The grapes are sour books and stories free download online pdf in Gujarati

દ્રાક્ષ ખાટી છે

શિયાળાની સવાર હતી. કુણો તડકો પડી રહ્યો હતો. નાના ભૂલકાઓ સ્વેટર - જર્સી પહેરીને શાળાએ જવા નીકળી પડ્યા હતા. ગામના વડીલો કે જે સૌથી પહેલા જાગી જતા હોય, તેઓ ગામના ચોરે બેઠા બેઠા 'ખૂબ અગત્યની ચર્ચાઓ' કરી રહ્યા હતા.તો ક્યાંક સુંદર પનિહારીઓ પાણી ભરવા જઇ રહી હતી, એમના વૃંદમાંથી કાબરોના કલબલાટ જેવો મધુર અવાજ આવી રહ્યો હતો.એક પશુ પાલક એના માલઢોરને ચારવા માટે લાઇ જઇ રહ્યો હતો.એ ગાય ભેંસના 'ભાંભરવાનો અવાજ' પણ આ સુંદર સવારના સૌંદર્યમાં થોડે ઘણે અંશે વધારો કરી રહ્યો હતો.ગામના ચોરાની બરોબર સામે જ શાક માર્કેટ હતી.ગૃહિણીઓ બની શકે એટલા ઓછા ભાવમાં સારું અને વધારે શાકભાજી ખરીદવાના પ્રયત્નો કરી રહી હતી.કંઈક ઓછું હોય તેમ ગૃહિણીઓનો શાકભાજીવાળાઓ સાથે ભાવતાલ કરવાનો અવાજ પણ આવી રહ્યો હતો. રખડતી ગાયો શાકભાજીની લારીની આસપાસ ભટકતી'તી, એ આશાએ કે હમણાં આ લારીમાંથી એકાદ ટામેટું, બટેટુ કે રીંગણું નીચે પડશે અને પોતે તેને આરોગી લેશે, પરંતુ એ લારીમાં મોઢું મારવાની હિંમત નહોતી કરી શકતી કારણકે લારીવાળા પાસે રહેલ 'લાકડી' એમને લારીથી દૂર રહેવા માટે મજબૂર કરી રહી હતી.
... ... ... ... ... ... ... ... ... ... ... ... ... ... ... ... ... ... ... ...
આ ભૂલકાઓના અવાજ, વડીલોની ચર્ચા, પનિહારીઓના મધુર કલબલાટ, ગાય - ભેંસના અવાજ, કુુતરા ભસવાના અવાજ, અને આવા કેટલાય શ્રવણગમ્ય અવાજો ભરેલી સવારને માણવાને બદલે, ચંચળતા ભરી મસ્ત સવારના વાતાવરણથી અજાણ બનીને, અન્યમનસ્ક થઈને એક વ્યક્તિ પોતાના સાત-આઠ વર્ષના બાળકને લઈને, ચહેરા પરના ચિંતાના ભાવો છુપાવવાના પ્રયત્નો કરતો, જતો હતો. જાણે કે આ દુનિયાથી વિખૂટો ન પડી ગયો હોય !!!

હરીશ.... હરીશ નામ હતું એનું. નામ તો ઘણું સુંદર. પરંતુ તેની હાલત જોઈને લાગતું હતું કે 'ઇશ' એ એની પ્રાર્થના ક્યારેય સાંભળી જ ન હોય. જૂની કહેવત "નાણાં વગરનો નાથીયો અને નાણે નાથાલાલ" પ્રમાણે હરિશનું નામ પણ 'ઉપરવાળાની કૃપાથી' ગામલોકોએ 'હરીયો' કરી નાખ્યું હતું. શાળાએ જતા બાળકોને જોઈને હરિશને પણ પોતાના દીકરાને શાળામાં દાખલ કરવાની ઈચ્છા થઈ આવી, પરંતુ એક બુક-પેન અને યુનિફોર્મ લેવા માટેના પૈસા તો હોવા જોઈએ ને ! પૈસાથી યાદ આવ્યું હજુ આજે લાઇટબીલ ભરવાનું છે, ઘરે ઘરડી માં ને શ્વાસની તકલીફ છે તો એમની પણ દવા લાવવાની છે, સવારના પ્હોરમાં પત્નીએ પકડાવેલી યાદી પ્રમાણેનું કરીયાણું પણ લાવવાનું છે... કઈ જરૂરિયાત પૂરી કરવી અને શેમાં 'રોડવી લેવું' એવા વિચાર કરતો હરીશ તેના પુત્ર સાથે શાક-માર્કેટમાંથી પસાર થઈ રહ્યો હતો.
.....
.....
.....
"પપ્પા, પપ્પા પેલા જમરૂખ અપાવોને.." આંગળી પકડીને ચાલતા પુત્રના અવાજથી હરીશની વિચારધારા તૂટી અને જાણે કે એ આ જીવતી જાગતી દુનિયામાં પરત ફર્યો.

