મોજીસ્તાન (66)
અંધારામાં હવામાં લટકતો સફેદ ઓળો જોઈને ટેમુ ધ્રુજવા લાગ્યો.
જીવનમાં ભૂતની વાતો તો બહુ જ સાંભળી હતી પણ આજે નજર સામે જ ભૂત ઉભું હતું.ટેમુને 'કોણ છે..' એમ પૂછવું હતું પણ ગળામાંથી અવાજ નીકળતો નહોતો.
ફાટી આંખે એ ત્યાં જ ઉભો રહ્યો.મીઠાલાલ સાઈકલ પરથી ઉતર્યો.આકાશમાં ઉગેલા અડધા ચંદ્રનું એકદમ આછું અજવાળું પડવુ હવે શરૂ થઈ ગયું હતું.એ ઉજાસમાં મીઠાલાલે એનું બજાજ વાડીના ઝાંપા આગળ પડેલું જોયું.
''મારો બેટો અડધી રાતે આંય શું લેવા આયો હશે ?" મીઠાલાલ બબડયો.વાડીમાં ચાલતો દેકારો હવે એના કાને પડી રહ્યો હતો.
ધીરેધીરે મીઠાલાલ વાડીના ઝાંપા તરફ આગળ વધ્યો.
મીઠાલાલને ભૂત સમજી બેઠેલો ટેમુ ધ્રુઝી રહ્યો હતો.આછા ઉજાસમાં આવી રહેલો એ ઓળો ભૂત નહિ પણ માણસ છે એટલું પણ એનું મગજ સમજવા તૈયાર નહોતું.જ્યારે ડર મગજ પર હાવી થઈ જતો હોય છે ત્યારે કદાચ માણસ વિચારવાનું બંધ કરી દેતો છે.આંખ સામે જે દેખાય છે એનું અવળું જ અર્થઘટન એ સમયે થતું હશે.
ઝાંપો ખોલીને અંદર આવેલા મીઠાલાલે ઓરડી તરફ જવાના રસ્તે એક માણસને ઉભેલો જોયો.આછા અજવાળામાં એ કોણ છે એ કળી શકે એ પહેલાં જ ઓરડીબાજુથી કોઈ દોડતું આવ્યું.મીઠાલાલે એ તરફ કરી;
મીઠાલાલ કંઈ સમજે એ પહેલાં જ આવી રહેલ માણસની આંખોમાં અંગારા સળગી ઉઠ્યાં..
હુંહ હુંહ હુંહ...એવા અવાજ સાથે દોડી આવનાર હાડપિંજર જોઈ મીઠાલાલના મોતીયા મરી ગયા.વળતીપળે જ મીઠાલાલે પૂંઠ ફેરવીને મુઠીયું વાળી.ઝાંપો ખોલવાનો હવે સમય હતો નહિ એટલે મીઠાલાલે હતી એટલી તાકાત ભેગી કરીને કુદકો માર્યો.
ટેમુએ પણ એ જ ક્ષણે એ હાડપિંજર જોયું.એક ભૂત તરફ બીજું ભૂત દોડતું જોઈ એના પગમાં સંચાર થયો,વળતી પળે કપાસના પાકમાં ટેમુ ભાગ્યો.
ઝાંપો કૂદવામાં સફળ રહેલો મીઠાલાલ વાડીના ઢાળમાં ગબડયો.લથડીયું ખાઈને એ સાઈકલ અને બજાજ આગળ પડ્યો.પેલું ભૂત હુંહ હુંહ કરતું ઝાંપા આગળ થોડીવાર ઉભું રહ્યું.
"હોય..હોય..બાપલીયા...મરી જ્યો રે..." બજાજ મોપેડ પાસે પડેલા મીઠાલાલે રાડ પાડી.
ટેમુએ એ અવાજ ઓળખ્યો.
'આ તો બાપાનો અવાજ..તો શું બાપા મારી પાછળ આવ્યા ? એ સફેદ કપડાં પહેરેલ ભૂત નહિ પણ બાપા હતા ? લખમણિયો એમની પાછળ દોડ્યો ? મારા બાપાને ભૂત મારે ને હું એ જોઈ રહું ? ભલે જીવ જાય પણ એક દીકરાની હાજરીમાં એનો બાપ માર ખાશે ? નહિ નહિ હું આવું નહિ થવા દઉં. ભલે મને કાયમ ખીજાય છે; પણ એતો મારા સારા માટે ખીજવાતા હોય, હું એમને માર તો નહિ જ ખાવા દઉં.આખરે એ મારા બાપ છે..' ટેમુની અંદર એક દીકરો જાગ્યો.કપાસના ચાસમાં સંતાએલો ટેમુ ઉભો થયો.બળ કરીને એક મોટો કપાસનો છોડ એણે ખેંચી કાઢ્યો.
"ઉભો રહેજે તારી જાતના લખમણિયા.... આ...આ...." કહી ટેમુએ કપાસના છોડ ઠેકતા ઠેકતા દોટ મૂકી.થોડીવાર પહેલા ભયથી છળી મરેલો ટેમુ હવે મારવા મરવા પર આવી ગયો હતો.
ઝાંપો ખોલીને મીઠાલાલ તરફ જઈ રહેલું હાડપિંજર ટેમુની રાડથી ઉભું રહ્યું.એની આંખમાં સળગતા અંગારા તરત ઓલવાઈ ગયા. માર્ગમાં પડેલા મીઠાલાલ તરફ એ દોડ્યું.
મીઠાલાલ એ જોઈ બેઠો થઈ ગયો હતો. પોતાની સાવ નજીકથી ભાગી રહેલા ભૂતનો પગ એણે પકડ્યો.બીજી જ પળે એ ભૂત ગડથોલીયું ખાઈને માર્ગમાં પડયું.
"બાપા પકડો એને..કોણ છે એ ભૂતડું..આજ જીવતું જાવા નથી દેવાનું...!" ઝાંપા પાસે પહોંચેલા ટેમુએ રાડ પાડી.મીઠાલાલ એ જોઈ બળમાં આવી ગયો.ઉઠીને તરત જ માર્ગમાંથી ઉઠીને ભાગવા જતા ભૂત ઉપર ચડી મીઠાલાલે જોરથી એની છાતીમાં ગડદો ઠોકીને ગળું દબાવવા લાગ્યો.
ભૂત પણ મરણીયું બન્યું હતું. મીઠાલાલના હાથ ગળા ફરતે વધું ભીંસાય એ પહેલા ભૂતે મીઠાલાલના મોં પર થપાટ મારી.મીઠાલાલની આંખે અંધારા આવી ગયા. '
હોય હોય..બાપા...' કરતો મીઠાલાલ નીચે ફાંગોળાઈ ગયો.ભૂતે ઉભા થઈને એના બરડામાં જોરથી પાટું ઠોકયું. એ વખતે ટેમુ ઝાંપો ખોલીને ભૂતની લગોલગ પહોંચી ગયો.અચાનક ભૂતની આંખોમાંથી લેસર જેવો તેજ લીસોટા પ્રગટ થઈને ટેમુની આંખોમાં ઘુસી ગયા.ટેમુની આંખો એ પ્રકાશ સહી ન શકવાથી આપોઆપ બંધ થઈ ગઈ.બીજી જ પળે ટેમુના હાથમાંથી પેલો છોડ ભૂતે આંચકીને એના ગાલ પર જોરદાર થપ્પડ રસીદ કરી અને પેટમાં ગડદો ઠોકયો.ટેમુ બેવડવળીને ઝાંપા પાસે પડ્યો.
ટેમુ અને મીઠાલાલે આંખ ખોલી ત્યારે વાડીમાં ઝાંપા પાસે એ પડ્યો હતો.એનો પિતા મીઠાલાલ પણ એની બાજુમાં જ પડ્યો હતો.
"બાપા..આ..આ...તમે જીવો છો ને ?" ટેમુએ જોરથી મીઠલાલને હલાવીને રાડ પાડી.
મીઠાલાલ જાગ્યો, "બટા ભૂતડાએ મને બહુ માર્યો.હાલ હવે ઝટ ઘરભેગા થઈ જાવી..!"
ટેમુ જલદી બજાજ ઉપર ગોઠવાયો. મીઠાલાલ પણ સાઈકલ પડતી મૂકીને ટેમુ પાછળ બેસી ગયો.ટેમુએ કીક મારીને મોપેડ ચાલુ કર્યું. બંને બાપ દીકરો ભૂતના હાથનો માર ખાઈને ઘર ભેગા થઈ ગયા.મીઠલાલ ટેમુ પર ગુસ્સે થયો હતો પણ એક શબ્દ એ વઢી શક્યો નહિ.સવાર સુધી એકેયને ઊંઘ આવવાની નહોતી.
*
બાબો પથ્થરના મારથી ચોંક્યો હતો.ભાભા એના ભારેખમ શરીરનો ભાર માંડ ખમી શક્યા હતા.ઓરડી પાસે હજી પણ હાથોહાથની લડાઈ ચાલુ હતી. ગંભુ, માનસંગ અને બીજા બે ચાર જણ ભીમા અને ખીમા પર તૂટી પડ્યા હતા.રવજી,સવજી અને હુકમચંદ કંદોઈને કાબુમાં લેવા મથી રહ્યાં હતાં.
આખરે ડોકટરે ઓરડી પાસેના ઓટલા પર ચડી મોટા અવાજે કહ્યું,
"બધા શાંત થઈ જાવ પ્લીઝ,મારા મારી બંધ કરો અને ઓરડીમાં આવતા રહો.."
ડોકટરની વાત સાંભળી ભાભા અને બાબો ઓરડી તરફ ચાલ્યા.
હુકમચંદ અને રવજી સવજીએ પણ કંદોઈને પડતો મૂકીને ઓરડી તરફ દોટ મૂકી.એ જોઈ ગંભુ અને માનસંગવાળી ટોળી પણ ઓરડી તરફ ચાલવા લાગી.
અંતે ભીમો, ખીમો અને કંદોઈને પડતો માર બંધ થયો.જો કે લોકોએ પણ સારો એવો સામનો કર્યો હતો.
ઓરડીમાં પ્રમાણમાં વધુ અજવાળું હતું.હજુ રાતના દસ જ વાગ્યા હતા.બધા અંદર આવી ગયા એટલે ડોકટરે ઓરડીના બારણાં બંધ કરવા કહ્યું. એ વખતે કંદોઈ અને પેલા ત્રણ જણ,જાદવ ભીમો અને ખીમો ઓરડી તરફ આવતા હતાં.
"એ ડાગટર સાયેબ, ભલીમાંણા તમે તો હમજો.અમી થોડા ભૂત છવી ? સામુકના અમને ભૂતે માર્યા'તા.તમે હંધાય અમને ભૂત હમજીને ધોવા મંડ્યા તો અમેય પસી થોડા ઝાલ્યા રે'વી ? હું તો ગણપત કંદોઈ છવ,આ જાદવો, ભીમલો અન ખીમલો સ.બોલો અલ્યા તમી ભૂત છવો ?" કંદોઈએ કહ્યું. એનો દેખાવ ખરેખર ભૂત જેવો જ થઈ ગયો હતો.રવજી અને સવજીએ એને મારી મારીને ભૂત બનાવી દીધો હતો.
"ના ભઈ...અમે કાંય ભૂત નથ. કંઈ હમજયા વગર આ બધા સોટી જ પડ્યા,હવ કાંક બોલવા દેય અન હાંભળે તો થાય ને !" ભીમાએ નારાજ થઈને કહ્યું.
ડોકટર હસી પડ્યા, "ચાલો તમે લોકો પણ આવી જાવ. ઓરડી બંધ કરી દેવાની છે."
આખી ભજીયા ટોળી ઓરડીમાં આવી એટલે ડોકટરે બારણાં બંધ કરીને અંદરથી સાંકળ ચડાવી દીધી.
ઓરડીમાં પેલા ચાર જણ દીવાલને ટેકે બેઠા હતા.મારામારી કરીને બધા જ થાકી ગયા હતા.
"જુઓ મિત્રો, આ લખમણિયાના ભૂતનું રહસ્ય મને સમજાતું નથી. તમે બધાએ કંઈ સમજ્યા કર્યા વગર બિચારા આ ચાર ગરીબ લોકોને ઢીબી નાંખ્યા."
"અમે ઢીબ્યા ? આ કંદોઈ કોઈ દિ' એક અક્ષર પણ સામો બોલે તેવો નથી.પણ મારો બેટો ઝારો લઈને ઉભો થઈ ગયો.મારા કપાળમાં કેવો ઝારો માર્યો હાળાએ,ઘડીક તો મને અંધારા આવી જ્યાં !"સવજીએ કંદોઈ સામે લાંબો હાથ કરીને ઉમેર્યું, "તું ભલે કે,પણ તારા પંડ્યમાં લખમણિયો ગરી ગ્યો'તો ઈ નક્કી સે..નકર તું થોડોક મારી હામો થા ?"
"ના ભઈ, મને તો ધોરીયામાં ઊંઘેકાંધ નાખ્યો'તો.મને લાગે સે કે આ કોઈ એકલાનું કામ નથી.બે ત્રણ ભૂત હોય ઈમ મને લાગે સે.કારણ કે એક જણ મારું માથું અને બીજા મારા પગ ખેંચતા'તા.ઈના હાથમાં કાંક લોખંડ જેવું હશે હો, મારા બેટાએ જે થપાટ મારી સે...." કંદોઈ ગાલે હાથ ફેરવતા બોલ્યો.
"મને લાગે છે કે ચામડાના મોજા ઈ ભૂતે પહેર્યા હોવા જોઈએ.મને એક થપાટ ભેગો પાડી દીધો..'' હુકમચંદે પણ એના ગાલે હાથ ફેરવ્યો.
બધા પોતપોતાના અનુભવો કહી રહ્યા હતા.ભાભા અને બાબો શાંત બેઠા હતા. ભાભાને બહુ જ તકલીફ પડી રહી હતી.
આખરે ભાભા ઉભા થયા.
"ભાઈઓ બહેનો સાંભળો..!"ભાભાએ ભાષણ શરૂ કર્યું એટલે હુકમચંદ બોલ્યો,
"ભાભા આ કંઈ ગામની સભા નથી.આંય આપડે આઠ દસ જણ છીએ એમાં કોઈ બહેન નથી. તમે ભલા થઈને આંખ ઉઘાડો હવે"
ડરના માહોલ વચ્ચે પણ બધા હસી પડ્યા. ભાભાએ ભૂલ સુધારીને વાત આગળ વધારી.
"હા,ભાઈઓ સાંભળો.આજે મેં બહુ વિચાર કર્યો.આપણે સૌએ આજ સાક્ષાત ભૂતનો સામનો કર્યો છે.ઈ ભૂતે મારા મોઢામાં ભજીયા ખોસીને મને રાડો પાડવાની ના પાડી'તી. આ ભૂત આમ તો આટલા વર્ષોમાં ક્યારેય આપણે જોયું નથી.પણ જે દિવસે રવજીના ઘેર કથા કરીને હું ઘેર જતો'તો ત્યારે આ ભૂત સૌથી પહેલા મને ભટકાયું હતું.હવે એ વખતે મને જે અનુભવ થયો એ મેં જુદી રીતે રજૂ કરેલો.હું દોડાદોડ ભાગીને મીઠાલાલના ઘેર જતો રહેલો અને ભૂત હોવાનું મેં જ કહેલું.આખી વાત મેં મારી તીવ્ર બુદ્ધિથી તરત ઉપજાવી કાઢેલી. તમે સૌ જાણો જ છો કે હું કુશાગ્ર બુદ્ધિ ધરાવું છું.આપણા આ આખા પંથકમાં તભાગોરની તોલે આવે એવો એકપણ બ્રાહ્મણ પાક્યો નથી.હું પોતે શાસ્ત્રો,વેદો અને ઉપનિષદનો જાણકાર છું.દેવી ભાગવત અને શ્રીમદ ભાગવત મને કંઠસ્થ છે.શ્રીમદ ભગવત ગીતાના અઢારે અધ્યાયના તમામ શ્લોક નાનું છોકરું સો એકડા કડકડાટ બોલી બતાવે એમ હું બોલી શકું છું..."
"ભાભા તમે ઈ બધું રે'વા દયોને બાપા, અમને બધી જ ખબર્ય છે કે તમે કેવાંક ગનાની છવો.જે કેવાનું સે ઈ વાત કરોને ભાઈશાબ,
આડી અવળી કર્યા વગર...!" રવજીએ કંટાળીને કહ્યું.
"હા ભાઈ,તો હું એમ કહેતો હતો કે લખમણિયા નામનું ભૂત ક્યારેય હતું નહીં.મેં તો સાવ ગપ્પુ જ ઠોકેલું કે કરસનની ચોથી પેઢીએ આજથી બસ્સો ઓગણએંશી વરસ પહેલાં થઈ ગયેલા એના પરદાદા લખમણને રાતે એરું કરડેલો અને ત્યારથી એ ભૂત થઈને ભટકે છે.હું સ્વર્ગમાં ગયો હતો ને પાછો આવ્યો ત્યારે મને ભૂતે ઉપાડીને મીઠાલાલની દુકાનના ઓટલે નાખી દીધો હતો વગેરે વગેરે જે મેં કહેલું એ સાવ જુઠાણું હતું.હું ભૂતથી ડરીને ભાગ્યો છું એવું લોકોને ન લાગે એટલે મેં આવું ગપ્પુ ઠોક્યું હતું.
પણ હકીકતમાં ભૂત કે જે હોય તે કંઈક વિચિત્ર તો હતું જ.મને મારું ગપ્પુ ભારે પડી ગયું છે.આ ભૂતે મને ફોન કરી કરીને બહુ હેરાન કર્યો છે. ભાઈઓ,આપણે ખરેખર આ શું ચીજ છે એની તપાસ કરવી જ પડશે.કદાચ એ ભૂત મારુ ગપ્પુ જાણી ગયું હોય અને એણે પોતાનું નામ લખમણિયો છે એમ ધારી લીધું હોય.પણ હકીકતમાં એ ભૂત જ છે કે કોઈ માણસો ભૂત બનીને આપણને હેરાન કરે છે એ જાણવું જરૂરી છે.ભાઈ રવજી અને સવજી, હુકમચંદ વગેરે લોકો હવે આ વસ્તુની તપાસ કરો.કદાચ આ ડોકટર આમાં આપણી મદદ કરી શકે છે.આજ જો એણે આપણને સૌને આ ઓરડીમાં લીધા ન હોત તો સવાર સુધી આપણે સૌ આ ચાર જણને માર મારતા રહેત. અને ભૂત એ તકનો લાભ લઈને આપણને ઢીબતું રહેત. મારી જે ભૂલ થઈ છે એ બદલ હું આપ સૌની માફી માગું છું.પણ મારા જેવો તીવ્ર અને કુશાગ્ર બુદ્ધિ બ્રાહ્મણ બીજો કોઈ નથી એ વાત તો પાકી છે...!" કહીને ભાભા બેસી ગયા.
ભાભાનું ભાષણ સાંભળીને ઓરડીમાં સોપો પડી ગયો.દરેક જણને ભાભા પર ગુસ્સો આવી રહ્યો હતો. હાથે કરીને ભાભાએ ભૂત ઉભું કર્યું હોવાનું સમજીને દરેક જણ ભાભાને ખાઈ જતી નજરે તાકી રહ્યું.
"ભાભાએ પોતાની ભૂલ કબૂલી એ બદલ તેઓ ધન્યવાદને પાત્ર છે.ખરેખર જ્ઞાની અને મહાત્મા જ પોતાની ભૂલનો જાહેરમાં સ્વીકાર કરી શકે છે.ભાભા એક મહાન વ્યક્તિત્વ છે એમાં કોઈ શંકાને સ્થાન નથી.બોલો તભાશંકર મહારાજની...ઈ...ઈ.... જે...એ."
ડોકટરે જે બોલાવી પણ બાબા અને ભાભા સિવાય કોઈ જે બોલ્યું નહિ.ડોકટર ભાભાના પ્રભાવમાં શા માટે આવી ગયો છે એ હુકમચંદને સમજાતું નહોતું.
ડોકટર બધા સામે જોઈને હસી પડ્યો.
"તમને બધાને કદાચ ભાભા પ્રત્યે ગુસ્સો આવી રહ્યો હશે.પણ જો તમને આ ભૂતના પ્રકોપથી કોઈ બચાવી શકશે તો એક જ વ્યક્તિ બચાવી શકશે.અને એ છે આપણા મહાન જ્ઞાની પુરુષ અને મહાન કુશાગ્ર બુદ્ધિ,પરમ તત્વને પામી ચૂકેલા અને જેમને ત્યાં આ સત્યનારાયણ ભગવાને પોતે બાબાશંકરના રૂપે અવતાર ધર્યો છે એવા ઋષિ તભાશંકર ગોર મહારાજ.. ! એટલે જો ભૂતથી છુટકારો મેળવવો હોય તો એમની જે બોલવી જરૂરી છે.બોલો બધા
તભાશંકર મહારાજની..ઈ..ઈ..ઈ
જે..એ...એ...એ....!"
આ વખતે મને કમને બધાએ ભાભાની જે બોલાવી.એટલે ડોકટરે આગળ ચલાવ્યું.
"હા તો વાત એમ છે કે જેમણે ઉપજાવી કાઢ્યું છે એ જ એનો ઉદ્ધાર કરી શકે.કારણ કે આ ભૂત લખમણિયો એ માત્ર ભાભાના મગજની પેદાશ છે.એક કલ્પના છે જેણે હકીકતનું રૂપ ધર્યું છે.માટે આજે આ ઓરડીમાંથી ભાભા બહાર જશે અને લખમણિયાનો ઉદ્ધાર કરી નાખશે.અત્યારે ભલે તેઓ પોતે ડરી ગયા છે,પણ હમણાં જ તેઓ તેમનું ત્રીજું નેત્ર ખોલશે અને લખમણિયાના ભૂતને બાળીને ભષ્મ કરી નાખશે.બોલો તભાશંકર મહારાજની જે..એ.."
આ વખતે જયઘોષ ખૂબ જોરમાં થયો.ઓરડી તભાભાભાના જયઘોષથી ગુંજી ઉઠી..!
એ જ વખતે ઓરડીના બારણાં ધણધણી ઉઠ્યાં.કોઈ બહારથી કમાંડ પર પાટું મારીને બારણાં ખોલવા માટે બરાડા પાડતું હતું.એક સાથે ચાર પાંચ જણ એ ઓરડીના બારણાં હચમચાવી રહ્યું હતું.
બધા ઉભા થઈને એક ખૂણામાં ભરાઈ ગયા.ડોકટર ભાભાનો હાથ પકડીને બારણાં તરફ ધકાવી રહ્યો હતો.
(ક્રમશ:)