Featured Books
શ્રેણી
શેયર કરો

ઇન્સ્પેક્ટર પ્રતાપ - ભાગ 6

ઇન્સ્પેકટર પ્રતાપ

ભાગ- 6

અંધારાનું તીર સીધું નિશાન ઉપર


ઇન્સ્પેકટર પ્રતાપની પાછળ પાછળ રીમા કેબીનમાં દાખલ થઈ અને બન્ને જણ ખુરશીમાં બેઠા હતા.
‘જુઓ રીમાજી, આશા બાઈએ મારી પાસે બધું કબૂલી લીધું છે. એણે તમને મીરા સિંઘાનિયાનું ખૂન કરવામાં તમને મદદ કરી છે એવું પણ કબૂલી લીધું છે. હવે તમે પણ તમારો ગુનો કબૂલી લો એટલે કેસ પૂરો થાય.’ ઇન્સ્પેકટર પ્રતાપે રીમા કપૂર સામે જોઇને કહ્યું હતું.
‘ઇન્સ્પેકટર પ્રતાપ તમે જ આ પોલીસ સ્ટેશનમાં હવે એક-બે દિવસના મહેમાન છો. મેં તમારી ગૃહ મંત્રાલયમાં ફોન કરી ટ્રાન્સફર કરવા માટે કહી દીધું છે. તમારા હાથમાં કેસ આવ્યો ત્યારથી જ મને લાગતું હતું કે તમે ખતરનાક સાબિત થઈ શકો છો અને એટલે જ મેં પહેલેથી જ તમારા ટ્રાન્સફર માટેની વ્યવસ્થા ગોઠવી રાખી હતી.’ રીમા કપૂરે પાકીટ માંથી સિગરેટ લઈ મોઢામાં મુકી સળગાવતાં કહ્યું હતું.
રીમા કપૂરની સિગરેટ જોઈ પ્રતાપને આંચકો લાગ્યો કે આવી જ સિગરેટ મીરા સિંઘાનિયાની લાશ પાસેથી મળી હતી. પ્રતાપ પાસે કોઈ જ સબૂત ન હતો છતાં પ્રતાપ અંધારામાં તીર રીમાની ઉપર ચલાવી રહ્યો હતો. પરંતુ પ્રતાપનું અંધારામાં મારેલું તીર બરાબર નિશાના પર જઈને વાગ્યું હતું.
હવે પ્રતાપ તેનાં ઓરીજીનલ મુડમાં આવી ગયો. પ્રતાપે પોતાની ખુરશી માંથી ઊભા થઈ કેબીનમાં આટા મારવાનું શરૂ કર્યું હતું.
‘તમે ખૂન કંઈ રીતે કર્યું છે, એ હવે રીમાજી હું તમને સમજાવું. મારી ભૂલ થતી હોય તો મને કહેજો.’ પ્રતાપે રીમા સામે જોઈ કહ્યું હતું.
