પ્રેમરંગ. - 14 Dr. Pruthvi Gohel દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

પ્રેમરંગ. - 14

પ્રકરણ-૧૪

ડૉ. અનંતે આજનું સેશન અહીં જ પૂરું કર્યું અને બહાર આવ્યા. ડૉ. અનંતે બહાર આવીને કહ્યું, "હવે બાકીનું સેશન આપણે આવતીકાલે લઈશું. હવે મોહિનીને વધુ કષ્ટ આપવું યોગ્ય નથી. હવે તમે બધાં શાંતિથી ઘરે જાવ."

"રેશમ!" મોહિનીના મુખેથી આ નામ સાંભળતા જ બહાર વિડીયો રેકોર્ડિંગ જોઈ રહેલા પ્રેમ કપૂરના કાન સરવા થઈ ગયા હતા. એમની સ્થિતિ તો કાપો તો લોહી ન નીકળે એવી થઈ ગઈ હતી. એમણે મોહિનીના મુખેથી જે કાંઈ પણ સાંભળ્યું એ સાંભળીને એ ખૂબ જ ગુસ્સાથી લાલ પીળા થઈ ગયા હતા. એમનું બસ ચાલે તો એ અત્યારે ને અત્યારે જ મોહિનીના પિતાનું ખૂન કરી નાખે એટલો ગુસ્સો એમની અંદર ભર્યો હતો.

પ્રેમ કપૂર ગુસ્સામાં બોલ્યા, "મારી રેશમનો બાપ એની જોડે આવી ખરાબ હરકત કઈ રીતે કરી શકે? કોઈ પિતા આવા કઈ રીતે હોઈ શકે?!! હું એને છોડીશ નહીં. એ જ્યાં હશે ત્યાંથી એને શોધી કાઢીશ અને એને તો હું હવે જીવતો નહીં છોડું. અને એને શોધવામાં હું આકાશ પાતાળ એક કરી નાખીશ. સાલો નાલાયક! હું એને જીવતો નહીં છોડું. બાપના નામ પર કલંક છે આ માણસ!" એટલું બોલતાં તો એ ગુસ્સાથી લાલચોળ થઈ ઉઠ્યા.

એમના મુખ પર ગુસ્સાની જે લાલિમા છવાઈ ગઈ હતી એ જોઈને ડૉ. અનંત અને આદિલકુમાર બંનેને થોડો ડર તો લાગ્યો પણ ડૉ. અનંતે એમને સમજાવતાં કહ્યું, "જુઓ, પ્રેમ કપૂર! તમે શાંત થઈ જાઓ. અત્યારે તમે ખૂબ જ ગુસ્સામાં છો. ગુસ્સામાં લીધેલો કોઈ પણ નિર્ણય ભવિષ્યમાં નુકશાનકારક પણ નીવડી શકે છે એટલે જે કંઈ પણ કરવું હોય એ શાંત ચિત્તે સમજી વિચારીને કરજો. અને બીજી પણ એક વાત. હજુ આપણે એ પણ નથી જાણતાં કે રેશમ ક્યાં છે? એ માટે આપણે બધાએ આવતીકાલની રાહ જોવી પડશે. આવતીકાલના સેશનમાં મોહિની હવે આપણને બધાંને રેશમ વિષે જણાવે એ માટેનો હું પૂરતો પ્રયત્ન કરીશ."

"હા, ડૉ. અનંત બિલકુલ બરાબર કહે છે. આપણે પૂરી વાત જાણ્યા વિના કોઈ પણ પ્રકારનો નિર્ણય ન લેવો જોઈએ. આપણે આખી વાતની તપાસ કરવી જોઈએ અને બધી તપાસ કર્યા પછી જ કોઈપણ નિર્ણય લેવો જોઈએ. કોઈ પણ નિર્ણય લેવામાં આપણે કોઈ જ પ્રકારની ઉતાવળ ન કરવી જોઈએ. કારણ કે, ઉતાવળમાં લીધેલા નિર્ણયો આપણને મુસીબતમાંથી ઉગારવાને બદલે ઘણીવાર વધુ મોટી મુશ્કેલીમાં પણ મૂકી શકે છે. માટે આપણે અત્યારે ઉતાવળમાં કોઈ પણ પગલું ભરવું યોગ્ય નથી." આદિલ કુમાર બોલ્યા.

"હા, કદાચ તમે ઠીક કહો છો." પ્રેમ કપૂરને પણ આદિલ કુમારની વાત યોગ્ય લાગી. એ હવે થોડા શાંત થયા. પણ એમનું મન તો હજુ પણ અશાંતિ જ અનુભવી રહ્યું હતું.

બધા હવે પોતાના ઘરે આવી પહોંચ્યા હતા. આ બાજુ પ્રેમ કપૂર વિચારી રહ્યા હતા, 'રેશમ! અરે ઓ રેશમ! તે આ બધું કઈ રીતે સહન કર્યું હશે? હવે મને સમજાયું કે, કોલેજમાં જ્યારે હું તને તારા પરિવાર વિષે પૂછતો ત્યારે તું મૌન કેમ સાધી લેતી હતી?! એક બાજુ તું કે, જે આટલું બધું દુઃખ સહન કરી રહી હતી અને બીજી બાજુ હું પ્રેમ! મને હંમેશા મારા મા બાપ સમય નથી આપી શકતા એનું દુઃખ હતું પણ તું??!! તારી પરિસ્થિતિ તો મારા કરતાં પણ ખૂબ જ બદતર હતી. અને હું તારી આ પરેશાનીને તારી આંખોમાં છુપાયેલા આ દર્દને હું જોઈ પણ ન શકયો? કેવો પ્રેમી છું હું? અને હું મારી જાતને બહુ દુઃખી માનતો હતો, પણ હવે આજે મને એહસાસ થયો કે ખરેખર દુઃખી તો તું હતી. મારું દુઃખ તો દુઃખ હતું જ નહીં. માત્ર મારી દ્રષ્ટિએ એ દુઃખ હતું. મારા માતા પિતા તો માત્ર મને સમય જ નહોતા આપી શકતાં અને માત્ર આ જ કારણથી મેં ગુસ્સામાં એમનું ઘર છોડી દીધું. મેં એમની જોડે આ બરાબર ન કર્યું. મારે આ નહોતું કરવું જોઈતું. મારે એમની માફી માંગવી જોઈએ. હા, હું એમની માફી માંગીશ.

જ્યારે આપણાં કરતાં બીજાની ખરાબ પરિસ્થિતિ જોઈએ છીએ ત્યારે જ આપણને સમજ આવે છે કે, આપણે તો નાહકના દુઃખી થઈએ છીએ.આપણાં કરતાં પણ દુઃખી લોકો સમાજમાં છે એવો જ્યારે આપણને એહસાસ થાય છે ત્યારે આપણા મનને પણ એક આશ્વાસન જરૂર મળે છે અને સાથે સાથે એ મુશ્કેલીઓ સામનો કરવાની હિંમત પણ મળે છે કદાચ! પ્રેમ કપૂર હવે પોતાની વિચારતંદ્રામાંથી બહાર આવ્યા.

એમણે પોતાનો મોબાઈલ કાઢયો અને પોતાની મા નો નંબર ડાયલ કર્યો. સામે છેડેથી અવાજ આવ્યો, "હેલ્લો!"

"હેલ્લો મા!" પ્રેમ કપૂર બોલ્યા.

"પ્રેમ! બેટા. તું? તું? ઠીક તો છે ને?" પ્રેમ કપૂરની મા એ પુછ્યું.

"હા, મા. હું બિલકુલ ઠીક છું. મા! મને માફ કરી દે. હું તને અને પપ્પાને કદાચ સમજી ન શક્યો. મારે આવી રીતે ઘર છોડીને નહોતું આવવું જોઈતું. મારે સમજવું જોઈતું હતું કે, તમે લોકો મને સમય નથી આપી શકતા તો એનું કોઈ કારણ હતું. મારે તમારા બંનેના એ કારણોને સજવા જોઈતા હતા મા! પણ હું તો ઘર છોડીને ચાલી આવ્યો. મારે એમ નહોતું કરવું જોઈતું હતું. મને માફ કરી દે મા! તું અને પપ્પા મને માફ કરશોને?"

"હા, બેટા! અમે બંને એ તો તને ક્યારનો માફ કરી દીધો છે દીકરા! તું બસ ઘરે આવી જા. આપણે શાંતિથી વાતો કરીશું. તું બસ ઘરે આવી જા. તું ઘરે છોડીને ગયો એના માટે અમે પણ કદાચ એટલાં જ જવાબદાર છીએ જેટલો તું છે. તારે ઘર છોડવાની નોબત એટલા માટે આવી ને કારણ કે, અમે તને સમય નહોતા આપી શકતા. અમારે પણ તારા મનની વાત સમજવી જોઈતી હતી. તું બસ ઘરે આવી જા." પ્રેમ કપૂરની મા એ પોતાના મનમાં જે કંઈ હતું એ બધું જ કહી દીધું.

બીજા દિવસે પ્રેમ કપૂર પોતાના માતાપિતાને મળવા માટે ઘરે ગયા.