગળના સેશનમાં ડૉ. અનંત એને આ પ્રશ્નો પૂછે." પ્રેમે આજે પોતાનું મન મા પાસે બિલકુલ હળવું કર્યું.

"તું ચિંતા ન કર. તને તારા સવાલોના જવાબ જરૂર મળશે. કોઈ સવાલ ક્યારેય જવાબ વિનાના હોતા નથી. પ્રેમ! તારે માત્ર થોડી ધીરજ રાખવાની જરૂર છે. અત્યારે તો હું તને એટલું જ કહીશ કે, ધીરજના ફળ હંમેશા મીઠા હોય છે." પ્રેમની મા એ કહ્યું.

આ બાજુ આદિલકુમાર પણ હવે વિચારે ચડ્યા હતાં. 'આ બધું શું બની રહ્યું છે અમારા બધાનાં જીવનમાં? મોહિનીને આ શું થઈ ગયું છે? મારી મોહિની ઠીક તો થઈ જશે ને? પ્રેમ કપૂર જે રેશમની વાત કરે છે એ મોહિનીની બહેન! પણ જો એ એની બહેન છે તો પછી એ ક્યાં છે? અને એ શા માટે વારંવાર મોહિની પર હાવી થઈ જાય છે? શું છે એનું રહસ્ય? હા! મારે રેશમની શોધ કરવી જ જોઈએ.'

પ્રેમ કપૂર અને આદિલકુમાર બંનેના મનમાં અત્યારે એક જ પ્રકારના વિચારો ચાલી રહ્યા હતા અને એ હતી રેશમની શોધ!