'હા, બેટા મારે તને જમરૂખ અપાવવા જ છે. પરંતુ પૈસાની મજબૂરી....' હરીશ મનમાં બબડયો. પરંતુ, એક બાપ તેના દીકરા સામે પોતાની અસમર્થતા જાહેર ન કરી શક્યો.
"ના, બેટા. એ જમરૂખ તો સડેલા છે. ના ખવાય એ." હરીશથી રડી ન પડાય એ રીતે બોલ્યો એમ છતાં તેની આંખમાં ઝળઝળીયા આવી જતા, મોં બીજી તરફ ફેરવી લીધું.
થોડું જ આગળ ચાલ્યા હશે કે તેના દીકરાએ ફરી વખત માંગણી મૂકી, "પપ્પા, મારે પેલા કેળા ખાવા છે, એ તો સારા છે, એ તો ખવાય ને ?' અને માસુમિયત ભર્યા ભાવ સાથે હરીશની સામે જોઈ રહ્યો.
"હા, પણ શિયાળામાં કેળા ખાવાથી શરદી થઈ જાય"
પિતા તરફથી નકારાત્મક પ્રત્યુતર મળતા, તેણે નિરાશ વદને બીજા કોઈ ફળની શોધ આદરી.
આ બાજુ હરીશે ચાલવાની ઝડપ વધારી એ વિચાર સાથે કે હજી કોઈ બીજી માંગણી જાહેર થાય એ પહેલાં લાઈટબીલ ની ઓફિસે પહોંચી જાય. તેનો પુત્ર પણ હરીશની ઝડપને પહોંચી વળવા દોડવા લાગ્યો.પરંતુ ચંચળતા એ બાળકનું બીજું નામ. હજી તો માંડ બે - એક લારી વટાવી હશે કે તરત બોલ્યો, "પપ્પા દ્રાક્ષ અપાવો ને.."
હવે હરીશ પાસે કોઈ વિકલ્પ જ ન હતો. કેટલાક બહાના કાઢવા. જૂની શિક્ષણ પદ્ધતિ પ્રમાણે 'ચાર ચોપડી' ભણેલા હરીયાએ મનોમન હિસાબ કર્યો કે કરીયાણુ, દવા અને લાઈટબીલ ના પૈસા બાદ કરતાં પણ સાતેક રૂપિયા તો વધશે જ.આવો વિચાર આવતા જ જાણે તેના શરીરમાંથી ખુશીની લહેર પસાર થઈ ગઈ.આર્કિમીડિઝને 'યુરેકા' બોલતી વખતે જેટલી ખુશી નહિ થઈ હોય તેના કરતાં પણ વધારે ખુશીથી એ ઝૂમી ઉઠ્યો.દીકરાને થોડી દ્રાક્ષ અપાવીને પણ તે પોતાનો પિતૃધર્મ નિભાવી શકશે એથી રૂડું તો બીજું શું હોઈ શકે ?. એ ઝડપથી દ્રાક્ષની લારી તરફ આગળ વધ્યો... પરંતુ વિધિની વક્રતા કહો કે કરમની કઠણાઈ કહો, જેવો હરીશ ઝડપથી ચાલવા ગયો કે પગમાં પથ્થરની ઠોકર વાગી અને છેલ્લા એક વરસમાં સત્તર વખત મોચી પાસે 'ઓપરેશન' કરાવેલા સ્લીપર તૂટી ગયા.....
ફરી એક વખત ચપ્પલનું 'ઓપરેશન' કરવું પડે તેવી સ્થિતિ ઉભી થઇ ગઇ. ખિસ્સામાં રહેલા પૈસા સડક પર પડી ગયા. બાપ દીકરો બન્ને એ પૈસાને એકઠા કરવા લાગ્યા પરંતુ અલગ અલગ વિચાર સાથે. દીકરો દ્રાક્ષ મળવાની આશાએ તો હરીયો 'એક સાંધતા, તેર તૂટે' તેવી પરિસ્થિતિને પહોંચી વળે એ માટે.
હાથમાં ચપ્પલ લઈને બાપ દીકરો દ્રાક્ષની લારીની બરોબર બાજુમાં બેઠેલાં મોચી પાસે પહોંચ્યા. અને ભારે મને હરીશ બોલ્યો, "બેટા, મને લાગે છે કે એ દ્રાક્ષ ખાટી છે."
"આવ, હરીયા આવ. કાં પાછું ચપ્પલ તૂટી ગયું ?"
મોચીએ વક્રતાભર્યા 'સુવાક્ય' થી બન્નેનું સ્વાગત કર્યું.
હરીશે કોઈ જવાબ આપ્યા વિના તેનું તૂટેલું ચપ્પલ આગળ ધરી દીધું અને માત્ર એટલું જ બોલ્યો કે, "લ્યો ને, એકાદ બે ટાંકા મારી દ્યો ને"
"અરે હરીયા, હવે તો આ ચપ્પલ મુક. નવા લઈ લે હવે." આમ કહી મોચીએ કંઇક કમાઇ લેવાની લાલચે નવા ચપ્પલ દેખાડ્યા.
પણ હરીશે તેની તરફ ધ્યાન ન આપ્યું એટલે મોઢું બગાડીને એ ચપ્પલને સાંધવા લાગ્યો.
આ દરમિયાન હરીશના દીકરાની નજર તો બાજુમાં રહેલી દ્રાક્ષની લારી પર જ હતી.તેના મોં માં પાણી આવી ગયું.આ બાજુ મોચીના રેડિયો પર ગીત વાગતું હતું, "દેને વાલા જબ ભી દેતા, દેતા છપ્પર ફાડ કે.."
હરીશ આકાશ તરફ જોઈને ખંધુ હસ્યો અને બબડયો, "છપ્પર ફાડ કે ?" પછી નીચું જોઈને બોલ્યો, "ચપ્પલ તોડ કે..."
એટલી વારમાં ચપ્પલ સંધાઈ ગયું. દીકરો ફરી વાર બોલ્યો, "પપ્પા, દ્રાક્ષ અપાવોને..."
હરીશે ચપ્પલમાં પગ નાખતા નખતા કહ્યું, "ના બેટા, એ દ્રાક્ષ ખાટી છે" અને મોચીને પૂછ્યું, "કેટલા થયા ?"
મોચીએ કહ્યું,"આમ તો પાંચ રૂપિયા થાય પણ તારા ખાહડામાં થોડી વધારે મેહનત કરવી પડી છે એટલે સાત રૂપિયા આપ"

મોચીને પૈસા આપતી વખતે હરીશનું મોં ગમગીન થયુ. એ જ સમયે તેના પુત્રએ ફરી વાર કહ્યું,"પપ્પા, દ્રાક્ષ...."
અને હરીશનો મેલોઘેલો શર્ટ પકડીને ખેંચવા લાગ્યો. હવે દીકરો જીદે ભરાયો હતો.
હરીશની ધીરજ ખૂટી ગઈ તેણે પોતાનો શર્ટ છોડાવીને દીકરાના ગાલ પર એક જોરદાર તમાચો મારી દીધો અને ગુસ્સામાં માત્ર એટલું જ બોલી શક્યો, "તને મેં એકવાર કહ્યું ને.. કે... દ્રાક્ષ ખાટી છે."
થોડી વાર માટે તો બધું શાંત થઈ ગયું. ચોતરફ નિરવતા વ્યાપી ગઈ. ચંચળ સવાર ગંભીરતામાં પરિવર્તિત થઈ ગઈ.આસપાસના લોકો પિતા પુત્રને જોઈ રહ્યા હતા.કોઈ કશું બોલતું નહોતું. ના કોઈ કોલાહલ કે ના કોઈ કલબલાટ.હવે ફક્ત એક જ અવાજ આવતો હતો. હરીશના પુત્રનો રડવાનો અવાજ......
હા, સાથે કોઇક બીજું પણ રડતું હતું. હરીશ રડતો હતો.. પણ મનમાં જ...કે જેને આ દુનિયા સાંભળી શકતી ન્હોતી.
હરીશના મનમાં થઈ રહેલા આ રુદનનો અવાજ કદાચ 'ઇશ' (ઈશ્વર) જ સાંભળી રહ્યો હતો. એ પણ મુકભાવે.......
-સમાપ્ત.
અફઝલ વસાયા.

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED