મોજીસ્તાન - 63 bharat chaklashiya દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

મોજીસ્તાન - 63

મોજીસ્તાન (63)

સ્ટેજ પરથી ગબડી પડેલા વજુશેઠને તભાભાભા પર ભયંકર ગુસ્સો આવ્યો હતો. આ બધો બખેડો એમના કારણે જ થયો હતો.અડધી રાત્રે ગોરાણીની મરણચીસ સાંભળીને લોકો ભેગા થઈ ગયા હતા. વજુશેઠને પણ કોઈએ સમાચાર આપ્યા હોવાથી તેઓ પણ તભાભાભાના ઘેર ગયા હતાં. ત્યારબાદ તભાભાભાને જીવતા જોઈને ડોશીઓ ભાગી હતી.ભેગા થયેલા લોકોએ પણ ભાગદોડ મચાવી હતી.

'લખમણિયો જો ભૂત થયો હોય તો જરૂર મને હેરાન કર્યા વગર રહેશે નહીં.' વજુશેઠ વિચારમાં પડ્યા હતા, કારણ કે જ્યારે આ લખમણિયો જીવતો હતો ત્યારે વજુશેઠના પરદાદા કલ્યાણશેઠની આ ગામમાં બોલબાલા હતી. મોટા ભાગના ખેડુનું નામું એ વખતે કલ્યાણશેઠની હાટડીમાં જ ચાલતું. એમાં આ લખમણિયો પણ સામેલ હતો.એ સમયે તો આ ગામ લીમડી દરબારનો ગરાસ હતો અને કલ્યાણશેઠને દરબાર સાથે બહુ સારી બેઠકઉઠક પણ હતી.

લખમણિયો એકદમ તોછડો અને જલ્દી કોઈને ગાંઠે નહિ એવો ખેડુ હોવાથી કલ્યાણશેઠ સાથે ઉધારી બાબતમાં ઘણીવાર બાખડી ચુકેલો,અને માર મારવાની ધમકી આપેલી એટલે દરબારના માણસો પાસે એને ખોખરો પણ કરાવેલો.

તુંડ મિજાજી અને આખલા જેવો બળુકો લખમણિયો દરબારના માણસો પાછળ કોદાળી લઈને દોડેલો.પછી છેક લીમડી જઈને દરબારને ફરિયાદ પણ કરેલી.દરબારે કલ્યાણશેઠને ખેડુને હેરાન કરવા બદલ ઠપકો આપેલો.

એ પછી કલ્યાણશેઠ અને લખમણિયાને વારંવાર માથાકૂટ થતી હતી.કાયમના આ કંકાસથી કંટાળીને કલ્યાણશેઠે લખમણિયાનું કાસળ કઢાવી નાખ્યું હોવાની વાતો પણ થઈ હતી.વજુશેઠે નાનપણમાં એમના પિતા કેસાશેઠ પાસેથી આ બધી વડવાઓની વાતો સાંભળેલી.

એટલે જ્યારે લખમણિયો હવે આટલા વર્ષે ભૂત થયો હોવાનું એમણે સાંભળ્યું ત્યારથી એમના પેટમાં ફાળ પડી હતી.પોતે તો જીવનમાં કોઈ અનીતિ કરતા નહોતાં પણ કહે છે કે વડવાઓના કરમ એમની પેઢીને પણ ભોગવવા પડતાં હોય છે.

વજુશેઠ તભાભાભાના ઘેરથી આવ્યાં પછી એમની ઊંઘ ઊડી ગઈ હતી.ખડકીનું બારણું પવનથી ખખડે તો પણ તેઓ ઝબકી જતાં હતાં.સવારે એમને બાપુજીને આ વાત કરી ત્યારે કેસાશેઠને પણ ઉધરસનો હુમલો આવ્યો હતો. પણ કેસાશેઠે હિંમત આપતાં કહ્યું હતું,

"એમ આટલા વરહે કોઈ ભૂતબુત નો થાય. થાવાનો હોત તો કેદુનો થઈ જ્યો હોત.બંહે-અઢીહેં વરહ પેલાની વાતું આ તો.ઈમાં ચેટલું હાચું ને ચેટલું ખોટું હોય ઈ નક્કી નો હોય.આના કાંય ઈતિહાસ નો લખાણા હોય હમજ્યો બટા ? અટલે તું બીશ નહિ, તભાગોરને એકવાર જઈને પૂછ કે ઈને આ લખમણિયો ચયાંથી ભટકાણો...!"


વજુશેઠ તભાભાભાને મળવા પણ ગયેલા. તભાભાભાનું આ બનાવ પછી ચસકી ગયા જેવું થઈ ગયેલું.એટલે વજુશેઠની હાલત પણ ખરાબ થઈ હતી.એમાં વળી ડોકટરે ભરીસભામાં લખમણિયાનું ભૂત હકીકત હોવાની વાત કરી. ભણેલ ગણેલ અને ડોકટર જેવો માણસ ભૂત જોયું હોવાની વાતને સમર્થન આપતો હોવાથી વજુશેઠ અકળાયા હતા. બીજે જ દિવસે એમણે સમાન પેક કરીને મુંબઈની ટિકિટો કપાવી હતી.થોડો સમય સહકુટુંબ ગામ છોડીને જતાં રહેવામાં જ એમને સલામતી લાગી હતી.

વજુશેઠ,લખમણિયાના ભૂતથી ડરીને આમ અચાનક ગામ છોડી ગયા એ સમાચાર ગામમાં ફરી વળ્યાં એટલે કલ્યાણશેઠનો ઈતિહાસ ગામમાં તાજો થયો હતો.અમુક જુના ડોસલાઓએ અઢીસો વર્ષ પહેલાનો લખમણિયાનો ઇતિહાસ ખોદી કાઢ્યો હતો. લખમણિયા સાથે એ વખતે જેમણે જેમણે અન્યાય કર્યો હતો એ બધા સાથે બદલો લેવાની અફવાઓ ઉડી હતી.અને તખુભાનો વારો લખમણિયાએ એટલે જ કાઢ્યો હોવાનું પણ કહેવાતું હતું.

હુકમચંદ આ બધી વાતોથી તંગ આવી ગયો હતો.એટલે એ તભાભાભાના ઘેર જઈને બેઠો.

"તભાભાભા સાચું કહેજો,તમે ખરેખર ભૂત જોયું હતું ? અને એ બસો ઓગણએંશી વરહ પેલા આપડા ગામમાં થઈ ગયેલો લખમણિયો જ હતો એવું તમને કોણે કીધું ? તમારી પાછળ આદુ ખાઈને પડી ગયેલા એ ભૂત તખુભાનું કાળજું ખેંચી કાઢવાની તૈયારીમાં હતું એમ ડોકટર કહેતો હતો.તમે સાચી હકીકત જણાવો તો કંઈક હમજણ પડે !"

તભાભાએ ઊંડો શ્વાસ લઈને આંખો બંધ કરી.સવજીના ઘેરથી પોતે પ્રસાદ અને ફ્રૂટની થેલી લઈને ઘેર આવી રહ્યાં હતાં ત્યારે એમના ઘર તરફના ખાંચામાં અંધારું હતું. ગલીના નાકે કરસનની દુકાનના ઓટલા પર એ ભૂત બેઠું હતું.એણે હાથ લાંબો કરીને તભાભાભાના હાથમાંથી પ્રસાદની થેલી આંચકી લીધી હતી. પણ એ ભૂત હતું કે બીજું કાંઈ હતું એ પોતે નક્કી કરી શક્યા નહોતા.બીકને કારણે પોતે મુઠીયું વાળીને ભાગ્યા હતાં.એ વખતે ભૂતે એમનું ધોતિયું પણ ખેંચી લીધું હતું.મીઠાલાલની દુકાનના ઓટલે ચડીને એનું શટર ખખડાવ્યું હતું.મીઠાલાલે પોતાને ચોર સમજીને બે ધોકા પણ વાળી લીધેલા હતાં એ બધું જ એમને યાદ આવ્યું.ભેગા થઈ ગયેલા લોકો ઉપર પોતાની વિધાની છાપ પાડવા ઉપજાવી કાઢેલી લખમણિયાની વાર્તા આજ સાચી પડી રહી હતી.ભાભાના હાથમાંથી થેલી ખેંચી લેનાર તત્વ ખરેખર ભૂત હતું કે નહિ એની તપાસ કરવાની જરૂર હતી, એને બદલે ભાભાએ જ લખમણિયાને ઉપજાવી કાઢ્યો હતો.

આંખો બંધ કરીને બેઠેલા તભભાભાને હુકમચંદ તાકી રહ્યોં હતો.થોડીવારે ભાભાએ આંખો ખોલીને હુકમચંદને કહ્યું,

"તે રાતે કંઈક ચળીતર તો થયું જ હતું હુકમચંદ.પણ એ લખમણિયો હતો એવું મેં જ મીઠાલાલના ઘેર જાહેર કર્યું હતું.કરસનના ઓટલે એ ચળીતર બેઠું હતું એટલે મેં એના પરદાદાનું નામ લઈને એને ભૂત જાહેર કર્યો હતો.ગામલોકો મને ભૂતથી ડરીને ભાગેલો બ્રાહ્મણ ન સમજી લે એ સારું થઈને મેં યમલોકમાં જવાની અને લખમણિયાને બસ્સો ઓગણએંશી વર્ષ પહેલાં એરું કરડ્યો હોવાની કથા પણ તરત ઉપજાવી કાઢી હતી.પણ કદાચ એ વખતે એ ટોળામાં પેલું ચળીતર કે જે હોય તે હાજર હોવું જોઈએ.એણે મારી વાત પકડી લીધી અને પછી મને ફોન કરી કરીને હેરાન કરતું હતું. હવે ઈ ખરેખર શું છે ઈ તો કેમ જાણવું ?
હું પણ મુંજાઈ ગયો છું.તે રાત્રે મારા ખાટલે આવીને ઈ લખમણિયો બેસી ગયો હતો. બાબાએ પણ ફોનમાં એની સાથે વાત કરી હતી.હુકમચંદ તું ભલો થઈને ગામમાં આ વાત કોઈને કરતો નહિ, નકર મારી આબરૂના લીરા થાશે."

"ગામમાં તો હું કોઈને કંઈ નહીં કહું,પણ વજુશેઠ તો કહે છે કે મુંબઈ જતા રહ્યાં. લખમણિયાનું ભૂત એમને હેરાન કરશે એવી ઈમને બીક લાગી છે,પણ હું તો એવા ભૂત બૂતથી બીતો નથી. મારી સાથે ઈનો ભેટો થાય એટલી વાર છે.સલ્લાને ભડાકે જ દઈ દેવો છે."

"કોને ભડાકે દેવો છે સરપંચજી ? એમ કાયદો હાથમાં ન લેવાય હો ?"

હુકમચંદ અને ભાભા બંને એ અવાજ સાંભળીને ચમક્યા. ભાભાની જાળીના દરવાજે ડોકટર આવીને ઊભા હતા. ભાભાની પરસાળના ખૂણામાં બનાવેલી બેઠકમાં હુકમચંદ અને ભાભા બેઠા હતા. ડોકટર ક્યારે આવીને ત્યાં ઉભા રહી ગયા એનું ધ્યાન એ લોકોને રહ્યું નહોતું.

"અરે આવો આવો દાગતર.સારું થયું તમે આવી ગયા.આ ગામમાં પેલું લખમણિયાનું જે ભૂત આંટા મારે છે એની વાત કરીએ છીએ. તમે અને ભાભાએ એ ભૂત રૂબરૂ જોયું છે, તખુભાને પણ ભેટો થઈ ગયો છે પણ હું એમ કહું છું કે ખરેખર એ ભૂત જ હતું કે કંઈ બીજું ?" હુકમચંદે કહ્યું.

ડોકટર બુટ કાઢીને અંદર આવ્યાં. તભાભાભાએ એમને બેસવા આસન કાઢી આપ્યું.એ વખતે બાબો અને ટેમુ પણ આવી ચડ્યા.

"હું તો મારા કવાટરમાં આરામથી સૂતો હતો.ન જાણે ક્યાંથી પેલા બે જણ, શું નામ એમનું ? હા, યાદ આવ્યું રઘો અને પશો મારા કવાટરમાં આવી ચડ્યા.મારા બેટા મારી સાથે ન કરવાનું કરવા માંગતા હતા એટલે મેં બેઉને અંદરોઅંદર લડાવી માર્યા.પછી તખુભાને ફોન કર્યો પણ તખુભા ઘણીવાર સુધી આવ્યા નહિ.પેલા બેઉ એકબીજાને મારી મારીને અધમુવા થઈ ગયા એટલે મેં ફરી તખુભાને ફોન કર્યો.એ વખતે તખુભા ગટરના કાંઠે કાદવમાં પડી ગયા હતા. મને તાત્કાલિક ત્યાં આવવા કહ્યું એટલે હું બેટરી લઈને દોડ્યો હતો.મેં મારી સગી આંખે જોયું હતું કે એક હાડપિંજર તખુભાની સાવ બાજુમાં બેઠું હતું.એની આંખમાં સળગતા અંગારા જેવું હતું અને તખુભાની છાતી ફાડી નાખવા તૈયાર થયું હતું.મેં બેટરીનો પ્રકાશ ફેંક્યો એટલે ઉભું થઈને તખુભાને પાટું મારીને ઘડીકમાં તો અલોપ થઈ ગયું.મારા હાથપગ ધ્રુજવા લાગ્યા.બેટરી પણ મારા હાથમાંથી પડી ગઈ'તી. પછી તો હું મારી કાર લઈને અમદાવાદ ભેગો જ થઈ ગયો.સાલું એ દ્રશ્ય તો હાંજા ગગડાવી નાખે એવું હતું.તમે નહિ માનો ત્રણ રાત સુધી મને ઊંઘ જ ન આવી.ઊંઘની ગોળીઓ ખાઈને ચોથી રાતે હું માંડ ઊંઘી શકેલો. આ તો હું ડોકટર છું એટલે આ દ્રશ્ય જોયા પછી પણ જીવતો રહ્યો છું, બાકી ભલભલાની છાતી બેસી જાય હો.ભાભા તો જ્ઞાની પુરુષ અને શાસ્ત્રોના જાણકાર છે. તખુભા ક્ષત્રિય અને છાતીવાળો માણસ હોવાથી બચી ગયા બાકી જેવાતેવાને તો ઝાડા જ થઈ જાય." કહી ડોકટરે પોતાને એકધારા તાકી રહેલા બાબા સામે જોઈને સ્મિત વેર્યું.

ડોકટરે પોતાને જ્ઞાની પુરુષ અને શાસ્ત્રોના જાણકાર કહ્યા એ તભભાભાને ખૂબ ગમ્યું. એમણે તરત જ બાબાને ચા-પણીની વ્યવસ્થા કરવાંનું કહ્યું.

બાબો ચા બનાવવાનું ગોરણીને કહેવા અંદર ગયો એટલે ટેમુએ ડોકટરને કહ્યું,

"ડૉક્ટરસાહેબ,મને એકવાત સમજાતી નથી. ભૂત ફોન કેવી રીતે કરે ? ભાભા ઉપર ફોન આવેલો ત્યારે એકવખત બાબાએ એ ભૂત સાથે વાત કરી હતી.બાબો કહેતો હતો કે જ્યારે ભૂત વાત કરી રહ્યું હતું ત્યારે કોઈ વાહનનો અવાજ બાબાએ સાંભળ્યો હતો. એનો મતલબ કે વાત કરનાર ભૂત નહિ પણ ગામનો જ કોઈ માણસ ભૂત બનીને ભાભાની પાછળ પડી ગયો હોવો જોઈએ."

"પણ મેં જે જોયું એ માણસ નહોતો.ખરેખર એક હાડપિંજર હતું અને એની આંખમાં સળગતા અંગારા હતાં, થોડીવારમાં તો એ અંધારામાં ઓગળી પણ ગયેલું.મેં ફરીવાર હિંમત કરીને બેટરીનો પ્રકાશ ભૂત જે દિશામાં ગયેલું એ તરફ ફેંકેલો.પેલા ખીજડાના ઝાડની બખોલમાં ઘુવડ ભયાનક ચિચિયારી કરતું હતું.ટેમુ દીકરા એ દ્રશ્ય તેં જોયું હોત તો તને ત્યાં જ ઝાડા થઈ ગયા હોત.હું ક્યારેય ભૂત પ્રેતમાં માનતો નથી પણ એ રાતે મારી સગી આંખે જોયા પછી મારી માન્યતાઓ બદલાઈ છે.હું હવે એ સરકારી કવાટરમાં રહેવાનો નથી,એ કહેવા જ હું સરપંચના ઘેર ગયો હતો.પણ સરપંચ અહીં આવ્યા હોવાનું મને જાણવા મળ્યું એટલે અહીં આવ્યો." આમ કહીને ડોકટરે હુકમચંદ તરફ જોઈને ઉમેર્યું,

"સરપંચજી મારા રહેઠાણની વ્યવસ્થા ગામમાં થાય એમ હોય તો ભલે, નહિતર હું નોકરી છોડી દેવા માંગુ છું.એ લખમણિયાનું ભૂત મારી પાસે દવા લેવા પણ આવી શકે છે.મેં આજ દિવસ સુધી કોઈ ભૂતની દવા કરી નથી. હું મારો જીવ જોખમમાં મુકવા માંગતો નથી. આજ રાત્રે હું એ કવાટરમાં સુવાનો નથી. પ્લીઝ મારી વ્યવસ્થા કરો, નહિતર હું આજે જ અમદાવાદ જતો રહીશ"

"તમે એમ ડરો નહિ ડોકટર.તમે એમ કરો, મારુ એક બીજું મકાન ગામ બહાર છે.ત્યાં રહેવાનું કરી નાખો.આમ તો ગોડાઉન તરીકે વપરાતું હોવાથી ત્યાં કોઈ રહેતું નથી, પણ હું તમારી વ્યવસ્થા ત્યાં કરી આપીશ." હુકમચંદે કહ્યું.

"મને તો આ લખમણિયાનું ભૂત બૂત હોય એવું લાગતું નથી. ગામના જ કોઈ વ્યક્તિનું કારસ્તાન હોય એમ લાગે છે.હું અને ટેમુ એ લખમણિયાની તપાસ કરી રહ્યાં છીએ. અમને અમુક લોકો પર શંકા છે, પણ પુરાવા નથી.બહુ ઝડપથી અમે આ ભૂતનો પર્દાફાશ કરવાના છીએ." બાબાએ અંદરથી આવીને કહ્યું.


"દીકરા,મને પહેલીવાર એનો ભેટો થયો ત્યારે એ કરસનીયાના ઓટલે બેઠું હતું.ત્યાં બેઠા બેઠા જ એણે હાથ લાંબો કરીને મારા હાથમાંથી થેલી આંચકી લીધી હતી.કોઈ માણસનો હાથ એટલો લાંબો કેવી રીતે થાય ? બાબા બેટા આપણે એવું કોઈ સંશોધન કરવાની જરૂર નથી.પ્રેતયોની વિશે તું હજુ કંઈ જાણતો નથી.એનાથી દુર રહેવું સારું.હું તમને ભૂતનો પર્દાફાશ કરવાની પરવાનગી નહિ આપું." તભાભાભાએ કહ્યું.

"પિતાજી,હાલમાં બહુ બધી ટેકનોલોજી આવી ગઈ છે.તમે ચિંતા ન કરો,ભૂત અમારું કંઈ બગાડી શકવાનું નથી." બાબાએ કહ્યું.

એ વાતો ચાલતી હતી ત્યાં જ ગોરાણી ચા પાણી લઈને આવ્યા. બીજી થોડી આડી અવળી વાતો કરીને બધા છુટા પડ્યાં.


ડોકટર હુકમચંદના ઘેર જઈ એના ગોડાઉનની ચાવી લઈ આવ્યા.ચાવીઓ લઈને કવાટર તરફ જઈ રહેલા ડોકટરે અચાનક પાછું વળીને જોયું.બાબો અને ટેમુ પોતાની પાછળ પાછળ આવતાં હતાં એ જોઈ ડોકટરના ચહેરા પર એક સ્મિત આવી ગયું.તરત જ એમણે ખિસ્સામાંથી ફોન કાઢીને કોઈકને કંઈક સૂચનાઓ આપી.

નદીમાં ફેલાયેલી ગટરમાં મુકેલા પથ્થરો પર સાચવીને જઈ રહેલા ડોકટરને બાબો અને ટેમુ જોઈ રહ્યાં.ડોકટર કવાટરમાં જતાં રહ્યાં ત્યાં સુધી એ બંને નદીના પાળા પર આવેલા જુના કુવાના કાંઠે ગોળ પથ્થરો પર બેસી રહ્યાં. પછી દવાખાનાની પાછળના ભાગમાં જઈને બંનેએ એમનું કામ શરૂ કર્યું.

(ક્રમશ:)