Surendranagarma Punjabi Khadhu books and stories free download online pdf in Gujarati

સુરેન્દ્રનગરમાં પંજાબી ખાધું...

....સુરેન્દ્રનગરમાં પંજાબી ખાધું....

ઘણાં દિવસો સુધી બી.એડ. સેમેસ્ટર ત્રણ ની પરીક્ષાની તૈયારીમાં પડ્યો હતો એટલે સુરેન્દ્રનગરમા ખાસ કોઈ જગ્યાએ જવાનું શકય થતુ નો'તુ. પરીક્ષા પુરી થાય એટલે જાણે મન પરથી બધો ભાર હળવો થઈ ગયો હોય એવું લાગ્યું. એટલે સેલિબ્રેશન તો બનતા હૈ બૉસસસ.પરીક્ષા શરૂ હોય ત્યારે આરામ કરવાની તીવ્ર ઇચ્છા થાય પણ પરીક્ષા પુરી થયા બાદ બધો થાક કોને ખબર ક્યાં છુમંતર થઈ જતો હશે એ રહસ્ય હજુ સુધી કોઈ ઉકેલી શક્યું નથી.!

રૂમ પરથી નાહી ધોઈને, અડધી સ્પ્રેની બોટલ અને હેર સિરમ લગાવીને, તૈયાર થઇને, વર્ષોથી પુરી ન થયેલી ઇચ્છા અહિ ક્યાંક કોઇક જગ્યાએ પુરી થઈ જાય એવું વિચારીને નીકળી પડ્યો, સુરેન્દ્રનગરનાં રસ્તાઓ પર. (હા, રસ્તાઓ પર જ હો ગલીઓમાં નહીં. કારણ કે આ શહેરીકરણને લીધે ગલીઓ તો જાણે વિલુપ્ત થઈ ગઈ છે.) રખડતો રખડતો બસ સ્ટેશનની બાજુમાં આવેલી એક હોટેલ પર મારી નજર પડી. પ્રેમની ભુખ ના સહી પેટની ભુખનું તો કાંઈક કરીએ એમ વિચારતા મે એ આલીશાન હોટેલમા પ્રવેશ કર્યો. તો આમ એ દિવસે હુ ચોઘડિયા ફેર થવાને લીધે સુરેન્દ્રનગરની આ 'સારી' હોટેલમાં પંજાબી ખાવા ગયો.

પ્રવેશતી વખતે જ થોડો પૂર્વાભાસ થયો હતો પણ પછી 'જો હોગા દેખા જાયેગા' એવું વિચારીને પંખાની બરાબર નીચે હોય અને જ્યાંથી ટી.વી. સરખું દેખાય અને સાથોસાથ બહારનાં રસ્તા પર થતી હિલચાલને જોઇ શકાય તેવા ટેબલ પર સ્થાન ગ્રહણ કર્યું. અંદર બેઠા પછી ફરીવાર અંતરાત્માનો અવાજ આવ્યો - "મોટા આજે ભૂલ થઈ ગઈ હોય એવું લાગે છે"

પણ બધા વિચારો એકબાજુએ મૂકીને મેનુ હાથમાં લીધું. ઉર્દુ ભાષાની જેમ જમણી બાજુએથી વાંચવાંનું શરૂ કર્યું. (આવી આદત એક રીતે સારી. સ્વાદ ભલે ગમે તેવો હોય પણ જે કાંઇ મંગાવો એ બજેટમાં હોવું જોઈએ. ખોટુ પછી વાસણ ધોવા કોણ બેસે ? આ તો એક વાત થાય છે ) દરેક લિટીના પ્રથમ આંકડા (ભાવ) જોઈને ભવા ચડી જતા હતા. પણ પછી ભીની કરી છે તો મુંડાવવી તો ખરી જ ને ! એમ વિચારીને શકય એટલું લઘુત્તમ બિલ આવે એ રીતે પનીર કડાઈનો ઓર્ડર આપ્યો.

સામાન્ય રીતે બે મિનિટમાં તો મેગી તૈયાર થતી હોય પણ અહીં તો બે જ મિનિટમાં પનીરકડાઈ તેના કાફલા સાથે આવી પહોંચી. હાસ્તો વળી કાફલા સાથે જ ને... અને કાફલામાં પણ પાછુ કોણ કોણ....

છાશ, પાપડ, સલાડ.... આપણે તો મોજમાં આવી ગયા. મોં મા પાણી આવી ગયુ. પણ હું તો એ વાતથી સાવ બેખબર હતો કે મારી આ ખુશી બવ જાજી નહીં ટકે, કારણ કે પનીરકડાઈમાં કડાઈનું કદ વધારે હતું પનીરનું નહીં. જાણે કે મને એ શાક ખાવા માટે નહી પણ પ્રસાદની જેમ ચાખવા માટે આપ્યું હોય એમ કડાઈમાં ક્યાંક ઊંડે ઊંડે પનીર હોય એવો ભાસ થતો હતો. કડાઈમાંથી પનીર શોધી કાઢવા માટે પુરાતત્વ ખાતાની મદદ લેવી પડે એમ લાગતું હતું.

અચાનક વેઇટરે પૂછ્યું

સર, રોટી લાવું ????

(આ કોઈ પ્રશ્ન થયો યાર, આ પનીર લુખું તો નહીં જ ખાવ ને)

"કેમ, તમે પનીર સાથે રોટી નથી આપતા ?" મેં સહજતાથી પુછયુ.

"ના, સર તમારે અલગથી ઓર્ડર કરવો પડે... વેઇટરે મુછમાં હસીને જવાબ આપ્યો.

"ઓહ, આઈ સી.... ઓકે ધેન.. મને ત્રણ રોટી આપો" મરદે મહામહેનતે હસતા હસતા જવાબ આપ્યો.

(વારે તહેવારે આપણે થોડું ઇંગલિશ પણ 'બોલી' લઈએ છીએ એ નોંધવું)

રોટી આવે ત્યાં સુધીમાં મેં આમતેમ નજર ફેરવી. ચોસઠ ઇંચના ટીવીમાં સીઆઇડી આવતી હતી.

બસ આ એક જ ખામી હતી આ હોટેલની...

સીઆઇડી તો કોઈ દેખાડતું હશે....

પણ પછી આમાં આપણને ખબર ન પડે. ઊંચી હોટેલ છે. એમનાં ગ્રાહકો હોટેલમાંથી કોઈ વસ્તુ ખીચામાં નાખીને લઈ જવાનો વિચાર કરતા હોય તો માંડી વાળે. એટલે કદાચ સીઆઇડી દેખાડતા હશે. એવું વિચારીને મન મનાવ્યું

નવરા નવરા વચ્ચે એકાદવાર એ. સી.પી. પ્રદયૂમન ની હાથ હલાવવાની સ્ટાઈલ કોપી કરવા પ્રયત્ન કર્યો પણ ખરો...

પણ વેઈટર સામું જોઈને ક્યાંક બે રોટલી કે રોટલાનો વધું ઓર્ડર ના લઈ લે એ બીકે મે મારી અંદરના કલાકારને ચુપચાપ બેસાડી દીધો.

પણ આપણાથી આ સીઆઇડી સહન ન થાય એટલે મન તો થયું કે લાવ ને એમને કોઇક સારી ગીતની ચેનલ લગાવવાની વિનંતી કરૂ....

ત્યાં વળી વિચાર આવ્યો

'ના ભાઈ આપડે એને ગીત લગાવવાનું કહીએ અને એમણે પચાસ રૂપિયા એન્ટરટેઇન્મેન્ટ ચાર્જ રૂપે લગાડી દીધા હોય તો....' આવા ભયાનક અને રૂંવાડા ઉભા થઇ જાય એવા વિચારને મનમાંથી નિષ્ક્રમીત કરીને હું અને પનીરકડાઈ સીઆઇડી જોવામાં લાગી ગયા...

એટલી વારમાં તો રોટી આવી ગઈ. આમ પણ સી.આઈ.ડી. જોઈને હુ પણ પાકી જ ગ્યો તો.

વેઇટરના મોં એથી વાક્ય નીકળે કે 'સર, બીજું કંઈ લાવું ?' એ પહેલા એને ત્યાંથી રવાના કર્યો.

પનીરની એ 'કહેવાતી' ફુલ ડીશ ને અલ્પાહારમાં ખપાવીને ખુબ અલ્પ સમયમાં મેં સ્થાન છોડ્યું.

(ભાયડો હવે બીજું કંઈ ઓર્ડર કરવાની હિંમત કરે એમ નહોતો.)

પાણી પી ને કાઉન્ટર પર ગયો. અને મુઠૉ ભરીને મુખવાસ મોઢામા નાખ્યો. મફતનું થોડુ મુકાય હે !!!

ત્યાં પાછળથી અવાજ આવ્યો...497 (ચાર સો સત્તાણુ) રૂપિયા....

(હેં.... શું કહ્યું ??? ફરીવાર કે તો જરા...)

મારુ મોં તો ખુલ્લું નું ખુલ્લું જ રહી ગયું. મુખવાસના બે દાણા તો બીકના માર્યા બહાર આવી ગયા....

આટલા રૂપિયામાં તો હું મારા મિત્રોને બિરયાનિની પાર્ટી આપી દવ.

જિયો નું રિચાર્જ થઈ જાય. પ્રિયતમા માટે સારી ભેટ આવી જાય અને આ લોકો ખાવાના આટલા બધાં વસુલે !

પણ વળી અંતરાત્માનો અવાજ આવ્યો...'મોટા, આ ઊંચી હોટેલ કેવાય... અહીં શ્વાસ તો ફ્રીમાં લેવા દે છે એટલું સારુ છે બાકી એના પણ પૈસા થતા હોય છે....)

ચલો જે કંઈ હોય પણ ઘણા દિવસોથી પંજાબી ખાવાની ઈચ્છા હતી એ તો પુરી થઇ ગઈ અને એ પણ પંચતારક જેવી હોટેલમાં...

આમ સ્થિતિને મારી મચકોડીને મનને આનંદમાં રાખ્યું. હોટેલની બહાર નીકળ્યો ત્યાં વળી કોઈ સજ્જન બેઠા હતા... કદાચ હોટેલના માલિક હશે તેવું લાગ્યું... મને કહે કેમ સાહેબ કેમ લાગ્યું જમવાનું ?

(એ વડીલે મને 'સાહેબ' જેવું માનવચક સંબોધન કર્યું એ મને ગમ્યું. જો કે એનાથી પરિસ્થિતિમાં કાઈ ખાસ ફરક પડવાનો ન્હોતો.) મેં પુરી ૨૭ સેકન્ડ સુધી મનમાં વિચારોના ચક્રાવાત માંથી એક શબ્દ શોધ્યો અને એ વડીલ ને જવાબ આપ્યો....

"મોંઘુ"

એમની પ્રતિક્રિયાની રાહ જોયા વગર ઝડપથી બહાર આવી ગયો. એક દુઃસ્વપ્ન આવ્યું હતું એમ કરીને ચાલવા લાગ્યો. હજુ તો માંડ પાંચ ડગલાં ચાલ્યો હોઈશ ત્યાં એક બોર્ડ દેખાયું અને એ વાંચીને મને ચક્કર આવવા લાગ્યા....

બોર્ડ કંઇક આ રીતનું હતું.

તૈયાર ભાણું

ફુલ ડીશ 70/- રૂપિયા

ત્રણ શાક, રોટલી, છાશ, પાપડ, અને પંજાબી ડીશ

ફક્ત ૭૦/- રૂપિયા

December 19, 2017

લેખક :- અફઝલ વસાયા 'પાગલ'

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED