Dashing Superstar - 50 books and stories free download online pdf in Gujarati

ડેશિંગ સુપરસ્ટાર ...અ ટ્વિસ્ટેડ લવસ્ટોરી. - ભાગ-50


નમસ્કાર વાચકમિત્રો,

ડેશિંગ સુપરસ્ટાર .....અ ટ્વિસ્ટેડ લવસ્ટોરીનો આજે પચાસમો ભાગ પ્રકાશિત કરતા સમયે મને ખૂબજ આનંદ થઇ રહ્યો છે.વોન્ટેડ લવ સ્પિનઓફ કિઆરા અને એલ્વિસની અલગ લવસ્ટોરી વાચકોની મરજી જાણ્ય‍ા બાદ શરૂ કરી હતી.આજે તેને બે લાખ ઉપર વાચકોએ વાંચી લીધી છે.મને આનંદ છે કે આ સૌને આ ટ્વિસ્ટેડ લવસ્ટોરી પસંદ આવી

મારો સતત પ્રયાસ હોય છે કે દરેક ભાગમાં આપને કઇંક મજેદાર વાંચવા મળે.એલ્વિસ અને કિઆરાની લવસ્ટોરી હવે તેના મેઇન પોઇન્ટ પર આવીને ઊભી છે.પચાસમાં ભાગ પછી એલ્વિસ અને કિઆરાની લવસ્ટોરી અલગ જ મોડ લેશે.

આગળ આવશે એલ્વિસનો ભૂતકાળ,કિઆરા અને એલ્વિસના પ્રેમની પરીક્ષા,આયાનની રી એન્ટ્રી,અહાના અને વિન્સેન્ટની કહાની.તો જાણવા વાંચતા રહો.

આ વાર્તામાં કયુ પાત્ર સૌથી વધુ પ્રિય છે આપને,કેમ અને આપને આ વાર્તા કેવી લાગી તે જરૂર જણાવજો.

ભાગ-50

(કિઆરા સેટ પર બધાને પોતાની ઓળખ આપે છે.જેમા તે અકીરા અને નમિતાને લપેટામાં લઇ લે છે.નમિતાનું નામ લઇને તે પોતાના દુશ્મનના લિસ્ટમાં એક નામ વધારે છે.અહીં નમિતા એલ્વિસને કિઆરા અને તેના પ્રેમને સેલિબ્રેટ કરવા પાર્ટી આપવા કહે છે.જાનકીવીલામાં આગમન થાય છે કોઇ એવી વ્યક્તિનું જેને જોઇને જાનકીદેવીને આઘાત લાગ્યો.કોણ છે તે? ચાલો જોઇએ.)

જાનકીદેવીના હાથમાંથી આરતીની થાળી પડતા પડતા રહી ગઇ.સામે એક જાજરમાન મહિલા ઉભા હતાં.લગભગ સાઇઠની ઉપર ઊંમર હશે પણ શરીર એકદમ સુડોળ,ત્વચા હજીપણ એકદમ ચમકદાર અને કરચલી વગરની,વાળ ડાઇ કર્યા વગર કાળા પણ ટુંકા.તેમના સ્લિવલેસ બ્લેક બ્લાઉસ પર પીંક અને બ્લેક રંગની સાડી ખૂબજ વ્યવસ્થિત રીતે પહેરેલી હતી.ચહેરા પર મેકઅપના નામે લિપ્સ્ટિક અને કાજળ, ઘરેણાના નામે ગળામાં ક્રોસવાળો ચેઇન અને હાથમાં બંગડીઓ.ઘરમ‍ાં દાખલ થતાં જ તેમણે તેમના થોડી હિલવાળા બ્રાઉન બ્રાન્ડેડ સેન્ડલ્સ કાઢી નાખ્યાં અને જાનકીદેવી તરફ આગળ વધ્યાં.જાનકીદેવીને અવગણી તેમણે બે હાથ જોડીને મંદિરમાં દર્શન કર્યાં.બધાને સંભળાય તે રીતે મંત્ર અને શ્લોક બોલ્ય‍‍ાં.

બહાર જઈને પોતાના સેન્ડલ્સ ફરીથી પહેરીને તેમણે જાનકીદેવી સામે મધુર સ્મિત ફરક‍ાવ્યું.

"જાનકી,કેમ છો તમે?"તેઓ બોલ્યા.

જાનકીદેવી આરતીની થાળી મુકીને બહાર આવ્ય‍ાં.તે તેમની પાસે ગયા અને તેમને ગળે મળ્યાં.
"શાંતિપ્રિયાબેન,હું એકદમ ઠીક હતી એટલે કે છું.તમે કેમ છો?"જાનકીદેવીના અવાજમાં અણગમો ભળી ગયો.

"ઓ જાનકી,મે તમને કેટલી વાર કહ્યું છે કે કોલ મી શાંતિપ્રિયા ઓર ઓન્લી પ્રિયા.આ બેન વેન ઇઝ સો ઓલ્ડ ફેશન.બાય ધ વે હું આ અમદાવાદના ફેમસ સ્નેક્સ અને મિઠાઇ લાવી છું.હું બધાં માટે ગિફ્ટ લાવવાની હતી પણ યુ નો આ આજકાલના કિડ્સ તેમને કશુંજ ગમતું નથી.
બાય ધ વે.રામ ક્યાં છે?"શાંતિપ્રિયાએ હસીને પુછ્યું.જાનકીદેવી તેમના મોઢે આ નામ સાંભળીને જલી ગયાં.

"ઓહ કોઇ વાંધો નહીં.હું જ બોલાવી લઉં છું.રામ,કિઆરાબેબી.જુવો તો કોણ આવ્યું છે."શાંતિપ્રિયાબેને જોરજોરથી ચિસો પાડવાનું શરૂ કર્યું.

"કિ‍અારા ઘરે નથી."જાનકીદેવીએ થોડા ગુસ્સામાં કહ્યું.શ્રીરામ શેખાવત સીડીઓ ઉતરીને નીચે આવ્યાં.શાંતિપ્રિયાબેનને સામે ઊભેલા જોઇને અને બાજુમાં જાનકીદેવીને ગુસ્સામાં ઊભેલા જોઇને તે પરિસ્થિતિ સમજી ગયાં.

"ચલો બેટા રામ,મુશ્કેલીભર્યો સમય શરૂ." આટલું સ્વગત બોલી શ્રીરામ શેખાવત નીચે ઉતર્યા.

"કેમ છો શાંતિ..પ્રિયાજી?"શ્રીરામ શેખાવત તેમની પાસે જઇને હાથ જોડીને બોલ્યા.

"અમ્મ આમ નહીં."આટલું કહીને તેમણે શ્રીરામ શેખાવતના હાથ હટાવીને તેમને જોરથી ગળે લગાવ્ય‍ાં.

"હું એકદમ ઠીક છું હેન્ડસમ.આઇ મસ્ટ ટેલ યુ કે કુશ અને બંને લવ આટલા હેન્ડસમ કેમ છે એ તમને જોઇને સમજાઇ જ જાય.તમારા ત્રણેય છોકરાઓ તમારા જેવા જ છે એકદમ હેન્ડસમ પણ તમારા કરતા વધારે નહીં."શાંતિપ્રિયાબેને એકદમ મિઠડા અવાજમાં કહ્યું.

જવાબમા શ્રીરામ શેખાવત હસ્યાં.શાંતિપ્રિયાબેને પોતાના પર્સમાંથી એક ગિફ્ટ બોક્ષ કાઢ્યું.જેમા એક સુંદર અને મોંઘી ટાઇ હતી જે તેમણે શ્રીરામ શેખાવતના ગળામાં પહેરાવી.જાનકીદેવી પાછળ જેલેસીમાં સળગી રહ્યા હતાં.

