TRIVENI - 9 books and stories free download online pdf in Gujarati

ત્રિવેણી - નદીરૂપી ત્રણ નારીઓનો સંગમ - ૯

પરીક્ષાનો સમય

માર્ચ મહિનાથી જ શાળામાં પરીક્ષાના તહેવારો શરૂ થઇ જતા હતા. શરૂઆત દસમા અને બારમા ધોરણની પરીક્ષાઓ કરે અને ત્યાર પછી બાકીના ધોરણોનો ક્રમ આવતો હતો. દરેક ધોરણમાં મુખ્ય વિષયો અને ગૌણ વિષયો રહેતા હતા. વિદ્યાર્થીઓ મુખ્ય વિષયો પર વધુ ધ્યાન આપે, અને ગૌણ વિષયો તો જાણે પાસ જ કરવાના હોય તેમ ભણે. માટે જ મુખ્ય વિકાસ થાય અને ગૌણ વિકાસ બાકી રહી જાય, જે સર્વાંગી વિકાસને પોષી ન શકે. આમ જ, વૃંદાની પણ મુખ્ય વિષયોની પરીક્ષા પૂર્ણ થઇ ચૂકી હતી. દસમા ધોરણમાં આવતા અને પસંદ કરી શકાતા તેવા ચિત્રકામ, વ્યાયામ, સંસ્કૃત જેવા વિષયોના પેપર બાકી હતા. આથી જ તેને નિરાંત હતી. એક બોર્ડની પરીક્ષા પૂર્ણ થવાને આરે હતી. દસમા ધોરણનું વૅકેશન પણ લાંબું મળે, એટલે મજાના સમયની અવધિ લાંબી મળવાની હતી. તેના માટે તો રજાઓ શરૂ થઇ ચૂકેલી, પરંતુ સરયુ માટે હજુ પરીક્ષા ચાલુ હતી. દસમા પછી આગળ કઇ શાખામાં અભ્યાસ કરવો? વિજ્ઞાન, સામાન્ય કે વિનયન... અને પ્રવાહ પસંદ કર્યા પછી ભવિષ્યનું શું? સામાન્ય રીતે, વિદ્યાર્થી શું ભણશે તે નક્કી માતાપિતા જ કરી નાંખતા હોય છે. પછી ભલે ને તે વિદ્યાર્થીને ગમતો પ્રવાહ હોય કે ના હોય, પણ વાલીને ગમ્યું તે ખરૂં. આમ જ, સરયુએ વૃંદાની આવડત અને વિષયો પરની પકડને ધ્યાને લઇને નક્કી કરી નાંખ્યું કે તે વિજ્ઞાન પ્રવાહમાં જ આગળ વધશે. મનોમન નક્કી કરેલ નિર્ણય વૃંદાને પણ આદેશ સ્વરૂપે કહેવાનો હતો. રાત્રિભોજનનો સમય આવી ચર્ચા માટે ઉત્તમ હતો, સરયુએ પણ તે સમય નક્કી કર્યો.

બટાકાનું રસાવાળું શાક ધરાવતી સ્ટીલની ધારવાળી થાળીમાં રોટલી મૂકતાં સરયુએ વાત કાઢી, ‘બેટા... તારા માર્ક્સ ઘણા સારા આવશે તેની મને ખાતરી છે. માટે જ આગળ આપણે સાયન્સ લાઇન લઇશું.’, સીધો નિર્ણય સાંભળી રોટલીના ટુકડાની દીવાલથી જકડાયેલ શાકનો કોળિયો ધરાવતો હાથ મુખ સુધી પહોંચતા પહેલા જ અટકી ગયો.

‘ના... મારે સાયન્સ નથી કરવું.’, વૃંદાના જવાબે સરયુને અચંબિત કરી.

‘તો...કોમર્સ ભણીશ...’, સરયુની આંખો વૃંદાના ચહેરા પર જડાઇ ચૂકેલી.

‘ના...’

‘તો પછી?’, આ વખતે રોટલી થાળી સુધી પહોંચી પણ પીરસાઇ નહીં.

વૃંદાએ ખૂબ જ શાંત અવાજે સમજાવ્યું, ‘જો મમ્મી, મને ગણિત ગમતું નથી... સાયન્સમાં તેના બે પેપર આવે, ગણિત-૧ અને ગણિત-૨, મને ફાવે જ નહીં. કોર્મસમાં પણ નામું, આંકડાશાસ્ત્રમાં પણ ક્યાંકને ક્યાંક ગણિતનો સમાવેશ થયેલો છે. એટલે મારે તેવું ભણવું છે, જેમાં ગણિત ના બરોબર હોય...’

‘તો તે શું નક્કી કર્યું છે?’, સરયુ પણ વૃંદાની વાત સમજી ગઇ હોય, તેમ વૃંદાનો હાથ પકડી પૂછ્યું.

