Featured Books
શ્રેણી
શેયર કરો

ત્રિવેણી - નદીરૂપી ત્રણ નારીઓનો સંગમ - ૧૦

વૃંદાની કોલેજનો સમય

દસમા ધોરણની પરીક્ષા સારી એવી ટકાવારી સાથે ઉતીર્ણ કરી, વૃંદાએ આગળના બે વર્ષ નક્કી કર્યા મુજબ આર્ટ્સમાં પૂર્ણ કર્યા. બારમું ધોરણ પતે એટલે માતાપિતાની ઘણી બધી ચિંતાઓ પર પૂર્ણવિરામ લાગતો હોય છે. પરંતુ સરયુ માટે હવે પ્રશ્ન હતો વૃંદાના ઉચ્ચ અભ્યાસનો. કારણ કે વૃંદાની પસંદગી ઉતરી હતી અંગ્રેજી વિષય પર. કપડવંજમાં ત્રણેવ પ્રવાહમાં સ્નાતક થઇ શકાય તે માટે કોલેજ હતી. પરંતુ આર્ટ્સ કોલેજમાં અંગ્રેજીને મુખ્ય વિષય રાખી શકાય તેમ નહોતું. આથી સરયુ પાસે વૃંદાને કપડવંજની બહાર અભ્યાસ અર્થે મોકલવા સિવાય બીજો કોઇ રસ્તો નહોતો રહ્યો. નજીકમાં બે જ કેન્દ્રો કે જ્યાં અંગ્રેજી વિષયમાં સ્નાતક બની શકાય. એક નડિયાદ અને બીજું બાલાસિનોર. જેમાંથી બાલાસિનોર નડિયાદ કરતાં નજીક પડે. તફાવત માત્ર દસેક કિલોમીટરનો, પણ સરયુ માટે તે વધુ હતો. દીકરી નજીક હોય એટલું સારૂ, માન્યતાને આધારે સરયુએ વૃંદાને બાલાસિનોર અભ્યાસ કરવા પસંદ કરવું, તેવી સલાહ આપી હતી. પીટીસી અભ્યાસ અંગે પણ વિચારણા થયી, અને વૃંદાએ તેના માટે ફોર્મ પણ ભર્યું. પરંતુ સરકારી કોલેજમાં પ્રવેશ મળે તેમ હતો નહીં, અને તે ખાનગી કોલેજમાં પ્રવેશ મેળવી વધારે ફી ભરવા માંગતી નહોતી. અલબત્ત, પિતા તરફથી પૂર્ણ મંજૂરી હતી, પરંતુ વૃંદાએ જ ખાનગી કોલેજ બાબતે નનૈયો ભણેલો. આખરે સરયુની સલાહને તાબે થઇ વૃંદાએ બાલાસિનોર ખાતે આવેલ બાલાસિનોર વિદ્યામંડળ સંચાલિત ચંદનબેન અને સોમાલાલ હરિલાલ દેસાઇ આર્ટ્સ કોલેજમાં પ્રવેશ મેળવ્યો. તે જ ઇમારતમાં લીલાબેન કીરતનલાલ લાલચંદ દોશી કોમર્સ કોલેજ પણ ચાલતી હતી. આમ, અંગેજીને મુખ્ય વિષય તરીકેની પસંદગી સાથે પ્રવેશ મેળવતાં જ કોલેજના પ્રથમ વર્ષના આરંભનું રણશિંગું ફૂંકાઇ ચૂકેલું.

કપડવંજથી આશરે તેત્રીસ કિલોમીટર જેટલા અંતરે આવેલ બાલાસિનોર પહોંચવા માટે એકાદ કલાક જેટલો સમય લાગતો. કપડવંજમાં ડાકોર ચોકડી પાસેથી બસ પકડવી પડતી. વૃંદા સાથે પ્રથમ વર્ષમાં અન્ય ત્રણ છોકરીઓ અને ત્રણ છોકરાઓએ પ્રવેશ મેળવ્યો હતો. તેમની સાથે બસમાં બીજા વર્ષમાં અભ્યાસ કરતી ત્રણ છોકરીઓ અને ત્રીજા વર્ષમાં અભ્યાસ કરતી એક છોકરી પણ આવતી. એટલે અગિયારનો ચાંલ્લો કરીને બસ બાલાસિનોર માટે પ્રવાસ ખેડતી હતી. બાલાસિનોર પહોંચતા જ, બસ સ્ટૅન્ડથી ચાલતા પાંચેક મિનિટના અંતરે તો કોલેજ આવી જાય. અગિયારથી બેના ત્રણ કલાકના સમયગાળામાં ત્રણ વ્યાખ્યાન હોય, તે ભરી બપોરે કપડવંજ પાછા આવવાનું રહેતું. સાડા ત્રણ કે ચાર કલાકે તો અગિયારરની ટોળકી કપડવંજમાં પહોંચી ચૂકી હોય. વૃંદા માટે આ નિત્યક્રમ બનવાનો હતો.

પહેલા દિવસે જ ઘરના કોઇ સાથે ન હોય તેવા પહેલા પ્રવાસની અનુભૂતિ બસમાં બેસતાં જ વૃંદાને થઇ. ચહેરા પર ચમક હતી. હોઠ સાથે સાથે આંખો પણ મલકાઇ રહી હતી. મન તરંગીત હતું. પોતાની જાતે કપડવંજની બહારની દુનિયા જોવા, સમજવા, અને શિખવાનો સમય શરૂ થઇ ચૂક્યો હતો. નવા મિત્રો બનવાના હતા, જે ભવિષ્યમાં પણ સંપર્કમાં રહેવાના હતા. રોમાંચ લોહીમાં ભળી તનના ખૂણેખૂણે ફરી રહ્યો હતો. જેની અસર વૃંદાના હાવભાવમાં પણ વર્તાઇ રહી હતી.

જાળીના બનેલા દરવાજાને વીંધતા, બરોબર સામે જ આછા મરૂન રંગની દીવાલોથી શણગારાયેલી ઇમારત દેખાતી. પ્રત્યેક દીવાલમાંથી ચોક્કસ અંતરે બનાવેલ આરસીસીની પાતળી સરખી રચના હતી, જેને ઘેરા મરૂન રંગથી રંગેલી, જેના કારણે દીવાલોને ચોક્કસ માપના આકારે કાપવામાં આવી હોય તેવું પ્રતીત થતું હતું. કોલેજમાં દાખલ થતાં જ નિસરણીઓ ર્દશ્યમાન બનતી, જે પ્રથમ માળે લઇ જતી, જેને અડકીને બન્ને તરફ નિસરણીઓની જોડી હતી, તેના થકી બીજા માળે જઇ શકાતું હતું. આ પગથિયાં ચડીને પહેલા માળે આવેલ પ્રથમ વર્ષ બી.એ.ના વર્ગખંડમાં એક પાતળી સરખી છોકરી એટલે કે વૃંદાએ પ્રવેશ કર્યો. લંબગોળ ચહેરો ધરાવતી વૃંદાની આંખો બદામ આકારની હતી. કથ્થાઇ રંગના ગોળ તળાવમાં શ્યામ કીકી આંખોની સુંદરતા વધારવાનું કાર્ય કરતી હતી. હંમેશા મલકાતાં હોઠ ચહેરાને આકર્ષીત બનાવતા હતા. આકાશ જેવા રંગના પંજાબી ડ્રેસને ધારણ કરેલ હતો. ઓરડામાં બે વિદ્યાર્થી બેસી શકે તેવી પાટલીઓની ચાર હરોળ હતી. ચારેય હરોળની બરોબર સામેની બાજુએ પ્લૅટફોર્મ, અને તેની ઉપર લાકડાનું ટેબલ અને ખુરશી ગોઠવેલ હતા. તેની પાછળ જ લીલું બોર્ડ અને તેના પર સફેદ અક્ષરોમાં પ્રથમ વર્ષના વિદ્યાર્થીઓના સ્વાગત બાબતે લખેલ હતું. વૃંદાએ પાટલી પર સ્થાન ગ્રહણ કર્યું. હાથ પાટલી પર ફેરવ્યો, અને અટકી ગયો. આંખો બંધ કરી, મન મલકાયું, અને ચહેરા પર ખુશીનું નાનકડું વાદળ ફર્યું. એટલામાં જ વ્યાખ્યાતા પ્રવેશ્યા. કોલેજમાં શિક્ષકનું સ્થાન વ્યાખ્યાતા શબ્દથી નવાજવામાં આવેલું હોય છે. આમ, જ દિવસ પસાર થયો, અને આમ જ મહિનાઓ વીતવા લાગ્યા.

‘માતા...! દંડદીપહ બંધ કુરૂ’, વૃંદાએ સરયુને ઓરડાની બહાર આવતા જોઇ.

સરયુ વૃંદાની પાસે આવીને બેઠી, ‘શું કહે છે?’

‘કહું છું, ટ્યુબલાઇટ બંધ કરો’

‘તો, આ કઇ ભાષા છે?’

‘અરે...મમ્મી...! બી.એ.માં મેં ગૌણ વિષય તરીકે સંસ્કૃત પસંદ કરેલ છે. બસ તેનો જ અભ્યાસ છે.’, વૃંદાએ ફોડ પાડ્યો.

‘સારૂ, હવે ઘરનું કામ પતાવો, અને સુઇ જાવ,,,’

આમને આમ, કોલેજના દિવસો પૂરપાટ પસાર થવા લાગ્યા. સામાન્ય રીતે પ્રતિદિન બપોરના સાડા ત્રણ કલાકે ઘરે આવી જતી વૃંદા એક દિવસ મોડી પડી.

‘કેમ મોડું થયું...?’, વૃંદાના ઘરમાં પ્રવેશતાંની સાથે જ સરયુએ ગુસ્સો દર્શાવ્યો.

વૃંદાએ હાથ પીઠ તરફ બાંધેલા હતા. તેણે તે જ અવસ્થામાં જવાબ આપ્યો, ‘તારા માટે ગર્વની વાત છે... મમ્મી... કોલેજમાં યોજાયેલ સ્પર્ધામાં મને પ્રથમ ઇનામ મળ્યું છે.’, આટલું બોલતા બોલતા વૃંદાની આંખો ભરાઇ આવી. પીઠ તરફ બાંધેલા હાથમાં ટ્રોફી હતી.

સરયુ ચોકડીમાં વાસણ ધોઇ રહી હતી, તે પડતાં મૂકી, ભીના હાથ સાડીના છેડાથી લુછી વૃંદાએ સરયુની નજર સમક્ષ મૂકેલ ટ્રોફીને સરયુએ હાથમાં લીધી, અને ચૂમી લીધી. તે વૃંદાને ભેટી પડી, ‘શેની સ્પર્ધા હતી?’, મા-દીકરી એકમેકમાં ખોવાઇ ગયા. સરયુ વૃંદામાં તેનું બાળપણ અને યુવાની દેખતી હતી.

વૃંદાના મુખમાંથી શબ્દો સરી પડ્યા, ‘મારી મનગમતી પ્રવૃત્તિની’

*****

ક્રમશ:
આપનો પ્રેમ પ્રતિભાવ તેમજ રેટીંગ સ્વરૂપે જરૂરથી આપશોજી.
આપનો આભાર
ધન્યવાદ
🙏🙏🙏