શ્રી જલારામ બાપા મહેશ ઠાકર દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

શ્રી જલારામ બાપા

રાજકોટથી લગભગ 52 કિ.મી દૂર આવેલું વીરપુર આમ તો નાનકડું ગામ જેવું ગામ છે પરંતુ તે આખી દુનિયામાં પ્રખ્યાત છે. વીરપુરની ખ્યાતિનું કારણ છે તેમાં આવેલું સુપ્રસિદ્ધ જલારામ મંદિર. દર વર્ષે લાખો ભક્તો અહીં જલારામ બાપાના દર્શન કરવા આવે છે. જલારામ બાપાના મંદિર અને જલારામ બાપાના જીવન વિષેની એવી કેટલીક વાતો છે જે તેમના ભક્તોને પણ ખ્યાલ નહિ હોય.હવે
શ્રીરામના ભક્ત હતા જલારામ બાપાઃ

જલારામ બાપાનો જન્મ 4 નવેમ્બર 1856ના રોજ વીરપુરમાં જ દિવાળીના એક અઠવાડિયા બાદ થયો હતો. જલાલરામ બાપા પોતે ભગવાન શ્રીરામના પરમ ભક્ત હતા અને તેમણે પોતાનું આખું જીવન લોકોની સેવામાં વીતાવી દીધું હતું. તેમનો જન્મ લોહાણા કુળમાં થયો હતો અને તેમના પિતાનું નામ પ્રધાન ઠક્કર અને માતાનું નામ રાજબાઈ ઠક્કર હતું. જલારામ બાપાને પહેલીથી જ સંસારી જીવન જીવવામાં રસ નહતો. નાનપણથી ભગવાન રામની ભક્તિ કરતા જલારામ બાપા યાત્રાળુઓ, સાધુ અને સંતોની સેવામાં વ્યસ્ત રહેતા. તેમણે પોતાની જાતને પિતાના ધંધાથી અળગી કરી દેતા તેમના કાકા વાલજીભાઈએ જલારામ બાપા અને તેમની પત્ની વીરબાઈને તેમના ઘરમાં રહેવા સ્થાન આપ્યું હતું.

નાનપણથી જ સંસારમાં આસક્તિ ઓછી હતીઃ

જલારામ બાપાના લગ્ન 16 જ વર્ષની વયે વીરબાઈ સાથે થઈ ગયા હતા. 18 વર્ષની ઉંમરે હિન્દુઓના પવિત્ર યાત્રા સ્થળોની મુલાકાત લીધા બાદ બાપા ભોજા ભગતના શિષ્ય બની ગયા હતા. ભગતે બાપાને શિષ્ય તરીકે સ્વીકાર્યા અને તેમને ગુરુ મંત્ર અને જાપ માળા પણ આપ્યા. ગુરુના આશીર્વાદથી બાપાએ સદાવ્રત કેન્દ્ર શરૂ કર્યું જ્યાં કોઈપણ સાધુ, સંત અને જરૂરિયાતમંદ કોઈપણ સમયે આવીને ભોજન ગ્રહણ કરી શકતા હતા. આજે પણ વીરપુરના જલારામ મંદિરે શ્રદ્ધાળુઓને સાવ મફતમાં ભોજન કરાવવાની પરંપરા ચાલુ રાખવામાં આવી છે.

આ કારણે ક્યારેય નથી ખૂટતુ અનાજઃ

એક દિવસ જલારામ બાપાને એક સાધુએ રામજીની પ્રતિમા આપી અને કહ્યું કે હનુમાનજી થોડા દિવસમાં તેમની મુલાકાત લેશે. જલારામ બાપાએ રામજીની પ્રતિમાને પોતાના ઘરમાં સ્થાપિત કરી અને થોડા જ દિવસમાં જમીનમાંથી હનુમાનજી પ્રગટ થયા. તેમની સાથે સીતામાતા અને લક્ષ્મણની મૂર્તિ પણ પ્રગટ થઈ. એવું મનાય છે કે જલારામ બાપાના ઘરે અનાજ મૂકવાના સ્થાન પર થટેલા આ ચમત્કારને કારણે આ અનાજ ક્યારેય પૂરા જ નથી થતા. તે અક્ષયપાત્ર બની ગયું છે. આ ચમત્કાર પછી ગામના બીજા અનેક લોકો જલારામ બાપા સાથે લોકોની સેવાના કામમાં જોડાયા.
મળ્યા સાધુ સંતોના આશીર્વાદઃ

વાયકા મુજબ ગુણાતીતાનંદ સ્વામી એકવાર જૂનાગઢથી આવતા વીરપુર રોકાયા. જલારામ બાપાએ તેમની એટલી સરસ સેવા કરી કે તેમનાથી પ્રસન્ન થઈને સ્વામીએ આશીર્વાદ આપ્યા કે તેમની ખ્યાતી દેશ વિદેશમાં ફેલાશે અને વીરપુર એક મોટું તીર્થસ્થળ બની રહેશે. જલારામ બાપાની પ્રસિદ્ધિ ઈશ્વરના અવતાર તરીકે પ્રસરવા માંડી. વીરપુર આવનાર દરેક વ્યક્તિને તેની જાતિ, ધર્મ પૂછ્યા વિના જલારામ બાપા ભોજન કરાવતા. આજની તારીખે વીરપુરમાં આ પ્રથા ચાલુ છે.

આ રીતે મળ્યું નામ ‘બાપા’:

એક સમયે હરજી નામના દરજીને પેટમાં સખત દુઃખાવો ઉપડ્યો અને તે જલારામ બાપા પાસે મદદ માંગવા ગયો. બાપાએ ભગવાનને પ્રાર્થના કરી અને હરજીનું દુઃખ દૂર થઈ ગયું. તે બાપાના પગે પડી ગયો અને તેમણે પહેલી વાર તેમનું સંબંધોન ‘જલારામ બાપા’ તરીકે કર્યું. ત્યાર પછી લોકો પોતાના રોગ અને દુઃખ દૂર કરવા માટે જલારામ બાપા પાસે આવવા માંડ્યા. બાપા રામ નામ લઈ તેમના માટે પ્રાર્થના કરતા અને ચમત્કાર થતા. હિન્દુ અને મુસ્લિમ બંને જલારામ બાપાના શિષ્ય બન્યા. આજે પણ શ્રદ્ધાપૂર્વક જલારામ બાપાનું ધ્યાન ધરનારા ભક્તોને તેમના પરચા મળે છે.
દંડ અને ઝોળીનું રહસ્યઃ

એવી વાયકા છે કે એક વખત ભગવાન વૃદ્ધ સંતના રૂપે જલારામ બાપાને મળ્યા અને તેમને વીરબાઈને તેમની સેવા માટે મોકલવા કહ્યું. જલારામ બાપાએ પત્નીની મંજૂરી મેળવી તેમને સાધુ સાથે જવા કહ્યું. થોડું ચાલ્યા બાદ સંતે વીરબાઈને તેમની રાહ જોવા કહ્યું. તેમણે ઘણીવાર રાહ જોઈ પણ સંત ન દેખાયા. એની જગ્યાએ આકાશવાણી થઈ કે તે તેમની મહેમાનગતિની કસોટી હતી. સંતે અદૃશ્ય થતા પહેલા એક દંડ અને ઝોળી વીરબાઈને આપ્યા. વીરબાઈએ જલારામ બાપાને આખી વાત કરી અને દંડ તથા ઝોળી આપી. આજે પણ વીરપુરના જલારામ મંદિરમાં તે ડિસ્પ્લેમાં રાખવામાં આવી છે.

મંદિરનું મહાત્મ્યઃ

અત્યારે વીરપુરમાં જ્યાં મંદિર છે તે એક સમયે જલારામ બાપાના કામનું સ્થળ હતું. આ ખરેખર તો એક ઘર છે જેમાં જલારામ બાપા તેમના જીવનકાળ દરમિયાન રહ્યા હતા. આ ઘરમાં જલારામ બાપાની ચીજોનો સંગ્રહ છે સાથે જ રામ, સીતા, લક્ષ્મણ અને હનુમાનજીની પ્રતિમા છે. વાયકા મુજબ ભગવાન દ્વારા અપાયેલા ઝોલી અને દંડ પણ ડિસ્પ્લેમાં મૂકાયા છે. આ મંદિરનું મુખ્ય આકર્ષણ જલારામ બાપાનો બ્લેક એન્ડ વ્હાઈટ ફઓટો છે જે તેમના મૃત્યુના એક વર્ષ પહેલા લેવામાં આવ્યો હતો. વર્ષ 2000થી આ મંદિરે ડોનેશન સ્વીકારવાનું પણ બંધ કરી દીધુ છે છતાંય અહીં રોજ હજારો શ્રદ્ધાળુઓને મફત પ્રસાદનું વિતરણ થાય છે. પ્રસાદમાં સવારે ગાંઠિયા બુંદી અને શાક તથા સાંજે ખીચડી-કઢી અને દેસી ઘી આપવામાં આવે છે.