Featured Books
શ્રેણી
શેયર કરો

ઇન્સ્પેક્ટર પ્રતાપ - ભાગ 5

ઇન્સ્પેકટર પ્રતાપ

ભાગ-૫

પોલીસ સ્ટેશનમાં નાટક


બીજા દિવસે સવારે ઇન્સ્પેક્ટર પ્રતાપ પોલીસ સ્ટેશન પર આ કેસ બાબતે તપાસ કરી બહારથી પાછા ફર્યા હતા ત્યારે આદિવાસીઓના વકીલ ધીમંતા રાગે તેની રાહ જોઈ રહ્યો હતો.
ધીમંતાને વેટીંગમાં બેઠેલો જોઈ ઇન્સ્પેક્ટર પ્રતાપે તેને પોતાની કેબીનમાં બોલાવ્યો હતો અને બેસવાનું કહ્યું હતું.
‘ઇન્સ્પેક્ટર પ્રતાપ પરમ દિવસે સવારના દિપક બિરલાના પોતાના પાવર પ્રોજેક્ટને આગળ વધારવા માટે પ્રેસ કોન્ફરન્સ કરી રહ્યા છે. પ્રેસ કોન્ફરન્સની અંદર ગ્રીન વર્લ્ડ ફાઉન્ડેશન માંથી રીમા કપૂર પણ હાજર રહેવાના છે. આ પાવર પ્રોજેક્ટના નવાં પાર્ટનર ધીરજ સિંઘાનિયા પણ હાજર રહેવાના છે. અમે આદિવાસીઓ એ પણ આ મુદ્દાનો વિરોધ નહિ કરવાનું નક્કી કર્યું છે. અમે એમના નિર્ણયની હવે વધુ વિરોધ કરી શકીએ એવી ક્ષમતા અમારામાં નથી, કારણ કે સરકાર, કાયદો વ્યવસ્થા, પોલીસ તંત્ર વધુ જ એ લોકોની તરફેણમાં છે. અમારા આદિવાસીઓના તરફેણમાં કશું જ નથી. હું આ વાત તમને કેમ કહેવા આવ્યો છું એ તમે વિચારતા હશો? આ વાત તમને એટલા માટે કહેવા આવ્યો છું કે આ દેશમાં ગરીબોએ પોતાનો હક મળતો નથી પરંતુ છીનવવો પડે છે. ગરીબોને એમનો ન્યાય અને હક ક્યારેય મળતો નથી. ઉપરથી આ દેશના પોલીસ સ્ટેશન, ન્યાયાલય કે સરકાર આ ગરીબ આદિવાસીઓની પડખે ક્યારેય પણ નહિ ઉભા રહે. તમે એવું માનો છો કે આ દેશ આઝાદ થઈ ગયો છે, તો વાત ખોટી છે. આ દેશ એ દિવસે આઝાદ થશે કે જે દિવસે આ દેશના છેવાડાના નાગરિકને છેલ્લા માણસને એનો પોતાનો અધિકાર પ્રાપ્ત થશે. દિપક બિરલા જેવાં ઉદ્યોગોપતિ સામે એક આદિવાસીનો વકીલ લડીને જીતે શકે એવી કોઈ શક્યતા નથી. કારણ કે આખું ન્યાયતંત્ર દિપક બિરલા જેવાં બિઝનેસ ટાઈકુનોના પગમાં આળોટે છે. હું તમને એક જ સવાલ પૂછવા માંગું છું કે શું આદિવાસીઓ જોડે ન્યાય થઈ રહ્યો છે? તમે જવાબ ના આપતા પરંતુ તમારું દિલ માને છે કે અન્યાય થઈ રહ્યો છે. ન્યાય નથી થઈ રહ્યો. પરંતુ તમે કશું કરી શકશો? તો આ સવાલના જવાબમાં પણ તમે કહેશો કે હું તો માત્ર એક જ ઇન્સ્પેકટર છું. હું શું કરી શકું? મેં તમને એ દિવસે જ કહ્યું હતું કે જો અમને ન્યાય નહિ મળે તો અમે જંગલના કાયદાને અપનાવીશું. એ દિવસે મેં તમારી આંખમાં પ્રશ્ન જોયો હતો. હું શું કરવાનો છું? મીરા સિંઘાનિયાના ખૂનીને તો તમે હજી પકડી શક્યા નથી, મારા સવાલના જવાબને તમે ક્યારે શોધી શકશો. કદાચ ક્યારેય નહિ. અને કદાચ તમને મીરા સિંઘાનિયાનો ખૂની મળી જશે તો કદાચ તમને મારો ઈરાદો પણ ખબર પડી જશે કે હું શું ન્યાય માંગું છું. આજે હું પોલીસ સ્ટેશને એજ કહેવા આવ્યો હતો. કારણ કે હું તમારી આંખોમાં રહેલા પ્રશ્નને વધારે સળગતો રાખવા નથી માંગતો. હું નથી ઈચ્છતો કે તમે હજી વિચારતા રહો કે ધીમંતાના મનમાં શું વાત છે. માટે મેં કીધેલી વાતને બહુ વિચારતા નહિ. અને હા તમારા જ પોલીસ સ્ટેશનના વિસ્તારમાં આવેલી ફાઈવસ્ટાર હોટલમાં આ કાર્યક્રમ છે. એટલે સિક્યુરીટી વ્યવસ્થા ગોઠવવાની પણ તમારા જ સીરે આવશે. મીરા સિંઘાનિયાના ખૂનીને જીવનમાં કદી પકડી શકો તો ચોક્કસ મને કહેજો અથવા તો મને યાદ કરજો. મીરા સિંઘાનિયાએ અમારા જેવાં આદિવાસિયો માટે બહુ બધું કર્યું છે અને પૂરી ઈમાનદારીથી અને નિષ્ઠાથી કર્યું છે. એટલું તો હું તમને ચોક્કસ કહીશ. મીરા સિંઘાનિયા ક્યારે પણ આદિવાસીઓનું હીત પૈસાના બદલામાં વેચી ના દે. એટલું તો હું તમને કોરા કાગળ પર લખીને આપી શકું.’ આટલું બોલી ધીમંતા પોલીસ સ્ટેશનની બહાર નીકળી ગયો.
ધીમંતાના બહાર નીકળ્યા બાદ સબ ઇન્સ્પેક્ટર ગણેશ તલપડે કેબીનમાં દાખલ થયો.
‘સર, શું કહેતો હતો ધીમંતા?’ ગણેશે ઇન્સ્પેકટર પ્રતાપને પૂછ્યું હતું.
‘મીરા સિંઘાનિયાના ખૂન કેસમાં ખૂનીને બને એટલો ઝડપી પકડવો પડશે. કારણ કે એ ખૂની એવી કોઈ વાત જાણે છે જે ધીમંતા આપણાથી છુપાવી રહ્યો છે. અને આ કામ આપણે કાલ સાંજ સુધીમાં કરવું પડશે. કારણ કે પરમ દિવસે જુહુની કોઈ ફાઈવસ્ટાર હોટલમાં આ પાવર પ્રોજેક્ટને લઈને પ્રેસ કોન્ફરન્સ રાખવામાં આવી છે. એનો મતલબ એવો છે કે હવે કોઈપણ જાતની અડચણ આ પાવર પ્રોજેક્ટને શરૂ કરવામાં નહિ આવે એ વાતની રજૂઆત જ એ પ્રેસ કોન્ફરન્સમાં થશે. હું સવારે છ વાગે જ આ ખૂન કેસની તપાસ બાબતે ગયો હતો. ત્યાં મને મીરા સિંઘાનિયાના બંગલો જ્યાં આવેલો છે ત્યાંના એક સીસીટીવી ફૂટેજમાં આશા બાઈ બપોરે દોઢ વાગે નીકળતી દેખાયી હતી. એનો મતલબ એવો થયો કે આશા બાઈ અગીયાર વાગે નહિ પણ બપોરે દોઢ વાગે મીરા સિંઘાનિયાના ઘરેથી નીકળી છે અને ધીમંતા આજે કોઈ ચોક્કસ મકસદથી અહીં આવ્યો હતો. એ ચોક્કસ કશુંક મારાથી છુપાવી રહ્યો છે.’ ઇન્સ્પેકટર પ્રતાપે ગણેશની સામે જોઇને કહ્યું હતું.
મેં તને જે તપાસ કરવા માટે કહ્યું હતું એમાં તે શું કર્યું? ઇન્સ્પેકટર પ્રતાપે ગણેશની સામે જોઇને પ્રશ્ન પૂછ્યો હતો.
‘સર, સૌથી પહેલા તો ધીરજ સિંઘાનિયા સાચું બોલે છે. જે સમય દરમિયાન મીરા સિંઘાનિયાનું ખૂન થયું એ દરમિયાન એ દિપક બિરલા સાથે ફાઈવસ્ટાર હોટલમાં જ હતો. એ લગભગ એક વાગ્યાની આસપાસ હોટલમાં દાખલ થયો હતો અને ચાર વાગ્યાની આસપાસ એ બહાર આવ્યો હતો. બહાર આવ્યા પછી ફોન પર એણે કોઈની જોડે અડધો કલાક વાતો કરી હતી એવું સીસીટીવી ફૂટેજમાં દેખાય છે.’ આટલું બોલી ગણેશ પાણી પીવા રોકાયો પછી આગળ બોલ્યો હતો.
‘નંબર બે આશા બાઈની વાત. આશા બાઈ માટે તમે જે માહિતી લાવ્યા એ જ પ્રમાણે એ અગિયાર વાગ્યાના બદલે દોઢ વાગે એ રોડ પરથી બહાર નીકળી હતી. એ જે ઝુંપડીમાં રહે છે ત્યાં તપાસ કરતાં ખબર પડી હતી કે એ દિવસે આશા બાઈ લગભગ પોતાના ઘરે સાંજના સાડા ચારે પાછી આવી હતી. રહીમ વિશે માહિતી મેળવતા લાગ્યું કે રહીમ એ બે દિવસ રજા ઉપર હતો ત્યારે તેના ઘરે જ હતો. જે દિવસે મીરા સિંઘાનિયાનું ખૂન થયું એ દિવસે ત્રણ કલાક માટે કશેક ગયો હતો. એવું તેની પત્નીએ પુછપરછ દરમિયાન મુમરા પોલીસને કહ્યું હતું.’ ગણેશ થોડીવાર માટે ઉભો રહ્યો અને પોતાની ડાયરી ખોલી કશું વાંચવા લાગ્યો હતો.
‘રીમા કપુર એ દિવસે સવારે સાડા દસ વાગ્યાથી લઈ અને સાંજના સાડા છ વાગ્યા સુધી પોતાના ફ્લેટમાં પાછી આવી નહોતી. એવું એના સિક્યુરીટી ગાર્ડે મને કહ્યું હતું.’ ગણેશે ઇન્સ્પેકટર પ્રતાપને માહિતી આપતા કહ્યું હતું.
‘આ તપાસ પરથી ધીરજ સિંઘાનિયા પોતે ઘટનાસ્થળે હાજર ન હતો એ ચોક્કસ સાબિત થાય છે, બાકીના ત્રણ જણાની ઘટનાસ્થળ પર હોવાની શક્યતા દેખાઈ રહી છે.’ ગણેશે ઇન્સ્પેકટર પ્રતાપને કહ્યું.
‘તું એક કામ કર રીમા કપૂર અને આશા બાઈને પહેલા પોલીસ સ્ટેશન બોલાવી લે. આપણને એમની પુછપરછ કરીએ. એટલે થોડી ઘણી માહિતી આપડને વધુ આ કેસ બાબતે મળી શકશે.’ ઇન્સ્પેકટર પ્રતાપે ગણેશને કહ્યું હતું.
ઇન્સ્પેકટર પ્રતાપ અને ગણેશ આ બાબતે વાત કરી રહ્યા હતા, એવામાં હવાલદારે આવીને એક ફેક્સ આપ્યો હતો.
‘જુહુની ફાઈવસ્ટાર હોટલની અંદર પરમ દિવસે જે પ્રેસ કોન્ફરન્સ છે સવારે એની સિક્યુરીટી માટેનો આ ફેક્સ છે. માટે અંદરખાને દિપક બિરલાએ પાવર પ્રોજેક્ટનો પ્રોબ્લેમ સોલ્વ કરી દીધો હોય એવું મને લાગે છે. ધીમંતાની વાત સાચી નીકળી છે. પરમ દિવસે સવારે આ લોકો હવે પાવર પ્રોજેક્ટમાં કોઈપણ જાતના ઓબ્જેક્શન છે નહિ એવી વાત કરીને પાવર પ્રોજેક્ટનું કામ ફરીથી ચાલુ કરશે. પરંતુ એ પહેલા આપણે મીરા સિંઘાનિયાના ખૂનીને જેલ ભેગો કરી દેવો પડશે.’ ઇન્સ્પેકટર પ્રતાપે ગણેશની સામે જોઇને કહ્યું હતું.
સબ ઇન્સ્પેક્ટર ગણેશ તલપડેએ આશા બાઈ અને રીમા કપૂરને ફોન કરીને પોલીસ સ્ટેશને બોલાવ્યા હતા.
રીમા કપૂર ગુસ્સામાં ઇન્સ્પેકટર પ્રતાપની કેબીનમાં દાખલ થઈ ગઈ હતી.
‘ઇન્સ્પેકટર પ્રતાપ તમે મને આ રીતે પોલીસ સ્ટેશનમાં શા માટે બોલાવી છે? તમે મારા જેવી સામાજિક કાર્યકરને પુછપરછ માટે પોલીસ સ્ટેશન બોલાવી ના શકો. તમે મને ખોટી રીતે હેરાન કરી રહ્યા છો. અને આ મુદ્દો હું મીડિયામાં ઉછાળીશ. તમે યાદ રાખશો.’ રીમાએ ગુસ્સામાં ઇન્સ્પેકટર પ્રતાપ સામે જોઈ કહ્યું.
‘રીમાજી તમે ખોટા ગુસ્સે થાવ છો. હું તો મારી ફરજ નિભાવી રહ્યો છું. મીરા સિંઘાનિયા, તમારી મિત્ર પણ હતી અને તમે જે ફાઉન્ડેશનના અત્યારે કરતાં-હરતા છો એ ફાઉન્ડેશનની સ્થાપક પણ હતી. એના કેસને ઉકેલવામાં તમે જો સહયોગ જ નહીં આપો તો તમે એમને ન્યાય કરી રહ્યા છો કે અન્યાય કરી રહ્યા છો. એ વાત તમે જ વિચારો? હું તો મારું કામ કરી રહ્યો છું.’ આટલું કહી ઇન્સ્પેકટર પ્રતાપ પોતાની કેબીન માંથી બહાર નીકળી ગયા હતા.
ઇન્સ્પેકટર પ્રતાપે ગણેશને ઈશારાથી આશા બાઈને કાચની કેબીનમાં જ્યાં પુછપરછ કરવામાં આવે છે ત્યાં લઈ જવાનું કહ્યું હતું. આશા બાઈ કાચની કેબીનમાં દાખલ થયા બાદ એ ખુરશીમાં બેસી ગઈ હતી.
એની બરાબર સામે સબ ઇન્સ્પેક્ટર ગણેશ તલપડે બેસી ગયો હતો. રીમા કપૂરને કાચની કેબીનની બહાર બેસવા માટે કહેવામાં આવ્યું હતું. જેથી કાચની કેબીનમાં જે પૂછપરછ થાય એ રીમા કપૂર દેખી શકે. પરંતુ શું પૂછવામાં આવે છે અને શું કહેવામાં આવે છે એ રીમા કપૂરને વોઈસપ્રુફ કાચના કારણે સંભળાય નહિ.
ઇન્સ્પેકટર પ્રતાપ કાચની કેબીનમાં દાખલ થયા હતા.