"વાઉ સમવન લુક્સ સો સ્માર્ટ.રામ,હું તમારા માટે આ સુગર ફ્રી મિઠાઈ મારા હાથેથી બનાવીને લાવી છું.સ્પેશિયલ તમારા માટે જ.મારા હાથેથી ખવડાવીશ."આટલું કહીને તેમણે પર્સમાંથી એક ડબ્બો કાઢ્યો અને તેમાંથી એક મિઠાઈનો ટુકડો તેમના મોંઢામાં મુક્યો.

"વાઉ,પ્રિયા ખૂબજ સરસ."શ્રીરામ શેખાવતે બીજો ટુકડો લઇને ખાતા કહ્યું.

"હાશ તમને ભાવી એટલે મારી મહેનત સફળ.ચલો ઘણીબધી વાતો કરવાની છે." આટલું કહી શાંતિપ્રિયાએ શ્રીરામ શેખાવતનો હાથ પકડ્યો અને તેમને ઉપર લઇ ગયા.નીચે ઊભેલા જાનકીદેવીનો ગુસ્સો આસમાન પર હતો.તેમના હાથમાં રહેલા ફુલના તેમણે ગુસ્સામાં ફુરચા બોલાવી દીધાં હતાં.તેમણે પોતાનો ફોન લીધો અને તેમણે શિનાને ફોન લગાવ્યો.

"શિના,આ તારી મમ્મીને સમજાઇ દે.છેલ્લી વાર કહું છું કે જો મારા રામની આસપાસ લટુડાપટુડા કર્યા છેને તો મારાથી ખરાબ બીજું કોઇ નહીં થાય.યાદ રાખજે.મારા ત્રણેય દિકરાઓ મારા મજબૂત સ્તંભ જેવા છે.આવતાવેંત જ તે સ્ત્રીએ મારા રામને ગળે લગાવ્યા.તેમનું ચાલે તો તેમના ગાલ પર પપ્પી પણ કરી દે.શિના,એક વાત યાદ રાખજે મે તને હંમેશાં મારી દિકરી જેવો સ્નેહ આપ્યો છે પણ તારી મમ્મીની હરકતો ઠીક નથી."જાનકીદેવી ગુસ્સામાં બોલી રહ્યા હતાં.સામે શિના તેમની વાતો સાંભળીને ખડખડાટ હસી રહી હતી.

"તને હસવું આવે છે?"જાનકીદેવી ગુસ્સે થઇને બોલ્યાં.

"માસાહેબ,તમે કેમ આટલા ગુસ્સે થાઓ છો?
તે લોકો ખાલી મિત્ર છે.મમ્મી તમને ખાલી અકળાવવા આવું કરે છે.તેને મજા આવે છે તમે જ્યારે ધુઆંપુઆં થાઓ છો.આમપણ મે તેને સાફ કહી દીધું છે કે તે મામાને ત્યાં રોકાય.તે કાલે સવારે જતી રહેશે.

એકવાત કહેવી પડે બાકી તમે આજે પણ પપ્પાજી માટે કેટલા પઝેસિવ છો."શિના આટલું કહેતા કહેતા હસી પડી.

"બદમાશ છે તું સાવ,હસવાનું બંધ કર.સારું છે ચલો તે મહામાયા કાલે સવારે જતી રહેશે.શિના,તે કિઆરા અને એલ્વિસના સંબંધ માટે હા કેવીરીતે પાડી દીધી?તે છોકરો ....છોકરો નહીં મોટી ઊંમરનો પુરુષ છે.એક તો ઊંમરમાં આટલો મોટો,બીજું આ બોલીવુડ વાળાના ભરોસા ના હોય.તે લોકો માટે તો શરીરસંબંધ જ મહત્વનો હોય.સાચું કહું છું તે કિઆરાના શરીરનો ફાયદો ઉઠાવશે અને તેનાથી ધરાઇ જશે પછી તેને પોતાના જીવનમાંથી ફેંકી દેશે.તને ભલે મારી વાતો કડવી લાગે પણ સાચી છે.

ભલે તું અને તારા સસરા તેના પર પૂરો વિશ્વાસ કરો પણ હું નહીં કરી શકું.હું મારી કિઆરાના જીવનને બરબાદ નહીં થવા દઉં.મને લાગે છે ત્યાંસુધી તારી મમ્મી પણ આમા મારો જ સાથ આપશે."જાનકીદેવીએ ગુસ્સામાં આટલું કહીને ફોન મુકી દીધો.શિનાના ચહેરા પર ચિંતાના વાદળો છવાઇ ગયાં.

"ઓહ ગોડ,શું કરું?મ‍ાસાહેબ કે મમ્મી બંનેમાંથી એકેય આ સંબંધ માટે નહીં માને.હજી તો મે લવને પણ આ વિશે નથી જણાવ્યું.શું થશે?જ્યારે તેમને ખબર પડશે કે તેમની દિકરી તેનાથી બાર વર્ષ મોટા પુરુષના પ્રેમમાં પડી છે?શું તે આ સંબંધ સ્વીકારશે?"શિના આટલું સ્વગત બોલીને આંખો બંધ કરીને પ્રાર્થના કરવા લાગી.

*****

સંધ્યા આરતીનો સમય થઇ ગયો હતો.ધીમેધીમે ઘરના તમામ સભ્યો નીચે આવી રહ્યા હતાં.જાનકીદેવીના ચહેરા પર રહેલી બેચેની બધા સમજી ગયા હતાં.કિઆરા પણ એલ્વિસના શુટીંગ પરથી ઘરે આવી ગઇ હતી.કપડાં બદલીને તે પણ આરતીમાં જોડાવવા આવી ગઇ હતી.

"કુશના પપ્પા.નીચે આવો."જાનકીદેવીએ જોરથી ઘાંટો પાડીને કહ્યું.બધાને ખૂબજ આશ્ચર્ય થયું તે લોકો સમજી ગયા કે જાનકીદેવી જ્યારે પણ આ સંબોધનથી શ્રીરામ શેખાવતને બોલાવે ત્યારે ત્યારે તે ખૂબજ ગુસ્સામ‍ાં હોય છે.

શ્રીરામ શેખાવત અને શાંતિપ્રિયા બેન હસીને વાતો કરતા કરતા નીચે આવ્યાં.

"જાનકીદેવી,સોરી.ચલો આરતીનો સમય થઇ ગયો છે."શ્રીરામ શેખાવત જાનકીદેવીની આંખોમાં જોઇ પરિસ્થિતિ ભાળી ગયા.બધાંએ ખૂબજ ભક્તિભાવથી આરતી કરી.મંદિરમાં હાજર તમામ દેવીદેવતાની આરતી થયા બાદ જાનકીદેવીએ બધાને પ્રસાદ આપ્યો.

"કિઆરા,માય બેબી."શાંતિપ્રિયાબેન પોતાની નાતીને ગળે લાગ્યા અને તેના કપાળે ચુંબન કર્યું.કિઆરા પોતાની નાનીને જોઇને ખૂબજ ખુશ થઇ.તેેમના પગે લાગીને આશિર્વાદ લીધો પણ અંદરખાને તેને ડર હતો.

"બેબી,હું થાકી ગઇ છું.થોડીક વાર આરામ કરી લઉં.રાત્રે વાતો કરીશું."આટલું કહીને તે જતા રહ્યા.
હવે નીચે માત્ર જાનકીદેવી અને કિઆરા હતાં.

"કિઆરા,એક મિનિટ.મને તારા દાદુએ બધું જ જણાવ્યું અને હું સાચું કહું છું.મને આ સંબંધ બિલકુલ મંજુર નથી.ભલે તારા દાદુએ અને તારી મમ્મીએ હા કહી હોય પણ મને વિશ્વાસ છે કે તારા નાની અને તારા પપ્પ‍ા મારો સાથ આપશે.

કિઆરા,તું આઇ.પી.એસ બનવા માંગતી હતી.તો આ બધું શું છે?લફડા કરવા આવી છો માંડવીથી કે ભણવા?આ તારી ઊંમર છે લફડાબાજી કરવાની?કાલે તે દારૂ પીધો અને અાખી રાત તે તારાથી ઊંમરમાં મોટા પુરુષના રૂમમાં એકલા ગુજારી?"જાનકીદેવીએ ગુસ્સામાં કિઆરાને થપ્પડ મારી દીધો.

કિઆરાની આંખમાં આંસુ હતાં.
"દાદી,તેમણે મારા કપડાં આંખો પર પટ્ટી બાંધીને બદલ્યા.આનાથી વધારે તમને શું પ્રુફ જોઇએ કે તે સારા છે?"કિઆરાએ રડતા રડતા પુછ્યું.

"તને શું ખબર?તું થોડી ભાનમ‍ાં હતી.શું ખબર તેણે તારા કપડાં આંખો પર પટ્ટી બાંધીને બદલ્યા કે તારા શરીરની મજા લેતાલેતા બદલ્યા?શું ખબર તેણે તારા તેવા ફોટોગ્રાફ્સ પોતાના મોબાઇલમાં લઇ લીધા હોય? અને હવે તે તથા તેના મિત્રો આંખો શેકતા હોય તે જોઇને.કિઆરા,બોલીવુડ આ બધી બાબતો માટે ખૂબજ બદનામ છે.આજે એક તો કાલે બીજી સ્ત્રી હોય તેમની બાહોંમાં.તે તારા લાયક નથી.કિઆરા,આ સંબંધ તને દુઃખ,દર્દ,બદનામી અને તકલીફ સિવાય કશુંજ નહીં આપે.યાદ રાખજે મારા શબ્દો આજથી એક કે બે વર્ષ પછી તારા પેટમાં તેનું બાળક લઇને રડતી રડતી અહીં ઊભી હોઈશ."જાનકીદેવી ગુસ્સામાં બોલી રહ્યા હતા.
"કુશની મા."
બરાબર તે જસમયે શ્રીરામ શેખાવત ત્યાં આવીને જાનકીદેવીને ગુસ્સામાં મારવા જતા હતા પણ તેમના હાથ અટકી ગયા.

"આજ પછી મારી કિઆરાને આવા ખરાબ શબ્દો કહેવા હોય તો તેની સાથે વાત ના કરતા.તમે જ કહો છોને કે સંધ્યાકાળે શુભ શુભ બોલવું જોઈએ.આ કેવી કાળવાણી તમારી?"શ્રીરામ શેખાવત ગુસ્સામાં બોલ્યા.કિઆરા રડતી રડતી બહાર જતી રહી.જાનકીદેવી ગુસ્સામાં હતાં.શાંતિપ્રિયાબેન જે આ વાત છુપાઇને સાંભળી રહ્યા હતા તેમના ચહેરા પર કુટિલ હાસ્ય હતું.

*********

આજે એલ્વિસ ખૂબજ ખુશ હતો.તે ઘરે આવીને પોતાના ખાસ રૂમમાં ગયો જ્યા તેના માતાપિતા અને બહેનના ફોટોગ્રાફ્સ હતાં.તેની નાનપણની યાદો હતી.

"મોમ ડેડ,શાઇની,મને ફાઇનલી મારો પ્રેમ મળી ગયો.હું ખૂબજ ખુશ છું.ડેડ,હું પ્રોમિસ આપું છું કે મે તમને જે વચન મરતા સમયે આપ્યું હતું તે નહીં તોડું.તમને આપેલું તે વચન મારા માટે ખૂબજ મહત્વનું છે."એલ્વિસ તેમની સાથે વાતો કરતો હતો બરાબર તે જ સમયે વિન્સેન્ટ ત્યાં આવ્યો.

"એલ,અંકલને આપેલું વચન તું ખરેખર પાળી શકીશ?"વિન્સેન્ટે પુછ્યું.

"વિન્સેન્ટ,આજ સુધી મે તેમનું આપેલું વચન ક્યારેય તોડ્યું?તો આજે આ કેમ પુછે છે?"એલ્વિસે પુછ્યું.

"એલ,મને લાગે છે કે હવે તારા માટે તે વચન નિભાવવું ખૂબજ અઘરું થશે.એલ,તે પાર્ટી જેના વિશે તું કહેતો હતો તે આ શનિવારે શક્ય નથી.આટલી શોર્ટ નોટિસ પર બધા સ્ટાર્સ નહીં આવી શકે.તો આપણે આવતા શનિવારે આ પાર્ટી રાખીએ તો વ્યવસ્થા માટે પણ સમય મળી જાય."વિન્સેન્ટે કહ્યું.

"વિન,જેમ તને ઠીક લાગે તેમ.મે તને આજ સુધી ક્યારેય કોઇ બાબતે કઈ પુછ્યું કે કહ્યું નથી.તું જેમ કહીશ એમ હું કરીશ.સારું ચલ હું જઉં સ્વિમિંગ કરવા અને પછી ડિનર સાથે કરીએ." આટલું કહીને એલ્વિસ સ્વિમિંગપૂલમાં જતો રહ્યો.

કપડાં બદલીને માત્ર સ્વિમિંગ કોશચ્યુમમાં એલ્વિસ ખૂબજ ગજબ લાગતો હતો.તેનું શરીર કસરત કરીને કસાયેલું હતું.તેણે શાવર લીધો અને સ્વિમિંગ પૂલમાં પડ્યો.સ્વિમિંગ તે કસરતના એક ભાગ રૂપે કરતો હતો.તેનાથી તેના મનને શાંતિ મળતી હતી.પોતાના ફેવરિટ રોમેન્ટિક ગીતો સાંભળતા તે સ્વિમિંગ કરી રહ્યો હતો.આજે તે ખૂબજ ખુશ હતો.તે વારંવાર સ્વિમિંગ પૂલમાં પોતાની સાથે કિઆરા છે તેવી કલ્પના કરતો હતો.

અહીં વિન્સેન્ટ નીચે કઇંક કામ કરી રહ્યો હતો.બરાબર તે જ સમયે ઘરનો બેલ વાગ્યો.મહારાજે દરવાજો ખોલ્યો.સામે કિઆરા ઊભી હતી.તેની આંખમાં આંસુ હતાં.

તે રડતા રડતા અંદર આવી.તેને આ રીતે જોઇને વિન્સેન્ટ ડરી ગયો.
"કિઆરા,શું થયું?"તેણે પુછ્યું.

"એલ,ક્યાં છે?"તેણે રડતા રડતા પુછ્યું.

"સ્વિમિંગ પૂલમાં."વિન્સેન્ટે ચિંતાતૂર અવાજમાં કહ્યું.

કિઆરા ડુસકા ભરતા ભરતા સ્વિમિંગ પૂલ તરફ ભાગી.અહીં કિઆરાના સ્વપ્નમાં ખોવાયેલો હતો.કિઆરા રૂમમાં દોડીને આવી.એલ્વિસ તેની ધુનમાં જ સ્વિમિંગ કરી રહ્યો હતો.કિઆરા રડીને દોડી તેનું ધ્યાન જમીન પર પડેલા બોલ પર ના ગયું અને તે લપસીને સ્વિમિંગ પૂલમાં ધબાક કરીને પડી.જોરથી પડવાના કારણે તેને વાગ્યું તે વધુ જોરથી રડવા લાગી.અચાનક આ શું બની ગયું તે જોઇને એલ્વિસ આશ્ચર્ય પામ્યો પણ બીજી જ ક્ષણે કિઆરાને રડતી જોઇને તે આઘાત પામ્યો.તે કિઆરા પાસે ગયો.કિઆરા રડતી રડતી તેને ગળે લાગી ગઇ.

શું થશે જ્યારે દાદીના બોલેલા શબ્દો એલ્વિસ સુધી પહોંચશે?
શું થશે આ પાર્ટીમ‍ાં?
શું જાનકીદેવી એલ્વિસ અને કિઆરાને અલગ કરી શકશે?
જાણવા વાંચતા રહો.આવતો પાર્ટી સ્પેશિયલ ભાગ.

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED