સંત મહાત્મા મૂળદાસ મહેશ ઠાકર દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

સંત મહાત્મા મૂળદાસ



ઉનાનું આમોદરા ગામ.
એમાં લુહાર કરશન ભગત અને ગંગાબાઈ વસે. દેવની દયા વ૨સી ને એક પુત્ર જન્મ્યો. (વિ.સં. ૧૭૩૧ કારતક સુદ ૧૧ને સોમવારના રોજ થયો જન્મ થયો હતો.) નામ પાડ્યું મૂળજી,

ધમણ અને ભઠ્ઠી સાથે જિંદગીનો ગુજારો. એટલે, કોલસો તો જંગલમાં લાકડા કાપી સળગાવીને પાડવાનો. આ કામ મોટા થતાં મૂળજી માથે આવી ચડ્યું.

એક વખત લાકડામાં સળગતી, તડાતડ અવાજ કરી મરતી, જીવાતો જોઈ એનાં હૃદયે પ્રશ્ન ઊઠ્યો : પાપી પેટની ભૂખ ઠારવા આટલી બધી જીવ હિંસા … ! બસ આ નજરે જોયા પછી મા – બાપ કે પત્ની વેલબાઈને જાણ કર્યા વગર મૂળજીએ વૈરાગ્યની વાટ પકડી. કરમનો બોજ હળવો કરવા સતકર્મ એ જ એની પગદંડી. તીર્થયાત્રા અને સંત સેવા.

પહેલો મુકામ એનો જોધાપુરનું રામમંદિર અને દેવાનંદ આહિરનાં ખેતરની ઝૂંપડી. બીજો મુકામ થયો લંગર બાપુનો આશ્રમ. જ્યાં મૂળજીને દિશા – શિક્ષા મળ્યા અને ગુરુ મળ્યાને ફળ્યા. (ગોંડલના લોહલંગરીબાપુ તેમના ગુરુ હતા.)

અહીં વેલબાઈની વિનવણીથી ગુરુ આજ્ઞા થઈ ને અમરેલીમાં પત્નીને સાથે રાખીને આશ્રમ સ્થાપ્યો સત્સંગ, ભજન અને ભૂખ્યાને ટુકડો દેવા અન્નક્ષેત્ર શરૂ થયું.

એક દિવસ આશ્રમના કૂવાનાં કાંઠે કઠોડે એક અબળા આયખું ટૂંકાવવા કૂવામાં ખાબકવા માટે તૈયાર થઈને આવી અને મૂળદાસે બાવડું પકડી એને પૂછ્યું : ‘‘ મા , જીવતરને ધૂળધાણી કરવાનો આ અવસર, આ અભરખો કાં ઉપડ્યો ? ’’

બાઈ ધ્રુસકે ધ્રુસકે રડી. પોતાની આપવીતી કહેવી શરૂ કરી : “ મારા પેટમાં ગર્ભશ્રીમંતનો જીવ સળવળી રહ્યા છે. પોલીસનો કાફલો મારી પાછળ પડ્યો છે, નામ દેવાય એમ નથી, બદનામીની બીક લાગે છે અને પુરાવો આપી શકું તેમ નથી. જેલવાસનાં અંધારામાં પુરાવું નથી. પછી જીવીને શું કરું ? આ અધમજીવને આધાર પણ કોનો મળે ? ’’

મૂળદાસનું અંતર કરુણાથી છલકાઈ ઊઠ્યું. એને સધિયારો આપતા એ બોલ્યાં : ‘‘ કાલ સવારે જેનો જનમ થાય, કોઇ તેના બાપનું નામ પૂછે, તો મારું નામ દઈ દેજે. બસ , મા હવે તો રાજીને ? ’’

પણ બાઈનું અંતર કકળાટ કરી પોકારી ઊઠયું. નહીં બાપુ નહીં, ઈશ્વરી અવતારને મારા કલંકથી નો અભડાવાય. ધોળી ચાદરમાં મારા કરતૂતનાં ડાઘા નો ચીતરાય. હું સાત જનમેય છૂટકારો નહીં મેળવી શકું. મને મરવા દ્યો, મરવા દ્યો. ’’

લાંબી મથામણને અંતે સંતની જીદ જીતી ગઈ અને શીખવેલું અસત્ય અધિકારી સામે બોલી ગઈ. હવે પીડા ભોગવવાનો વારો સંતનો આવ્યો. આ વાત ચારે બાજુ ફેલાઇ ગઇ. લોકોએ સંત મૂળદાસને માથે મૂંડન, ગળામાં ખાસડાનો હાર અને ગધેડા માથે સવા૨ી. ફીટકાર સાથે ફૂલેકું કરતાં કરતાં રામજીમંદિરે પહોંચ્યું.

સંતે દર્શન કરવા મરજી જણાવી. રામની મૂર્તિ સામે હાથ જોડી કીધું : ‘‘ અત્યાર સુધી ફૂલો દીધા તને, હવે મેં આ પહેરેલો હાર .. ’’ પણ ત્યાં ઊભેલા લોકોને એક કૌતુક દેખાયું – રામે હાથ આડો કર્યો. જાણે તું ખાસડાનો અધિકારી નથી. આમ લોક, અધિકારી પગે પડ્યાં, મૂળદાસ મુક્ત થયા ને મરવા આવેલી બાઈ રતન પણ.

નદીકાંઠાનાં આશ્રમમાં રતને દીકરીને જન્મ આપ્યો અને સંત અને રતન વાતે વળગ્યા. આ વાત ગોળ વેચવા આવેલા વિસામો લઈ રહેલા ખેડૂતોએ સાંભળી : “ બાપુ નિર્દોષ છે. ’’ એવી વાત વાયુ વેગે મહાજન પાસે ગઈ. અને સંતની માફી મગાણી. સામૈયા કરી ટાવરચોકનાં આશ્રમે બેસાડ્યા. રતન બહેનની જન્મેલી દીકરીનું નામ રાધા. રૂપ એવા ગુણ.

એક વખત અયોધ્યાનાં સરવરી શાખાનાં બ્રાહ્મણ ધનંજયભાઈ અને એનો દીકરો આનંદ આશ્રમે આવ્યા અને ભાવથી સૌની સેવાશ્રુષુશા કરી. સંતની નજર આનંદ ઉપર ઠરી. અને રાધાનો હાથ એને સોપી રતનને હળવીફૂલ કરી મૂકી. આ રાધાનાં પેટે એક સમર્થ કવિએ જન્મ ધારણ કર્યો.

છંદ, પ્રબંધ, ગેયઢાળનાં ગીતનો કોણ મુકાબલો કરી શકે. તે અલૌકિક પુરુષ તે સ્વામિનારાયણ સંપ્રદાયમાં એક અનેરું નામ ગુંજી રહ્યું છે – તે રાધાનો દીકરો રતનનું રતન અને મૂળદાસની કૃપાનું અવતરણ એટલે મુક્તાનંદ સ્વામી.

સંત મહાત્મા મૂળદાસ ની સમાધિ
પત્ની વેલુબાઈનુ અવસાન થતા (સં.૧૭૭ર, ઇ.સ.૧૭૧૬) તેમણે વેલુબાઈ પાછળ ભંડારો કર્યો. પછી આશ્રમનો વહીવટ શીલદાસ નામના શિષ્યને સોંપીને દ્વારકાની યાત્રાએ નીકળ્યા. તેમણે સં. ૧૮૩પ‚ ચૈત્ર સુદ ૯ (રામનવમીએ) ૧૦૪ વર્ષની વયે સમાધિ લીધી.

સંત મહાત્મા મૂળદાસ સાથે જોડાયેલા ચમત્કારો
આમાથી અમુક પ્રસંગ જોઇએ.

રાજુલાના ઝોલાપર ગામે તેઓ કૃષ્ણ ભક્તિમાં લીન હતા. પણ ગામ માં પાણીની ખુબ જ તંગી હતી. ગામના સૂકા તળાવને કાંઠે રહ્યા. ગામલોકોની પાણીની ભીડ ભાંગવા તેમણે ઈશ્વરને આર્તનાદે પ્રાર્થના કરી. તેમની પ્રાર્થના ફળી અને તળાવ જળબંબાકાર થઈ ગયું. તે તળાવ આજે ‘મૂળિયાપાટ’ નામે જાણીતું છે.

