ધૂળિયા મહારાજ
ઘેટાં-બકરાંનો અવાજ, બેડાં લઈને જતી ને ઘર-ઘરની વાતોમાં હસ્યાં કરતી ગામની મહિલાઓ. અગાસીએ બેસીને આ બધા અવાજોની મજા કંઈક જુદી જ લાગતી. આ બધું હું વિદેશ ગયા બાદ બહુ યાદ કરીશ ! મેં મારી જાતને કહ્યું. સંધ્યા ઢળતી હતી ને અંધારું થવાની તૈયારીમાં હતું ને એવામાં અવાજ આવ્યો. 'ગૌરવ...' ભાભીએ ટહુકો કર્યો. હું કઈ બોલું એ પહેલાં તો ભાભી અગાસીએ આવ્યા. 'તમે અહીંયાં બેઠા છો, લો આ તમારો બોર્નવિટા.' 'હા ભાભી પણ, હું નીચે આવતો જ હતો.' ભાભીએ સામે પડેલી ખુરશીને ખેંચી, ને બેસતાં બેસતાં બોલ્યા, 'પણ મારે તો ઉપર આવું'તું ને.' 'તો બોલો હવે શું નક્કી કર્યું ?' મને ખબર હતી કે ભાભી શું પૂછતાં હતાં, પણ મેં મજાકમાં જવાબ આપતાં કહ્યું, 'બસ હવે જમીને બહાર આંટો મારવા જઈશ !' 'ગૌરવ...મજાકની વાત નહીં, તને ખબર છે ને કે હું શું પૂછી રહી છું ?' મેં ટટ્ટાર બેસીને સિરિયસલી જવાબ આપતા કહ્યું, 'ભાભી..હું અત્યારે મેન્ટલી પ્રિપેર નથી.' 'અચ્છા..!' ભાભીએ ટોન્ટ મારતા કહ્યું. 'ભાભી સાચું કહું છું. તમને તો ખબર છે ને કે મને..' હું અટકી ગયો. અને ભાભીએ મારી વાત પડકી લીધી અને બોલ્યા, 'શું ખબર છે ? તમે તો કંઈ કે'તા જ નથી તો કઈ રીતે ખબર હોય !' હું અસમંજસમાં હતો કે શું બોલું. મેં ધીમેથી કહ્યું, 'ભાભી મને થોડો ટાઈમ આપો.' ભાભી ઊભાં થયાં અને ખુરશી દૂર મૂકીને બોલ્યાં, 'એક કામ કરો, પહેલાં નક્કી કરી લો કે તમને શું જોઈએ છે !' આટલું કહીને ભાભી નીચે ચાલ્યાં ગયાં. ભાભીની વાતમાં મને સત્ય જણાતું હતું. જીવનમાં જે નક્કી જ ના હોય તેની પાછળ દોડવાનો શું મતલબ ! કેટલીકવાર મને વિદેશની વ્યસ્ત જિંદગી વધારે ગમતી હોય એવું લાગતું ને ક્યારેક આ ગામડાંની શાંતિ મને વધારે પ્રિય લાગતી.
હું નીચે જતો હતો ને કાકીએ બૂમ પાડતાં કહ્યું, 'ગૌરવ, નીચે આવ...ધૂળિયા મહારાજ આવ્યા છે.' હું ફટાફટ નીચે ગયો ને ધૂળિયા મહારાજ હંમેશની જેમ ઉંબરે ખુરશી પર બેઠા હતા. ધૂળિયા મહરાજને પગે લાગતા કહ્યું, 'કેમ છો બાપા' ધૂળિયા મહારાજે કહ્યું, 'હાત વરહ થયા તને જોયા ને' જ્યારથી સમજણો થયો ત્યારથી ધૂળિયા મહારાજને હું જોઉં છું. ગામેગામ ફરે ને ગાય-કૂતરા માટે રૂપિયા ભેગા કરીને સેવાના કામમાં વાપરે. હું, મારા મિત્રો અને ગ્રીષ્મા અમે બધાં ધૂળિયા મહારાજ આવે ત્યારે રેવડી અને ચોકલેટ માંગતા અને તેઓની ઝોળીમાં હંમેશ ચોકલેટ અને રેવડી રહેતી. એકવાર હું મામાને ઘરે ગયો હતો ત્યારે ગ્રીષ્માએ મારા માટે ચોકલેટ ને રેવડી લઈને સાચવી રાખી હતી. ગ્રીષ્માને તો રેવડી ખૂબ ભાવતી તોય તે મારી એકેય રેવડી નહોતી ખાતી. ધૂળિયા મહારાજને મેં પૂછ્યું,' બાપા અત્યારે પણ દાન ભેગું કરો છો ? એ હસ્યાને હાથમાં પાણીનો લોટો લઈ પાણી પીને બોલ્યા, 'બેટા સૂરજ કેદી ઉગવાનું ભૂલે સે!' આ જવાબે મારા મનને હલબલાવી દીધું. ધૂળિયા મહારાજ સાથે અડધો કલાક વાતો કરી. કાકીએ ધૂળિયા મહારાજને જમવા મહારાજને પ્રેમ પૂર્વક આગ્રહ કર્યો. પણ હરહમેંશની જેમ ધૂળિયા મહારાજનું જમવાનું શિવ મંદિરના પૂજારીના ઘરે હોતું. તેઓ નીકળતા પહેલાં બોલ્યા,'બેટા કાલે મલું, તારી હાટું ચોકલેટ ને રેવડી પણ લાવ્યો સુ, પણ હવારે જ આપીશ' હું મારા બાળપણના સંસ્મરણોને યાદ કરવા લાગ્યો ને ધૂળિયા બાપા હરે રામ કહેતા નીકળ્યા.
સવારના છ વાગ્યે હું મોર્નિંગ વોક માટે નીકળ્યો. આજે તો નક્કી કર્યું હતું કે ગ્રીષ્માને મળીને જ રહીશ. પાદરે મંજીકાકાની દુકાનમાંથી ગરમાગરમ ગાંઠિયાની સોડમ આવતી હતી. બધું ભૂલીને હું દુકાનમાં ગયો ને મંજીકાકા મને જોઈ રાજીના રેડ થઈ ગયા. 'ગૌરવ સવારમાં સવારમાં...હાલ બેસી જા...ગરમાગરમ ગાંઠિયાનો નાસ્તો કર.' મજીકાકાએ વ્હાલથી મને આવકારો આપ્યો ને હું ઘરમાં જમતો હોઉં એમ ભેટ ભરીને નાસ્તો કરવા લાગ્યો. મંજીકાકા એમ ઉંમરમાં મોટા પણ મિત્રની જેમ વાત કરવામાં એમને કોઈ ન પહોંચે. 'શું ચાલે છે બીજું ?' મંજીકાકાને જાણે બધી જ વાત ખબર હોય એમ પૂછ્યું. 'બસ જુઓને કાકા, આ ગામડાંની જિંદગીની મજા માણું છું.' 'આ જ સાચી જિંદગી બેટા.' મંજીકાકા ગાંઠિયા વણતા વણતા બોલતા હતા અને એમણે બોલવાનું ચાલું રાખ્યું, 'વિદેશ પાછો જવાનો છે કે અહીંયાં જ સેટ થવાનું છે. મેં ઊભા થઈને હાથ ધોતા કહ્યું, 'કાકા જન્મભૂમિ તો આ જ છે, પણ કર્મ ભૂમિનું પણ વિચારવું પડે ને'. કાકાએ બીડીની ગળીમાંથી બીડી કાઢી અને સળગાવતા બોલ્યા, 'તો આવ્યો છો તો બરાબર કરીને જાજે, અધૂરું ના મુકતો' મંજીકાકાની વાતમાં દમ તો હતો. પણ કઈ રીતે બધું બરાબર કરું !
આ બધાં વિચારો વચ્ચે હું ચાલતો ચાલતો ગામના ચક્કર લગાવતો હતો. ત્યારે અચાનક વાળંદની દુકાન દેખાઈ. બાળપણમાં જ્યાં હું વાળ કપાવતો હતો આ એ જ દુકાન હતી અને વાળંદ પણ એ જ. પણ મને એમનું નામ યાદ નહોતું. વિદેશથી આવીને એકેય વાર વાળ નહોતા કપાવ્યા તો થયું કે વાળ કપાવી લઉં. એકદમ સામાન્ય દુકાનમાં એ વાળંદ છાપું વાંચતા હતા. હું અંદર ગયો ને એ ઊભા થઈને બોલ્યા, 'આવો આવો સાહેબ. વાળ કપાવવા સે?' એ વાળંદ જાણે મને જાણતા હોય તેમ મારી સામે ધ્યાનથી જોતા હતા. 'મને સાહેબ ન કહો કાકા' એ અચાનક બોલ્યા, 'તું તો પેલો ગૌરવને ? પરદેશ છે એ ? 'હા હું એ જ, મને પણ તમે પણ યાદ છો, પણ હું નામ નથી જાણતો !' મેં પૂછ્યું. 'અરે બેટા... આવ તો ખરો, હું રઘો વાળંદ ઓળખ્યો નહીં હજી' મેં કહ્યું, 'અરે હા...તમે એ જ જે મને' મારી વાતમાં એમણે વાત પુરી 'હા હું એ જ જે અડધા ગામના વાળ કાપતો, લગન પ્રસંગમાં ચાય બનાવવા જાતો, હું એ જ રઘો, આવ્યો સો વાળ કાપી આપું !' ગામડાની આ જ વાત મને બહુ ગમે છે. સૌ આવકાર આપીને બોલાવે, પહેલાં આવકાર આપે પછી આવવાનું કારણ પૂછે. રઘા કાકાને ત્યાં બેઠો અને વાળ 20 રૂપિયામાં વાળ કપાવીને ઘર તરફ ચાલ્યો. રસ્તામાં ગ્રીષ્માની દુકાન પણ આવે. મેં એની દુકાનમાં નજર કરી. ગ્રીષ્માના મમ્મી ભજિયા બનાવતા હતા. એ ઘરમાં કામ કરતી હશે એમ મેં માની લીધું અને ઘર તરફ આગળ વધુ ત્યાં તો મેં જોયું કે ધૂળિયા મહારાજ ગ્રીષ્માની દુકાન પર બેઠા હતા. હું થોડો નજીક ગયો અને ગ્રીષ્મા છે કે નહીં એ જોવાનો પ્રયત્ન કર્યો અને ત્યાં તો ધૂળિયા મહારાજે મને જોઈ લીધો. મને જોઈને મને બોલાવ્યો. હું ધીમે ધીમે એમની પાસે ગયો. એ બોલ્યા 'ગૌરવ કઈ બાજુ હવાર હવારમાં?' મેં કહ્યું,'કાંઈ નહીં બાપા, ચાલવા ગયો હતો, વાળ કપાવવા હતા તો ગયો હતો.' મને બાપાની વાતોમાં ઘણો રસ નહોતો, હું ગ્રીષ્મા ઘરમાં છે કે નહીં એ જોતો હતો. 'ગૌરવ કાલે મોટા વાહમાં પરબતને ન્યા કથા સે તો આવજે' ગ્રીષ્મા તરફ જોતા બોલ્યા, 'અરે ગ્રીષ્માને પણ પરબતના ઘરે મોકલજે.' બાપાની આ વાત મને વધારે ગમી. કથામાં જ ગ્રીષ્માને મળીશ એવું મેં નક્કી કરી લીધું હતું. ધૂળિયા મહારાજને પગે લાગીને હું પાછો ઘરે આવ્યો. ઘરે આવીને માર વાળ જોઈને ભાભી મસ્કરી કરતાં બોલ્યાં, 'ઓહ હો...દેવરજી તો સવાર સવારમાં બ્યુટી પાર્લર જઈને આવ્યા લાગે!' ભાભી સલૂન કહેવાય!'મેં કહ્યું. મારે ભાભીને પૂછવું હતું કે મોટા વાસમાં પરબતભાઈનું ઘર ક્યાં આવ્યું. પણ, ભાભી બીજા સવાલો કરશે એ વિચારીને પૂછ્યું નહીં. મનમાં વિચાર આવ્યો કે ચિરાગને જરૂર ખબર હશે.
(ક્રમશઃ)
- પ્રદિપ પ્રજાપતિ