‘સૌ પ્રથમ તમે ધીરજ સિંઘાનિયા ઘરમાંથી નીકળ્યા બાદ તરત જ ઘરમાં આશા બાઈ સાથે દાખલ થયા હતા. કારણ કે આશા બાઈ અગિયાર વાગે ઘરમાંથી બહાર નીકળી ગયી હતી અને તમારી ગાડીમાં આવીને બેસી ગયી હતી. ઘરમાં દાખલ થયા બાદ તમે મીરા સિંઘાનિયા જે સોફાચેરમાં બેઠા હતા, એના સામેના સોફાચેર પર તમે બેસી ગયા હતા. તમે મીરાના ઘરે આવવાનું મીરાને કોઈપણ કારણ આપ્યું હશે અને આશા બાઈએ પણ પાછા આવવાનું કોઈ કારણ આપ્યું હશે. અને એ મીરા સિંઘાનિયા સરળતાથી માની ગયા હશે. તમે આશા બાઈએ બનાવેલું કોઈ શરબત કે જ્યુસ એમાં તમે મીરા સિંઘાનિયાને બેભાન કરવાની દવા નખાવડાવી દીધી હશે. એ જ્યુસ જેવું મીરા સિંઘાનિયાએ પીધું હશે, એ તરત જ બેભાન થઈ ગઈ હશે. જેવી એ બેભાન થઈ હશે એટલે તમે આશા બાઈ સાથે મળીને એને સોફાચેરમાં બાંધી દીધી હશે. ત્યારબાદ તમે ક્રિકેટનો બોલ થ્રો કરવાનું મશીન તમે જે સોફાચેર પર બેઠા હતા, એ સોફાચેર ખસેડી એ જગ્યા પર મૂકી દીધું હશે. અને બરાબર બે થી ચાર વચ્ચેનો કોઈપણ એક સમય એ ટાઈમરમાં તમે સેટ કરી દીધો. બની શકે કે તમે ત્યાં હાજર રહ્યા હોય. જેવું ક્રિકેટનો બોલ થ્રો કરવાના મશીન માંથી ચપ્પુ નીકળી મીરા સિંઘાનિયાના પેટમાં ઘુસી ગયું હશે એવા તરત જ તમે અને આશા બાઈએ એના શરીર ઉપર બાંધેલા દોરડાં કાઢી નાખ્યા હશે. મેં તમને જે વાત કીધી અને આશા બાઈએ જે વાત કહી છે એમાં થોડો ફરક છે, પંરતુ આ જ પ્રમાણે ઘટના થઈ છે અને આશા બાઈએ પોતે માત્ર તમને મદદ કરી છે, પણ ખૂન તમે કર્યું છે એવું એનું કહેવું છે.’ ઇન્સ્પેકટર પ્રતાપે મજબૂતાઈ સાથે એમની ધારણા રીમા કપૂરને કહી હતી.
રીમા કપૂરે પોતાની સિગરેટ ઓલવી નાખી અને ઇન્સ્પેકટર પ્રતાપ સામે જોયું હતું.
‘ઇન્સ્પેકટર પ્રતાપ આ તમારી માત્ર ધારણા છે, આના માટે તમારે પુરાવા પણ જોઇશે. ચાલો માની લઈએ એક મિનીટ માટે કે આ વાત સાચી પણ હોય, પંરતુ તમારી પાસે પુરાવા ક્યાં છે? તેમ જ આશા બાઈ ઘરમાંથી અગિયાર વાગે નીકળી ગયી હતી, ધીરજ એનો સાક્ષી છે. પણ ઘરમાં પાછી આવી હતી એનો કોઈ સાક્ષી નથી. માટે આશા બાઈની ગવાહી કોર્ટમાં મારી સામે એક મિનીટ પણ ચાલી શકશે નહિ’ રીમા કપૂરે ઇન્સ્પેકટર પ્રતાપ સામે હસતાં-હસતાં કહ્યું હતું.
‘મારા સમજાવવાથી આશા બાઈ પોતે સરકારી ગવાહ બનવા માટે તૈયાર થઈ ગયા છે. અને રહી વાત પુરાવાની તો તમે આ ખૂનમાં માત્ર એક ભૂલ કરી નાખી છે. તમે તમારી સિગરેટ ત્યાં મીરા સિંઘાનિયાની લાશ પાસે જ ઓલવી હતી, અને જે પોલીસને મીરા સિંઘાનિયાની લાશ પાસેથી મળી છે. એ સિગરેટ પરના ડી.એન.એ તમારા ડી.એન.એ સાથે મેચ થઈ જશે. ડાયમંડની રીંગ મીરા સિંઘાનિયાની હતી, પરંતુ એના બોક્સ ઉપર એમના સિવાય બીજાના પણ ફિંગર પ્રિન્ટ હતા. મારું માનવું છે કે એમના ફિંગર પ્રિન્ટ સાથે તમારા ફિંગર પ્રિન્ટ મેચ થઈ જશે. તમે મને કહ્યું હતુ કે એક વાગે તમે તમારા ઘરે હતા, જયારે તમારા જ ફ્લેટના સિક્યુરીટી ગાર્ડના કહેવા પ્રમાણે તમે સવારના સાડા દસ થી લઈને સાંજના સાડા પાંચ સુધી તમારા ફ્લેટ ઉપર હાજર ન હતા. આશા બાઈના બયાન અને આ બધા પુરાવાનાં આધારે હું તમને મીરા સિંઘાનિયાના ખૂન કેસમાં ગિરફ્તાર કરી રહ્યો છું.’ ઇન્સ્પેકટર પ્રતાપે રીમા કપૂરને કહ્યું હતું.