‘આર્ટ્સ...’, વૃંદા હાથ ધોઇ, ડ્રેસથી ભીના હાથ લૂછી, થાળી ઉપાડી ચોકડીમાં મૂકી, અને ઘરની બહાર શેરીમાં બહેનપણીને મળવા માટે ઘરના દરવાજા તરફ જવા લાગી.

તે જ દિવસે

રાજકોટમાં શ્રી કડવીબાઇ વિરાણી કન્યા વિદ્યાલયની હૉસ્ટેલમાં સવાર સવારમાં એક ઓરડામાં રેડિઓ પર યુનુસ ખાનનો પ્રોગ્રામ ચાલી રહેલો. અવાજ થોડો ઊંચો હતો, એટલે પરસાળમાં પણ ફેલાઇ રહ્યો હતો. દરવાજો ખટખટાવવાનો અવાજ સંભળાયો. ઓરડામાં ત્રણ વિદ્યાર્થીઓની રહેતી. જેમાંથી બે તો આરામ ફરમાવી રહી હતી, અને એક જ જાગી ચૂકેલી, જેણે વિવિધભારતી ચાલુ કર્યું હતું. તે છોકરી એટલે કે નિશાએ દરવાજો ખોલ્યો. સામે ગૃહમાતા ઊભા હતા.

ગુહમાતા ઓરડામાં પ્રવેશી, ‘પરીક્ષા હજુ પતી નથી... વાંચવાનું નથી...?’

નિશાએ તેમના ચરણ સ્પર્શ કર્યા. ગાંધીવાદી વિચારધારાને આધીન કાર્યરત હૉસ્ટેલમાં નિયમો પણ તે મુજબ જ હતા. પ્રત્યેક વિદ્યાર્થી પ્રાંગણ છોડતાં પહેલાં વડીલોના આશીર્વાદ મેળવે જ. વડીલોને મળતાંની સાથે જ ચરણ સ્પર્શ કરી અભિવાદન કરે. તે નિશાના આચરણમાં પણ વણાઇ ચૂકેલું. તેણે ગૃહમાતાને જણાવ્યું કે મુખ્ય વિષયોના પેપર પતી ગયા હતા, ફક્ત અંગ્રેજી અને સંસ્કૃત જ બાકી હતા. વિજ્ઞાન પ્રવાહમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ અંગ્રેજીને ગૌણ વિષય ગણતાં હોય છે. ભલે ને તે વાદસંવાદ માટે જરૂરી ભાષા હોય, તો પણ.

‘ઠીક છે.’, ગુહમાતા ઓરડામાંથી બહાર નીકળ્યા. નીશાએ દરવાજો બંધ કર્યો. બીજી બે વિદ્યાર્થીનીઓ પણ ગૃહમાતાની મુલાકાતને કારણે જાગી ચૂકેલી. ત્રણેવ જણાંએ અંગ્રેજીના પેપર પછી, બહારનો નાસ્તો કરવાનું નક્કી કરેલું. હૉસ્ટેલમાં બહારથી કોઇ પણ પ્રકારનો નાસ્તો લાવવા માટે પરવાનગી નહોતી. નિશાનો ઓરડો પરીક્ષાની પૂર્ણાહુતીની ઉજવણી કરવા ઇચ્છતો હતો. તેમણે બાજુના રૂમમાં રહેતી બીજી ત્રણ છોકરીઓને પણ આ ઉજવણીમાં સામેલ થવા બાબતે મનાવી લીધેલી.

સૂરજ તેના પથ પર આગળ વધી રહ્યો હતો. નિશા પણ પરીક્ષાખંડમાં પહોંચી ચૂકેલી. પરીક્ષા પૂર્ણ થઇ, નક્કી કર્યા મુજબ બહેનપણીઓ ભેગી થવાની હતી. છ છોકરીઓ સાધના-ભેળની હાટડી પાસે ભેગી થઇ. જો ભેળ ત્યાં જ આરોગવામાં આવે તો મોડું થઇ જાય, માટે દસ ભેળ બંધાવીને હૉસ્ટેલમાં લઇ જવાની યોજના હતી. ખૂબ જ ઝડપથી કામ પતાવી હૉસ્ટેલ તરફ પ્રયાણ કર્યું, અને છ જણાંની ટુકડીથી થોડીક જ આગળ હૉસ્ટેલના નિવૃત ગુહમાતા રીક્ષામાંથી ઉતર્યા. છોકરીઓ સ્તબ્ધ થઇ ગઇ. હાથમાં દસ બાંધેલી ભેળના પૅકેટ, અને આગળ જ તેમને ઓળખતા ગૃહમાતા. છુપાવા માટે નજીકમાં નજરે ચડેલ ટેલિફોનબુથમાં ટુકડી જતી રહી. કોઇ પણ કાર્ય વગર બુથમાં ઊભા રહેવા મળે નહીં. માટે જ નંબર ડાયલ કરે અને કાપી નાંખે. થોડી ક્ષણો પસાર કરી બધી છોકરીઓ બુથમાંથી બહાર નીકળી, આસપાસ નજર ઘુમાવીને તપાસ્યું. ગૃહમાતા નજરે ચડ્યા નહિ, એટલે હૉસ્ટેલ તરફનો માર્ગ મોકળો બન્યો, અને વાયુવેગે હૉસ્ટેલ તરફ પ્રયાણ કર્યું. આ ઝડપમાં જ નિશા ટકરાઇ. જેના ખભા સાથે અથડામણ થઇ, તે કોલેજમાં અભ્યાસ કરતી વિદ્યાર્થીની હોય તેવું પ્રતીત થયું. તેણે નિશા સામે ગુસ્સાથી જોયું, ‘એ છોકરી... દેખાતું નથી.’ પરંતુ નિશા કે ટુકડીમાંની પ્રત્યેક છોકરી ઉતાવળમાં હતી. કોઇ પણ ચર્ચા વિના વાત ત્યાં જ અટકી ગઇ, અને છ છોકરીઓ તીવ્ર ગતિમાં નજરો સામેથી અલોપ થઇ ગઇ.

તે જ સમયગાળામાં,

બી.કોમ.ના અંતિમ વર્ષમાં અભ્યાસ કરતી કાજલ અને તેનું મિત્રમંડળ પણ સાધના-ભેળની હાટડીએ નાસ્તો કરવા માટે આવેલ. અંતિમ વર્ષની પરીક્ષા નજીક જ હતી. પણ આ મિત્રમંડળને કોલેજનો સમયગાળો યાદગાર બનાવવામાં રસ હતો. જીવી લેવામાં રસ હતો. બારમા સુધી તનતોડ અભ્યાસ કરી કોલેજને માણવામાં રસ હતો. સારી ટકાવારી મેળવનાર કાજલનું બી.કોમ.ના અભ્યાસમાં પણ પ્રદર્શન ઉત્તમ જ હતું. પરંતુ ભણવા પ્રત્યેની રૂચિમાં ઘટાડો થયો હતો. ભેળની હાટડી પાસે ઠઠ્ઠા-મશ્કરી કરી રહેલી નવયુવાન છોકરીઓની ટોળીએ અન્ય ગ્રાહકોનું ધ્યાન તેમની તરફ ખેંચ્યું હતું. શોરબકોર, હસવાનો આવાજ, વારેઘડિયે એકબીજાને તાળી આપવાની, હળવેકથી ખભા પર હાથ મારવાનો, વિવિધ કાર્યો ચાલુ હતા. એટલામાં જ ટોળકીએ ઓર્ડર આપેલ ભેળની પ્લેટ તેમના હાથોમાં આવી પહોંચી. કાજલની એક મિત્રએ રતલામી સેવ ભેળમાં ઉપરથી નાંખાવાનું સૂચન કર્યું. પરંતુ ભેળવાળા પાસે રતલામી સેવ નહોતી. કાજલ ભેળવાળાની સામેની તરફ આવેલ દુકાનમાંથી રતલામી સેવ લેવા માટે તે તરફ નીકળી. દુકાનમાં જમણી તરફ મૂકેલા ટેલિફોનબુથને છ છોકરીથી ખીચોખીચ ભરેલું જોયું. બધીઓ એકસાથે કોની સાથે વાતો કરતી હશે? તેવો વિચાર પણ આવ્યો. બુથનો દરવાજો ખૂલ્યો, છોકરીઓ બહાર આવી. તેમણે આસપાસ, ચોતરફ નજર ફેરવી, અને ઝડપ પકડી. તેમાંથી એક છોકરી કાજલના ખભા સાથે ટકરાઇ. તીખા સ્વભાવની કાજલના મુખમાંથી ગુસ્સો નીકળ્યો, ‘એ છોકરી... દેખાતું નથી.’ પણ કોઇ પ્રત્યુત્તર મળ્યો નહીં. તે છોકરીઓ થોડી ક્ષણોમાં દેખાતી બંધ થઇ ગઇ. કાજલ રતલામી સેવનું પેકેટ હાથોમાં ઉછાળતી ઉછાળતી મિત્રો પાસે આવી. ભેળ પર સેવ ભભરાવી અને તેના સ્વાદની મજા માણવા લાગી.

*****

ક્રમશ:
આપનો પ્રેમ પ્રતિભાવ તેમજ રેટીંગ સ્વરૂપે જરૂરથી આપશોજી.
આપનો આભાર
ધન્યવાદ
🙏🙏🙏

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED