મોજીસ્તાન (68)
જાદવ,ખીમાં અને ભીમાએ મળીને બુલેટ ઊંચું કર્યું.બાબો અને હુકમચંદ માંડ ઉભા થયા.ત્યાં સુધીમાં દૂર પડેલો કંદોઈ ઉભો થઈને બાબા પાસે આવી ગયો.બાબાએ એને ધક્કો મારીને ગબડાવી દિધો હતો એને કારણે એનો મગજ ગયો હતો.ઝારો લઈને એ બાબાને મારવા દોડ્યો.
પણ,બાબાને એ અંદાઝ હતો.કંદોઈને ઝારો ઊંચો કરીને આવતો જોઈ બાબાએ વાંકા વળીને એક પથ્થર ઉઠાવ્યો.કંદોઈ નજીક આવીને ઝારો વીંજે એ પહેલાં એના કપાળમાં બાબાએ પથ્થરનો છૂટો ઘા ઝીંકયો.
"હોય હોય બાપલીયા...આ...." કરતો કંદોઈ ગબડી પડ્યો.એના કપાળમાંથી લોહીની ધાર થઈ હતી.બાબો દુશ્મને ઘાયલ કરીને જવા દે એવો નહોતો.કંદોઈ કપાળ પર હાથ દાબીને રાડો પાડતો હોવા છતાં બાબાએ એની પાસે જઈને એના જડબાં પર લાત ઠોકી.કંદોઈના હાથમાંથી છટકી ગયેલો ઝારો દોડીને લઈ લીધો.
હુકમચંદ,જાદવ,ભીમો અને ખીમો બાબાનું રૌદ્ર સ્વરૂપ જોઈ દોડ્યા.જાદવ અને ભીમાએ બાબાને કમરમાંથી પકડ્યો અને હુકમચંદે એનો ઝારાવાળો હાથ પકડી રાખ્યો.
"હાં..હાં... બાબાલાલ,મારી નાખવો છે એને ? બસ કરો હવે, નહિતર બેયને આંય મૂકીને હું જતો રહીશ..!" હુકમચંદે રાડ પાડી.
"હા હા મારી નાંખીશ.સાલ્લા બે ટકાના કંદોઈ...સમજશ શું તારા મનમાં ? મારી હાર્યે માથાકુટ કરતો નય કોઈ દી.. પૂછ આ જાદવાને, ખીમલાને ને ભીમલાને.મેં એકલાએ કેવા ઢીબ્યા'તા ઈની વાડીએ.ટીપીને રોટલો કરી નાંખીશ સાલ્લા જો મારી સામે આંખ ઊંચી કરીને જોયું તો ! તને હજી મારો પરિચય નથી, નાલાયક તું મને નાનું છોકરું,રીંગણાનું ડીંટિયું હમજશ ? હું રીંગણાનું નહિ મરચાનું ડીંટિયું છું સમજ્યો ?" બાબો બરાડતો હતો.
હુકમચંદે બાબામાં હાથમાંથી માંડ માંડ પેલો ઝારો મુકાવીને કંદોઈ પાસે ફેંક્યો.બાબાને ખેંચીને બુલેટ પાસે લઈ ગયો.
"હવે જાવા દયો બાબાલાલ, ઈની જેવુ આપણે ન થાવું.એની અક્કલ પ્રમાણે ઈ વાત કરતો હોય નકામો આમાં પોલીસકેસ થાશે તો તું ને ભાભા ધોડતાં થઈ જશો.હજી આ ભૂતનું રહસ્ય ઉકેલાયું નથી ને તું ક્યાં નવી ફિલમ કરવા બેઠો ? ચાલ બેસ હવે ગાડી પર.."
હુકમચંદે બુલેટ સ્ટાર્ટ કર્યું.બાબો કંદોઈ તરફ ફર્યો અને બુલેટ પર બેસતાં બોલ્યો,
"નાલાયક ગણપતિયા..આજ તો તું બચી ગયો છો,પણ ફરીવાર મારી ઝપટે ચડતો નહિ નકર તારો ઝારો સોંસરવો કાઢી નાખીશ.."
"બાબાલાલ હવે લપ મુકય ભાઈ" કહી હુકમચંદે લીવર આપ્યું.કંદોઈ કપાળ દબાવીને બેસી રહ્યો.એને ચક્કર આવતાં હતા.જાદવ અને ભીમો-ખીમો કંદોઈને ઉભો કરી રહ્યાં હતાં.
બુલેટ આગળ વધ્યું એટલે બાબાએ કહ્યું,
"પણ હુકમચંદ હું એની સાથે વાત પણ કરતો ન્હોતો.હું તો તમને કહેતો હતો કે એ લખમણિયો ભૂતબૂત નથી.એ કદાચ હબલો હતો.એ મને કાયમ ચગી જવાનું કહેતો હતો.આજ ઓરડી બહાર એ પાટું મારતાં મારતાં એમ બોલ્યો હતો કે બાબલા તું હમણાં બહુ ચગી ગયો છો. ચગી જવાનું એક જ વ્યક્તિ મને કહે છે અને એ છે હબ્લો.. પહેલીવાર ભાભાને જ્યારે ભૂતનો ભેટો થયો ત્યારે ટેમુના ઘેર ભાભા જતા રહેલાં. એ વખતે આ હબલો ત્યાં હાજર હતો.એનું ઘર તો છેક પરા વિસ્તારમાં છે.રવજીભાઈના ઘેર કથામાં એ આવ્યો હતો.અને પછી ભાભા ભૂત ભાળીને ટેમુના ઘેર ભાગી ગયા ત્યારે એ ટોળામાં એ હતો.એ ત્યાં કેમ હતો એ મારે પૂછવું પડશે."
હુકમચંદ બાબાની વાત સાંભળી વિચારમાં પડ્યો. વીજળી ભાગી ગઈ ત્યારે જગા અને નારસંગને લઈને પોતે રેલવે સ્ટેશન ગયેલો. વીજળી સલામત હોવાનો ફોન આવી ગયા પછી જ્યારે એ જીપ લઈને ગામમાં આવ્યા ત્યારે સરકારી દવાખાનાના ઓટલા પર બેસી હબલો કોઈકને ફોન કરતો હતો એ હુકમચંદને યાદ આવ્યું.ભાભા કહેતા હતા કે લખમણિયો એમને ફોન કરીને બીવડાવતો હતો.અને બાબાએ પણ કહેલું કે જ્યારે એણે લખમણિયા સાથે વાત કરી હતી ત્યારે એણે કોઈ વાહનનો અવાજ સાંભળ્યો હતો.
મોડી રાત્રે હબલો ફોન કરતો હોય ત્યારે કોઈ વાહન એ રસ્તેથી નીકળ્યા હોય તો એનો અવાજ બાબાએ સાંભળ્યો હોય એવુ બનવું સંભવ હતું.
"તારી વાતમાં દમ તો છે.પણ આપણે સાબિતી વગર કંઈ કરાય નહિને !" હુકમચંદે કહ્યું.
"તો એમ કરો,અત્યારે જ આપણે હબ્લાના ઘેર જઈએ.સો ટકા એ ઘેર નહિ હોય.અને જો એ ઘેર મળી આવે તો આપણી શંકા દૂર થઈ જશે..!" બાબાએ કહ્યું.
"હા એમ જ કરીએ.જો સાલ્લો ઘેર ન હોય તો જ્યાં સુધી ઘેર ન આવે ત્યાં સુધી એની રાહ જોશું.હુંય હવે થાક્યો છું હવે આ નાટકથી. મને તો પહેલા ભાભાનું જ નાટક લાગ્યું હતું.પણ આજ ભાભાએ બધું ચોખ્ખું કર્યું. લખમણિયાનો રૂબરૂ અનુભવ પણ થયો.મારા બેટાએ મને જે લાફો ઠોકયો છે....હજી ગાલ બળે છે !"
"એના હાથમાં ચામડાના મોજા હતાં.એ કંઈક ધુમાડા જેવું પણ છોડતો હતો એની ખરાબ વાસ પણ આવતી હતી જેને કારણે આપણને ચક્કર આવવા લાગે.એ એકલો આમાં ન હોય, આની પાછળ કોઈકનું માસ્ટર માઈન્ડ કામ કરી રહ્યું હોય એમ મને લાગે છે.હું બે ચાર દિવસમાં જ ભૂત પકડી પાડવાનો છું" બાબાએ કહ્યું.
હુકમચંદ બાબાની બુદ્ધિ ચાલતી જોઈ ઘણો નવાઈ પામ્યો.હજી હમણાં સુધી ગામમાં તોફાન કરતો ભાભાનો આ છોકરો આટલો બુદ્ધિશાળી હશે એ જો આવું કંઈ બન્યું ન હોત તો હુકમચંદના માનવામાં આવે એવી વાત નહોતી. પણ બાબો જે રીતે મુદ્દાસર વાત કરતો હતો એ જોઈ બાબા પ્રત્યે હુકમચંદને માન થઈ આવ્યું.
હુકમચંદે બુલેટ પરા વિસ્તારમાં લીધું.સરકારી દવાખાનાથી થોડે દુર હબાનું નાનું મકાન હતું. આગળના ભાગમાં હબાની વહુ શાકભાજીની દુકાન ચલાવતી અને પાછળના ભાગે દેશી નળિયાવાળાં મકાનમાં નાની ઓસરી અને એક રૂમ હતા એક તરફ નાનું રસોડું હતું અને વચ્ચેના ભાગમાં નાનું ફળિયું પણ હતું.
બુલેટ હબાની ખડકી આગળ આવીને ઉભું રહ્યું.બાબાએ ઉતરીને ખડકીની સાંકળ ખખડાવી.શેરીમાં સ્ટ્રીટલાઈટનું ઝાંખુ અજવાળું પડી રહ્યું હતું.
બાબાએ ફરીવાર સાંકળ ખખડાવી એટલે અંદરથી હબાની વહુએ ઝીણા અવાજે 'કોણ છે ?' એમ પૂછ્યું.
"હબો ઘેર છે ? સરપંચ સાહેબ બોલાવે છે...!" બાબાએ જરાક મોટા અવાજે કહ્યું.
"એ...એ...ઈ ઘરે નથી.બપોરે બોટાદ જીયા છે.કાલ્ય હાંજે આવવાના સે.આવે એટલે હું ઈને સરપંચ પાંહે મોકલીશ.." અંદરથી હબાની વહુએ કહ્યું.
બાબાએ હુકમચંદ પાસે આવીને કહ્યું, "મારો શક સાચો છે,સાલ્લો આ હબલો જ ભૂતનો પાઠ ભજવે છે ઈ પાક્કું છે હુકમભાઈ,
ઘરવાળીને ભલે બોટાદનું કહીને ગયો હોય પણ ઈ રવજીની વાડીએ જ હોવો જોઈએ.હું તો કહું છું કે ચાલો આપણે પાછા જઈએ.આ વખતે હું એને નહિ મુકું.સાલ્લો સમજે છે શું એના મનમાં ?"
"આવું કરવાથી એને શું મળવાનું છે ? કદાચ ઈની ઘરવાળી કહે છે એમ હબો બોટાદ પણ ગયો હોય.આપણે એમ સાબિતી વગર ખાલી શકના આધારે કોઈને ગુનેગાર સાબિત કરી નો શકીએ.તું ભલે કહેતો હોય પણ કદાચ સાચોસાચ ઈ ભૂત હોય તો પથારી ફેરવી નાંખે.મને તો મારા બેટાએ સારીપટ ધોયો છે."કહું હુકમચંદે બીડી સળગાવી.
"હબલો જ હતો,ઈ જાડો અવાજ કાઢીને બોલતો હતો પણ ચગી ગ્યો છો એમ બોલ્યો એટલે હું એને ઓળખી ગયો છું.વાડીએ ન જવું હોય તો આપણે અહીં જ એની રાહ જોઈએ."
