કથા
બપોરના સમયે મને ઓસરીમાં બેસવું બહુ ગમતું. બહાર ખૂબ તડકો હોય છતાં ઓસરીમાં ઠંડી હવા આવતી. કાકી જમીને અડધો કલાક સુવે અને પછી ભરતકામમાં લાગી જાય. હું બાળપણથી કાકીને આમ કરતાં જોઉં છું. એમણે અવનવા ભરતકામ આવડે અને ગોદડા ભરવામાં તો એક્સપર્ટ. ખબર નહીં આટલી ક્રિએટિવિટી કઈ રીતે લાવતા હશે. હું તો એકનું એક કામ કરીને કંટાળી જાઉં અને એમાં પણ કંઈ કમાવવાનું નહીં ! કાકી ઉંબરા પાસે બેસે અને આવતાં જતાં દરેકને આવકાર આપે. ભરતકામ કરતાં કરતાં ધીમે અવાજે ભજન પણ ગાય. અને એમાંય બપોરની નીરવ શાંતિમાં તમરાંનો અવાજ. આવા વાતવારણમાં મારી બપોર પસાર થતી. મને થયું કે ભાભી ઘરકામ કરે છે અને કાકી એકલા છે તો મોટા વાસમાં પરબતભાઈના ઘર વિશે પૂછી લઉં. હું બેઠો થયો અને કાકી સામે જોઇને કહ્યું,'કાકી, આ મોટા વાસમાં પરબતભાઈનું ઘર ક્યાં આવ્યું.' કાકી ભરત ભરતાં-ભરતાં બોલ્યાં, 'મોટા વાહમાં જાઈએ ને, ન્યા ઘંટી પાહે જ પરબતનું ઘર સે. જ્યાં તું પે'લા બરફ ગોલો ખાવા જાતો' 'હા, હવે યાદ આવ્યું..' મેં કહ્યું. 'પણ, તારે ન્યા સુ કામ સે ?' 'કાકી, એ તો કાલે ધૂળિયા મહારાજ મળ્યા હતા ને એ કહેતા હતા કે ત્યાં કથા છે.' કાકીએ કહ્યું, 'હા..તારે જાઉં સે ?' મેં કહ્યું, 'ધૂળિયા મહારાજે કહ્યું છે તો જાઉં જ પડશે ને!' કાકીએ કહ્યું, 'જાજે..અને તારા દોસ્તારોને લેતો જાજે' હું કંઈ બોલું એ પહેલાં કાકી ભરતકામ બાજુમાં મૂકીને બોલ્યા, 'ગૌરવ...તારી હવે ઉંમર થઈ ગઈ સે, કાંઇક લગનનું વિચાર. તે નક્કી કરી રાખ્યું હોય તો જટ કેજે તો અમે બીજા ના જોઈએ.' શું બોલવું એ સમજાયું નહીં એટલે મેં હોંકારો આપ્યો અને કાકી ફરી ભરતકામ કરવા લાગી ગયા. કાકીની આદત હંમેશા સીધું અને સચોટ બોલવાની રહી છે અને મને આ ગમતું. સાડા ચાર વાગ્યે હું ઘરથી નીકળ્યો. આજે મોટો વાસ ગામની વચ્ચોવચ આવ્યો અને મારી સ્કૂલથી એકદમ નજીક. એકલા જવામાં મને થોડી શરમ આવતી હતી એટલે મેં રામને ફોન કરીને બોલાવ્યો.
બજારમાંથી હું ચાલતો ચાલતો મોટા વાસ તરફ જતો હતો ત્યારે ગ્રીષ્માની દુકાનમાં મેં ત્રાંસી નજરે જોયું. ગ્રીષ્માના મમ્મી દુકાનમાં બેઠા હતા પણ ગ્રીષ્મા મને ક્યાંય ન દેખાઈ ! સાંકડી ગલીઓમાં ચાલતાં ચાલતાં હું મારી સ્કૂલ પાસે પહોંચ્યો. રામ સ્કૂલના ગેટ પાસે ઊભો હતો. હું સ્કૂલને એકીટશે નિહાળતો હતો ત્યારે રામ બોલ્યો 'યાદ છે કે ભૂલી ગયો !' 'બધું જ યાદ છે !' મેં જવાબ આપ્યો. સાત વર્ષ બાદ હું આ જગ્યાએ આવ્યો હતો. સ્કૂલ એવી ને એવી જ લાગે છે, બાજુમાં નાનકડો બગીચો અને બગીચામાં આંબલીનું ઝાડ ! બધું જ એવું ને એવું જ છે. જાણે કાલની જ વાત હોય એમ લાગતું હતું.સ્કૂલમાં સૌથી વધારે તોફાન ચિરાગ કરતો અને ગ્રીષ્માને ચીડવતો ત્યારે ગ્રીષ્મા મને ફરિયાદ કરતી. હોશિયાર અને બોલકી છોકરી આજે શાંત થઈ ગઈ. 'હવે બઉ વિચાર નઈ, આપણે શાંતિથી અહીંયાં આવીશું.' રામ બોલ્યો. હું અને રામ મોટા વાસમાં પરબતભાઈના ઘરે ગયા. ઓસરીમાં કથા ચાલતી હતી અને બધાં બેઠા હતા. હું અને રામ પાછળ બેઠા. રામ બોલ્યો, 'અરે ગૌરવ અહીંયાં આવવાની શું જરૂર હતી...તું બહુ ભક્તિભાવવાળો થઈ ગયો છે !' ત્યારે જ ધૂળિયા મહારાજ બોલ્યા, 'ગૌરવ અહીંયાં આવ..!' હું ઊભો થઈને આગળ ગયો, ગામની બધી બહેનો અંદર અંદર વાત કરતી હતી. કેટલીક કહેતી હતી, 'આ ઓલો પરદેશથી આવ્યો એ' ધૂળિયા મહારાજે મને તિલક કર્યું અને રામને ઈશારો કર્યો અને એ પણ આગળ આવ્યો અને એને પણ તિલક કર્યું. હું અને રામ ફરી અમારી જગ્યાએ જતા હતા ત્યારે ધૂળિયા મહારાજે અમને આગળ બેસવા કહ્યું અને અમે આગળ બેઠા. હું આમ-તેમ જોઈને ગ્રીષ્માને શોધવાનો પ્રયત્ન કરતો હતો પણ એ ક્યાંય દેખાઈ નહીં. હવે લાગતું હતું કે ગ્રીષ્મા નહીં આવે.