‘આશા બાઈ કેમ છો? તમે જરાય ચિંતા ના કરો. બહાર બધું શેટીંગ થઈ ગયું છે. તમારે તો ખાલી ને ખાલી કશુંક બોલવાનું છે. સબ ઇન્સ્પેક્ટર ગણેશ તલપડે તમે જે કંઈ પણ બોલશો પરંતુ એ તો, એજ રીપોર્ટ જે લખવા માટે એમને કહેવામાં આવ્યું છે. તે લખશે. તમે સમજી ગયા ને?’ ઇન્સ્પેકટર પ્રતાપે ઈશારાથી આશા બાઈને પૂછ્યું હતું. આશા બાઈ ખુશ થઈ ગઈ.
‘હા, સાહેબ મને કંઈ વાંધો નથી. જો શેટીંગ બધું બહાર થઈ જ ગયું હોય તો પછી ક્યાં વાંધો છે? જે કહો એ વાત હું કહું.’ આશા બાઈ એ ઇન્સ્પેકટર પ્રતાપને હસતાં-હસતાં કહ્યું હતું.
‘આશા બાઈ, તમે કોઈ એવું સામાજિક મરાઠી પિચર જોયું હોય, જેમાં બહુ દુઃખ હોય એ દુઃખ ભરી વાર્તા તમે સબ ઇન્સ્પેક્ટર ગણેશ તલપડેને સંભળાવો. તમે મરાઠીમાં બોલશો તો ચાલશે. સબ ઇન્સ્પેક્ટર ગણેશ તલપડે મરાઠી માનુસ છે. એ તમારી બધી જ લાગણીઓ સમજશે. તમે પિચરની સ્ટોરી કહેવાની શરૂઆત કરો અને ગણેશ તલપડે એની રીતે રીપોર્ટ લખશે.’ ઇન્સ્પેકટર પ્રતાપે આશા બાઈ સામે જોઈ કહ્યું હતું
ઇન્સ્પેકટર પ્રતાપ ટેબલની બીજી બાજુ બેઠો હતો, જ્યાંથી એ રીમા કપૂરને જોઈ શકતો હતો. જેથી એ રીમા કપૂરના મોઢાના હાવભાવને જોઈ શકે અને સમજી શકે.
પ્રતાપ એટલા માટે આ નાટક કરતો હતો કે જેથી રીમા કપૂર ટેન્શનમાં આવી જાય અને આશા બાઈએ તેની પોલ ખોલી નાખી છે એવું તેને થઈ જાય અને ઉતાવળમાં કે ડરથી એ સાચું બોલી જાય.
આશા બાઈએ પ્રતાપની વાતમાં આવી જઈને એક સામાજિક મરાઠી પિચરની દુઃખદ સ્ટોરી કહેવાનું શરૂ કર્યું હતું. દુઃખદ સ્ટોરી કહેતા-કહેતા આશા બાઈ એટલી બધી ઓતપ્રોત થઈ ગયી કે એની આંખ માંથી આંસુ આવવા લાગ્યા હતા. વાર્તા કહેતી વખતે એના હાથ ઊંચાં-નીચા થતા હતા. ઇન્સ્પેકટર પ્રતાપે ગણેશ તલપડેને ખોટું-ખોટું લખવાનું ઈશારો કર્યો હતો એટલે ગણેશ તલપડે પણ મનમાં હસતો-હસતો લખવાનું નાટક કરી રહ્યો હતો. લગભગ અડધો કલાક સુધી આ નાટકની પ્રક્રિયા ચાલી હશે.
‘ગણેશ, તું આશા બાઈ બોલે છે એ તું સાંભળ અને આખો રીપોર્ટ આપડે જે લખવાનો છે એ લખજે. આશા બાઈ કહે છે એ ના લખતો. ખાલી સાંભળજે જ.’ આટલું બોલી એ કેબીન માંથી બહાર નીકળી ગયા. અને રીમા કપૂરને પોતાની કેબીનમાં આવવા માટે કહ્યું.

ક્રમશઃ.......

(વાંચક મિત્રો, ઇન્સ્પેકટર પ્રતાપ આ ધારાવાહિક તમને કેવી લાગી રહી છે એ આપના પ્રતિભાવથી અમને જરૂરથી જણાવશો. જેથી આ વાર્તાને વધારે સારી રીતે હું વળાંક આપી આપના સુધી પહોંચાડી શકું.)

- ૐ ગુરુ