"રાતના સાડાબાર થિયા છે હજી.સવાર સુધી રાહ જોવાનો મતલબ નથી.હબો કાલે સાંજે આવવાનો છે.એમ કીધું ઈની વહુએ, તેં નો સાંભળ્યું ?"
"હબો એની વહુને એમ કહીને ગયો હોય એટલે એ તો એમ જ કહે ભલામાણસ,તમે મારી વાત કેમ માનતા નથી ?"
"એક કામ કર બાબાલાલ, મારે ઉજાગરો થાય એમ નથી. તું બેસ હબાના ઓટલે.જો હબો રાતે જ પાછો આવે તો મને ફોન કરજે.હું જાઉં છું..!" હુકમચંદે બીડીનો છેલ્લો કશ ખેંચીને ઠુંઠુ જમીન પર નાખ્યું.
"હું એકલો આંય બેહું ? સરપંચ તરીકે તમારી કોઈ ફરજ નથી ?''બાબાએ ગુસ્સે થઈને કહ્યું.
"કેમ તારી ફાટે છે ? મેં કીધું તો ખરા કે મારે ઉજાગરો થાય એમ નથી.કાલે મારે બોટાદ જવું પડે એમ છે, તું આમેય સાવ નવરો છો એટલે તું બેસ એમ કહું છું !"
"હું કંઈ હબલાથી કે ભૂતથી બીતો નથી.મેં દોડીને ભૂતનું ગળું પકડી લીધું'તું એ નહોતું જોયું ? હું અહી એકલો બેસું ને કોઈ જોઈ જાય તો અવળું સમજે તો મારી ને ભાભાની આબરૂ જાય. લોકો ગમે તેવી વાતો કરે એટલે હું એકલો બેસવાની ના પાડું છું."
બાબાએ કહ્યું.
"એમ કર હું બે માણસોને અહીં બેસાડું સવાર લગી.." કહી હુકમચંદે જગા ભરવાડને ફોન કર્યો.
બે ત્રણ રીંગે જગો જાગ્યો. હુકમચંદે એને હબાના ઘેર આવવાનું કહ્યું.
વીસેક મિનિટ પછી જગો આવ્યો.
"શું છે સરપંચ ? આમ અડધી રાત્યે આંય શું કરો છો ?" જગાએ આવીને કહ્યું.
"જો જગા તું નારસંગને બોલાવી લેજે.હબાના ઘર ઉપર સવાર સુધી વોચ રાખવાની છે.એ ક્યાંક બહાર ગયો છે,જેવો એ આવે એટલે તરત એને પકડીને પંચાયતમાં પુરી દેવાનો છે."કહીને હુકમચંદે બુલેટની કીક મારી.
જગાને હુકમચંદ કહે એટલું જ કરવાનું હતું.ચોવીસ કલાકની એની ડ્યુટી હતી.નારસંગ અને જગો હુકમચંદના ખાસ માણસો હતા.
જગાએ તરત જ નારસંગને ફોન કરીને આવી જવા કહ્યું.બાબો હુકમચંદની પાછળ બુલેટ પર ગોઠવાયો.જગાને હબાના ઘર પર નજર રાખવા મૂકીને એ બંને પોતપોતાના ઘેર ગયા.
શું હબો જ ભૂત હતો ? જો એમ હોય તો એ એકલો જ હતો કે બાબો કહે છે તેમ એની પાછળ કોઈનું માસ્ટર માઈન્ડ કામ કરી રહ્યું હશે ? અને એવું કોઈ માસ્ટર માઈન્ડ હોય તો એ કોનું હોઈ શકે ? શા માટે ગામમાં આવું ભૂત ઉપજાવી કાઢવામાં આવ્યું હશે ?
આ તમામ સવાલોના જવાબ આવતા પ્રકરણમાં આપીશું.તો વાંચતા રહો મોજીસ્તાન,અને માણતા રહો મોજીલી સફર !
હા, સિક્કાઓ ખંખેરતા રહેજો મહારાજ !
(ક્રમશ:)