કથા સમાપ્ત થઈ. ધૂળિયા મહારાજે અમને પ્રસાદ આપ્યો. હું અને રામ ઘરે પાછા નીકળતા હતા ત્યારે પરબતભાઈએ કહ્યું, 'બેટા હવે આવ્યા છો તો જમીને જ જાઓ..' મેં કહ્યું, 'ના ના કાકા હવે અમે તો ગામના જ છીએ.' રામ મારો હાથ ખેંચીને હા પાડવા કહેતો હતો. 'તું તો વિદેશથી આવ્યો છે એટલે આમ પણ મહેમાન જ કહેવાય. અને ઘરે પણ બીજા મહેમાન છે જ.' પરબતભાઈની વાત કાપતા ધૂળિયા મહારાજ બોલ્યા, 'ગૌરવ હવે રોકાઈ જા..' મેં કહ્યું, 'સારું...!' આંગણામાં ખાટલામાં અમે બધાં બેઠા હતા અને ધૂળિયા મહારાજે કહ્યું, 'ગૌરવ પાણી લાવ તો..' પરબતભાઈ ઊભા થતા હતા ત્યારે મેં કહ્યું, 'હું જાઉં છું કાકા.' હું પરબતભાઈના ઘરમાં ગયો અન રસોડામાં જઈને બોલ્યો,'પાણી આપજો ને...!' હું સ્તબ્ધ થઈ ગયો. મેં જોયું કે રસોડામાં બે-ત્રણ છોકરીઓ નીચે બેસીને પૂરી વણતી હતી અને એમાંથી એક ગ્રીષ્મા પણ હતી. ગ્રીષ્માએ મારા હાથ સામે જોયું, પછી મારી સામે જોઇને નીચું જોયું. હું પાણી લઈને બહાર આવ્યો. જેમ ફૂલો પર પાણીની વાછટ ઉડે એમ મારું મન હરખાતું હતું. રામે કહ્યું, 'ગૌરવ શું થયું ? કેમ આટલો હરખાય છે ?' 'અંદર ગ્રીષ્મા છે..!' મેં કહ્યું. 'તારે તો મેળ પડી ગયો..!' રામ બોલ્યો. ધૂળિયા મહારાજ બીડી પીતા પીતા તેમના પ્રવાસની વાતો કરતાં હતા અને અમે બધાં ધ્યાનથી સાંભળતા હતા.
થોડીવાર બાદ એક છોકરી આવી અને બોલી, 'પપ્પા જમવાનું તૈયાર છે.' પરબતભાઈ ઊભા થઈને બોલ્યા, 'હાલો જમી લઈએ.' પરબતભાઈએ હાથમાં પાણીનો લોટો લીધો અને બધાને હાથ ધોવડાવતા ગયા. અમે બધા અંદર ગયા અને લાઈનસર બેઠા. બાળપણમાં કોઈના ઘરે જમણવાર હોય ત્યારે પણ આમ પંગતમાં બેસીને જ જમવાની મજા આવે. ગ્રીષ્મા થાળી લઈને આવી અને બધાની આગળ થાળી મૂકી. તેને મારી સામે જોવા પ્રયત્ન કર્યો પણ જોયું નહીં. બધું જમવાનું પીરસાઈ ગયું ત્યારે પરબતભાઈ બોલ્યા, 'આ છોકરાને મીઠાઈ તો આપો.' મારી થાળીમાં મીઠાઈ હતી તોય એમણે આગ્રહ કર્યો. અને ગ્રીષ્મા મીઠાઈ લઈને આવી. ગ્રીષ્માએ મારી સામે સ્નેહપૂર્વક જોયું અને બે મોહનથાળના ટુકળા થાળીમાં મુક્યા. માંડ માંડ મેં ભોજન પૂરું કર્યું. જમ્યા બાદ હું મારી થાળી લઈને ઊભો થયો ત્યારે ગ્રીષ્માએ મારા હાથમાંથી થાળી લઈ લીધી અને અંદર જતી રહી. જમ્યા બાદ હું અને રામ ઘરે જવા નીકળ્યા ત્યારે અંદરથી એક બેન બહાર આવ્યા અને બોલ્યાં, 'તમે બજારમાંથી જવાના છો ને ?' રામ બોલ્યો, 'હા..' એ બેન બોલ્યા,'તો આ ગ્રીષ્માને બજાર સુધી લેતાં જજોને..! રામ મારી સામે જોઇને બોલ્યો,'ગૌરવ તારા નસીબ ખુલી ગયા..!'
(ક્રમશઃ)
લેખક: પ્રદિપ પ્રજાપતિ