જામનગરનાં મહારાજા જામસાહેબે સંત મૂળદાસને ગુરુ માનીને તેમની કંઠી બાંધી હતી.

પરંતુ મહાત્મા મૂળદાસની વાતો સાંભળી તેણે કંઠી તોડી નાખી હતી. એકવાર મૂળદાસ દ્વારકા જાત્રા કરવા જતા હતા. અને તેઓને રસ્તામાં જ આવતા મહારાજને મળીને જવાનું મન થયુ. બનેલુ એવુ કે મહારાજા નવા ગુરુની કંઠી ધારણ કરીને તેની સાથે વાતચીતમા મશગુલ હતા.

એટલામા મૂળદાસ આવ્યા અને રાજા પાસે મળવાનો સમય માગ્યો. પણ બાજુમાં મરેલી બિલાડી પડી હતી અને નાના નાના બચ્ચાઓ ભુખના દુ:ખથી ચિત્કાર કરતા હતા.

આવુ કરુણ દ્રશ્ય મહાત્મા મૂળદાસથી જોવાયુ નહી. તેમણે ઠાકોરજીનું જળ મંગાવ્યુ અને હાથમાં જળની અંજલી લઇ ત્રણ વાર રામ મંત્ર બોલી મૂળદાસ જીએ અંજલિ છાંટી. અને આ બિલાડી બેઠી થઇ.
કહેવાય છે કે સંત મૂળદાસજીએ આ બિલાડીને ત્રણ મહિનાનું આયુષ્ય આપ્યુ હતુ. મારી ઉંમરના ત્રણ મહિના તને આપું છું, બિલાડી તું બેઠી થા. અને બિલાડી બેઠી થઈને જોતી રહી. બચ્ચા મા ને વળગી પડ્યા.

આ જોઈને જામનગર નરેશની આંખમાં આંસુની ધારા વહેવા લાગી. અને આજે ભૂલનો અહેસાસ થયો કે, ખોટું થયું છે. સાચા સંતને ખોટા ધાર્યા છે. સાચા સંતને હું ન સમજી શક્યો, અને એ જ મિનિટે પેલી નવી બાંધેલી કંઠીને તોડી નાખી અને વળી જૂની કંઠી બાંધી દીધી.

સંત મહાત્મા મૂળદાસનાં જીવનમાં ચમત્કારની લોકવાયકા તો ઘણી છે. જેમ કે જોધપુરનાં આહિરનાં દીકરાને જીવનદાન, જોધાપુરનું છલકાય ગયેલું તળાવ, જામસાહેબે ગુરુ બનાવી કંઠી તોડી અને ફરી બાંધી. મૃત બિલાડીને સંતે સજીવન કરી અને દીવની મીનાબાઈનો પોતાનાં પ્રત્યેનો પ્રેમ શ્યામ તરફ વાળવો જેવી વાત શ્રદ્ધાળું જીવ તરફથી વાગોળાય છે. છતાં રતન અને ફૂલેકાંની વાત સો ટચનાં સોના જેવી છે.

સંત મહાત્મા મૂળદાસની રચનાઓ
મહાત્મા મૂળદાસની વાણી ઊંચા શિખરો સર કરતી. શબ્દો સરળ અને ટૂંકા છે.

