Remya - 9 books and stories free download online pdf in Gujarati

રેમ્યા - 9 - ગઠબંધન

રૈમ્યાને નવું સરનામું મળ્યું જાણે એક નવું જીવન મળી ગયું, મયુર અને મૈત્રીના જીવનમાં નવા રંગો ભરાઈ ગયા, રૈમ્યાએ એમના જીવનમાં સંગીતના સુર રેલયા, પરિવાહિક અનુકુળતાઓ સાથે સૌએ એમનાં લગ્નની વાત આગળ વધારી.

બધા એકબીજાથી પરિચિત હોવાથી અને લોકડાઉનની અગવડતામાં એમને બહુ વિધિ વિધાનને ધ્યાનમાં ના રાખતા દિલની અનુકૂળતાએ કોર્ટમરેજ માટે બંને બાળકોને સૂચવ્યું. આવે વખતે ખોટી ધમાલ કર્યા વગર શાંતિથી જીવનને ખુશાલીપૂર્વક વહેવવા મંજુર રાખ્યું.

નિરજભાઈએ કેલેન્ડરમાં સારા મુર્હુત જોયા, એમને કોઈ સારા મુર્હુત નજરે ના ચડયા.એ થોડા અવઢવમાં હતા, એટલે રેખાબેનને બૂમ પાડીને, "સાંભળો છો? આ જુઓને આ વૈશાખ માસમાં કઈ તારીખના મુરત સારા છે? મારા માટે તો અખાત્રીજ બેસ્ટ છે!"

" હા, સાચી વાત! એ તો સારામાં સારો દિવસ છે, પણ આપણે થોડી મુરત નક્કી કરવાનું છે? પ્રેમલતાબેન અને આલેખાભાઈને વિચારવા દો ને! એમની અનુકૂળતા પણ જોવી પડે ને!"

" હા તમે સાચા પણ મને તો રૈમ્યાને અહીં લાવવાની બહુ ઉતાવળ આવી ગઈ છે!"

" હા હવે રહેવા દો, બાળકોને પણ પૂછવું પડેને? એમને પણ નોકરીની અનુકૂળતા અને લગ્નની તૈયારી કરવી હોય કે નહીં?!"

" જેમ તમે કહો તેમ સાહેબા! સાંજે બંધ મળીને નક્કી કરીએ , મૈત્રી બેટાને પણ પૂછીશ કે એને ફાવશે નહિ?"

" હા ભલે!"


આવી કૈક વાત ચાલી રહી હતી ત્યાં મયુર આવ્યો," શું વાત ચાલે છે? મને પણ કહો ને!"

રેખાબેન એ તેની મશ્કરી કરતા, " તને શું કહેવાનું? તું અમને થોડી કહે છે કે તું મૈત્રી જોડે શું વાત કરે છે મોડી રાત સુધી?"

"શું મમ્મી તું પણ! " -એ જરા શરમાયો.

" મને ખબર છે તમે બે હવે રૈમ્યાને નામે પ્રેમપ્રકરણ રાચો છો. બાપડી મારી રેમ્યા તો ક્યારની દસ વાગ્યાની સુઈ જાય છે!" રેખાબેન એ મીઠો ઠપકો આપ્યો.

" તારે જેમ રાખવું હોય એમ રાખ જા !" -મયુર જવાબ ટાળીને ત્યાંથી જતો રહ્યો. રેખાબેન અને નીરજભાઈ હસવા મંડ્યા.

મયુર હવે રેમ્યા અને મૈત્રી વગર નહોતો રહી શકતો, એની દરેક વાતમાં રેમ્યા તો હોય જ પણ હવે તો મૈત્રીએ પણ સ્થાન લઇ લીધું, આ જોઈને વડીલો ખુશ થતા, એમને એમના જોયેલા સપનાઓ સાકાર થતા લાગ્યા.

સાંજે મૈત્રી ઘરે આવી, સૌ પરવારીને મયુરના ઘરે આવ્યા, વડીલો બેઠા અને લગ્નના મુરત માટે વાતો કરતા હતા બધાને અખાત્રીજનું મુરત યોગ્ય લાગતું હતું, એમને બન્નેને બોલાવીને અખાત્રીજ ફાવશે કે નહિ એ માટે પૂછ્યું.

મયુરને તો ફાવે એમ હતું પણ મૈત્રીને એની ડ્યૂટી માટે થઈને આગળથી પરમિશન લેવાની હતી એટલે એને થોડી આનાકાની કરી પણ કાલ સાંજ સુધીમાં એને ફાઇનલ જવાબ આપવાની બાહેંધરી આપી. રૈમ્યાને બધાએ કાલીઘેલી ભાષામાં પૂછ્યું, " લગનમાં જવાનું છે તારે?"

લગન શું છે એ કઈ ખબર નહોતી છતાં એને હકારમાં માથું ધુણાવ્યું.મયુર અને મૈત્રીની આંખ એક થઇ અને એમને પણ ઈશારામાં હકાર ભર્યો.

બીજા દિવસે મૈત્રીએ એના ઓફિશિયલ પરમિશન લઈને બધાને અખાત્રીજનું ફાઇનલ કરાવ્યું, અખાત્રીજ!!!! એમાં તો હવે અગિયાર દિવસ જ બાકી હતા!

એટલા દિવસમાં ક્યાંથી તૈયારી થશે? બીજું તો કઈ નહિ પણ થોડી ઘણી તો કરવી રહી ને! જોરોસોરોમાં તૈયારીઓ મંડી દીધી એ પણ લોકડાઉનમાં! લોકડાઉન થોડું હળવું થયું હતું એટલે બીતા બીતા શોપિંગ તો કરી અને લગ્નનો મંડપ રોપાયો, માત્ર ઘર ઘરના માણસોની સાક્ષીએ એમને પ્રભુતાના પગલાં ભર્યા.

લગ્નમાં કન્યા પધરાવો સાવધાન! એ વાક્ય સાથે મૈત્રી મંડપમાં આવી, એ જોવા મયુરની આંખો તરસી રહી! આગળ જોયેલા સપના એના સાચા થયા, મૈત્રી સાથે રેમ્યા પણ એની ચૂંદડી પકડીને આવી, એ જોઈને સૌ હસવા લાગ્યા, મયુરની આખોમાં એના માટે પ્રેમ ઉભરાઈ ગયો, એને મંડપમાં આવતાની સાથે રૈમ્યાને ઉંચકી લીધી, એને બચીઓ કરવા મંડ્યો!

એ જોઈને પ્રેમલતાબેન બોલ્યા, " મેં મારી જિંદગીમાં પહેલી વાર જોયું છે કે દીકરી એની માનું કન્યાદાન કરે છે!"

" હા સાચી વાત પ્રેમલતાબેન! અમને એકસાથે બે ગૃહલક્ષ્મી મળી છે! અમે ધન્ય થઇ ગયા કે રેમ્યા અને મૈત્રી અમારું આંગણું શોભાવશે!"

" હા પણ અમારું આંગણું સૂનું ને! " - દીકરી વિદાય કરવાની એટલે પ્રેમલતાબેનનું મન જરા ભારે થઇ ગયું.

" શેનું સૂનું? અમેતો રોજ તમારા ઘરે ધામા નાખવાના જ છીએ, પછી કહેતા કે નહિ કે આ વેવાઈ રોજ આવી ચડી છે!" -નીરજ ભાઈએ એ વાતાવરણ હળવું કરવાનો પ્રયાસ કર્યો.

" હા આવજોને તમતમારે! પ્રેમલતા તું અડધી રાતે પણ ચા બનાવની તૈયારી રાખજે ખાલી! અમે બે વેવાઈ રોજ ગોષ્ઠિ કરીશુંને!" - આલેખભાઈએ સુર પૂર્યો.

મૈત્રી અને મયુર ખુબ ખુશ થઇ ગયા, એક નાનકડી રૈમ્યાએ સૌને કેવા ગઠબંધમાં બાંધી દીધા! આજે રેમ્યાએ મયુર અને મૈત્રીનું સાચે ગઠબંધન કર્યું.

રેમ્યા એક કડી - એની મુસ્કાન સાથે લાલ પરી ફ્રોકમાં એના પિતાના ખોળામાં એ જ ઘડીએ પાંગરવા માંડી!

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED