શ્લોક ઉઠીને સીધો જ પદ્મિનીને શોધવા લાગ્યો.તે આખો આશ્રમ ફરી વળ્યો પરંતુ તેને ક્યાંય પણ પદ્મિની દેખાઈ નહીં. તેણે મેઘાને પણ પૂછ્યું પરંતુ મેઘાએ પણ આજે સવારથી તેને જોઇ નહોતી.તેથી શ્લોકે શારદાદેવીને પૂછવાનું વિચાર્યું પણ તેઓ પોતાના કાર્યમાં વ્યસ્ત રહ્યાં તેથી સાંજ સુધી તે શારદાદેવીને પણ પદ્મિની વિશે કંઇ પૂછી ન શક્યો.શારદાદેવીનું કાર્ય પૂરું થયું ત્યાર બાદ શ્લોકને બધી સ્ત્રીઓને સુરક્ષિત નગરમાં પહોંચાડવા જવું પડ્યું. માટે સવારનો અધીરો બનેલો શ્લોક નગરમાંથી આવીને સીધો શારદાદેવી પાસે ગયો.
“માતા, તમે પદ્મિનીને જોઈ?હું આજ સવારનો તેને શોધું છું પણ એ મને ક્યાંય ન દેખાણી.”શ્લોકે પૂછ્યું.
શારદાદેવીએ શ્લોકને પોતાની પાસે બેસાડ્યો અને પદ્મિની અને તેઓની વચ્ચે આજે સવારે જે ચર્ચા થઈ તે જણાવી.
“માતા, આ તમે શું કહી રહ્યાં છો?એ ચાલી ગઈ?ના એ આવી રીતે ન જઈ શકે.”શ્લોકે લાગણીભીના અવાજે કહ્યું.
“પુત્ર, એ આજે વહેલી સવારે જ અહીંથી જઇ ચુકી છે.”
“પણ કેમ?તે મને મળ્યાં વગર કેમ જતી રહી?શું તેણે એક વાર પણ મને મળવાનું જરૂરી ન સમજ્યું?”શ્લોકે પોતાની માતાને ફરિયાદ કરતાં પૂછ્યું.
“પુત્ર, મારી વાત સાંભળ.”
“માતા,એણે કહ્યું હતું ને કે એ પોતાનું હૃદય કોઈકને આપી ચુકી છે.તો કોણ છે એનાં હૃદયમાં?”એટલું કહી શ્લોક પદ્મિનીની કુટીર તરફ દોડ્યો.
“પુત્ર”.
શારદાદેવી પણ શ્લોકની પાછળ-પાછળ પદ્મિનીની કુટિર તરફ ગયાં. શ્લોકે કુટિરમાં બધી તરફ જોઈ લીધું પરંતુ તેને પદ્મિની ક્યાંય પણ દેખાણી નહીં.તેથી તે હૃદયથી ભાંગીને નીચે બેસી ગયો. શારદાદેવી તેની પાસે ગયાં અને તેનાં ચહેરો વત્સલ્યથી પોતાની હથેળીમાં લીધો.
“શ્લોક, પુત્ર શાંત થઇ જા.”
“માતા એ મારા કારણે આ આશ્રમ છોડીને ચાલી ગઈ. કાશ મેં એને મારા હૃદયની વાત જ ન કહી હોત તો કદાચિત એ અહીં જ હોત, મારી સામે.”
“પુત્ર, મેં તને જણાવ્યું ને કે તારા કારણે આશ્રમ છોડીને નથી ગઈ.”
“જે પણ કારણ હોય પરંતુ એ અહીંથી ચાલી તો ગઈ ને.”શ્લોકે ઉદાસ થઈને કહ્યું અને પોતાની માતાને વળગી પડ્યો.
પોતાનાં પુત્રનું દુઃખ જોઈને શારદાદેવીની આંખોમાંથી આંસુ સરી પડ્યાં. એ જ વખતે બહાર ઉભેલી મેઘાની આંખોમાંથી પણ આ બધું સાંભળીને આંસુ વહેંવા લાગ્યાં.
મેરે હાથોમેં ના તેરી લકીરે,
હૈ બહુત અલગસી અપની તકદીરે.
...
સાંદિપની આશ્રમ
સૂર્યાસ્ત થવાં આવ્યો હતો.ગુરુ સંદીપનાં બધાં શિષ્યો પોત-પોતાનું કામ કરી રહ્યાં હતાં.ગુરુ સંદીપ પોતાનાં ધનુષમાં પ્રત્યંચા બાંધી રહ્યાં હતાં. તેમનાં પત્ની અનુપમાં ત્યાં આવ્યાં અને કહ્યું,
“આર્ય, તમારાં માટે આ પત્ર આવ્યો હતો. હું તમને દેતાં ભૂલી ગઇ.”
ગુરુ સંદીપે તેમનાં હાથમાંથી પત્ર લઈને વાંચ્યો અને નિસાસો નાંખ્યો.
“મિત્ર તપન, તું બહુ ભાગ્યશાળી છો.”ગુરુ સંદીપે કહ્યું અને તે પત્ર ત્યાં જ જમીન પર જ છોડી દીધો.
“આર્ય, શું થયું?કંઈ ચિંતાનો વિષય છે?”અનુપમાંએ પૂછ્યું.
“નહીં. એવું કંઈ જ નથી.ચાલો આપણે ભોજન કરી લઈએ.”
તેઓનાં ગયાં બાદ અર્જુન ત્યાં આવ્યો અને જમીન પર પડેલો પત્ર લઈને વાંચ્યો.તે જેમ-જેમ પત્ર વાંચતો ગયો તેમ-તેમ તેનાં મોં પર ચમક આવતી ગઈ.તેણે પત્ર પોતાની પાસે સાચવીને રાખ્યો અને કહ્યું,
“ગુરુજી, હું તમારી મહેચ્છા, તમારી કીર્તિસ્પૃહા જરૂર પૂર્ણ કરીશ.”
…
અર્જુન, દુષ્યંત, યુયૂત્સુ અને વિસ્મય આશ્રમની ફરતે તેની સુરક્ષા-વ્યવસ્થા તપાસી રહ્યાં હતાં.દુષ્યંત સૌથી આગળ ચાલી રહ્યો હતો.આજે તેનાં મુખ પર સ્પષ્ટ ઉચાટ વર્તાઈ રહ્યો હતો. આર્યા અને દુષ્યંત બંનેમાંથી કોઈએ પણ એકબીજા પ્રત્યેની લાગણીઓનો એકરાર કર્યો નહતો છતાં પણ હંમેશા પ્રસન્ન રહેતો આર્યાનાં ચહેરા ઉપર થોડાં સમયથી જે ઉદાસીનતા દેખાતી હતી એ વાતને લઈને દુષ્યંતને ચિંતા થઈ રહી હતી.
“જ્યેષ્ઠ ભ્રાતા, શું થયું?આજે તમે ચિંતિત કેમ દેખાવ છો?”અર્જુને પૂછ્યું.
“નહીં અર્જુન,થોડો થાકનો અનુભવ થઈ રહ્યો છે. કદાચિત એટલે તને એવું લાગી રહ્યું હશે.”દુષ્યંતે સત્ય છુપાવતાં કહ્યું.
“જ્યેષ્ઠ, તો આપણે થોડાં સમય માટે આરામ કરી લઈ.”યુયૂત્સુએ કહ્યું.
“હા જ્યેષ્ઠ, આજે આપણે બહું ચાલ્યાં છીએ. મને પણ થાક લાગ્યો છે.”વિસ્મયે કહ્યું.
“ઠીક છે.”દુષ્યંતે સહમતી આપીને કહ્યું.
…
સાંદિપની આશ્રમમાં બધાએ રાત્રીનું ભોજન લઈ લીધું હતું.લક્ષ અને નક્ષ પાકશાળાની બહાર નીકળી રહ્યાં હતાં ત્યાં જ તેઓનું ધ્યાન આર્યા પર પડ્યું.આર્યા ભોજનની થાળીઓ તૈયાર કરી રહી હતી.
“આર્યા, ભોજન તો બધાએ કરી લીધું છે તો પછી આ થાળીઓમાં તું કોનાં માટે ભોજન પીરસી રહી છો.”લક્ષે પૂછ્યું.
“રાજકુમાર લક્ષ, તમારાં ભાઈઓ હજું સુધી નથી આવ્યાં તો તેમનાં માટે ભોજનની થાળીઓ તૈયાર કરી રહી છું.”
“ઠીક છે.”
લક્ષ અને નક્ષ પોતાની કુટિરમાં આવ્યાં. લક્ષે કંઇક વિચાર્યું અને બોલ્યો,
“નક્ષ, આપડે જે મોકાની રાહ શોધી રહ્યાં હતાં એ મોકો આપણને મળી ગયો છે.”
નક્ષે લક્ષની સામે પ્રશ્નાર્થ નજરે જોયું.નક્ષે પોતાના થેલામાંથી એક ઔષધિ લીધી અને કહ્યું,
“ચાલ મારી સાથે.”
તેઓ પાકશાળા તરફ ગયાં. નક્ષે ચારે તરફ નિરીક્ષણ કરી લીધું.આજુબાજુ કોઈ ન દેખાતાં તેઓ અંદર ગયાં. ત્યાં જઈને પોતાનાં ભાઈઓનાં ભોજનની થાળીમાં પોતાનાં હાથમાં રહેલી ઔષધિ ભેળવી દીધી.
“જ્યેષ્ઠ, આ શું છે.”નક્ષે પૂછ્યું.
“આ નિદ્રા આવવાં માટેની ઔષધિ છે.તેઓ આ ખાશે એટલે કાલે સવારે વહેલાં નહીં ઉઠી શકે અને આપણાં શિસ્તપ્રિય ગુરુજી એ વાત જાણીને અવશ્ય તેઓને દંડ આપશે.”લક્ષે હસીને કહ્યું.
“પરંતુ જ્યેષ્ઠ, વિસ્મય?”
“નક્ષ, મને પણ એની ચિંતા છે. પરંતુ એક વાર એને દંડ મળશે એટલે એ જરૂર વિરાટપુત્રોને છોડી આપણી સાથે આવતો રહેશે.”
થોડાં સમય બાદ લક્ષની યોજનાથી અજાણ દુષ્યંત, યુયૂત્સુ, અર્જુન અને વિસ્મય આવ્યાં અને ભોજન કરીને સુઈ ગયાં.