ઇન્સ્પેકટર પ્રતાપ હજી આગળ કશું બોલે એ પહેલા એના મોબાઈલની રીંગ વાગી. ફોન પોલીસ કમિશનરની કચેરીમાંથી હતો. પોલીસ કમિશનરે આ કેસ ઉપરથી ઇન્સ્પેકટર પ્રતાપને હટી જવાનો આદેશ આપ્યો હતો અને રીમા કપૂરને પોલીસ સ્ટેશનમાંથી જવા દેવાનું કીધું હતું. સાથે-સાથે આશા બાઈને પણ છોડી દેવી, એવો સ્પષ્ટ ઓડર પ્રતાપને આપવામાં આવ્યો હતો.
‘હા, તો ઇન્સ્પેકટર પ્રતાપ તમારી આ સચ્ચાઈ અને તમે જે આ શોધખોળ કરી અને મીરા સિંઘાનિયાના ખૂન કેસ બાબતે તમે જે ધારણા કરી એ સાચી છે. પણ તમારી બદલી થઈ રહી છે અને નવો ઇન્સ્પેકટર હવે જે આ કેસ પર મુકવામાં આવશે એ અમારો માણસ હશે. માટે હવે તમે આશા બાઈને પણ છોડી દો.’ રીમાએ ઇન્સ્પેકટર પ્રતાપ સામે હસતાં-હસતાં કહ્યું હતું.
‘રીમાજી તમે જઈ શકો છો. આશા બાઈને હું કાનૂની કાર્યવાહી પૂરી કરી મોકલી દઈશ.’ ઇન્સ્પેકટર પ્રતાપે નિરાશ થતા કહ્યું હતું.
રીમા કપૂર હસતાં-હસતાં પોલીસ સ્ટેશન માંથી બહાર નીકળી ગયી હતી.
ઇન્સ્પેકટર પ્રતાપ કાચની કેબીનમાં આવ્યો. ત્યાં સુધીમાં એણે એના મનમાં એક પ્લાન ઘડી કાઢ્યો હતો. કાચની કેબીનમાં દાખલ થયા બાદ આશા બાઈ સામે જોઈ કહ્યું હતું.
‘રીમા કપૂરે પોતાનો ગુનો કબૂલી લીધો છે. એટલે ઉપરથી જે સેટીંગ કરવામાં આવ્યું હતું એ સેટીંગ હવે કોઈ કામનું નથી. રીમા કપૂરના કહેવા પ્રમાણે આ ખૂન તમે કર્યું છે. એ તો એ જગ્યાએ ખાલી ઉપસ્થિત જ રહ્યા હતા.’ ઇન્સ્પેકટર પ્રતાપે આશા બાઈ સામે જોઈ કીધું હતું.
ઇન્સ્પેકટર પ્રતાપની વાત સાંભળી આશા બાઈ ભડકી ગઈ હતી.
‘ના સાહેબ, ખૂન મેં નથી કર્યું. ખૂન રીમા કપૂરે જ કર્યું છે. મેં તો જ્યુસની અંદર એમણે આપેલી ગોળી એમને બેભાન કરવા માટે નાખી હતી અને સોફાચેર ખસેડવામાં મદદ કરી હતી. બાકી મશીન ગોઠવવાનું, મીરાબેનને બાંધવાનું બધું કામ રીમા કપૂરે જ કર્યું હતું. મને તો આ કામ કરવાના પાંચ લાખ રૂપિયા મળ્યા હતા. મેં ખૂન કર્યું નથી.’ આટલું બોલી આશા બાઈ રડવા લાગી હતી.
ઇન્સ્પેકટર પ્રતાપનો ફોન ફરીવાર વાગ્યો હતો. પોલીસ કમિશનરે આશા બાઈને છોડી દેવાની સ્પષ્ટ તાકીદ કરી હતી અને ઇન્સ્પેકટર પ્રતાપને પોલીસ કમિશનરની કચેરીએ બોલાવ્યા હતા.
ઇન્સ્પેકટર પ્રતાપ ગુસ્સામાં આવી ગયો હતો અને ગણેશને આશા બાઈને છોડી દેવા કહ્યું હતું. અને પોતે પોલીસ જીપમાં બેસી પોલીસ કમિશનરની કચેરીએ પહોંચ્યો હતો.
પોલીસ કમિશનરની કેબીનમાં દાખલ થતાં જ પ્રતાપને પોલીસ કમિશનર ગુસ્સામાં છે, એ એને સમજાઈ ગયું હતું.
‘ઇન્સ્પેકટર પ્રતાપ તમારું આ જ વર્તન તમારી અને મારી બંનેની નોકરી લઈને જશે. ઇન્સ્પેકટર પ્રતાપ તમે સમજતાં કેમ નથી? તમે જે રીતે પોલીસ તપાસ કરી રહ્યા છો એમાં મારી તમારી બંનેની નોકરી જશે. હોમ મિનીસ્ટર જરાં પણ ઈચ્છતા નથી કે આ કેસની તપાસ આટલી ઝડપથી થાય અને કાલની કોન્ફરન્સ પુરી ના થાય ત્યાં સુધી આ કેસ બાબતે તમારે કોઈપણ એક્શન લેવાના નથી અને તમારી બદલી જુહુ પોલીસ સ્ટેશનથી કરીને બાંદ્રા પોલીસ સ્ટેશનમાં કરવામાં આવી છે. પરમ દિવસ સવારથી તમારે ત્યાનો ચાર્જ સંભાળવાનો છે. અને કાલની કોન્ફરન્સની સુરક્ષાનો કડક બંદોબસ્ત તમારે કરવાનો છે. આ ખુબ જ હાઈપ્રોફાઈલ કેસ છે. માટે આને આટલો ઝડપથી ઉકેલી ના લેવાય.’ પોલીસ કમિશનરે ગુસ્સામાં ઇન્સ્પેકટર પ્રતાપને કહ્યું હતું.
‘સર, હું સમજુ છું, પરંતુ ખૂની આ રીતે સરળતાથી મીરા સિંઘાનિયા જેવા એક સામાજિક કાર્યકરનું ખૂન કરીને નીકળી જાય. એ આપણા માટે અને ગૃહમંત્રી માટે પણ સારું ના કહેવાય. છતાં પણ આપ જે પ્રમાણે કહો છો એ પ્રમાણે જ હું કરીશ. કાલનો બંદોબસ્ત હું ગોઠવી દઉં છું. રીમા કપૂર અને આશા બાઈ બંનેને મેં છોડી મુક્યા છે. પરંતુ આ ભ્રષ્ટ સિસ્ટમને આપણે સુધારવી પડશે. નહિતર લોકોનો વિશ્વાસ આ કાનૂન ઉપરથી સદંતર ઉઠી જશે.' ઇન્સ્પેકટર પ્રતાપે કમિશનર સામે જોઈ કહ્યું.
‘પ્રતાપ મારે તારી સલાહની જરૂર નથી. મારા રિટાયરમૅન્ટને બે વર્ષ બાકી રહ્યા છે અને હું શાંતિથી રિટાયર્ડ થવા મંગુ છું. માટે મને તકલીફ પડે એવા કોઈ કામ ના કર. તું એક સારો અને ઈમાનદાર ઓફિસર છે. મને તારા માટે ખુબ માન છે. પરંતુ તારી દરેક તપાસ તું એવી રીતે કરે છે કે જેના કારણે દરેક વખતે ઉપરથી મારા પર દબાણ આવી જાય છે. મારા સિવાય તે બીજા કમિશનરો જોડે પણ તે જે કામ કર્યું છે, એ બધાની પણ આ જ ફરિયાદ તારા માટે છે. માટે તું સુધરી જા. તું જઈ શકે છે.’ આટલું બોલી કમિશનર ચુપ થઈ ગયા હતા.
પ્રતાપ પોલીસ કમિશનરને સેલ્યુટ કરીને એમની કેબીન માંથી બહાર નીકળ્યો હતો અને સીધો ગૃહમંત્રાલય પહોંચ્યો હતો.
ગૃહમંત્રાલયમાં દાખલ થઈ ગૃહમંત્રીના પી.એ સાવંતને ગૃહમંત્રીને બે મિનિટ મળવાની વિનંતી કરી હતી. સાવંત ઇન્સ્પેકટર પ્રતાપને સારી રીતે ઓળખતો હતો.
‘ઇન્સ્પેકટર પ્રતાપ ગૃહમંત્રી ખુબજ વ્યસ્ત છે, છતાં પણ હું વાત એમને કરી જોવું છું.’આટલું બોલી સાવંત ગૃહમંત્રીની કેબિનમાં ગયો હતો. અને થોડીવારમાં બહાર આવ્યો હતો.
‘સરે તમને પાંચ મિનિટ ફાળવી છે. પાંચ મિનિટમાં જે કંઈ પણ વાત કરવી હોય એ કરી લેજો. અને હા, કોઈપણ વિવાદાસ્પદ વાત એમની સાથે ના કરતા.’આટલું બોલી સાવંત ઇન્સ્પેકટર પ્રતાપની આગળ-આગળ ચાલવા લાગ્યો હતો અને હોમ મિનીસ્ટરની કેબીનમાં દાખલ થયો હતો.
ગૃહમંત્રી મધુકર ગોડબોલે ઇન્સ્પેકટર પ્રતાપને તીક્ષ્ણ નજરોથી જોઈ રહ્યા હતા.
'સાલા, તમે પોલીસવાળાઓ પૈસા ખાવાના ધંધા કરો છો અને ઇમાનદારીના ઢોલ પીટો છો. તારે રીમા કપૂર ઉપર હાથ નાખવાની જરૂર શું હતી? તને જેટલું કહેવામાં આવ્યું છે એટલું કામ તને કરતા નથી આવતું?' ગૃહમંત્રી ગોડબોલે ગુસ્સામાં ઇન્સ્પેકટર પ્રતાપને બોલી રહ્યા હતા.
‘સર, મારું પ્રમોશન છેલ્લા પાંચ વર્ષથી રોકાયેલું છે. હું આ કેસ તમને ફાયદો થાય તે રીતે નીવેડો લાવીને મારુ પ્રમોશન કરાવવા માંગતો હતો. પરંતુ કમિશનર સાહેબ જરાંય ઇચ્છતા નથી કે આ કેસથી તમારો કોઈ ફાયદો થાય. તમે જ વિચાર કરો સાહેબ હવે એક વર્ષ પછી ઈલેક્શન છે. મહારાષ્ટ્રના ભાવિ મુખ્યમંત્રી બનાવની તક કમિશનર સાહેબ તમારી પાસેથી લઇ રહ્યા છે. હવે ડી.એફ.ને મુખ્યમંત્રી બનાવવા કરતાં, જો તમને મુખ્યમંત્રી બનાવામાં આવે તો આ રાજ્યનું કેટલું ભલું થાય?’ઇન્સ્પેકટર પ્રતાપે પોતાના શબ્દોની જાળ બીછાવવાનું શરૂ કર્યું હતું.
ઇન્સ્પેકટર પ્રતાપની વાત સાંભળી હોમ મિનીસ્ટરની આંખમાં ચમક આવી.
'આમાં મારો ફાયદો કેવીરીતે થાય એ મને સમજાય.' ગૃહમંત્રી ગોડબોલેએ ઇન્સ્પેકટર પ્રતાપની વાતમાં રસ લીધો હતો.
‘જોવો સાહેબ, હું રીમા કપૂરને પકડીને હવાલાતમાં પુરી દઉં છું. કાલની કોન્ફરન્સમાં તમે ઉપસ્થિત રહેવાના છો. કાલે તમારે પ્રેસ કોન્ફરન્સમાં એવું જાહેર કરવાનું કે મીરા સિંઘાનિયા જેવા સામાજિક કાર્યકર્તાને મારનાર રીમા કપૂરને અમે ગિરફ્તાર કરી લીધી છે. રીમા કપૂર જેલમાં હશે તો ગ્રીન વર્લ્ડ ફાઉન્ડેશન સક્રિય રહી શકશે જ નહિ, બીજીવાત દિપક બિરલા પાસે વીસ કરોડ રૂપિયામાં રીમા કપૂરે ડિલ કરી છે અને ગ્રીન વર્લ્ડ ફાઉન્ડેશન પાસે બીજા તીસ કરોડ છે. એમ પચાસ કરોડ રૂપિયાની એફ.ડી છે. આ પચાસ કરોડ રૂપિયા સીધે સીધા આપની કોઈ સંસ્થામાં આવી શકે તેમ છે. રીમા કપૂરને છોડી દેવાનો સોદો કરીને, સમજ્યા સર? અને બીજું કાલે તમે જયારે પ્રેસ કોન્ફરન્સમાં જાહેર કરશો, ત્યારે મહારાષ્ટ્રની જનતાને એમ થઈ જશે કે તમારા જેવા હોશિયાર હોમ મિનીસ્ટરે આ કેસ થોડા દિવસોમાં સુલટાવી અને મીરા સિંઘાનિયાની ખૂનીને પકડી પાડી. જેનાંથી તમારી શાખ વધારે ને વધારે મજબૂત થશે.અને રીમા કપૂર અને દિપક બિરલા વચ્ચે થયેલા સાઠગાંઠના કારણે હવે રીમા કપૂરનો આમ જોવા જતાં તો પાવર પ્રોજેક્ટમાં કોઈ રોલ રહ્યો નથી. રીમા કપૂર બહાર રહેશે તો આ મુદ્દા ઉપર તમને કાયમ નડતી રહેશે, પરંતુ જો જેલમાં જતી રહેશે તો કોઈ ચિંતા રહેશે નહિ અને છતાંય આ પાવર પ્રોજેક્ટ શરુ થયા પછી અને ઈલેક્શન પત્યા પછી વર્ષ પછી તમારે બહાર એને બહાર કાઢવી હોય તો ક્યાં નથી કઢાતી? પ્રતાપે પોતાની વાતોની જાળમાં હોમ મિનીસ્ટરને ફસાવતાં કહ્યું હતું.

ક્રમશઃ......

(વાંચક મિત્રો, ઇન્સ્પેકટર પ્રતાપ આ ધારાવાહિક તમને કેવી લાગી રહી છે એ આપના પ્રતિભાવથી અમને જરૂરથી જણાવશો. જેથી આ વાર્તાને વધારે સારી રીતે હું વળાંક આપી આપના સુધી પહોંચાડી શકું.)

- ૐ ગુરુ