મોજીસ્તાન (70)
હુકમચંદ સાથેથી જુદા પડેલા બાબાને ઘેર જઈને પણ ચેન પડતું નહોતું.ભાભા પણ જાગતા હતા.એમને પણ આ ભૂતનું રહસ્ય સમજાઈ રહ્યું નહોતું.આજે સવજીની વાડીએ જવા બદલ તેમને પસ્તાવો થઈ રહ્યોં હતો.
ભાભા ભૂતની પ્રથમ મુલાકાત યાદ કરવા મથી રહ્યાં.
'હું સવજીના ઘેરથી કથા વાંચીને ઘેર આવતો હતો ત્યારે શેરીમાં સાવ અંધારું હતું. અંધારું જોઈને હું થોડીવાર ઉભો રહ્યો.અચાનક કોઈએ મારા હાથમાંથી પ્રસાદની થેલી ખેંચી ત્યારે મારું ધ્યાન શેરીના નાકે કરસનની દુકાનના ઓટલે બેઠેલા ભૂત પર પડી હતી. હતું તો એ ભૂત જ ! કારણ કે આવું વિચિત્ર પ્રાણી બીજું તો શું હોઈ શકે.એણે બેઠાં બેઠાં જ હાથ લાંબો કરીને મારી થેલી ખેંચી હતી. એની આંખોમાં અંગારા સળગતા હતા અને એની ખોપરી ડગમગતી હતી.હું તો શું ગમે તેવો ભડભાદરનો દીકરો હોય તોય ઉભો રહે ખરો ? હું મુઠીયુંવાળીને ભાગ્યો ત્યારે કદાચ એ પણ મારી પાછળ આવ્યું હતું.મારુ ધોતિયું સાલા હરામખોરે ખેંચી લીધું હતું. હું મીઠીયાની દુકાનનો ઓટલો ચડી ગયો પછી એ કદાચ પાછું વળી ગયું હોવું જોઈએ. મેં એ વખતે જ બધા સાથે મળીને એની તપાસ કરી હોત તો સારું હતું.મેં વળી લોકોને પ્રભાવિત કરવા તરત જ વાર્તા ઘડી કાઢી. એ ભૂત કરસનનો કોઈ પૂર્વજ લખમણિયો હોવાનું જાહેર કર્યું.એ ભૂતે પછી લખમણિયા તરીકે જ મને ફોન કરીને હેરાન કરવા માંડ્યો હતો. એનો મતલબ સાફ છે કે ગામનો કોઈ અડિયલ જ લખમણિયાનું ભૂત બનીને હેરાન કરે છે ! પણ સાલો આમ એકાએક અદ્રશ્ય કેવી રીતે થઈ જાય ? અચાનક લાઈટ ચાલી જાય અને એ પ્રગટ થાય છે.આજ તો એણે હદ વટાવી દીધી. હુકમચંદ પાસે બધુંક હતી તો પણ એને ઢીબી નાખ્યો. બાબાને પણ પછાડી દીધો. સાલો છે બહુ બળુંકો એમાં બે મત નથી.
હવે આનું કરવું શું ? શાસ્ત્રોમાં તો ભૂતને કાબુ કરવાની કંઈક વિધિ આવતી તો હશે, મારે કોઈ મોટા પંડિતને મળીને આ લખમણિયાને ઠેકાણે પાડવો જ પડશે. નહિતર આ ગામમાંથી મારો પ્રભાવ ઘટી જશે તો જટોગોરનો પ્રભાવ વધી જશે.સાલો એ જટિયો તો કહેતો જ ફરે છે કે તભો દેખાય છે એવો કંઈ જ્ઞાની નથી.કેટલાક એનું માને પણ છે,મારા યજમાનોમાં પણ એ એનો અપપ્રચાર કરે છે ! ક્યાંક એ તો ભૂત નહિ થયો હોય ને ?'
તભાભાભા લાકડે માંકડું ફિટ કરી રહ્યાં હતાં.એમના સ્વભાવ મુજબ તેઓ આ કાંડમાં એમના પ્રતિસ્પર્ધી જટાગોરનો હાથ હોવાના તારણ પર આવી ગયા.એમના મોં પર કોઈ જાસૂસે ભેદ ઉકેલી કાઢ્યો હોય એવું ભેદી સ્મિત રમવા લાગ્યું.
એ જ વખતે જાળી ખખડી. ભાભા પથારીમાંથી ફડાક લઈને બેઠા થઈ ગયા.
'તારી જાતના જટિયા, ઉભો રે'જે આજ તો તારા ભીંસા જ ખેરવી નાખું.ભૂત બનીને મને બીવડાવે છે પણ સાલ્લા કાયમ માટે તને ભૂત નો બનાવી દઉં તો મારું નામ તભો નહિ !"
ભાભાનું શરીર ધ્રુજવા લાગ્યું. આંખોમાંથી ધુમાડા નીકળતા હોય એવું એમને લાગ્યું. પથારીમાં બેઠા થઈને ભાભા હાથની મુઠીઓ ખાટલાની ઈસ પર પછાડીને રાડો પાડવા લાગ્યા !
"ભગવાન શંકરની જેમ આજે મારું પણ ત્રીજું નેત્ર ખુલવાનું છે એ પાક્કું છે, આજ જટીયા તારૂં આવી બન્યું જ સમજજે ! તારી ચોટલી ઝાલીને આખા ગામમાં દોડાવીશ, અરે હું તને ગધેડા પર ઊંધો બેસાડીશ,તારા મોઢા ઉપર મેશ ચોપડીશ..બે બદામના સાલા નીચ,અધમ પાપી તારો સર્વનાશ કરી નાખીશ ! ના ના બદામ તો કિંમતી હોય, તું બે બદામનો નહિ પણ બોરના ઠળિયા જેટલોય કિંમતી નથી.અરે પાપીયા તારી આબરૂ ગામના ગધેડા કરતાં પણ ઓછી છે.મારી જેવા મહા જ્ઞાની સાથે તું તારી સરખામણી કરી રહ્યો છે, પણ હું તો દિવસે આકાશ મધ્યે ઝળહળતો સૂર્ય છું અને તું બળી ગયેલી વાટમાં ઓલવાઈ જવા આવેલો દીવો છો.રાતે હું પૂર્ણ કક્ષાએ ખીલેલો ચંદ્રમાં છું જેની શીતળ ચાંદનીમાં ગામ સ્નાન કરી રહ્યું છે અને તું તો રાતે એક અગિયાનું ફૂંદુ થવાને પણ લાયક નથી. મારી આગળ તારી શી વિસાત ! આજે મારી ચકોર બુદ્ધિથી હે નીચ,મેં તને ઓળખી કાઢ્યો છે.ઉભો રે'જે તું ઉભો રે'જે. તેં આજ મારું દ્વાર નહિ પણ તારા સર્વનાશનું દ્વાર ખખડાવ્યું છે.આજ તારો અંત નક્કી જાણજે, હે પાપીયા બ્રાહ્મણ થઈને, અરે એક ઉચ્ચ કુળમાં જન્મ લઈને તેં નીચ કાર્યો કર્યા ! તું સજાને પાત્ર છો, આજ આ મહાજ્ઞાની, સર્વથા સમર્થ મહાપુરુષ નામે તભાશંકર નામના મહાદેવના હાથે તારું નિર્વાણ થશે.તું સાલ્લા એટલો તો ભાગ્યશાળી છો કે તને મારા હાથે મોક્ષ પ્રાપ્ત થશે, ઉભો રે'જે ! તુંઉં ઉભો રે'જે..!"
જાળી ફરીવાર ખખડી.ભાભા પથારીમાં બેઠા બેઠા શબ્દ સંધાન કરી રહ્યાં હતાં પણ ઉભું થવાની હિંમત ચાલતી નહોતી.ઊંડે ઊંડે એમને શંકા હતી કે કદાચ જટિયો લખમણિયો ન હોય તો ? સાચ્ચે જ ભૂત હોય તો પોતાનો જ સર્વનાશ થઈ જાય ને !
ભાભાના બરાડા સાંભળીને બાજુના ખાટલે સુતેલા ગોરાણી ઝબકીને જાગ્યા. ઓરડામાં નાઈટ લેમ્પનું અજવાળું પડતું હતું.
"હજી હમણાં જ આવીને સુતા છો.કહેતા'તા કે ભજિયાએ પેટમાં ધમાંચકયડી બોલાવી છે. સંડાસ તો જઈ આવ્યા છો ને સરખું ? હજી ગરબડ હોય તો ફરી જઈ આવો. હજારવાર કીધું છે કે ખાવામાં માપ રાખો,અમથા અભડાઈ જાવ છો પણ ભજિયાનું નામ પડે એટલે તમારી જીભ મોઢામાંથી બાર્ય નીકળી જાય છે.સેંથકનું ખાતા નો હોવ તો.ખાવાનું પારકું હતું,પણ પેટ તો તમારું હતું ને ! હવે આ શું લવારો ચડ્યો છે તમને ? કોનો સર્વનાશ કરવા બેઠા થિયા છો. એમ ભજીયા ખાઈને બબ્બેવાર જવું પડતું હોય ઈનાથી કોઈનો સર્વનાશ નો થઈ શકે, સુઈ જાવ આમ છાનામાના,નો જોયા હોય મોટા સર્વનાશ કરવાવાળા !"ગોરણીએ ઉભા થઈને ભાભાના ખભે હાથ મૂકીને એમને પથારીમાં પાડી દીધા.
એ જ વખતે બે વખત જાળી ખખડાવવા છતાં કોઈએ ખોલ્યું નહિ અને ભાભાના બરાડા સાંભળીને બાબાએ સાદ પાડ્યો,
"પિતાજી હું છું, જાળીનો દરવાજો ખોલોને. ક્યારના શું રાડો પાડો છો તમે !"
બાબાનો અવાજ સાંભળીને જટાગોરનો સર્વનાશ કરવા તૈયાર થયેલું ભાભાનું મગજ શાંત થયું. બારણે ભૂત નહિ પણ બાબો આવેલો જાણીને એક મહાયુદ્ધ અટકી ગયેલું જાણી ભાભાને હાશ થઈ.
"સારૂ જ થયું તું નથી આવ્યો. જટીયા આજ ભલે તું બચી ગયો પણ હું તને જાણી ગયો છું, તારો ઉપાય તો હું કર્યા વગર નહિ રહું નીચ જટીયા..!" ભાભા હજી જટાગોરને છોડવા માંગતા નહોતા.
ગોરાણીએ એમને પડતા મૂકીને બહાર જઈ જાળી ખોલી.
"બહુ મોડું કર્યું દીકરા..આમ રાતે રખડીએ એવા સંસ્કાર આપણા ન હોય. ક્યાં ગયો હતો.. અને આ કપડાં કેમ ધૂળ ધૂળ થયા છે. કોઈની સાથે મારામારી થઈ છે કે શું ?" બાબાની હાલત જોઈ ગોરાણી બોલ્યા.
"મા તમે કોઈ ચિંતા કર્યા વગર સુઈ જાવ.'' કહી બાબો અંદર આવ્યો.એને જોઈ ભાભા પથારીમાં બેઠા થઈ ગયા.
"પુત્ર, લખમણિયાનો ભેદ મેં ઉકેલી નાખ્યો છે.કોણ આ નીચ અને અધમ કાર્ય કરી રહ્યું છે એની મને ખબર પડી ગઈ છે.તારા પિતાજીનું ચકોર મગજ આજ કામ કરી ગયું છે.એ નીચ અને દુષ્ટ પાપીયાનો હું સર્વનાશ કરી નાખીશ !"
બાબો ચમક્યો.તરત જ ભાભા પાસે જઈને એ બેઠો. એટલે ભાભાએ આગળ ચલાવ્યું.
"જટિયો...દુષ્ટ અને મહાપાપી. મારી સાથે હરીફાઈમાં ન ફાવ્યો એટલે એ નીચ, ભૂતનો સ્વાંગ રચીને, મને પરેશાન કરીને આ ગામ છોડાવવા માંગે છે.આ ગામમાં એને કોઈ યજમાન મળતા નથી એટલે આપણા યજમાન પડાવી લેવા છે એને.આ ગામ પર એને એકહથ્થુ શાસન સ્થાપિત કરવું છે.એ દુષ્ટ આત્માના મનમાં એમ છે કે એ ભૂતથી હું ડરી જઈશ...મને સાલો ફોન કરતો હતો ત્યારે જ મને શંકા ગઈ હતી.આપણા ઘરમાં ઘુસી આવ્યો,આજ તને પણ પછાડી દીધો.મફતના લડવા ખાઈને એ આખલા જેવો થઈને ફરે છે.હવે ભૂત બનીને મને અહીંથી ભગાડવો છે ! હવામાં બાચકાં ભરી રહ્યો છે, અહીં તહીં હવાતિયાં મારી રહ્યો છે.હું એને નહિ છોડું પુત્ર, નહીં છોડું !"
બાબાની નવાઈનો પાર ન રહ્યો. જટાકાકાને એ સારી રીતે ઓળખતો હતો.ક્યારેય એ ભાભા વિશે આમતેમ બોલ્યા નહોતા. હંમેશા બાબાને પ્રેમથી બોલાવતા. તભાભાભાના ઘણા યજમાનો એમને પોતાને ત્યાં કથા કરવા આવવાનું આમંત્રણ આપતા,પણ ખૂબ નમ્રતાથી બે હાથ જોડીને એ કહેતા, 'તભાશંકર તો મારા વડીલ બંધુ છે.એમને નારાજગી થાય એવું કાર્ય હું ન કરી શકું. એમની આજ્ઞા વગર હું આપને ત્યાં આવી શકું નહિ એટલે માફ કરશો."
બાબો જટાકાકાને સારી રીતે જાણતો હતો. પિતાજી કરતાં પણ વધુ જ્ઞાની હોવા છતાં એમણે ક્યારેય એમની વિધાનું પ્રદર્શન કર્યું નહોતું. ગામલોકોમાંથી ક્યારેક કોઈ ભાભાને જટાશંકરની વિદ્યા વિશે વાત કરતું તો ભાભા એને ઉતારી પાડતા.
"પિતાજી તમે શાંતિથી સુઈ જાવ.ભૂતની ચિંતા કરવાની જરૂર નથી.જટાકાકા ઉપર આરોપ નાખવાની કોઈ જરૂર નથી.હું થોડા દિવસોમાં જ ભૂતને પકડી લેવાનો છું." બાબાએ શાંતિથી કહ્યું.
"તું હજી ન સમજે બેટા, એ જટિયો..." ભાભા આગળ બોલે એ પહેલાં જ બાબાએ કહ્યું,
"બસ હવે બહુ થયું, તમને મેં કહ્યું ને ? સુઈ જાવ છાનામાના !" કહી બાબો પણ સુવા ચાલ્યો ગયો.
"મારા દીકરા ઉપર પણ તેં વશીકરણ કર્યું છે એની મને ખબર છે જટીયા, તારું તો હવે આવી બન્યું જ જાણજે ! બાબો તો હજી બાળક કહેવાય, એને શી ગમ પડે ? કાલે જ તારો નિકાલ લાવી દેવો છે." ભાભા બબડતા રહ્યા.
"હવે, લવારો બંધ કરો.એકધારા ચોટયા છો તે ! બહુ શૂરવીરતા હોય તો જાવ,અત્યારે જ જટાભાઈના ઘરે જઈને જોઈ આવો.ભૂત બન્યો હોય તો કાલની વાટ શું કામ જોવો છો ?" ગોરણીએ વડછકું કરતા કહ્યું.
"તને અક્કલ નથી.અમુક કર્યો અમુક સમયે જ થાય એનું ભાન તને નથી.તું મારી સહધર્મચારિણી છો છતાં તારામાં અક્કલનો છાંટો પણ નથી.જીવમાત્ર પર મારી કૃપા રહેતી હોવાથી મેં તને સ્વીકારી છે. અન્યથા તું મારે યોગ્ય હતી જ નહીં, માટે તું ચુપ રહે.કારણ વગર તું મારા ક્રોધનો ભોગ બનીશ,માટે તું દલીલબાજી કર્યા વગર મૂંગી રહે." ભાભા ખીજાયા.
"જાવ જઈને સાત ખોસિયામાં પડો. તમે મને નો'તી સ્વીકારી,મેં તમને સ્વીકાર્યા'તા.જો મેં હા ન પાડી હોતને તો હજી વાંઢા રખડતા હોત, કોઈ ભાવેય પૂછતું નહોતું.કેટલા શ્લોક સાચા આવડે છે ઈતો મને જ ખબર છે,મારે તમારી પત્ની ઉઠીને થોડું કોઈને કહેવાય છે કે તમેં ઊંઠા ભણાવો છો ? પણ જાણનારા તો તમને જાણે જ છે.હવે જીભડી મોઢામાં જ રાખજો નકર અડબોથ ભેગું ડાચું જ ફેરવી દઈશ.કૃપાપાત્ર વાળીના નહિ જોયા હોય મોટા !" કહી ગોરણીએ ભાભાના ગાલમાં આંગળીનો ગોદો મારી લીધો.
ભાભાને આગળના અનુભવ યાદ આવતાં જ ચૂપ થઈ ગયા.'સાલી આ વિફરશે તો નકામું થશે.કશો જ વાંધો નહિ, હું મારો પરચો બતાવીશ ત્યારે જ આ કભારજાને ભાન થશે.આ જગતમાં ચમત્કાર વગર નમસ્કાર નથી હોતા.હવે મારે સાચે જ કોઈ ચમત્કાર કરવો રહ્યો..!' એમ વિચારતા ભાભા માથે ઓઢીને સુઈ ગયા.
અડધી કલાક પછી ભાભા અને ગોરાણી નસકોરાં બોલાવતા હતા.બાબો હળવેથી ઉઠ્યો. સહેજ પણ અવાજ ન થાય એમ એણે જાળી ખોલીને બહારથી તાળું મારી દીધું. ધાબળો માથે નાખીને બાબાએ શેરીમાં ડગલાં ભર્યા.
(ક્રમશ:)