દવા
'કાકી બધું જ ઠીક છે, તમે ચિંતા ન કરો અને કાકાને પણ કે'જો કે ભાભીને ખાલી પગમાં મચકોટ જેવું આવ્યું છે.' મેં ફોન ખિસ્સામાં મુક્યો. ભાભી બોલ્યાં, 'ગૌરવ શું કીધું તારા કાકીએ?' 'શું કહે..તમારી ચિંતા કરે છે બધાં...!' ભાઈએ ઓરેન્જ જ્યુસ ગ્લાસમાં કાઢી ભાભીને આપ્યો. ગ્રીષ્મા ભાભીની મદદ કરતી હતી અને ભાભી પણ ગ્રીષ્મા સાથે વર્ષોજૂની બહેનપણીની જેમ વાત કરતાં હતાં. હું પણ જાણવા આતુર હતો કે ભાભી અને ગ્રીષ્મા વચ્ચે બધું ઠીક કઇ રીતે થયું. ભાભી જ્યુસ પીતાં હતાં ત્યારે મેં ગ્રીષ્માને બહાર ઇશારો કર્યો. ગ્રીષ્મા અને હું રૂમની બહાર એક બાંકડા પર બેઠાં હતા. 'શું થયું ગૌરવ, તે આમ મને બહાર આવવા કહ્યું... બધું બરાબર છે ને ?' મેં કહ્યું, 'હા ગ્રીષ્મા, બધું જ બરાબર છે, બસ મારે એ જાણવું હતું કે તારા અને ભાભી વચ્ચે જે થોડીઘણી ખટાશ હતી એ મીઠાસમાં કઇ રીતે પરિવર્તિત થઈ?' ગ્રીષ્મા સહજ થઈને બોલી, 'ગૌરવ મારા મનમાં તો ભાભી માટે કંઈ જ નહોતું. આ તો ભાભી થોડા મિસ અંડરસ્ટૂડ થયાં હતાં!' 'એટલે?' 'એટલે કે... બહુ લાંબી વાત છે પછી કહીશ !' ગ્રીષ્મા મારી આતુરતાનો મીઠો આનંદ લઈ રહી હતી. મેં કહ્યું, 'હું ને ભાઈ નાસ્તો ને જ્યુસ લેવા ગયા એટલીવારની તો વાત છે...યાર પ્લીઝ બોલ ને. ગ્રીષ્મા મલકાતાં મલકાતાં બોલી, ' ગૌરવ મેં કીધું ને કે બહુ લાંબી વાત છે, અત્યારે ભાભીનું ધ્યાન રાખીએ? ઘરે જઈને બધી વાત કરીશ!' મેં પહેલીવાર ગ્રીષ્માને આટલું ખુલ્લી રીતે બોલતા જોઈ. લાગતું હતું કે કોઈએ એની બાંધેલી પાંખો અચાનક ખોલી નાખી!
સવારે અગિયાર કલાકે ઓર્થોપેડિક સર્જન આવ્યા. ભાભીનો ચેકઅપ કર્યો અને એક્સ રે જોઈને બોલ્યા, 'વધારે ચિંતા જેવી વાત નથી, વાળ જેટલી નાની ક્રેક છે.' 'દુખાવો ક્યારે બંધ થશે?' ભાઈએ પુછ્યું. 'પંદર દિવસ આરામ અને દવાઓ સમયસર લેજો એટલે એકદમ ઠીક.' કોઈ ગંભીર સમસ્યા નથી એ વાત જાણીને અમને સૌને હાશકારો થયો. ગ્રીષ્માએ ભાભીને કહ્યું, 'કીધું'તું ને કે ફ્રેક્ચર નહીં હોય!' ભાભીએ જવાબમાં સ્માઈલ કરી. ગ્રીષ્મા અને ભાભી વચ્ચે મીઠા સંબંધો જોઈને મને આશ્ચર્ય થતું હતું. કોઈ જૂનિયર ડૉક્ટર અને નર્સ આવ્યાં અને એક્સ રે જોઈને પગમાં પાટો બાંધવા લાગ્યા. ડૉક્ટરે દવા લખીને ભાઈને આપી અને ભાઈ દવા લેવા મેડિકલે ગયા. આ દરમ્યાન ડૉક્ટર ભાભીને કહી રહ્યા હતા કે શું ધ્યાન રાખવું અને શું ખાવું. ભાઈ દવા લઈને આવ્યા અને ડૉકટરે એક એક દવાને હાથમાં લઈ તેના વિશે સમજાવ્યું. હોસ્પિટલમાંથી ભાભીને રજા મળી ગઈ હતી અને અમે બધાં નીકળતા હતા ત્યારે ભાભીએ કહ્યું, 'તમે બધાં આખી રાતના દોડો છો તો ગોમતી ફઈના ઘરે જઈને થોડો આરામ કરી લઈએ?' ભાઈ બોલ્યા, 'એમને ક્યાં હેરાન કરવા!' ભાભી બોલ્યાં, 'એમાં હેરાન કરવાની ક્યાં વાત છે.' ભાઈએ કહ્યું, 'ના આપણે સીધા ઘરે જ જઈશું. 'મેં એમને ફૉન કરી દીધો છે અને એ આપણી રાહ જુએ છે. બપોરનું ભોજન એમના ઘરે કરીશું અને સાંજે 4 વાગ્યે નીકળી જઈશું.' ભાભીએ ભારપૂર્વક કહ્યું. મને ભાભીની આ વાત યોગ્ય લાગી એટલે મેં મારી હા પુરાવી. ભાઈએ કહ્યું, 'ઠીક છે તો ત્યાં જ જઈએ.' ભાભી અને ગ્રીષ્મા ચિરાગની કારમાં બેઠાં અને હું અને ભાઈ બીજી કારમાં બેઠાં.
રસ્તામાં મેં ભાઈને પૂછ્યું, 'ભાઈ એક્સિડન્ટ કઇ રીતે થયો ?' 'રાત્રે સામેથી ટ્રક આવ્યો અને રોઝડાએ રોડ ક્રોસ કર્યો એવામાં સ્ટેરિંગ પર કંટ્રોલ ના રહ્યો અને કાર ડિવાઈડર પર ચડી ગઈ!' મેં કહ્યું, 'આગળનું બોનટ તૂટી ગયું છે તો એ અહીંયાં જ રીપેર કરાવી લઈએ?' ભાઈએ કહ્યું, 'ના ના અત્યારે આપીશું તો કાલે છેક આપશે. બસ ખાલી બ્રેક અને સ્ટેરિંગ ચેક કરવી લઈશું એટલે રસ્તામાં કંઈ તકલીફ ના આવે! હાઇવે પર ફઈનું ઘર. અમે તેમના ઘરે પહોંચ્યા. મને જોઈને ફઈ ખૂબ જ ખુશ થઈ ગયા. ગ્રીષ્મા ભાભીને લઈને બેડ રૂમમાં ગઈ અને હું, ભાઈ અને ચિરાગ હોલમાં બેઠાં. ફઈના બે દીકરા એકનું નામ દર્શન અને બીજાનું સતીશ. બધાં સાથે જમવા બેઠાં. અમે બધાં જમતાં હતાં અને ગ્રીષ્મા ફઈને રોટલી બનાવવામાં મદદ કરતી હતી. ફઈ બોલ્યાં, 'ગ્રીષ્મા તું તો સાક્ષાત અન્નપૂર્ણા છો! અદ્દલ તારા પપ્પા જેવા જ ભજિયાં બનાવે છે!' ગ્રીષ્માએ સ્મિત સાથે કહ્યું, 'એ તો લોહીમાં હોય એટલે આવે જ ને..' અમે બધાંએ જમી લીધું પછી ગ્રીષ્મા બેડરૂમમાં ભાભીને જમવાનું આપવા ગઈ. દર્શને ભાઈને કહ્યું,'તમારી કાર ચેક કરાવી હોય તો ચાલો, અહીંયાં બાજુમાં જ ગેરેજ છે.' ભાઈએ કહ્યું, 'ચાલો જતાં આવીએ.' અમારાં પરિવારની સમસ્યાઓમાં હરહમેશ મદદ કરતો અને ક્યારનો કંટાળેલો મારો મિત્ર ચિરાગ બોલ્યો,'હું પણ આવું ચાલો.' ભાઈ, ચિરાગ અને દર્શન કાર ચેક કરાવવા ગેરેજ ગયા. હવે હોલમાં હું એકલો હતો. બાજુમાંથી ઓશીકું લઈને માથા પાસે રાખ્યું અને આડો પડી ગયો. કેટલાય કલાકો પછી હવે આરામ મળ્યો. મન શાંત થતું ગયું, શરીર એકદમ રિલેક્સ મોડમાં આવી ગયું અને હું ઊંડી નિદ્રામાં સરકી ગયો.
'ચા પીસ કે શરબત..! ગ્રીષ્મા તું લઈશ. ગૌરવ હોલમાં સૂતો છે તો એ શું પીસે?' હું ઘાટી ઊંઘમાં હતો પણ ધીમા ધીમા અવાજો સાંભળતા હતા. સપનું હતું કે સત્ય એ હું પારખી શક્તો નહોતો. ફઈનો અવાજ હતો એવું લાગ્યું. થોડીવાર પછી ઝાંઝરના રણકવાનો અવાજ ધીમે ધીમે મારા નજીક આવતો હતો. આ અવાજને હું બરાબર રીતે ઓળખતો હતો. કોઈએ મારા ખભા પર હાથ મુક્યો અને હું અચાનકથી જાગી ગયો. આંખો સાફ કરી અને જોયું તો ગ્રીષ્મા હતી. ગ્રીષ્મા બોલી 'ગૌરવ આઈ'મ સોરી પણ એક પ્રોબ્લેમ થઈ ગઈ છે!' 'શું થયું?' ગ્રીષ્માએ કહ્યું, 'ભાભીની દવાઓ હોસ્પિટલે જ ભૂલાઈ ગઈ છે અને એમને અત્યારે દવા લેવાની છે.' ત્યારે ફઈ આવીને બોલ્યાં, 'ગૌરવ તું હોસ્પિટલે જઈને દવા લઈ આવ ને..' મેં કહ્યું, 'એક કામ કરીએ જતાં ટાઈમે દવા લેતાં જઈશું.' ગ્રીષ્માએ કહ્યું, 'ભાભીનો દુખાવો વધી જશે તો !' ફઈએ કહ્યું, 'ગૌરવ એક કામ કર સતીશનું બાઇક પડ્યું છે, એ લઈને ફટાફટ લેતો આવ.' મેં હકારમાં મોઢું હલાવ્યું અને ફટાફટ ઊભો થયો અને મોઢું ધોઈને સતીશનું બાઇક બહાર કાઢવા લાગ્યો. હું બાઇક બહાર કાઢતો હતો ત્યારે અંદરથી ભાભીનો અવાજ આવ્યો, 'ગ્રીષ્માને લેતો જા, ગ્રીષ્માએ રસ્તાઓ જોયા છે.' મેં બાઇક બહાર કાઢ્યું અને પાછળ ગ્રીષ્મા બેઠી અને અમે નીકળ્યાં.
(ક્રમશ)
- પ્રદિપ પ્રજાપતિ