આઈશા:
બે અઠવાડિયુ પૂરું થવા આવ્યું. અમારે સાથે રહેતા રહેતા . ધીરે ધીરે બધું નોર્મલ લાગવા લાગ્યું હતું. કોલેજમાં બધાની સામે અજાણ્યા રેહવાનું નાટક કરવું મારે માટે અત્યારે પણ અઘરું છે. સાંજે જોડે જમવાનું જમ્યા પછી થોડી કોલેજની વાતો અને થોડી બસ ન્યુઝપેપરની વાતો કરતા કરતા પછી પોતાના રૂમમાં સુઈ જઈએ. સવારે થોડા ગીતો શરૂ હોય અને બંને તૈયાર થઈને સાથે કોલેજ નીકળીએ. કદાચ મિત્રો નહિ પણ અમારા જુના ઝગડા કે ગુસ્સાથી થોડા આગળ આવી ગયા છીએ.
હવે એરિકને દેખીને કોઈ અભિમાની નહિ પણ એક સારો માણસ લાગે છે.હવે અમે મજાક વધારે કરીએ છીએ. હસ્યની મસ્તી ચાલતી હોય છે. એરિક રોજ સવારે 2 કલાક વહેલા જાય છે ઓફિસના કામે અને સાંજે પણ કલાક લેટ આવે છે. શનિવાર અને રવિવારે આખો દિવસ તે ઓફિસના જ કામમાં જાણે હોય છે. આટલો પૈસાદાર છે છતાં તેને આટલી મહેનત કરતા જોઈને ખૂબ સારું લાગ્યું.
તે આમ પોતાનીરીતે એકલો રહી શકે છે એ સાબિત કરવા તે ઘરેથી બહાર નીકળ્યો છે. આ વાત તેને કરી પણ મને વિચાર આવે છે કે આમ સાબિત કેમ કરવું છે? તેની પાછળનું કારણ શું? ખરેખર એ એક સ્વમાની અને મહેનતી માણસ છે? જો કે મહેનતી તો છે છતાં તેનામાં એક બાળકની છલક દેખાય છે. રસોઈ કરતા હું આ શું વિચારમાં ખોવાઈ ગઈ? આજે એને ખૂબ લેટ થયું છે. આટલો પરિશ્રમ જોઈને માન થાય છે.
એરિક ઘરે આવ્યો થાક તેના ચહેરા પર દેખાઈ આવે છે. પણ એક ખુશી પણ લાગતી હતી. મેં પૂછ્યું "શુ કઈ ખાસ છે?"
એરિકે સ્માઈલ સાથે કહ્યું 'હા હવે માત્ર શનિવાર અને રવિવારે જ ઓફીસ રહેશે. બાકી નહિ'
આ જાણીને મને ખુબ જ ખુશી થઈ જે મારા ચહેરા પર આવી ગઈ મને જોઈને તરત જ એરિક બોલ્યો "થાકી તો હું જતો હતો તો પછી તને કેમ આટલી ખુશી મળી?"
મારા ચહેરામાં આવેલ તમામ ઇમોશન દેખાઈ કેવી રીતે જાય છે? મારો ગુસ્સો કે ખુશી કે કઈ પણ બધું જ એરિકને તરત દેખાઈ જાય છે. હું વાત બદલતા બોલી 'હા હું તો ખુશ જ હોવ ને હવેથી તું વહેલો આવીશ તો મને કામમાં મદદત મળી જશે'
એરિક અફસોસ કરતો હોય એમ નાટક કરતા બોલ્યો "ઓહ નો.. અને મને લાગ્યું કે તને મારી ચિંતા હતી. કેટલી મતલબી છે. હું કેટલી પરવાહ કરું છું તારી."
મને ખબર તે નાટક કરે છે છતાં મને શબ્દો સારા લાગ્યા. લાગે છે અમે ખરેખર સારા મિત્રો બની જઈશું.
જોડે લખવાનું કામ પતાવીને અમે બેઠા હતા. ત્યાં ઘરની વાતો શરૂ થઈ. એરિક જે રીતે વાતો કરતો હતો તેના પરથી લાગ્યું કે તે તેની મમ્મી પપ્પાની ખૂબ નજીક છે. એના કુટુંબની નજીક છે. જાણે કોઈ કાલ્પનિક દુનિયાની આ વાતો હોય. હા મારા માટે તો કાલ્પનિક જ કહી શકાય. એનો ફેમિલી ટાઈમ બધા જોડેની વાતો મજાકને બધું જ મને ખુબ ગમ્યું. મારા માટે આ બધીજ વાતો સ્વપન સમાન જ છે.
મારા વિશે એરિકે પૂછ્યું પણ મેં મારી સ્કૂલની વાતો અને બસ જુદી વાતો કરીને વાત બદલી લીધી. પણ એની ફેમિલી વિશે અમે વાતો ખૂબ કરી હવે તો એવું લાગે છે કે હું ઘણા બધાને ઓળખવા લાગી છું.
લાઈફ કલરફુલ ક્યાં રહે જ છે. એરિકને કઈ જ આવડતું નથી. સાચે કઈ જ નથી ખબર. રસોડામાં દાળ માંગુ તો તુવેર કઈ કે મોગર કઈ એને કઈ નથી ખબર. હદ તો એ છે કે એને ચા બનાવતા પણ નથી આવડતું. ચા બનાવતા મેં એને કહ્યું કે મસાલો આપ તો. તો એને હળદર, મરચું, ધાણાજીરું આ મસાલાનો ડબ્બો મને આપ્યો.
મને થયું મજાક કરે છે પણ એને ખરેખર નથી જ ખબર. એટલે એની સવારની કોફી સાંજની ચા બધું જ મારે બનાવવાનું. શાકભાજી પણ લેતા નથી આવડતું. સારું છે કે ઓનલાઈન આ બધીજ વસ્તુ મળે છે. બાકી આને કોઈપણ છેતરી શકે.
કોલેજમાં એક્સ્ટ્રા એક્ટિવિટી શરૂ થઈ જેમાં મેં અને એરિક બંનેએ ભાગ લીધો એરિક બાસ્કેટબોલમાં ગયો જેથી એને સવારે વહેલા જવાનું હતુ. મેં નવી ભાષા શીખવા ક્લાસ જોઈન કર્યા જેથી મારે સાંજે લેટ થવાનું હતું. હવે કોલેજમાં પણ પ્રોજેક્ટ આવ્યા જેથી મારે એમાં પણ લેટ સુધી રોકાવું પડ્યું. આ બધામાં એરિક સાંજે જમવાનું શુ કરશે તે પ્રશ્ન હતો. પણ તેને કહ્યું કે તે કઈક કરી લેશે. જો કે આ વાતમાં મને શંકા તો હતી છતાં મેં માની લીધું. માનવા જેવું નહતું. એ મને હવે ખબર પડી.
એક મહિનો અમારો આ પૂરો થવાની તૈયારીમાં હતો. હું સાંજે મારા મિત્રો સાથે જ કોલેજની કેન્ટીનમાં કે એમના નાસ્તામાં મારુ પૂરું કરી લેતી હતી. એરિક વિશે મને ધ્યાન નહતી. પણ ઘરે પોહચી ત્યારે નજરો કઈક અલગ હતો. એરિક જાણે ઉદાસીમાં ગમગીન હતો. મને એની ચિંતા થવા લાગી. હું નજીક જઈને પૂછ્યું કે " શુ થયું આમ કેમ બેઠો છે? " એ કઈ બોલતો નથી પણ એની આંખો લાલ હતી. મેં ફરી પૂછ્યું "તું રડ્યો છે? બોલને પ્લીઝ આમ ચિંતા નહિ કરાવ. જો આ મજક હોય તો પ્લીઝ બંધ કર"
એરિક અકળાઈને જાણે બોલ્યો 'કઈ મજાક નથી. શુ મજાક હોય. '
"ઓકે તું શાંત થઈ જા. મને પેહલાથી વાત કર. શુ છે? શુ થયું? ઘરની કોઈ વાત છે કે કોલેજની?" હું એરિકને શાંતિથી પૂછું છું. હું અત્યારે શાંત લાગી રહી છું પણ એને આમ જોઈને મને ખુબ ચિંતા થવા લાગી છે. શુ વાત હશે?
એરિકે નિસાસો નાખતા કહ્યુ "પૈસા નથી. આગળ કેવીરીતે મહિનો જશે?"
એના આ શબ્દો સમજવા અધરા છે. એ કોઈ સામાન્ય માણસ છે નહીં. અને એ જોબ પણ કરે છે. એ પૈસા વિશે આમ કહેશે એ મને અજીબ લાગ્યું. શુ એના પપ્પાને નુકસાન થયું હશે? બનીજ ના શકે ગઈકાલે જ મેં પેપરમાં એમની કંપની વિશે વાંચ્યું એ અત્યારે પુરા દેશમાં આગળ છે તો પછી પૈસાની શુ વાત છે?
એરિકમારી વ્યથા સમજી ગયો અને બોલ્યો 'આઈશા પૈસા આપણી પાસે નથી. આપણાં બંનેનો બીજો મહિનો કેવીરીતે જશે એની વાત કરું છું'