આ સંત કવિએ (સંત મૂળદાસે) ભક્તિ વૈરાગ્યબોધ અને આત્મા વિષયક આરતી, કીર્તન, ગરબી, બારમાસી, ભજન જેવી પદપ્રકારની ગુજરાતી-હિન્દી રચના કરી છે. આ ઉપરાંત ટૂંકી આખ્યાન્ત્મક કૃતિઓ તથા ભાગવતનો બીજો સ્કંધ તેમણે આપ્યા છે. એ સિવાય હિન્દી ભાષામાં ‘ચોવીસ ગુરુદત્તલીલા’ અને કેટલાંક પદો તથા ‘બારમાસી’‚ ‘હરિનામલીલા’ ‘ગુરુગીતા’ ‘સાસુવહુનો સંવાદ’ સમસ્યાઓ‚ મર્કટીનું આખ્યાન‚ ‘ભગવદ્દગીતાનો અનુવાદ’ ‘ભાગવત બીજો સ્કંધ’ વગેરે રચનાઓ. જેમાં મહાપંથની અસરો દેખાડતી ભજનવાણી ‘ચૂંદડી’‚ રૂપકગર્ભ પદો અત્યંત લોકપ્રિય થયાં છે.

સંત મૂળદાસની કટારી ખૂબ જ પ્રસિદ્ધ છે. જે અહી રજુ કરી છે.

બેની ! મારા રૂદિયામાં લાગી રે‚ મેરમની ચોધારી મારે કાળજે કટારી…
બાયું ! મારા કલેજામાં મારી રે‚ બેની ! મારા રૂદિયામાં મારી રે‚
મારી છે કટારી ચોધારી‚ મેરમની કટારી‚ મારા કલેજે કટારી…
ભેદુ વિનાની વાતું કોણે રે જાણી ? મેરમની ચોધારી‚ મારે કાળજે કટારી…

(સાખી)
મારી કટારી મૂળદાસ ક્યે જુગતે કરી ને જોઈ‚
કળા બતાવી કાયા તણી‚ કાળજ કાપ્યાં કોઈ
(હદય કમળમાં રમી રહી‚ કાળજાં ફાટયાં સોઈ‚)

કાળજ કાપી કરૂણા કીધી‚ મુજ પર કીધી મહેર‚
જોખો મટાડયો જમ તણો‚ મારે થઈ છે આનંદ લીલા લ્હેર રે…
મેરમની ચોધારી મારે કાળજે કટારી…

(સાખી)
પહેલી કટારી એ પરીક્ષા કીધી બીજીએ સાંધ્યાં બાણ
ત્રીજી રમી ત્રણ ભુવનમાં‚ ચોથીએ વીંધાણા પ્રાણ

પ્રાણ વીંધાણા ને પ્રીતું બંધાણી‚ દેખાડયો દશમો દુવાર
કુંચીએ કરશનજીને વીનવું‚ મારી સુરતાની લેજો સંભાળ રે…
મેરમની ચોધારી મારે કાળજે કટારી…

(સાખી)
આ કટારી કોઈના કળ્યામાં નાંવે‚ નઈં અણી ને નહીં ધાર‚
ઘાયલ કરી ગઈ પાંજરું ઈ તો ઊતરી આરંપાર ;

વારી વારી કહું છું વિઠ્ઠલા ! મારા અવગુણનો ધરશો મા સાર‚
બેડી મ દેશો મારી બૂડવા‚ મારી બેડલી ઉતારજો ભવપાર રે…
મેરમની ચોધારી મારે કાળજે કટારી…

(સાખી)
કુળમાં દાવો મેં છોડયો શામળા ! ફળની મેલી લાર‚
અટક પડે વ્હેલા આવજો‚ મારા આતમના આધાર ;

વારે વારે શું કહું વિઠ્ઠલા ! મારા અવગુણ ના ધરશો એક‚
શામળા ! વ્હાલા ! તરત સિધાવો મારી તરણા બરોબર ટેક રે…
મેરમની ચોધારી મારે કાળજે કટારી…

(સાખી)
સાચા સદ્‌ગુરુ સેવિયા‚ જુગતે જાદવ વીર
મન પથ્થર હતા તે પાણી કીધાં‚ જેમ નીર ભેળાં કીધાં નીર

પાય લાગું પરમેસરા‚ તમે દેખાડયું નિજ ધામ રે
રામદાસ વચને મૂળદાસ બોલે‚ મારા ગુરુ એ બતાવ્યું તરવાનું ઠામ રે…
મેરમની ચોધારી મારે કાળજે કટારી…

🌺 નમીએ ભાવથી સંત મહાત્મા મૂળદાસને.🌺