Featured Books
શ્રેણી
શેયર કરો

ઇન્સ્પેક્ટર પ્રતાપ - ભાગ 1

ઇન્સ્પેક્ટર પ્રતાપ

ભાગ-1

પર્યાવરણ બચાવનારનું ખૂન


"આજે સૂર્યાને તું ક્રિકેટ કોચીંગમાં મુકી આવજે. મારી આજથી સવારની ડ્યુટી થઇ ગઇ છે." વિશાખાએ પતિ પ્રતાપ પાંડેને કહ્યું હતું.

"તમારે ફોરેન્સીક લેબમાં ખુરશીમાં બેસીને કામ કરવાનું હોય છે અને અમારે પોલીસ સ્ટેશનમાં રાજકારણીઓ અને પબ્લીકના દબાણ નીચે કામ કરવાનું હોય છે. સૂર્યાને ક્રિકેટ કોચીંગમાં મુક્યો ત્યારે આપણે નક્કી કર્યું હતું કે એને લેવા-મુકવા જવાની જવાબદારી તારી રહેશે." પ્રતાપ પાંડેએ પત્ની વિશાખાને ગુસ્સાથી કહ્યું હતું.

વિશાખા હજુ કંઇ જવાબ આપે એ પહેલા બંન્ને જણનો મોબાઇલ રણક્યો હતો. બંન્નેના મોબાઇલ ફોનમાં રીંગ વાગી રહી હતી.

"જૂહુના એક બંગલામાં ખૂન થયું છે. મારે જવું પડશે." પ્રતાપે ઊભા થતાં વિશાખાને કહ્યું હતું.

"મારે પણ જૂહુના છત્રીસ નંબરના બંગલામાં જવાનું છે. આપણે બંન્ને જોડે ગાડીમાં જતા રહીએ. ઝઘડો રાત્રે આવીને પૂરો કરીશું અને સૂર્યાને આજનો દિવસ કોચીંગમાં મોકલતા નથી." વિશાખાએ હાથમાં પર્સ લેતા કહ્યું હતું.

પ્રતાપ અને વિશાખા જ્યારે જૂહુના બંગલા પર પહોંચ્યા ત્યારે મરનાર મીરા રાજપૂતની લાશ સોફાચેર પર બેઠેલી હાલતમાં પડી હતી. એના પેટમાં કોઇએ ચપ્પુ મારી દીધું હતું. મીરાની આંખો ખુલ્લી હતી અને બંન્ને હાથ સોફાચેર પર હતાં. પગમાં મોટી હીલના સેન્ડલ પહેરેલા હતાં.

વિશાખાની ફોરેન્સીક લેબની ટીમ ઘટનાસ્થળે પહેલા પહોંચી ગઇ હતી અને જૂહુ પોલીસ સ્ટેશનમાંથી સબ-ઇન્સ્પેક્ટર ગણેશ તલપડે અને બે લેડી કોન્સ્ટેબલ પણ હાજર હતાં.

પ્રતાપ પાંડેને બંગલામાં દાખલ થયેલો જોઇ ગણેશ ઉતાવળે ચાલીને પ્રતાપ પાસે આવી ગયો હતો.

"સર, આ જે સ્ત્રીનું ખૂન થયું છે. એનું નામ મીરા સીંઘાનીયા છે. પેલા સોફા પર બેસીને રડી રહ્યા છે તે એમના પતિ ઉદ્યોગપતિ ધીરજ સીંઘાનીયા છે. આપણને એમણે જ ફોન કરી ઘટનાની જાણ કરી અહીં બોલાવ્યા છે." ગણેશે ઇન્સ્પેક્ટર પ્રતાપ પાંડેને કહ્યું હતું.

પ્રતાપ પાંડે ધીરજ જે સોફા પર બેઠો હતો તેની નજીક ગયા હતાં.

"મી. ધીરજ, હું સમજું છું કે તમારા માટે ખૂબ દુઃખનો અને નાજુક સમય છે પરંતુ તમને વાંધો ના હોય તો હું બે-ત્રણ સવાલ પૂછવા માંગુ છું." પ્રતાપે રડી રહેલા ધીરજ સામે જોઇ પૂછ્યું હતું.

ધીરજે રૂમાલથી આંસુ લૂછ્યા અને હકારમાં માથું ધુણાવ્યું હતું.

"તમારી પત્નીની લાશ જોઇ એવું લાગે છે કે તેઓ કશે બહાર જવા માટે નીકળતા હતાં. તમે કહી શકો કે એ ક્યાં જઇ રહ્યા હતાં અને તમારા બે જણ સિવાય ઘરમાં કોણ-કોણ રહે છે?" ઇન્સ્પેક્ટર પ્રતાપે પૂછ્યું હતું.

"કદાચ એ એની મિત્ર રીમા કપુરને મળવા માટે જવાની હતી અને મારા ઘરમાં હું, મારી પત્ની મીરા અને મારો નોકર રહીમ અને રસોઇ કરવાવાળા બહેન આશાતાઇ અમે ચાર જણ રહીએ છીએ. મારો દીકરો શિમલા કોન્વેન્ટ સ્કૂલમાં ભણે છે. એ રજાઓમાં અહીં આવતો હોય છે. બસ, અમે આટલા જ જણ ઘરમાં રહીએ છીએ." ધીરજે આંસુ લૂછતાં લૂછતાં જવાબ આપ્યો હતો.

"તમારી પત્નીને કોઇની સાથે દુશ્મની ખરી અને તમારી પત્નીનું ખૂન થયું ત્યારે તમે ક્યાં હતાં?" પ્રતાપ પાંડેએ પોતાના સવાલ આગળ વધાર્યા હતાં.

"મારી પત્ની એક સમાજસેવિકા હતી અને પર્યાવરણને બચાવવા માટે અભિયાન ચલાવતી હતી. માટે એના ઘણાંબધાં દુશ્મન હતાં. બેતાલીસ વર્ષની એની ઉંમર હતી પરંતુ દુશ્મન એના પચાસથી વધારે હશે. છેલ્લા છ મહિનાથી એને ફોન ઉપર ધમકીઓ પણ મળતી હતી અને ચાર મહિના પહેલા અમે જૂહુ પોલીસ સ્ટેશને આ બાબતની ફરિયાદ પણ લખાવી હતી. અમારી ફરિયાદ સબ ઇન્સ્પેક્ટર ગણેશ તલપડેએ જ લખી હતી. મારી પત્નીનું ખૂન થયું ત્યારે હું હોટલ તાજમાં ઉદ્યોગપતિ દીપક બીરલા સાથે અમારા નવા પાવર પ્રોજેક્ટ વિશે પ્લાન બનાવી રહ્યા હતાં. મીટીંગ પતાવી હું ઘરે આવ્યો અને મારી ચાવીથી ઘરનો દરવાજો ખોલી ડ્રોઇંગરૂમમાં દાખલ થયો ત્યારે મારી પત્ની મીરાની લાશ આ રીતે આ જ અવસ્થામાં સોફા પર પડી હતી. ત્યારબાદ સૌથી પહેલા મેં એમ્બ્યુલન્સને ફોન કર્યો અને ત્યારબાદ પોલીસને ફોન કર્યો હતો. મેં એના નાક પાસે આંગળી રાખી ચકાસ્યું તો મને ખબર પડી કે એ હવે આ દુનિયામાં રહી નથી." આટલું બોલી ધીરજ સીંઘાનીયા ધ્રુસકે ને ધ્રુસકે રડી રહ્યા હતાં.

પ્રતાપ થોડીવાર ઊભો રહ્યો હતો. ધીરજ સીંઘાનીયા થોડા શાંત થયા એટલે પ્રતાપે નોકર રહીમ અને આશાતાઇને મળવાની વાત કરી હતી.

"રહીમ બે દિવસથી રજા ઉપર છે અને આશાતાઇ આજે બાર વાગે રજા લઇને નીકળી ગઇ હતી. માટે એ લોકો કાલે બપોર પછી મળી શકશે." ધીરજે જવાબ આપતા કહ્યું હતું.

"ઘરના સીસીટીવી કેમેરાના કાલ સવાર થી અત્યાર સુધીના બધાં જ ફુટેજ ચકાસી લેજે અને કશું શંકાસ્પદ લાગે તો મને જણાવજે. પણ મને લાગે છે ખૂન કરનારે સીસીટીવી ફુટેજ આપણને ના મળે એની વ્યવસ્થા ગોઠવી જ દીધી હશે છતાં કંઇક મળી જાય તો આપણને કેસમાં થોડી વધુ માહિતી મળી શકે." પ્રતાપે ગણેશને સૂચના આપતા કહ્યું હતું.

પ્રતાપને હવે વધારે સવાલ અત્યારે ધીરજને પૂછવાનું યોગ્ય લાગ્યું ન હતું. ધીર-ધીરે મુંબઇમાં રહેતી સેલીબ્રિટીઓ અને ધીરજના અંગત સ્વજનો આવી રહ્યા હતાં. પોલીસે બધાંને દરવાજા બહાર રોકી રાખ્યા હતાં.

"લાશ પાસે રહેલા બધાં પુરાવા ભેગાં કરી લીધા? કશું શંકાસ્પદ લાગે છે?" પ્રતાપે વિશાખાને પૂછ્યું હતું.

"લાશ પાસેથી એક ડાયમંડની વીંટી મળી છે, એક કાંસકો મળ્યો છે, લાશની બરાબર સામે કોઇ વસ્તુ મુક્યાના નિશાન મળ્યા છે અને એક કાળા કલરની અડધી સળગેલી સીગરેટ મળી છે અને બે-ત્રણ માથાના વાળના પણ સેમ્પલ મળ્યા છે. બીજી બધી માહિતી પોસ્ટમોર્ટમના રીપોર્ટ ઉપરથી ખબર પડશે. હું મારી ટીમ સાથે ફોરેન્સીક લેબ જઉં છું." આટલું બોલી વિશાખા નીકળી ગઇ હતી.

મીરા સીંઘાનીયાની લાશને પોસ્ટમોર્ટમના રીપોર્ટ માટે મોકલી આપી હતી.

"ચાર મહિના પહેલા મીરા સીંઘાનીયાને ધમકીઓ મળતી હતી એ બાબતે તમે શું તપાસ કરી હતી? તને કોઇના પર શંકા પડી હતી ખરી?" પ્રતાપે પાંડેએ જૂહુ પોલીસ સ્ટેશન પહોંચી સબ ઇન્સ્પેક્ટર ગણેશને પૂછ્યું હતું.

"સર, આ ચાર મહિના પહેલાની વાત છે. એ વખતે તમારી બદલી અહીં થઇ ન હતી. મીરા સીંઘાનીયાએ એવી ફરિયાદ લખાવી હતી કે એમને કોઇ ફોન ઉપર ધમકાવે છે અને નાસિકની નજીક આવેલા જંગલમાં રહેતા આદિવાસીઓને મદદ કરવાની ના પાડે છે. એ વખતે અહીંના ઇન્ચાર્જ ઇન્સ્પેક્ટર પાટીલે આ બાબતે તપાસ કરી હતી ત્યારે ખબર પડી હતી કે દીપક બીરલા ત્યાં એક પાવર પ્રોજેક્ટ લગાવી રહ્યા છે અને મીરા સીંઘાનીયા એનો પુરજોરથી વિરોધ કરી જ રહી હતી. બસ, પોલીસ ફરિયાદ થયા પછી એમને ધમકીભર્યા ફોન આવતા બંધ થઇ ગયા હતાં. પરંતુ એ પ્રોજેક્ટ ધીરે-ધીરે આગળ વધી રહ્યો હતો અને મીરા સીંઘાનીયા એનો વિરોધ કરી હતી એટલી વાત મને ખબર છે." સબ ઇન્સ્પેક્ટર ગણેશે પ્રતાપને માહિતી આપતા કહ્યું હતું.

"એક કામ કર, દીપક બીરલાની ઓફિસે ફોન કરી એમને કહે કે મીરા સીંઘાનીયાના ખૂન બાબતે હું એમને મળવા માંગુ છું." પ્રતાપે કોફીનો કપ હાથમાં લેતા ગણેશને સૂચના આપી હતી.

સબ ઇન્સ્પેક્ટર ગણેશ તલપડેએ પ્રતાપની સૂચના તો સાંભળી લીધી પરંતુ મોં પહોળું કરીને એની સામે જોઇ રહ્યો હતો. પ્રતાપની નજર એના પર પડી હતી.

"શું થયું? કેમ બેસી રહ્યો છે? સૂચનાનો અમલ કરતો કેમ નથી?" પ્રતાપે ગણેશને પૂછ્યું હતું.

"સર, એ દીપક બીરલા છે. મુંબઇનો મોટો ઉદ્યોગપતિ, કોમન માણસ નથી કે ગમેત્યારે એની આપણે પૂછપરછ કરી શકીએ. મહારાષ્ટ્રના હોમ મીનીસ્ટરની દીકરી એમના ત્યાં પરણાવી છે. તમે એમની પૂછપરછ કરવાની વાત કરશો તો આપણે સસ્પેન્ડ થઇ જઇશું." સબ ઇન્સ્પેક્ટર ગણેશે સૂચના અમલ ન કરવાનું કારણ બતાવ્યું હતું.

ગણેશની વાત સાંભળી પ્રતાપ હસવા માંડ્યો હતો.

"મારી પંદર વર્ષની નોકરીમાં મારી ત્રીસ જગ્યાએ ટ્રાન્સફર થઇ છે અને બે વાર હું સસ્પેન્ડ પણ થયો છું. મારા માટે કંઇ નવું નથી. તું એક કામ કર, નંબર મને લાવી આપ. હું વાત કરું છું." પ્રતાપે ગણેશને કહ્યું હતું.

ગણેશે ફોન નંબર લાવી પ્રતાપને આપ્યો હતો. પરંતુ પ્રતાપ મુર્ખામી કરી રહ્યો છે અને અડધો પાગલ છે એવું તો એને સમજાઇ ગયું હતું. પ્રતાપને ટ્રાન્સફર થઇ ને હજુ એક મહિનો જ થયો હતો પણ ગણેશ હજુ પ્રતાપને બરાબર સમજી શક્યો ન હતો. પરંતુ આજના વર્તન ઉપરથી ધીરે-ધીરે પ્રતાપનું કેરેક્ટર એને સમજાઇ રહ્યું હતું.

પ્રતાપે દીપક બીરલાની ઓફિસે ફોન કરી એમને મળવા માટેનો સમય લઇ લીધો હતો. બીજા દિવસે સવારે અગિયાર વાગે પ્રતાપે એમને મળવા માટે જવાનું હતું.

બીજા દિવસે સાંજ સુધીમાં પોસ્ટમોર્ટમનો રીપોર્ટ પણ આવી જશે એટલે ખૂનનું રહસ્ય શોધવામાં સરળતા પડશે એવું વિચારતા વિચારતા એણે સીગરેટ સળગાવી હતી.

પ્રતાપે પંદર વર્ષ પહેલા પોલીસ ફોર્સ જોઇન્ટ કરી ત્યારે નક્કી કર્યું હતું કે ગમેતેટલી વિપરિત પરિસ્થિતિ કે સંજોગો હોય છતાં ઇમાનદારીથી નોકરી કરીશ. વિશાખા જોડે લવમેરેજ કરવામાં વિશાખાની ઇમાનદારી પણ એક કારણ હતી. પતિ-પત્ની બંન્ને પોલીસ ક્વાર્ટરમાં રહેતા હતાં અને પોતાની ફરજ ઇમાનદારી અને નિષ્ઠાથી નિભાવતા હતાં.

ભ્રષ્ટાચાર ચારેબાજુ વ્યાપેલો હોવા છતાં એ તરફ દૃષ્ટિ ના રાખતા પોતે ઇમાનદારીથી પોતાનું કામ કરી રહ્યા હતાં. પ્રતાપ રાત્રે નવ વાગે ઘરે પહોંચ્યો ત્યારે વિશાખા ઘરે આવી ગઇ હતી. પોતાના દસ વર્ષના દીકરા સૂર્યાનું ક્રિકેટ કોચીંગ આજે કેન્સલ કરવું પડ્યું એ એને ગમ્યું ન હતું.

"સવારે મારી જોડે જીભાજોડી કરવાના બદલે સૂર્યાને તું ક્રિક્ટ કોચીંગમાં મુકી આવ્યો હોત તો સારું થાત. તારા અડીયલ સ્વભાવના કારણે તારી ત્રીસ વખત બદલીઓ થઇ છે. હું પણ ઇમાનદાર છું પણ છતાં પંદર વર્ષથી ફોરેન્સીક લેબમાં હું મારું સ્થાન બનાવી શકી છું. જ્યારે તું સમય સાથે ચાલવાના બદલે ગુસ્સામાં અને ક્રોધમાં આવી સીનીયર ઓફિસર જોડે બગાડી મુકે છે અને એવું હવે તું આપણા લગ્ન બાબતમાં પણ કરી રહ્યો છે." વિશાખાએ પ્રતાપને ડીનર આપતા આપતા કહ્યું હતું પરંતુ પ્રતાપનું ધ્યાન મીરા સીંઘાનીયાના ખૂન કેસમાં લાગેલું હતું.

એક સામાજિક કાર્યકરનું ખૂન કરવા પાછળ કોઇનો હેતુ હોય એવું એને લાગતું ન હતું.

"મારે તારી જોડે કોઇ જીભાજોડી કરવી નથી અને આ કેસ પતે નહિ ત્યાં સુધી તું મારું લોહી પીતી નહિ." પ્રતાપે ગુસ્સાથી વિશાખાને કહ્યું હતું.

વિશાખાએ જોરથી પાણીનો જગ ટેબલ પર પછાડ્યો અને કાલે સવારે સૂર્યાને ક્રિકેટ કોચીંગમાં મુકી આવવા માટે પ્રતાપને કહી એ બેડરૂમમાં જઇ સુઇ ગઇ હતી.

"સાલું કોઇ પુરૂષોએ લગન જ ના કરવા જોઇએ." પ્રતાપ સીગરેટ સળગાવતા મનોમન બબડ્યો હતો અને ડ્રોઇંગરૂમના સોફા પર જ એ સુઇ ગયો હતો.

સવારે સાત વાગે તૈયાર થઇ સૂર્યાને ક્રિકેટ કોચીંગમાં મુકવા ગયો હતો. હવે એને ઘરે પાછા જવાનું નહોતું કે પોલીસ સ્ટેશન પણ જવાનું ન હતું. સીધું જ દીપક બીરલાની ઓફિસે મળવા જવાનું હતું માટે થોડીવાર એણે સૂર્યા કેવી રીતે બેટીંગ પ્રેક્ટિસ કરે છે એ જોઇ લઉં. પ્રતાપ સૂર્યાની બેટીંગ પ્રેક્ટિસને જોઇ રહ્યો હતો. સૂર્યાની બેટીંગથી એ ખૂબ ખુશ થયો હતો પરંતુ અચાનક એની નજર જે વસ્તુ પર પડી એ જોઇ એના મગજમાં એક સાથે સો વિચારો આવી ગયા હતાં.

ક્રમશઃ...

(વાચકમિત્રો, ઇન્સ્પેક્ટર પ્રતાપ આ ધારાવાહિક આપને કેવી લાગી રહી છે એ આપના પ્રતિભાવથી જરૂર જણાવશો. જેથી આ વાર્તાને વધારે સારી રીતે હું વળાંક આપી આપના સુધી પહોંચાડી શકું.)

- ૐ ગુરુ